Spain Reaches 2026 World Cup Semis; Belgium Goalkeeper Blunder Costs Match
21 કલાક પેહલા
- કૉપી લિંક
2010ની ચેમ્પિયન સ્પેન ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે શુક્રવારે રાત્રે બીજી ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને 2-1થી હરાવ્યું. હવે તેનો મુકાબલો ફ્રાન્સ સામે થશે. આ મેચ 14 જુલાઈની રાત્રે 12:30 વાગ્યે રમાશે.
લોસ એન્જલસ સ્ટેડિયમમાં સ્પેન અને બેલ્જિયમનો મુકાબલો 87 મિનિટ સુધી 1-1થી બરાબરી પર હતો. 88મી મિનિટે સબસ્ટિટ્યુટ ખેલાડી મિકેલ મેરિનોએ વિજયી ગોલ કર્યો. સ્પેનના પાઉ ક્યુબાર્સીની કિક બેલ્જિયમના રિઝર્વ ગોલકીપર સેને લામન્સના હાથમાંથી છૂટી ગઈ. મેરિનોએ રિબાઉન્ડ પર ગોલ કર્યો.
સ્પેનની ટીમ વર્લ્ડ કપના ઇતિહાસમાં ત્રીજી વખત સેમિફાઇનલમાં પહોંચી છે. તેણે છેલ્લી વખત 2010માં આ રાઉન્ડમાં સ્થાન બનાવ્યું હતું. તે એડિશનમાં સ્પેને નેધરલેન્ડને 1-0થી હરાવીને પ્રથમ ખિતાબ જીત્યો હતો.
આજ રાત 2:30 વાગ્યાથી નોર્વે-ઇંગ્લેન્ડ અને આવતીકાલે સવારે 6:30 વાગ્યાથી આર્જેન્ટિના-સ્વિટ્ઝર્લેન્ડ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ મેચ રમાશે. આ મેચોથી બીજી સેમિફાઇનલની ટીમો નક્કી થશે.
મેચમાં ખાસ
- ચાર્લ્સ ડી કેટેલેરેએ સ્પેનના ગોલકીપર ઉનાઈ સિમોનના સતત 650 મિનિટ સુધી ગોલ ન ખાવાનો સિલસિલો તોડી નાખ્યો. સિમોને સૌથી વધુ સમય સુધી ગોલ ન ખાવાનો રેકોર્ડ બનાવ્યો. તેમણે ઇટાલીના દિગ્ગજ ગોલકીપર વોલ્ટર ઝેંગાનો 517 મિનિટનો રેકોર્ડ તોડ્યો હતો.
- સ્પેન સતત 36 આંતરરાષ્ટ્રીય મેચથી અજેય છે. ટીમને છેલ્લી હાર 2023માં કોલંબિયા સામે મળી હતી. તેણે 2019-22 વચ્ચે આર્જેન્ટિનાના સતત 36 મેચ અજેય રહેવાના રેકોર્ડની બરાબરી કરી છે. તે ઇટાલીના સતત 37 જીતના રેકોર્ડથી એક જીત પાછળ છે.
મેરિનોએ સતત બીજી મેચમાં નિર્ણાયક ગોલ કર્યો
- મિકેલ મેરિનો સતત બીજી નોકઆઉટ મેચમાં સ્પેનના મેચ વિનર સાબિત થયા. તેમણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલ સામે ઇજાના સમયમાં વિજયી ગોલ કર્યો હતો.
- બેલ્જિયમ સામે 86મી મિનિટે મેદાન પર ઉતર્યાના બે મિનિટ પછી જ તેમણે નિર્ણાયક ગોલ કર્યો. તેઓ ટીમના સૌથી ભરોસાપાત્ર ઇમ્પેક્ટ ખેલાડી સાબિત થયા છે.
જાન્યુઆરી 2026માં માન્ચેસ્ટર યુનાઇટેડ સામેની મેચ દરમિયાન મેરિનોના જમણા પગમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હતું. ઈજા ગંભીર હતી અને તેમને સર્જરી કરાવવી પડી. લગભગ ચાર મહિનાના રિહેબિલિટેશન પછી તેમણે વર્લ્ડ કપ ટીમમાં વાપસી કરી.

મેરિનોએ મેદાન પર આવ્યાના 2 મિનિટ બાદ જ ગોલ કર્યો.
સ્પેને આ વર્લ્ડ કપમાં પહેલો ગોલ ખાધો
સ્પેને 30મી મિનિટે ફાબિયન રુઇઝના ગોલથી લીડ મેળવી. બેલ્જિયમે 11 મિનિટ બાદ જ ચાર્લ્સ ડી કેટેલેરેના ગોલથી બરાબરી કરી લીધી. આ વર્લ્ડ કપમાં સ્પેન સામેનો આ પહેલો ગોલ હતો.

બેલ્જિયમના કેટેલેરેએ 41મી મિનિટમાં ગોલ કર્યો.
ગોલકીપર કોર્ટોઇસ ઈજાગ્ર્રસ્ત થયા, રિઝર્વ ગોલકીપર પર દબાણ વધ્યું
બેલ્જિયમના અનુભવી ગોલકીપર થિબાઉ કોર્ટોઇસને 71મી મિનિટમાં જાંઘની ઈજાને કારણે મેદાન છોડવાની ફરજ પડી. તેમની જગ્યાએ આવેલા સેને લેમેન્સ નિર્ણાયક ક્ષણમાં બોલ સંભાળી શક્યા નહીં, જેનો સ્પેને ફાયદો ઉઠાવ્યો.

થિબાઉ કોર્ટોઇસ મેચ દરમિયાન ઘાયલ થયા હતા. તેમને મેદાનની બહાર જવું પડ્યું.
યુરોપની 2 સૌથી મજબૂત ટીમો વચ્ચે સેમિફાઇનલ
સ્પેન અને ફ્રાન્સ વર્તમાન સમયની સૌથી મજબૂત યુરોપિયન ફૂટબોલ ટીમોમાં ગણાય છે. સ્પેન ઝડપી પાસિંગ અને બોલ પઝેશન માટે જાણીતું છે. ફ્રાન્સની તાકાત ઝડપી કાઉન્ટર એટેક અને મજબૂત ફોરવર્ડ લાઇન છે. આથી, સેમિફાઇનલને ટૂર્નામેન્ટનો સૌથી મોટો મુકાબલો માનવામાં આવી રહ્યો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


