લોર્ડ્સ ટેસ્ટ- ભારતને 115 રનની લીડ:પહેલી ઇનિંગમાં ઇંગ્લેન્ડ વુમન્સ ટીમ 170 રન પર ઓલઆઉટ; ક્રાંતિ ગૌડે 5 વિકેટ લીધી

Last Updated: July 12, 2026By

લોર્ડ્સમાં રમાઈ રહેલી એકમાત્ર મહિલા ટેસ્ટના બીજા દિવસે ભારતે મેચ પર મજબૂત પકડ બનાવી લીધી છે. ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સ માત્ર 170 રનમાં સમેટાઈ ગઈ. પહેલી ઇનિંગ્સના આધારે ટીમ ઈન્ડિયાને 115 રનની લીડ મળી. ટીમે 285 રન બનાવ્યા હતા. ભારતીય ઝડપી બોલર ક્રાંતિ ગૌડે 37 રન આપીને 5 વિકેટ લીધી. સયાલી સતઘરે અને સ્નેહ રાણાએ 2-2 વિકેટ ઝડપી. દીપ્તિ શર્માએ 1 વિકેટ મેળવી. ઇંગ્લેન્ડનો ટૉપ ઓર્ડર નિષ્ફળ ઇંગ્લેન્ડે પહેલા દિવસના સ્કોર 21/1 થી આગળ રમવાનું શરૂ કર્યું. ભારતીય ઝડપી બોલરો સામે તેમનો ટોપ ઓર્ડર વિખેરાઈ ગયો. ક્રાંતિએ પહેલા માયા બાઉશિયર (23)ને વિકેટકીપર રિચા ઘોષના હાથે કેચ કરાવ્યો. ત્યારબાદ સયાલીએ કેપ્ટન હિથર નાઈટ (6)ને LBW આઉટ કરી. થોડા સમય પછી જ ક્રાંતિએ શાનદાર આઉટસ્વિંગર પર એલિસ કેપ્સી (9)ને બોલ્ડ કરીને ઓફ સ્ટમ્પ ઉખાડી દીધું. હવે ઇંગ્લેન્ડનો સ્કોર 47/4 થઈ ગયો. એમી જોન્સ અને નેટ સિવર-બ્રન્ટે ઇનિંગ્સ સંભાળી શરૂઆતી આંચકાઓ પછી એમી જોન્સ અને કેપ્ટન નેટ સિવર-બ્રન્ટે ઇંગ્લેન્ડને કમબેક કરાવ્યું. બંનેએ પાંચમી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી. એમી જોન્સે 62 બોલમાં 52 રન બનાવ્યા. જોકે, લંચ પહેલાં જ સ્નેહે તેને રિચા ઘોષના હાથે કેચ કરાવીને પેવેલિયન મોકલી. બીજી બાજુ નેટ સિવર-બ્રન્ટે 85 બોલમાં 44 રન બનાવ્યા. તે લંચ પછી ક્રાંતિના બોલ પર LBW આઉટ થઈ. નીચલો ક્રમ સંપૂર્ણપણે વિખેરાઈ ગયો સિવર-બ્રન્ટના આઉટ થયા બાદ ઇંગ્લેન્ડની ઇનિંગ્સ ઝડપથી વિખેરાઈ ગઈ. સયાલીએ સોફી એક્લેસ્ટોન (11)ને વિકેટકીપર યાસ્તિકા ભાટિયાના હાથે કેચ કરાવ્યો. પછી સ્નેહે મેડી વિલિયર્સ (10)ને બોલ્ડ કરી. ક્રાંતિએ લોરેન બેલ (3)ને સ્લિપમાં કેચ કરાવીને પોતાની પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ હૉલ પૂરો કર્યો. દીપ્તિએ લોરેન ફિલરને LBW આઉટ કરીને ઇંગ્લેન્ડની ઇનિંગ્સ 170 રન પર સમેટી દીધી. ક્રાંતિએ ટેસ્ટમાં ઝુલન ગોસ્વામીનો રેકોર્ડ તોડ્યો 22 વર્ષ અને 333 દિવસની ઉંમરે ક્રાંતિ ગૌડ ટેસ્ટ ક્રિકેટમાં 5 વિકેટ લેનારી સૌથી યુવા ભારતીય મહિલા ઝડપી બોલર બની. તેણે ઝુલન ગોસ્વામીનો રેકોર્ડ તોડ્યો. આ ઉપરાંત, ઇંગ્લેન્ડમાં વુમન્સ ટેસ્ટમાં 2015 પછી કોઈ ઝડપી બોલરનો આ પહેલો પાંચ વિકેટ હૉલ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીએ 2015માં ઇંગ્લેન્ડ સામે 6 વિકેટ લીધી હતી. લોર્ડ્સમાં પ્રથમ મહિલા ટેસ્ટ આ લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડના 142 વર્ષના ઇતિહાસની પહેલી મહિલા ટેસ્ટ મેચ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આ 16મી મહિલા ટેસ્ટ છે. આ પહેલા બંને ટીમ વચ્ચેની 15 ટેસ્ટમાં ભારતે 3 અને ઇંગ્લેન્ડે 1 મેચ જીતી હતી, જ્યારે 11 મેચ ડ્રો રહી હતી. ઇંગ્લેન્ડની બ્યુમોન્ટની છેલ્લી મેચ ઇંગ્લેન્ડની ઓપનર ટેમી બ્યુમોન્ટની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ છે. 35 વર્ષીય બ્યુમોન્ટ 17 વર્ષની કારકિર્દી પછી નિવૃત્તિ લઈ રહી છે. તેણે 260 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે ઇંગ્લેન્ડ માટે મહિલા વન-ડેમાં સૌથી વધુ 12 સદી ફટકારી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત: સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, સયાલી સતઘરે, શ્રી ચરણી, ક્રાંતિ ગૌડ. ઇંગ્લેન્ડ: ટેમી બ્યુમોન્ટ, માયા બાઉશિયર, હીથર નાઈટ, નેટ સિવર-બ્રન્ટ (કેપ્ટન), એલિસ કેપ્સી, એમી જોન્સ (વિકેટકીપર), મેડી વિલિયર્સ, સોફી એક્લેસ્ટોન, ઇઝી વોંગ, લૌરેન બેલ, લૌરેન ફિલર. ————————- લોર્ડ્સ ટેસ્ટના પ્રથમ દિવસની રમત… લોર્ડ્સ વુમન્સ ટેસ્ટ- ભારત 285 રન પર ઓલઆઉટ: પહેલી ઇનિંગ્સમાં મંધાના, હરમન અને દીપ્તિ શર્માની ફિફ્ટી લોર્ડ્સમાં રમાઈ રહેલી પ્રથમ મહિલા ટેસ્ટમાં ભારતની પહેલી ઇનિંગ્સ 285 રનમાં સમેટાઈ ગઈ. પ્રથમ દિવસે ઓપનર સ્મૃતિ મંધાના, કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ ફિફ્ટી ફટકારી. ઇંગ્લેન્ડ માટે સ્પિનર સોફી એક્લેસ્ટને સૌથી વધુ 3 વિકેટ લીધી. સંપૂર્ણ સમાચાર વાંચો…

Leave A Comment