પહેલી વન-ડે- વેસ્ટ ઇન્ડીઝે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું:19 વર્ષના વિટાલ લોયસને ડેબ્યૂ મેચમાં 3 વિકેટ; હોપ-કાર્ટીમાં સદીની ભાગીદારી

Last Updated: July 12, 2026By

વેસ્ટ ઇન્ડીઝે ન્યૂઝીલેન્ડને પ્રથમ વનડેમાં 7 વિકેટે હરાવીને 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી. ગયાનામાં રમાયેલી આ મેચમાં 268 રનના ટાર્ગેટને ચેઝ કરતા વેસ્ટ ઇન્ડીઝે 48.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. કેસી કાર્ટીએ 95 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન શાઈ હોપ 54 રન બનાવીને અણનમ રહ્યા. બંનેએ ત્રીજી વિકેટ માટે 131 રનની મેચ વિનિંગ ભાગીદારી કરી. જીતનો હીરો 19 વર્ષીય ડેબ્યુટન્ટ લેફ્ટ આર્મ રિસ્ટ સ્પિનર વિટાલ લોયસ રહ્યે, જેણે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં 3 વિકેટ ઝડપી. આ પહેલા ટોસ હારતા પહેલી બેટિંગ કરનારી ન્યૂઝીલેન્ડની ટીમે તમામ વિકેટ ગુમાવીને 267 રન બનાવ્યા. 19 વર્ષીય લોયસે ડેબ્યુ મેચમાં બાજી પલટી ન્યૂઝીલેન્ડની ટીમ 44મી ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવીને મોટા સ્કોર તરફ આગળ વધી રહી હતી, પરંતુ વિટાલ લોયસ અને અલ્ઝારી જોસેફે છેલ્લી ઓવરોમાં મેચ પલટી દીધી. ન્યૂઝીલેન્ડે પોતાની છેલ્લી 6 વિકેટ માત્ર 33 રનની અંદર ગુમાવી દીધી. લોયસે હેનરી નિકોલ્સ (37), માર્ક ચેપમેન અને માઈકલ બ્રેસવેલને આઉટ કર્યા, જ્યારે અલ્ઝારી જોસેફે 41 રન આપીને 4 વિકેટ લીધી. કાર્ટીના હિટ-વિકેટ પર વિવાદ થયો વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ્સની 34મી ઓવરમાં કેસી કાર્ટી 64 રન પર બેટિંગ કરી રહ્યા હતા. જેકબ ડફીની બોલ પર છગ્ગો માર્યા પછી તેનું બેટ પાછળ જઈને સ્ટમ્પ્સ સાથે અથડાયો અને બેલ્સ પડી ગઈ. ન્યૂઝીલેન્ડે હિટ-વિકેટની અપીલ કરી, પરંતુ થર્ડ અમ્પાયર અહસાન રઝાએ રિપ્લે જોયા પછી તેને નોટ આઉટ આપ્યો. નિયમ શું કહે છે? MCCના કાયદા 35.2 (હિટ-વિકેટ) અનુસાર જો બેટર શોટ રમવાની પ્રક્રિયા પૂરી કરી ચૂક્યો હોય અને તે પછી બેટ, શરીર કે કપડાં વિકેટ સાથે અથડાય, તો તેને હિટ-વિકેટ આઉટ માનવામાં આવતો નથી. આ જ નિયમ હેઠળ કાર્ટીને જીવનદાન મળ્યું. હોપ-કાર્ટીએ ઇનિંગ્સ સંભાળી શરૂઆતની વિકેટો ઝડપથી પડ્યા પછી કેસી કાર્ટી અને અકીમ ઓગસ્ટે (28)એ ઇનિંગ્સ સંભાળી. ત્યારબાદ કેપ્ટન શાઈ હોપે કાર્ટી સાથે ત્રીજી વિકેટ માટે 131 રન જોડીને મેચ ન્યૂઝીલેન્ડથી દૂર કરી દીધી. કાર્ટી 95 રન બનાવીને સદી ચૂકી ગયો. તેણે 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. રધરફોર્ડે છગ્ગાથી જીત અપાવી કાર્ટી આઉટ થયા પછી વેસ્ટ ઇન્ડીઝને છેલ્લી 30 બોલમાં 37 રન જોઈતા હતા. કેપ્ટન હોપે સતત મોટા શોટ ફટકારીને દબાણ સમાપ્ત કર્યું અને 52 બોલમાં અડધી સદી પૂરી કરી. આખરે શેરફેન રધરફોર્ડે લાંબો છગ્ગો ફટકારીને 7 બોલ બાકી રહેતા ટીમને જીત અપાવી. આ ગયાનાના આ મેદાન પર સફળતાપૂર્વક ચેઝ કરાયેલો બીજો સૌથી મોટો ટાર્ગેટ પણ છે.

Leave A Comment