China Floods Panic: Snake Swarm in Guangxi; Viral Video
5 કલાક પેહલા
- કૉપી લિંક
દક્ષિણ ચીનમાં મુસળધાર વરસાદ અને વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. પૂરના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને મોટા પાયે રાહત તેમજ બચાવ કામગીરી ચાલી રહી છે. આ કુદરતી આફત વચ્ચે ગુઆંગ્શી વિસ્તારમાં એક અત્યંત ડરામણી ઘટના સામે આવી છે, જેણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે. અહીં પૂરના પાણીમાં તણાઈને આવેલા આશરે 900 જેટલા સાપોએ સમગ્ર વિસ્તારમાં આતંક મચાવ્યો છે.
સ્નેક બ્રીડિંગ ફાર્મમાંથી સાપ ગાયબ
ચીનની સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના 6 જુલાઈના રોજ ગુઆંગ્શી પ્રાંતના હેંગઝોઉ શહેર નજીક આવેલા ડેંગવેઈ ગામમાં બની હતી. આ વિસ્તારમાં વ્યાવસાયિક ધોરણે સાપોનું પાલન કરવામાં આવે છે. પરંતુ ‘ટાયફૂન માઈસેક’ વાવાઝોડાના કારણે આવેલા ભારે પૂરના પાણી આ સ્નેક બ્રીડિંગ ફાર્મમાં ભરાઈ ગયા હતા, જેના લીધે ફાર્મ સંપૂર્ણપણે તબાહ થઈ ગયું હતું અને ત્યાંથી આશરે 900 જેટલા સાપ પૂરના પાણીમાં વહી ગયા હતા. આ ઉપરાંત એક પ્રાણીસંગ્રહાલયમાંથી પણ 100 જેટલા પ્રાણીઓ ગાયબ થઈ ગયા હોવાના અહેવાલ છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
આ ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પૂરના પાણીના મોજાં સાથે સેંકડો સાપ તણાઈ રહ્યા છે. ઘરની આસપાસ પાણીમાં તરતા સાપોને જોઈને સ્થાનિક લોકો માટે આ સ્થિતિ કોઈ હોરર ફિલ્મ જેવી બની ગઈ છે.

વહીવટી તંત્ર એલર્ટ અને રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની ગંભીરતાને જોતા વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાપોને પકડવા માટે ખાસ ટીમો તહેનાત કરવામાં આવી છે. સાપોને પકડવા માટે 10 સભ્યોની વિશેષ ટીમ બનાવવામાં આવી છે, જે ફિશિંગ નેટ અને સ્ટન ગનની મદદથી સાપોને કાબૂમાં લઈ રહી છે. વહીવટી તંત્રની સાથે સ્થાનિક ગ્રામજનોએ પણ પોતાની ટીમો બનાવી છે અને તેઓ માછલી પકડવાના સાધનો વડે સાપોને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક સાપ પાણીમાં વહી ગયા છે તો કેટલાક કચરા અને જમા થયેલા પાણીમાં ભરાઈ રહ્યા છે.
સાપની પ્રજાતિ અને જોખમ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુઆંગ્શી પ્રાંતમાં મોટા પાયે કોબ્રા, કિંગ રેટ સ્નેક અને પાણીના સાપોનું પાલન થાય છે. ગુમ થયેલા 900 સાપોમાંથી મોટાભાગના સાપ બિન-ઝેરી છે, પરંતુ તેમાં કોબ્રા જેવી અત્યંત ઝેરી પ્રજાતિઓ પણ સામેલ છે. સાપ કરડવાના કારણે અત્યાર સુધીમાં કેટલાક લોકો ઘાયલ થયા છે અને એક મહિલાનું મોત પણ નીપજ્યું હોવાના અહેવાલ છે. પૂરના કારણે તબીબી સહાય મેળવવામાં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે.

તબાહી અને રેડ એલર્ટ
આ વિસ્તારમાં પૂરનું સ્તર જોખમી સપાટી વટાવી ચૂક્યું હોવાથી ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ટાયફૂન માઈસેકના કારણે આ વિસ્તારમાં ભારે તબાહી થઈ છે. અત્યાર સુધીમાં 1,30,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પૂર અને વાવાઝોડાના કારણે અનેક લોકો બેઘર થયા છે અને જાનમાલનું મોટું નુકસાન થયું છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવાના આદેશ આપ્યા છે. વહીવટી તંત્રે લોકોને સાવચેત રહેવા અને ઘરમાં જ રહેવાની કડક ચેતવણી આપી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


