સેન્ચુરી ફટકારી લોર્ડ્સ ક્વિન બની બરોડિયન ગર્લ યાસ્તિકા:મેચ પૂર્ણ થતાં જ મને ફોનમાં કહ્યું-પપ્પા સદી બાદ બેટ ઊંચું કર્યું, ત્યારે તમે ચારેય દેખાતા હતા; ઐતિહાસિક ઇનિંગની કહાની
ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર 142 વર્ષના ઇતિહાસમાં રમાયેલી પ્રથમ મહિલા ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે જીત મેળવી હતી, જેમાં બરોડિયન ગર્લ યસ્તિકા ભાટિયા(વિકેટકીપર અને બેટર)એ સેન્ચુરી ફટકારીને આ મેદાન પર સદી કરનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે. યસ્તિકાએ મેચની ત્રીજી ઇનિંગ્સમાં 158 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 113 રનની ઇનિંગ રમી હતી. મેચ બાદ યસ્તિકાએ પરિવારને ફોન કર્યો હતો અને “પપ્પા, જ્યારે મેં સદી ફટકારીને બેટ ઊંચું કર્યું, ત્યારે મને તમે ચારેય જણા(મમ્મી, પપ્પા, બહેન, દાદા) નજર આવતા હતા, દાદાજી પણ મને નજર આવતા હતા કે, જાણે મને આશીર્વાદ આપી રહ્યા છે. વડોદરાના ગ્રાઉન્ડથી લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ સુધીની સફર
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના પોલો ગ્રાઉન્ડ ખાતે યસ્તિકા યુથ સર્વિસ સેન્ટર ખાતે રમવા જતી હતી. તે ખૂબ જ મહેનત કરતી હતી અને તેનું સારું પરફોર્મન્સ હતું. જેથી બરોડા ક્રિકેટ એસોસિએશનની અન્ડર- 19 ટીમમાં તેની પસંદગી થઈ હતી. જેમાં તેણે ખૂબ જ સારૂ પરફોર્મન્સ કરતા સિનિયર ટીમમાં સ્થાન મળ્યું હતું. 2021માં યસ્તિકાએ ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું. ત્યારબાદ 2022માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેણે એક સાથે ટી – 20, વનડે અને ટેસ્ટ મેચમાં ડેબ્યું કર્યું હતું. યસ્તિકા ત્રણ કલાક બેટિંગ અને વિકેટકીપીંગની પ્રેક્ટિસ કરતી હતી, તે ક્રિકેટ રમતી હતી તેમ છતાં તે અભ્યાસમાં પણ હંમેશા ટોપ 3માં આવતી હતી. ધોરણ 12 સાયન્સમાં પણ તે 90 ટકા માર્કસ સાથે પાસ થઈ હતી. તે સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરે છે, છેલ્લા 10 વર્ષથી ત્યારે તેને સુગર લીધી નથી. તે સ્વીટસ અવોઇડ કરે છે. ડ્રાયફ્રુટ્સ અને ફ્રુટ લે છે. જીમ અને રનીંગ શિડયુલ તેનું રેગ્યુલર હોય છે. યસ્તિકાને બાળપણથી જ સ્પોર્ટ્સમાં રસ હતો. માત્ર 6 વર્ષની ઉમરે તે બેડમિન્ટન રમતી હતી અને ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી રમી હતી. ત્યારબાદ તે કરાટેમાં પણ બ્લેક બેલ્ટ રહી હતી. ત્યારબાદ તે ક્રિકેટ રમવા લાગી હતી. તેણે ટીમ ઇન્ડિયામાં રમવાનું સપનું જોયું હતું. તે હંમેશા કહેતી હતી કે, હું ઈન્ડિયાની પહેરીને ટીમ ઇન્ડિયા માટે રમીને ઇન્ડિયાને જીતાડવાની ઈચ્છા હતી. ‘મેં ભગવાનને પ્રાર્થના કરી કે, એની આજે સેન્ચુરી થઈ જાય’
ભારતીય ક્રિકેટ ટીમની ક્રિકેટર યસ્તિકા ભાટિયાના પિતા હરીશ ભાટિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સદી યસ્તિકાના કરિયર માટે બહુ જ મોટી વસ્તુ છે. ‘ઓનર્સ બોર્ડ’ માં એનું નામ આવવું, એ એની ક્રિકેટિંગ કરિયર માટે આ બહુ મોટી સિદ્ધિ છે. યસ્તિકા જ્યારે 91 રન પર હતી ત્યારે લંચ બ્રેક થયો હતો. એ સમયે હું મંદિરે ગયો હતો અને મેં ભગવાનને પ્રાર્થના કરી કે, “ભગવાન, એની આજે સેન્ચુરી થઈ જાય.” ઇન્જરી પછી એ જ્યારે પાછી આવી હતી, ત્યારે એના કોન્ફિડન્સ માટે આ સેન્ચુરી ખૂબ જરૂરી હતી. ખરેખર એક પ્લેયર માટે આ બહુ મોટી અને ઉત્સાહજનક વાત હોય છે, જે એનો કોન્ફિડન્સ વધારે છે. ‘અમે એકબીજાને ગળે મળ્યા અને ખુશીના આંસુ પણ આવ્યા’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે , જ્યારે 91 રન પછી એણે ફર્સ્ટ ચોગ્ગો માર્યો, પછી બીજો ચોગ્ગો માર્યો અને 99 રન થયા, ત્યારે મેં ભગવાનને ફરી પ્રાર્થના કરી કે એના 100 રન પૂરા થઈ જાય. ‘પપ્પા જ્યારે મેં બેટ ઊંચું કર્યું, ત્યારે તમે ચારેય નજર આવતા હતા’
તેઓએ ઉમેર્યું હતું કે, પછી જ્યારે અમે રાત્રે એની સાથે વાત કરી હતી, ત્યારે એ પણ બહુ ખુશ હતી. અમે એને કહ્યું કે, “બેટા, તેં જ્યારે બેટ ઊંચું કર્યું ત્યારે અમે બધા બહુ જ ખુશ થયા હતા.” ફોનમાં યસ્તિકાએ કહ્યું કે, પપ્પા, જ્યારે મેં બેટ ઊંચું કર્યું, ત્યારે મને તમે ચારેય જણા નજર આવતા હતા, દાદાજી પણ મને નજર આવતા હતા કે, જાણે મને આશીર્વાદ આપી રહ્યા છે. આ તો હજુ એણે એક ફર્સ્ટ સ્ટેપ લીધું છે. યસ્તિકાએ પોતે પણ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “ઈટ ઈઝ માય ફર્સ્ટ સ્ટેપ.” ભગવાન ડેફિનેટલી એને આગળ વધારે અને એ દેશનું નામ ઊંચું કરે, એવી અમને આશા છે. 12 વર્ષની ઉંમરે ટી-20માં સિલેક્શન, પૂર્ણિમા રાવ કોચ
તેઓએ કહ્યું હતું કે, એ 8 વર્ષની હતી ત્યારે એણે રમવાનું શરૂ કર્યું હતું. પણ એણે સિરિયસલી ક્રિકેટ ત્યારે લીધું જ્યારે 12 વર્ષની ઉંમરે દિલ્હીમાં એનું ટી-20માં સિલેક્શન થયું. ત્યારથી એણે બહુ જ સિરિયસલી લીધું. પૂર્ણિમા રાવ મેડમ એના કોચ હતા, જે ઇન્ડિયન વુમન્સ ટીમના કોચ પણ રહી ચૂક્યા છે, તેમણે મને કહ્યું હતું કે,’મિસ્ટર ભાટિયા, શી વિલ ડેફિનેટલી ડેબ્યૂ ફોર ઇન્ડિયા.’ તેમજ ગીતા ગાયકવાડે પણ એની મહેનત જોઈને કહ્યું હતું કે, ‘તમારી દીકરી જરૂર ઇન્ડિયા માટે રમશે.’ અને આજે એ બંનેની વાત સાચી સાબિત થઈ છે. આ બધું એની મહેનત અને દ્રઢ નિશ્ચયના કારણે શક્ય બન્યું છે. ‘પ્રોફેશનલ હેન્ડ્સમાં ગઈ અને કિરણ સરે ઘણો સપોર્ટ કર્યો’
તેઓએ વધુમાં કહ્યું કે, એ સવારે વહેલા 5 વાગ્યે ઉઠીને ગ્રાઉન્ડ પર રનિંગ કરવા જતી હતી. 6.30 વાગ્યે આવીને તૈયાર થઈને સ્કૂલે જતી. સ્કૂલથી આવ્યા પછી તરત જ લંચ કરીને ફરી ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ માટે જતી. ત્યાં 6 વાગ્યા સુધી ટ્રેનિંગ કરીને ઘરે આવતી. પછી જેમ જેમ એ મોટી થઈ, તેમ અમે એને જીમ જોઈન કરાવ્યું. એટલે એની અલ્ટરનેટ ટ્રેનિંગ ચાલતી હતી, ક્યારેક રનિંગ, ક્યારેક જીમ તો ક્યારેક પ્રેક્ટિસ. એ પછી પ્રોફેશનલ હેન્ડ્સમાં ગઈ અને કિરણ સરે પણ આવીને એને ઘણો સપોર્ટ કર્યો. એનાથી એનો ઇન્ટરનેશનલ વ્યુ આખો ચેન્જ થઈ ગયો કે પ્લેયર્સને કઈ વસ્તુઓની જરૂર હોય છે. ‘મારી દીકરી પણ સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના રેકોર્ડ્સ સુધી પહોંચે’
તેઓએ કહ્યું હતું કે, એક વખત રિલાયન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સમયે એને હાર્દિક, કૃણાલ અને ઇશાન કિશન પણ મળ્યા હતા. એ લોકોએ પણ એને ગાઇડ કરી હતી કે ઇન્ટરનેશનલમાં કેવી રીતે રમવાનું હોય છે. આમ એને પ્રોપર ગાઇડન્સ મળતું રહ્યું અને બધું બહુ સારું રહ્યું. હવે મારી દીકરી માટે બેસ્ટ તો એ જ કે, જેમ સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના રેકોર્ડ્સ આપણે જોઈએ છીએ, તો એવું લાગે કે, અમારી દીકરી પણ એ રેકોર્ડ્સ સુધી પહોંચે. એ દરેક પેરેન્ટ્સનું ડ્રીમ હોય છે અને પ્લેયર્સનું પણ એ જ ડ્રીમ હોય છે. ’90 પ્લસ રન પર પહોંચી ગઈ, ત્યારે બહુ જ ટેન્શન હતું’
ભારતીય ક્રિકેટ ટીમની ક્રિકેટર યસ્તિકા ભાટિયાના માતા ગરીમા ભાટીયાએ જણાવ્યું હતું કે, જ્યારે મેચ ચાલતી હતી અને તે 90 પ્લસ રન પર પહોંચી ગઈ, ત્યારે બહુ જ ટેન્શન હતું. મનમાં સતત એવું થતું હતું કે ભગવાન! તેનાથી સદી થશે કે નહીં થાય? અમે બસ ભગવાનને સતત પ્રાર્થના કરી રહ્યા હતા કે, હે પ્રભુ! આટલા સુધી લઈ આવ્યા છો, તો હવે આગળ પણ પાર ઉતારજો. જ્યારે તેની સેન્ચુરી પૂરી થઈ, ત્યારે અમે બધા જ ખૂબ જ ઉત્સાહિત હતા, પણ એ ખુશી શબ્દોમાં વ્યક્ત નહોતી કરી શકાતી. બસ એક ક્ષણ માટે એવું લાગ્યું કે હા, આખરે થઈ ગયું. થોડી વાર માટે તો અમારી બધાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા, પણ ત્યારપછી બધા ખુશીથી નાચી ઉઠ્યા કે સેન્ચુરી થઈ ગઈ. તેણે જે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા, તે ખરેખર બહુ જ સરસ હતા. ‘માઇલસ્ટોન્સ પાર કરતી જાય અને સફળતા મેળવતી જાય’
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બસ, આટલી જ વાત થઈ હતી. હું બસ એટલું જ ઈચ્છું છું કે તે દેશ માટે હંમેશા પોતાના શ્રેષ્ઠ પ્રયાસો આપતી રહે. ભવિષ્યમાં તેની સામે જેટલા પણ લક્ષ્યો આવે, તે બધા જ પૂરા કરતી જાય. હજી તો આગળ બહુ લાંબી સફર બાકી છે. દરેક નવો દિવસ એક નવી શરૂઆત લઈને આવે છે, એટલે દરરોજ જે પણ કંઈ પ્રાપ્ત કરવાનું હોય, તે દેશ માટે મેળવતી રહે. ‘વારંવાર ઇન્જરી ને ઓપરેશન કરાવવું પડ્યું’
ગરીમા ભાટીયાએ વધુમાં જણાવ્યું હતું, તેનું સપનું ક્રિકેટમાં દેશ માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું જ છે. તેણે ખરેખર બહુ જ સંઘર્ષ કર્યો છે, ખાસ કરીને વારંવાર થતી ઇન્જરીના કારણે. તે વર્લ્ડ કપ ન રમી શકી તે સમય અમારા માટે બહુ જ દુખદ હતો, કારણ કે હોમ વર્લ્ડ કપમાં રમવું અને દેશ માટે કંઈક કરવું એ તેનું બહુ મોટું સપનું હતું. તેથી તે સમયે વધારે ખરાબ લાગ્યું હતું. પણ ઇજા એ ઇજા છે, આખરે ઓપરેશન કરાવવું પડ્યું અને તે સિવાય કોઈ છૂટકો નહોતો. એ સમય ખૂબ જ કઠિન હતો. તેના મનમાં મેદાન વાપસીની બસ એક જ જીદ હતી
તે માનસિક અને શારીરિક રીતે વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવા માટે એકદમ તૈયાર હતી અને અચાનક જ બધું પાછળ ધકેલાઈ ગયું. ઓપરેશન પછી સ્નાયુઓ નબળા પડી ગયા હતા, જેના કારણે બધું ફરીથી જીરોથી શરૂ કરવાનું હતું. આ પુનરાગમનની સફરમાં તેને ઘણી તકલીફો પડી હતી. પરંતુ તે પોતાના રમત પ્રત્યે ખૂબ જ સમર્પિત હતી. તેના મનમાં બસ એક જ જીદ હતી કે, ગમે તેમ થાય, મારે ફરી પાછા મેદાનમાં જવું જ છે. તેણે પોતાના પૂરેપૂરા પ્રયાસો કર્યા અને આખરે શાનદાર વાપસી કરીને બતાવી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

