હવે ચેમ્પિયન બનવું અઘરું બનશે!:ICCએ વર્લ્ડ કપ જીતવાનો રસ્તો કપરો બનાવ્યો; વન-ડે અને T-20 ટુર્નામેન્ટનું ફોર્મેટ જ બદલી નાખ્યું

Last Updated: July 15, 2026By

ICCએ મેન્સ વન-ડે અને T20 વર્લ્ડ કપના ફોર્મેટમાં ફેરફારોને મંજૂરી આપી દીધી છે. વન-ડે વર્લ્ડ કપમાં 14 ટીમ સાથે નવો થ્રી-સ્ટેજ ફોર્મેટ લાગુ થશે, જેમાં પહેલીવાર ‘સુપર 7’ રાઉન્ડ ટુર્નામેન્ટનું મુખ્ય આકર્ષણ હશે. જ્યારે, T20 વર્લ્ડ કપમાં ‘સુપર 8’ની જગ્યાએ ‘સુપર 10’ સ્ટેજ રમાશે અને સેમિફાઈનલમાં પહોંચવા માટે નવા એલિમિનેટર મેચ પણ ઉમેરી છે. આ ઉપરાંત, 2028 T20 વર્લ્ડ કપ માટે નવું ક્વોલિફિકેશન સ્ટ્રક્ચર બનાવ્યું છે. એડિનબર્ગમાં યોજાયેલી ICCની વાર્ષિક સામાન્ય બેઠક (AGM) પછી બુધવારે નવા સ્ટ્રક્ચરની સત્તાવાર જાહેરાત કરી છે. 14 ટીમ ભાગ લેશે, સુપર 7 રાઉન્ડ હશે આકર્ષણ વન-ડે વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમની સંખ્યા 14 જ રહેશે, પરંતુ તેના ફોર્મેટને થ્રી-સ્ટેજમાં બદલી દેવામાં આવ્યું છે. નવા ફોર્મેટમાં સૌથી પહેલા ‘સુપર સિરીઝ’ રમાશે. તેમાં રેન્કિંગની છેલ્લી ત્રણ ટીમ (12, 13 અને 14) રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં એકબીજા સામે ટકરાશે અને ટોચની ટીમ બીજા રાઉન્ડમાં પહોંચશે. બીજા રાઉન્ડમાં 6-6 ટીમના બે ગ્રુપ હશે, જેમાં કુલ 30 મેચ રમાશે. બંને ગ્રુપની ટૉપ-3 ટીમ અને બંને ગ્રુપને ભેળવીને આગામી શ્રેષ્ઠ (સાતમી) ટીમ ત્રીજા રાઉન્ડ એટલે કે ‘સુપર 7’માં પહોંચશે. સુપર 7માં તમામ સાત ટીમ એકબીજા સામે રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં કુલ 21 મેચ રમશે. આ પછી ટૉપ-4 ટીમ સેમિફાઈનલ (1 vs 4 અને 2 vs 3)માં પહોંચશે, જ્યારે વિજેતા ટીમ ફાઈનલ રમશે. જૂના ફોર્મેટમાં બે ગ્રુપ અને સુપર સિક્સ સ્ટેજ હતી જૂના ફોર્મેટમાં 7-7 ટીમના બે ગ્રુપ હતા, જેમાં કુલ 42 મેચ રમાતી હતી. બંને ગ્રુપની ટૉપ-3 ટીમ સુપર સિક્સમાં પહોંચતી હતી. સુપર સિક્સમાં 3-3 ટીમના બે ગ્રુપ બનતા હતા, જ્યાં કુલ 9 મેચ રમાતી હતી. આ પછી બંને ગ્રુપની ટૉપ-2 ટીમ સેમિફાઈનલ અને પછી ફાઈનલમાં પહોંચતી હતી. T20 વર્લ્ડ કપમાં સુપર 8ની જગ્યાએ સુપર 10 T20 વર્લ્ડ કપના નવા ફોર્મેટમાં ગ્રુપ સ્ટેજમાં 4-4 ટીમના પાંચ ગ્રુપ હશે, જેમાં કુલ 30 મેચ રમાશે. દરેક ગ્રુપમાંથી ટૉપ-2 ટીમ આગલા રાઉન્ડમાં પહોંચશે, જેનાથી કુલ 10 ટીમ ‘સુપર 10’ સ્ટેજમાં રમશે. સુપર 10માં 5-5 ટીમના બે ગ્રુપ હશે અને કુલ 20 મેચ રમાશે. બંને ગ્રુપની ટૉપ ટીમ સીધી સેમિફાઈનલમાં પહોંચશે. બાકીના બે સ્થાનો માટે એલિમિનેટર મુકાબલા થશે, જેમાં એક ગ્રુપની બીજા સ્થાનની ટીમનો સામનો બીજા ગ્રુપની ત્રીજા સ્થાનની ટીમ સાથે થશે. બંને એલિમિનેટરના વિજેતા સેમિફાઈનલમાં પહોંચશે અને આ પછી ફાઈનલ રમાશે. જૂના ફોર્મેટમાં સુપર 8 સ્ટેજ હતી જૂના ફોર્મેટમાં ગ્રુપ સ્ટેજમાં 5-5 ટીમના ચાર ગ્રુપ હતા, જેમાં કુલ 40 મેચ રમાતી હતી. દરેક ગ્રુપની ટૉપ-2 ટીમ સુપર 8 માં પહોંચતી હતી. ત્યારબાદ 4-4 ટીમના બે ગ્રુપ બનતા હતા, જેમાં 12 મેચ રમાતી હતી. બંને ગ્રુપની ટૉપ-2 ટીમ સીધી સેમિફાઈનલ અને પછી ફાઈનલમાં પહોંચતી હતી. T20 વર્લ્ડ કપ 2028નું ક્વોલિફિકેશન સ્ટ્રક્ચર ICCએ 2028 મેન્સ T20 વર્લ્ડ કપ માટે નવી ક્વોલિફિકેશન સિસ્ટમ નક્કી કરી છે. સ્કોટલેન્ડને સીધી યુરોપ રિજનલ ફાઈનલમાં જગ્યા મળશે. જ્યારે, 2026 T20 વર્લ્ડ કપ રમનારી જે ટીમ સીધી ક્વોલિફાય નથી કરી શકી, તે ગ્લોબલ ક્વોલિફાયરમાં રમશે. બાકીની આઠ ટીમ રિજનલ ક્વોલિફાયરમાંથી આવશે. ત્યારબાદ દરેક રિજનની ટોપ ટીમ અને ઓવરઓલ રેન્કિંગના આધારે આગામી ત્રણ સર્વશ્રેષ્ઠ ટીમ 2028 T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરશે.

Leave A Comment