Rajesh Sharma Health Update; Actor Resumes Fauji Shooting in Mumbai
49 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર રાજેશ શર્માની તબિયત હવે પહેલા કરતા સારી છે. હાલમાં તે મુંબઈ સ્થિત પોતાના ઘરે આરામ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં ફરીથી કામ પર પાછા ફરવાની તૈયારીમાં છે. દાવો કરવામાં આવ્યો હતો કે એક્ટરની પ્રભાસ અભિનીત ફિલ્મ ‘ફૌજી’ના સેટ પર જીવજંતુ કરડવાથી તબિયત બગડી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની તબિયત જીવજંતુ કરડવાથી નહીં પરંતુ ડાયાબિટીસને કારણે બગડી હતી.
FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ)ના અધ્યક્ષ બી.એન. તિવારીએ બોલિવૂડ હંગામાને જણાવ્યું છે કે રાજેશ શર્મા હવે હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા છે અને ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે કહ્યું, “રાજેશ શર્માજીને તાજેતરમાં હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. તેઓ હાલમાં મુંબઈ સ્થિત પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં તેઓ એક પ્રોજેક્ટના શૂટિંગ માટે વિદેશ પણ જવાના છે.”
જુલાઈની શરૂઆતમાં રાજેશ શર્માને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર આવ્યા. થોડા સમય પછી એક્ટ્રેસ સુદીપ્તા ચેટર્જી અને ફિલ્મમેકર-પ્રોડ્યુસર અગ્નિદેવ ચેટર્જીએ જણાવ્યું હતું કે રાજેશ શર્મા હૈદરાબાદના રામોજી ફિલ્મસિટીમાં પ્રભાસ અભિનીત ફિલ્મ ‘ફૌજી’ના સેટ પર ટેકનિશિયનો સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન ગાઢ ઝાડીઓવાળા વિસ્તારમાં તેમને કોઈ જીવજંતુએ કરડ્યું. શરૂઆતમાં તેમણે તેને ગંભીરતાથી લીધું ન હતું, પરંતુ બાદમાં તેમની તબિયત ઝડપથી બગડી ગઈ.

સુદીપ્તાની પોસ્ટ અનુસાર, જીવડાના કરડ્યાના લગભગ છ કલાક પછી રાજેશ શર્માના જમણા પગમાં તીવ્ર દુખાવો શરૂ થયો અને તેમની તબિયત બગડવા લાગી. આ પછી પણ તેમણે કોલકાતા માટે ફ્લાઇટ પકડી. મુસાફરી દરમિયાન તેમને તીવ્ર તાવ આવ્યો અને તેઓ ખૂબ જ બેચેન થઈ ગયા. કોલકાતા પહોંચ્યા પછી બીજા દિવસે તેમની હાલત વધુ બગડી. આ પછી પરિવારે તેમને તરત જ ઢાકુરિયાની મણિપાલ હોસ્પિટલમાં દાખલ કર્યા.

પશ્ચિમ બંગાળના મંત્રી ઇન્દ્રનીલ રાજેશ શર્માને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા.
અક્ષય કુમારે ભાવુક થઈને લખ્યું- જલ્દી સાજા થઈ જાઓ યાર
રાજેશ શર્માની તબિયત ખરાબ હોવાના સમાચાર સામે આવ્યા બાદ અક્ષય કુમારે પણ જીવજંતુ કરડવાના સમાચારની પુષ્ટિ કરતા ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાજેશ શર્મા સાથે પોતાની એક તસવીર શેર કરતા લખ્યું હતું-
“મારા પ્રિય મિત્ર રાજેશની તબિયત વિશે સાંભળીને ખૂબ ચિંતા થઈ. શૂટિંગ દરમિયાન એક જીવજંતુના કરડ્યા બાદ તેમની હાલત બગડી ગઈ. મહાદેવ તેમને જલ્દી અને સંપૂર્ણ સ્વસ્થ કરે. જલ્દી સાજા થઈ જાઓ યાર, હજી સાથે બેસીને ખૂબ હસવાનું છે.”

ફિલ્મ ‘ફૌજી’ની ટીમે અહેવાલો પર સ્પષ્ટતા કરી
સાઉથ ફિલ્મો સાથે સંકળાયેલા પોર્ટલ ગુલ્ટી અનુસાર, ‘ફૌજી’ની ટીમે કહ્યું કે તેમને સેટ પર આવી કોઈ ઘટનાની જાણ નથી. ટીમનું કહેવું હતું કે રાજેશ શર્મા આ અહેવાલો સામે આવ્યાના લગભગ એક અઠવાડિયા પહેલા પોતાનું શૂટ પૂરું કરીને ઘરે પાછા ફર્યા હતા. તે દરમિયાન પ્રોડક્શન ટીમને કોઈ મેડિકલ ઇમરજન્સીની ઔપચારિક જાણકારી મળી ન હતી.
ટીમે એમ પણ કહ્યું કે રિપોર્ટ્સ સામે આવ્યા પછી તેમણે રાજેશ શર્માના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.
આ જ સમયે રાજેશ શર્માના પર્સનલ આસિસ્ટન્ટ શુભાશીષ પાંડાએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું કે અભિનેતાને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
એસોસિએશને CM રેવંત રેડ્ડીને દખલ દેવાની માંગ કરી
ન્યૂઝ એજન્સી IANSના રિપોર્ટ અનુસાર, ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશને ફિલ્મ ‘ફૌજી’ના સેટ પર બનેલી આ ઘટનાની તાત્કાલિક અને પારદર્શક તપાસ કરાવવાની માંગ કરી છે. એસોસિએશને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને પત્ર લખીને મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરાવવા અપીલ કરી છે.

રાજેશ શર્માએ કરિયરની શરૂઆત થિયેટરથી કરી હતી અને 1996માં ફિલ્મ ‘માચિસ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ‘પરિણીતા’, ‘ખોસલા કા ઘોસલા’, ‘ઇશ્કિયા’, ‘સ્પેશિયલ 26’, ‘બજરંગી ભાઈજાન’, ‘એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘ટોયલેટ: એક પ્રેમ કથા’ અને ‘તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ જેવી ઘણી ચર્ચિત ફિલ્મોમાં દમદાર અભિનય કર્યો હતો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


