ફૂટબોલ વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને ત્રણ મેજર એવોર્ડ્સ:ગોલ્ડન બોલ, ગ્લવ અને બેસ્ટ યંગ પ્લેયરનો ખિતાબ મળ્યો; જાણો વિજેતાઓ વિશે

Last Updated: July 21, 2026By

સ્પેને 2026 FIFA વર્લ્ડ કપના ત્રણ મહત્વના વ્યક્તિગત એવોર્ડ્સ પણ પોતાના નામે કર્યા. મિડફિલ્ડના ઉસ્તાદ રોડ્રીએ શાનદાર રમત માટે ગોલ્ડન બોલ જીત્યો. ગોલકીપર ઉનાઈ સિમોને ગોલ્ડન ગ્લવ મેળવ્યો, જેમણે 7 મેચમાં ગોલ ખાધા વગર રેકોર્ડ બનાવ્યો. આ પહેલા કોઈ ખેલાડી આવું 5 થી વધુ વખત કરી શક્યું ન હતું. જ્યારે, 19 વર્ષના યુવા સેન્સેશન પાઉ કુબારસીએ બેસ્ટ યંગ પ્લેયરનો એવોર્ડ જીત્યો. આવું માત્ર બીજી વાર બન્યું, જ્યારે ચેમ્પિયન ટીમે આ ત્રણ મુખ્ય એવોર્ડ્સ પણ જીત્યા. 2022માં આર્જેન્ટિનાએ પણ આવું કર્યું હતું. જાણો સ્પેનના આ ખેલાડીઓની વાર્તાઓ… રોડ્રી- કરોડપતિ ખેલાડી, પરંતુ સામાન્ય માણસ જેવું જીવન, સેકન્ડ હેન્ડ કાર ખરીદી 30 વર્ષના રોડ્રી સાદગી માટે જાણીતો છે. સ્પેનના ટોચના સ્તરના ફૂટબોલમાં રમવા છતાં, તેણે કોલેજનો અભ્યાસ પૂરો કરવા માટે સામાન્ય યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેવાનું ચાલુ રાખ્યું. દેખાડાની જિંદગીથી દૂર, તેણે એક વૃદ્ધ મહિલા પાસેથી જૂની કાર ખરીદી હતી. તેનું માનવું છે કે કારનો હેતુ ફક્ત એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો છે, દેખાડો કરવાનો નહીં. રોડ્રી સોશિયલ મીડિયાથી દૂર રહે છે. તેના શરીર પર કોઈ ટેટૂ નથી. આધુનિક અને ફેશનેબલ ફૂટબોલરો વચ્ચે, તે જૂના જમાનાના દિગ્ગજોની જેમ હંમેશા પોતાની જર્સી શોર્ટ્સની અંદર (ટક-ઇન) કરીને રમે છે. તેની ગર્લફ્રેન્ડ લૌરા કોઈ સુપરમોડેલ નથી પણ મેડિકલની વિદ્યાર્થીની છે. બંનેની મુલાકાત યુનિવર્સિટી હોસ્ટેલમાં જ થઈ હતી. પાઓ કુબારસી – સુથારનો પુત્ર, 200 લોકોના ગામમાંથી નીકળ્યો; મેચ પછી હોમવર્ક 19 વર્ષીય પાઉ કુબારસીનું મૂળ ‘એસ્ટાન્યોલ’માં છે, જે 200થી પણ ઓછી વસ્તી ધરાવતું એક ગામ છે. કુબારસી એક સુથાર (કાર્પેન્ટર) પરિવારમાંથી આવે છે અને ફૂટબોલ સ્ટાર બનતા પહેલાં તેના પિતાની લાકડાની દુકાનમાં મદદ કરતો હતો. તેના માતા-પિતા હજુ પણ ગામમાં આ દુકાન ચલાવે છે. કુબારસી તેના અનુશાસન માટે જાણીતો છે. બાર્સેલોના માટે શરૂઆતના દિવસોમાં તે મેચ પછી હોસ્ટેલ પરત ફરીને પોતાનું સ્કૂલનું હોમવર્ક પૂરું કરતો હતો. ચેમ્પિયન્સ લીગમાં પહેલો ‘પ્લેયર ઑફ ધ મેચ’ એવોર્ડ જીત્યા પછી બીજી સવારે તે સામાન્ય બાળકોની જેમ સ્કૂલે પહોંચી ગયો. કુબારસી બાળપણમાં મહાન સ્પેનિશ ડિફેન્ડર્સ કાર્લેસ પુયોલ અને ગેરાર્ડ પિકેના ટેકલ અને ડિફેન્સના વીડિયો જોઈને શીખતો હતો. ઉનાઈ સિમોન- સોશિયલ મીડિયાથી દૂર, બોલ્યો- મારું કામ ગોલ રોકવાનું છે, સામાન વેચવાનું નહીં 29 વર્ષનો ઉનાઈ સિમોન ઝાકઝમાળથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ ગોલ્ડન ગ્લોવ વિજેતા સિમોનનું કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી. તે સ્પોન્સરશિપ અને જાહેરાતોથી પણ દૂર રહે છે. તેનું માનવું છે કે તેનું કામ માત્ર મેદાન પર ગોલ રોકવાનું છે, ટીવી પર પ્રોડક્ટ વેચવાનું નથી. મેદાનમાંથી ફુરસદ મળતા જ તે પોતાના બાળપણના મિત્રો સાથે માછલી પકડવા માટે પોતાના વતન ‘મુર્ગિયા’ જતો રહે છે. મેચ પહેલા જ્યારે બાકીના ખેલાડીઓ જોરદાર સંગીત સાંભળે છે, ત્યારે સિમોન ડ્રેસિંગ રૂમના એક ખૂણામાં બેસીને પુસ્તકો વાંચવાનું પસંદ કરે છે. તેના કડક અનુશાસનનો પાયો બાળપણમાં જ નંખાઈ ગયો હતો, કારણ કે તેના પિતા પોલીસ અધિકારી રહ્યા છે. તે સ્પેનને 2024માં પણ યુરો ચેમ્પિયન બનાવી ચૂક્યો છે.

Leave A Comment