માધુરી દીક્ષિત અમદાવાદી છોકરીની મમ્મી બની!:12 વર્ષની ઉંમરે બોલિવૂડમાં ડેબ્યૂ, અનુષ્કા શર્માનું બ્રેસલેટ વાગતાં ભેંકડો તાણ્યો; નવ્યાની નટખટ વાતો
હેં….. માધુરી દીક્ષિતની દીકરીનો રોલ, Wow!! ફર્સ્ટ મૂવી અને એ પણ માધુરી દીક્ષિત સાથે! હું તો ખુશીથી પાગલ જ થઈ ગઈ હતી. તેમને જોઈને તો મારા દિલમાં ‘ધક-ધક’ થવા લાગ્યું હતું. આ શબ્દો છે અમદાવાદની 12 વર્ષની દીકરી નવ્યા રાઠોડના. તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘મા-બહેન’માં તેણે ‘ધક-ધક ગર્લ’ની દીકરીના બાળપણની ભૂમિકા ભજવી છે. નાની ઉંમરે મળેલી આ મોટી સફળતા અને શૂટિંગના સેટ પર બોલિવૂડ સ્ટાર્સ સાથે થયેલી મજાક-મસ્તી વિશે નવ્યાએ પોતાની કાલીઘેલી ભાષામાં દિવ્યભાસ્કર સાથે ખાસ વાતચીત કરી. ફિલ્મની ઓફર કેવી રીતે મળી અને ઓડિશન પ્રોસેસ શું હતી? મને એક્ટિંગ ફિલ્ડમાં હજુ એક જ વર્ષ થયું છે, તેથી મને આ ફિલ્મની ઓફર એક કાસ્ટિંગ એજન્સી દ્વારા મળી હતી. આ ફિલ્મનું ઓડિશન સતત 10 દિવસ સુધી ચાલ્યું હતું, જેમાં મારી સાથે બીજી ત્રણ છોકરીઓ પણ હતી. ઓડિશનમાં અમને બે સીન આપવામાં આવ્યા હતા- એક ગુસ્સાવાળો સીન હતો અને બીજો ક્રાઇમ સીન. ગુસ્સાવાળા સીનમાં મારે ગોલ્ડી નામની એક છોકરીનો દાંત તોડવાનો હતો. જ્યારે બીજા ક્રાઇમ સીનમાં, ઘરમાં ગુંડાઓ ઘૂસી જાય છે એટલે અમારે તેમનાથી બચવાનું હતું. ઓડિશનમાં આ બંને સીન પરફોર્મ કર્યા બાદ તેના આધારે મને આ ફિલ્મની ઓફર મળી. માધુરી દીક્ષિત સાથે પહેલી મુલાકાત કેવી રહી? આ સુંદર સફરની યાદો તાજી કરતાં નવ્યાએ કહ્યું- ‘ઓડિશન પછી મને સીધા શૂટિંગના સેટ પર બોલાવવામાં આવી, જ્યાં પહેલીવાર માધુરી મેમ સાથે મારી મુલાકાત થઈ. મને અને બીજી એક છોકરીને એક સીન આપવામાં આવ્યો હતો, જેમાં અમે મેકઅપ કરી રહ્યા હોઈએ. એ સીન ભજવવામાં મને બહુ મજા પડી હતી.’ ‘જ્યારે હું માધુરી મેમને મળી, ત્યારે મેં ઉત્સાહમાં આવીને એમને કહ્યું— ‘હાઈ…. How are you?.’ તેમણે પણ પ્રેમથી જવાબ આપતાં કહ્યું— ‘હાઈ… You are so cute.’ બસ, આ રીતે મીઠી વાતોથી અમારી મુલાકાત શરૂ થઈ. એ પછી તો મેં તેમની સાથે ઘણી ગેમ્સ રમી અને ખૂબ ધમાલ-મસ્તી પણ કરી.’ ફિલ્મમાં તારી ભૂમિકા કેવા પ્રકારની છે? નવ્યાએ ફિલ્મમાં પોતાની ભૂમિકા વિશે જણાવતાં કહ્યું- ‘એક સીનમાં હું આકાશમાં ચંદ્ર (મૂન) જોઈ રહી હોઉં છું, ત્યારે મારી મમ્મી (માધુરી દીક્ષિત) મને કહે છે કે— આ ચાંદામામા નથી, તારા પપ્પા છે! એટલે હું પણ તેમને જ મારા પપ્પા માનવા લાગું છું. એ પછી એક સીનમાં હું ચાંદ દોરી રહી હોઉં છું, ત્યારે એક છોકરી મને ચીડવતા કહે છે કે, ‘તેરે પપ્પા ગંજે હો ગયે, ઈસી લીએ ચાંદ જેસે દીખતે હૈં’. આ સાંભળીને મને બહુ ગુસ્સો આવે છે અને હું તેનો દાંત તોડી દઉં છું! આ સિવાય પણ હું કેટલાક રડવાના અને મોટે ભાગે ફની સીન્સમાં જોવા મળીશ.’ ‘શૂટિંગના બ્રેકમાં હું માધુરી મેમ સાથે ગેમ્સ રમતી’ શૂટિંગની યાદગાર પળોને વાગોળતાં નવ્યા કહે છે- ‘શૂટિંગના બ્રેક દરમિયાન હું માધુરી મેમ સાથે ‘રોક, પેપર, સીઝર્સ’ ગેમ રમતી હતી. અમારા બંને વચ્ચે પેટ્સ (ડોગ્સ-કેટ્સ) વિશે પણ ખૂબ વાતો થતી. કામની વાત કરું તો, જ્યારે મારાથી લાંબા ડાયલોગ્સ એકસાથે બોલાતા નહોતા, ત્યારે તેમણે મને એક સુંદર ટિપ આપી હતી. તેમણે કહ્યું કે- તું ડાયલોગ્સના કટકા કરી કરીને બોલ, તો તને સરળતાથી ફાવી જશે. આ સિવાય પણ તેઓ મને એક્ટિંગ વિશે ઘણું બધું શીખવતા હતા. તેમણે મને એક એવું કોમ્પ્લીમેન્ટ આપ્યું જે મને લાઇફટાઈમ યાદ રહેશે. તેમણે કહ્યું હતું કે- તું બહુ ક્યૂટ છે અને તારી એક્ટિંગ પણ ખૂબ જ સરસ છે!’ છોટા પેકેટ બડા ધમાકા! નવ્યાને ‘છોટા પેકેટ બડા ધમાકા’ કહી શકાય, કારણ કે આટલી નાની ઉંમરે તેણે આ ફિલ્મ ઉપરાંત કાજોલ અને અનુષ્કા શર્મા જેવા મોટા સ્ટાર્સ સાથે એડ-શૂટ પણ કર્યું છે. તે અંગે વાત કરતાં નવ્યાએ જણાવ્યું— ‘જ્યારે હું ‘Myntra’ (ઓનલાઇન શોપિંગ એપ)ના શૂટિંગ માટે ગઈ, ત્યારે મને ખબર નહોતી કે મારે અનુષ્કા શર્મા સાથે કામ કરવાનું છે, જે મારા ફેવરિટ ક્રિકેટર વિરાટ કોહલીના વાઇફ છે! પછી જ્યારે મારા પપ્પાએ મને કહ્યું કે તારે અનુષ્કા શર્મા સાથે શૂટિંગ કરવાનું છે, ત્યારે મને બિલકુલ વિશ્વાસ નહોતો આવતો. મેં પપ્પાને કહ્યું કે તમે મજાક ન કરો, સાચું કહો! પપ્પાએ જ્યારે કહ્યું કે હું સાચું જ કહું છું, ત્યારે આ સાંભળીને હું રાજી-રાજી થઈ ગઈ હતી.’ અનુષ્કા શર્મા સાથેનો એક કિસ્સો શેર કરતાં નવ્યાએ કહ્યું- ‘સેટ પર હું સીધી જઈ રહી હતી અને તે મારી જમણી બાજુથી આવી રહ્યા હતા. એવામાં અમે એકબીજા સાથે અથડાયા અને તેમનું બેંગલ મારા ગાલ પર જોરથી વાગ્યું. મને લોહી નીકળવા લાગ્યું એટલે હું એ સમયે એડ શૂટ ન કરી શકી. જોકે, પાછળથી અનુષ્કા મેમે મને સોરી કહ્યું. હું રડવા લાગી હતી તો તેમણે મને પ્રેમથી છાની રાખી, પોતાની વેનિટી વેનમાં બોલાવી અને મારી સાથે ઘણા ફોટોઝ પણ ક્લિક કર્યા.’ ઘણી ટીવી સિરીયલ્સમાં પણ જોવા મળી છે નવ્યા નવ્યા પોતાના કામ વિશે જણાવતાં કહે છે કે- તેણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’, ‘CID’, ‘ગંગાસતી-પાનબાઈ’, ‘દહેજ-દાસી’, ‘જાગૃતિ’, ‘નથ’ અને ‘ગુડિયારાની’ જેવી લોકપ્રિય સિરીયલ્સમાં કામ કર્યું છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના રોલ વિશે વાત કરતાં તેણે કહ્યું- ‘મને પહેલા આ સિરીયલમાં ‘Pookie’નો (લીડ ચાઈલ્ડ આર્ટિસ્ટ) રોલ મળવાનો હતો, પણ મારી બીજી સિરીયલના શૂટિંગ સાથે સમય ક્લેશ થતો હતો એટલે પછી મને Pookieની ફ્રેન્ડનો રોલ મળ્યો.’ જ્યારે ‘CID’ના શૂટિંગનો કિસ્સો શેર કરતાં તેણે કહ્યું- ‘મેં સેટ પર દયા સર સાથે ખૂબ જ મસ્તી કરી હતી અને ફોટોઝ પણ પડાવ્યા હતા. ત્યાં સેટનું વાતાવરણ ખૂબ જ સરસ હતું, કારણ કે મારી ઉંમરના ઘણા નાના બાળકો ત્યાં હાજર હતા, એટલે અમે બધા સાથે મળીને ખૂબ રમતા હતા.’ નાની ઉંમરે મોટી સિદ્ધિઓ નવ્યા પોતાની પર્સનલ લાઇફ વિશે જણાવતા કહે છે- ‘હાલમાં મારી ઉંમર 12 વર્ષની છે અને મેં એક્ટિંગની શરૂઆત એક વર્ષ પહેલાં જ કરી છે. હું હાલ ધોરણ-6માં અભ્યાસ કરું છું. મારા પપ્પા એન્જિનિયર છે અને મમ્મી હાઉસવાઇફ છે. મારા પેરેન્ટ્સ મને ડાન્સ, એક્ટિંગ અને ક્રિકેટ જેવી દરેક બાબતમાં ખૂબ સપોર્ટ કરે છે, જેના માટે હું તેમની ખૂબ જ ગ્રેટફુલ છું.’ સ્કૂલના મસ્તીખોર કિસ્સાઓ એક્ટિંગના કારણે સ્કૂલમાં બનેલી ઘટના વિશે નવ્યાએ જણાવ્યું- ‘એકવાર એક્ટિંગના કારણે મને ટીચરે ઠપકો આપ્યો હતો. મારે શૂટિંગ હોવાને લીધે હોમવર્ક બાકી રહી ગયું હતું, જેથી બીજે દિવસે સ્કૂલમાં શિક્ષક મને ખીજાયા હતા. વધુમાં તેણે હસતાં હસતાં કહ્યું કે, ફિલ્મ અને સિરીયલ્સમાં જોયા બાદ હવે સ્કૂલના ફ્રેન્ડ્સ પણ મારી થોડી મસ્તી કરે છે, મારી પાસે ઓટોગ્રાફ માંગે છે અને મને ‘માધુરી મેમ… માધુરી મેમ’ કહીને ચીડવે છે.’ સ્કૂલ લાઈફ અને એક્ટિંગ કરિયર વચ્ચે બેલેન્સ કેવી રીતે થાય છે? મહિનામાં 15 દિવસ મુંબઈ રહેતી નવ્યાએ આ સવાલનો ખૂબ જ સરળ અને સ્માર્ટ જવાબ આપતાં કહ્યું- ‘હું શૂટિંગના સેટ પર પણ મારી બુક્સ સાથે લઈને જઉં છું. જ્યારે પણ શૂટિંગ દરમિયાન મને બે-ત્રણ કલાકનો ફ્રી ટાઈમ મળે, ત્યારે હું મારું લેસન કરી લઉં છું અને જો પરીક્ષા આવવાની હોય તો વાંચવાનું પતાવી દઉં છું. શૂટિંગ સેટ પર અમને એક સ્પેશિયલ રૂમ આપવામાં આવે છે. ’જ્યારે તેને પૂછવામાં આવ્યું કે હોમવર્ક કરવું સહેલું છે કે ડાયલોગ યાદ રાખવા? તો નવ્યાએ હસીને જવાબ આપ્યો- ‘ડાયલોગ્સ યાદ રાખવા મુશ્કેલ છે!’ નાની આંખોમાં જોયેલા મોટા સપના એક્ટિંગ, ડાન્સિંગ અને કન્ટેન્ટ ક્રિએશન જેવા મલ્ટિપલ ટેલેન્ટ ધરાવતી નવ્યાએ પોતાના ભવિષ્યના સપના વિશે વાત કરતાં કહ્યું- ‘હું મોટી થઈને પણ એક્ટિંગ જ કરવા માંગુ છું, પણ બાય ચાન્સ મારું ક્રિકેટમાં સિલેક્શન થઈ ગયું તો હું ક્રિકેટર બનીશ. અને જો હું ક્રિકેટર પણ ન બની શકી, તો પછી હું જજ બનીશ!’
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

