શુભમન ગિલ વન-ડેમાં નંબર-1 બનવાથી એક પોઇન્ટ દૂર:ન્યૂઝીલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત, રૂટ 6 વર્ષ પછી ટૉપ-10માં સામેલ

Last Updated: July 22, 2026By

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ વન-ડેના નંબર-1 બેટર બનવાથી એક પોઇન્ટ દૂર છે. તે ICCના વન-ડે બેટર્સની રેન્કિંગમાં બીજા સ્થાને છે. ગિલના 801 રેટિંગ પોઇન્ટ્સ છે, જ્યારે વર્તમાન વર્લ્ડ નંબર-1 ડેરિલ મિચેલના 802 પોઇન્ટ્સ છે. 19 જુલાઈના રોજ લોર્ડ્સમાં 138 રનની ઇનિંગ્સ રમનાર રોહિત શર્માએ વિરાટ કોહલીથી રેટિંગ પોઇન્ટ્સનું અંતર ઓછું કરી લીધું છે. બંનેમાં 9 રેટિંગ પોઇન્ટ્સનો તફાવત છે. રોહિત ચોથા અને વિરાટ ત્રીજા સ્થાને છે. ICCએ બુધવારે લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી. જો રૂટ ટૉપ-10માં પરત ફર્યો, ડકેટ 19મા નંબરે આવ્યા વન-ડેની બેટિંગ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના જો રૂટને ચાર સ્થાનનો ફાયદો થયો છે. તે આઠમા નંબરે પહોંચી ગયા છે. રૂટે વર્ષ 2020 પછી પહેલીવાર વન-ડે રેન્કિંગના ટૉપ-10માં સ્થાન બનાવ્યું છે. રૂટ ભારત સામેની વન-ડે સિરીઝમાં અણનમ રહ્યો હતો. તેણે 76, 99 અને 74 રનની ઇનિંગ્સ રમી હતી. લોર્ડ્સ વન-ડેમાં 141 રન બનાવનાર બેન ડકેટ 11 સ્થાનની છલાંગ લગાવીને સંયુક્ત 19મા સ્થાને પહોંચી ગયો છે. અક્ષર, અલ્ઝારી અને કરનને 10-10 સ્થાનનો ફાયદો વન-ડે બોલરોની રેન્કિંગમાં ભારતના અક્ષર પટેલ, વેસ્ટ ઇન્ડીઝના અલ્ઝારી જોસેફ અને ઇંગ્લેન્ડના સેમ કરનને 10-10 સ્થાનનો ફાયદો થયો છે. અક્ષર 32મા, જોસેફ 26મા અને કરન 70મા સ્થાને છે. ન્યૂઝીલેન્ડના મિચેલ સેન્ટનર ચોથા અને વેસ્ટ ઇન્ડીઝના ગુડાકેશ મોતી સંયુક્ત નવમા સ્થાને પહોંચી ગયો છે. T20Iમાં તન્ઝીદ, બેનેટ અને નગરવાએ છલાંગ લગાવી ICCની તાજેતરની T20I રેન્કિંગમાં બાંગ્લાદેશના તન્ઝીદ હસન કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 20મી રેન્કિંગ પર પહોંચી ગયો છે. ઝિમ્બાબ્વેનો ઓલરાઉન્ડર બ્રાયન બેનેટે નવમા સ્થાને પહોંચીને પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવી છે, જ્યારે ઝડપી બોલર રિચાર્ડ નગરવા 37 સ્થાનની છલાંગ લગાવીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 32મા સ્થાને પહોંચી ગયો છે.