ઈજાગ્રસ્ત જેમિમાહ એશિયા કપમાંથી બહાર, એશિયન ગેમ્સ પણ નહીં રમે:પ્રતિકાને તક; ભારતની પહેલી મેચ 30 ઑગસ્ટે રમાશે

Last Updated: August 14, 2026By

વુમન્સ ક્રિકેટર જેમિમાહ રોડ્રિગ્સ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે એશિયા કપ અને એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ છે. તેને આ ઈજા આ જ મહિને ઇંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટ દરમિયાન થઈ હતી. તેની જગ્યાએ પ્રતિકા રાવલને ટીમમાં સામેલ કરવામાં આવી છે. BCCIએ શુક્રવારે જણાવ્યું કે 25 વર્ષીય જેમિમાહની મેડિકલ ટીમે તપાસ કરી છે. તપાસમાં તેની હેમસ્ટ્રિંગમાં ગંભીર સ્તરનો ટિયર જોવા મળ્યો છે. BCCIએ સોશિયલ મીડિયા પોસ્ટથી આ માહિતી આપી. એશિયા કપ 28 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી દુબઈમાં રમાશે. ધ હન્ડ્રેડ લીગ રમતી વખતે જેમિમાહને ઈજા થઈ BCCIએ જણાવ્યું કે ઈંગ્લેન્ડમાં ધ હન્ડ્રેડ લીગની એક મેચમાં 3 ઓગસ્ટે જેમિમાહના જમણા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. મેડિકલ ટીમે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં તેની તપાસ કરી. જેમાં હાઈ-ગ્રેડ ટિયર ઈજા કન્ફર્મ થઈ છે. એશિયન ગેમ્સ જાપાનના નાગોયામાં 17 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી રમાશે. ટુર્નામેન્ટ T20 ફોર્મેટમાં હશે. એશિયા કપ માટે ભારતની ટીમ હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), શેફાલી વર્મા, ભારતી ફુલમાળી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), અરુંધતિ રેડ્ડી, પ્રેમા રાવત, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા ઠાકુર, નંદિની શર્મા, ક્રાંતિ ગૌડ અને પ્રતિકા રાવલ.