Why Google Maps Doesn’t Work in China & Best Alternatives | Gujarat News

Last Updated: August 20, 2026By

ભારત અથવા અન્ય દેશોમાં ક્યાંય પણ જવા માટે આપણે સરળતાથી ગૂગલ મેપ્સ (Google Maps) નો ઉપયોગ કરીને રસ્તો શોધી લઈએ છીએ. પરંતુ જો તમે ચીનની મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો ત્યાં પહોંચ્યા પછી તમારો ગૂગલ મેપ્સનો અનુભવ સંપૂર્ણપણે નિરાશાજનક હોઈ શકે છે. એપ ખુલ્લી હોવા છતાં નકશાનો ડેટા પ્રોપર લોડ થતો નથી, લાઈવ ટ્રેફિક દેખાતો નથી અને લોકેશન પણ ખોટું બતાવે છે. આવું કેમ થાય છે અને તેની પાછળનું અસલી કારણ શું છે, તે જાણવું ખૂબ જ જરૂરી છે.

ચીનમાં ગૂગલ મેપ્સ કેમ કામ નથી કરતું?

ચીનમાં ગૂગલ મેપ્સના કામ ન કરવા પાછળનું મુખ્ય કારણ ત્યાંની કડક ઇન્ટરનેટ સેન્સરશીપ સિસ્ટમ છે, જેને ‘ગ્રેટ ફાયરવોલ’ કહેવામાં આવે છે. આ સિસ્ટમ હેઠળ ગૂગલની મોટાભાગની સર્વિસીસ પર પ્રતિબંધ છે. ગૂગલ મેપ્સ ઉપરાંત ગૂગલ સર્ચ, જીમેલ, યુટ્યુબ અને ડ્રાઇવ જેવી સેવાઓ પણ ચીનમાં સરળતાથી ચાલતી નથી. ચીની સરકાર અને ગૂગલ વચ્ચે ડેટા અને સર્વિસ ગવર્નન્સને લઈને લાંબા સમયથી મતભેદો રહ્યા છે, જેના કારણે ગૂગલે તેની ઘણી ઓનલાઈન સેવાઓ ત્યાંથી હટાવી લીધી છે.

કોઓર્ડિનેટ સિસ્ટમનો તફાવત

જો તમારા ફોનમાં અગાઉથી ગૂગલ મેપ્સ ઇન્સ્ટોલ હોય તો પણ ચીનમાં ગૂગલના સર્વર્સ સાથે કનેક્ટ ન થવાને કારણે લાઈવ ટ્રેફિક કે પબ્લિક ટ્રાન્સપોર્ટની માહિતી મળતી નથી. વળી, ચીન ‘GCJ-02’ નામની એક અલગ કોઓર્ડિનેટ સિસ્ટમ વાપરે છે, જ્યારે ગૂગલ મેપ્સ વૈશ્વિક ‘WGS-84’ સિસ્ટમ પર કામ કરે છે. આ તફાવતના કારણે તમારું સાચું લોકેશન મેપ પર થોડા મીટર દૂર બતાવી શકે છે. અહીં વીપીએન (VPN) નો ઉપયોગ કરવાથી પણ આ સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાતી નથી. મુસાફરી કરતા પહેલા ઓફલાઈન મેપ ડાઉનલોડ કરવાથી સામાન્ય દિશાઓ મળી જાય છે, પણ લાઈવ ફીચર્સ કામ કરતા નથી.

ચીનમાં કઇ એપનો ઉપયોગ કરવો જોઈએ?

ચીનમાં મુસાફરી કરતી વખતે નેવિગેશન માટે સ્થાનિક એપ્સ જેવી કે ‘Amap’ (Gaode), ‘Baidu Maps’ અથવા ‘Apple Maps’ વધુ સચોટ સાબિત થાય છે. ‘Amap’ ચીની કોઓર્ડિનેટ ડેટા પર આધારિત છે અને ડ્રાઇવિંગ, વોકિંગ તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ઉત્તમ છે, જેમાં અંગ્રેજી ભાષાનો વિકલ્પ પણ મળે છે. આ ઉપરાંત આઈફોન યુઝર્સ માટે એપલ મેપ્સ પણ ત્યાં ખૂબ જ ચોક્કસ પરિણામ આપે છે.

આ પણ વાંચોઃ Facial Cleansing: કોરિયન કે પછી હાઇડ્રા ફેશિયલ, સૌથી બ્રાઇટ સ્કીન માટે કયું બેસ્ટ?