'સ્પિરિટ'માંથી દીપિકાની હકાલપટ્ટી અંગે મોટો ખુલાસો:10% નફો માંગતા વાત બગડી, પ્રોડ્યુસરે એક્ટ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો
બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં બીજી વખત માતા બનવાની છે. ઉપરાંત દીપિકા ફિલ્મ ‘સ્પિરિટ’ના કારણે પણ અવાર-નવાર ચર્ચામાં રહી છે. તેવામાં ‘સ્પિરિટ’ના પ્રોડ્યુસર અને ‘કબીર સિંહ’, ‘એનિમલ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા સંદીપ રેડ્ડી વાંગાના ભાઈ પ્રણય રેડ્ડી વાંગાએ દીપિકા પાદુકોણના ફિલ્મ છોડવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેમજ એક્ટ્રેસ પર કેટલાક ગંભીર આરોપ પણ લગાવ્યા છે. દોઢ વર્ષ સુધી દીપિકા સાથે ચર્ચા ચાલી સાઉથ સ્ટાર પ્રભાસની લાંબા સમયથી રાહ જોવાથી ફિલ્મ ‘સ્પિરિટ’ ફરી ચર્ચામાં છે. ફિલ્મમાંથી દીપિકા પાદુકોણના અલગ થવા વિશે અલગ-અલગ રિપોર્ટ્સમાં અલગ-અલગ દાવાઓ કરવામાં આવ્યા હતા. જોકે, હવે ફિલ્મના પ્રોડ્યુસર પ્રણય રેડ્ડી વાંગાએ મોટો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રણયે દાવો કર્યો છે કે, વાત માત્ર કામના કલાકો પૂરતી સિમિત નહોતી. એક્ટ્રેસે નફામાં 10 ટકા ભાગીદારી માંગી હતી. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે, ફિલ્મની વાર્તા અને પાત્રો સંબંધિત કેટલીક ગોપનીય માહિતી પણ લીક થઈ. વાસ્તવમાં પ્રણય રેડ્ડી વાંગાએ NTV સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સંદીપ લગભગ દોઢ વર્ષથી પણ વધારે સમયથી દીપિકા સાથે આ ફિલ્મને લઈને ચર્ચા કરી રહ્યો હતો અને તે તેને (દીપિકાને) આ પ્રોજેક્ટમાં કાસ્ટ કરવા માંગતો હતો. પરંતુ વાતચીત આગળ વધવાની સાથે મામલો આર્થિક શરતો સુધી પહોંચી ગઈ. ‘અમે 5-6 કરોડ વધારે આપવા તૈયાર હતા’ પ્રણયે જણાવ્યું કે, દીપિકાએ ‘સ્પિરિટ’ના નફામાં 10 ટકા ભાગ માંગ્યો હતો. તેણે કહ્યું કે, કોઈ કલાકાર પોતાની શરત રાખે તેમાં કંઈ ખોટું નથી, પરંતુ પ્રોડક્શનના બજેટ અને ફિલ્મની અર્થવ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવી પડે છે. ટીમ દીપિકાને તેની માંગ કરતાં 5-6 કરોડ રૂપિયા વધુ આપવા માટે તૈયાર હતી પરંતુ આખા પ્રોજેક્ટનું બજેટ જોતા પ્રોફિટ શેરિંગ અને બીજી શરતો પર સંમતિ બની શકી નહીં. પરિણામે મેકર્સે બીજા વિકલ્પો શોધવાના શરૂ કરી દીધા અને દીપિકા ફિલ્મનો ભાગ ન રહી. ‘ફિલ્મની અંદરની વાતો લીક થઈ’ પ્રણયે નફામાં ભાગીદારી ઉપરાંત દીપિકા પર એક ગંભીર આરોપ પણ લગાવ્યો. તેણે કહ્યું કેસ ફિલ્મની વાર્તા અને દીપિકાના પાત્રને લઈને ટીમે તેની સાથે લાંબા સમય સુધી ચર્ચા કરી. આ વાતચીત ગોપનીય હતી, પરંતુ બાદમાં ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક જાણકારીઓ સાર્વજનિક થઈ ગઈ. પ્રણયે દાવો કર્યો કે જ્યારે મેકર્સે દીપિકાની જગ્યાએ બીજા વિકલ્પો શોધવાનું શરૂ કર્યું, તે દરમિયાન ફિલ્મની અંદરની વાતો લીક થવા લાગી. સંદીપ રેડ્ડી વાંગાએ પણ આરોપ વગાવ્યો હતો સંદીપ રેડ્ડી વાંગાએ થોડા સમય પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર લખ્યું હતું કે, ‘જ્યારે હું કોઈ એક્ટરને મારી સ્ક્રિપ્ટ સંભળાવું છું, ત્યારે મને તેના પર 100 ટકા વિશ્વાસ હોય છે. આપણી વચ્ચે એક નોન-ડિસ્કલોઝર ઍગ્રીમેન્ટ છે. પણ સ્ક્રિપ્ટ લીક કરીને તમે બતાવ્યું છે કે તમે શું છો. એક યુવાન એક્ટરનું અપમાન કરવું અને મારી સ્ટોરી લીક કરવી, શું આ તમારો નારીવાદ છે? એક ફિલ્મ નિર્માતા તરીકે, મેં મારી કળા પર ઘણા વર્ષોની સખત મહેનત કરી છે. ફિલ્મ મેકિંગ મારા માટે બધું જ છે.’ સાથે જ સંદીપે હિન્દીની કહેવત શેર કરીને એક્ટ્રેસ પર પોતાની ભડાસ કાઢી હતી. દીપિકાની એક્ઝિટ તૃપ્તિ ડિમરીને ફળી દીપિકા પાદુકોણ ફિલ્મમાંથી બહાર થઈ ત્યારબાદ મેકર્સે તૃપ્તિ ડિમરીને કાસ્ટ કરી. આ અંગે મેકર્સે સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારબાદ ફિલ્મનું એક પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું હતું, જેમાં પ્રભાસ લાંબા વાળ, ઘાટી દાઢી અને મૂછો સાથે શર્ટલેસ જોવા મળ્યો હતો. તેની બોડી પર ઈજાના નિશાન અને ખભા, હાથ અને પીઠ પર ઘણી પટ્ટીઓ બાંધેલી હતી. પ્રભાસના હોઠની વચ્ચે એક સિગારેટ અને એક હાથમાં દારૂનો ગ્લાસ હતો. જ્યારે, તૃપ્તિ આછા ગ્રે રંગની સાડીમાં પ્રભાસની નજીક ઊભેલી જોવા મળી રહી હતી અને તે પ્રભાસની સિગારેટ સળગાવતી દેખાઈ રહી હતી. તૃપ્તિનો ચહેરો ખૂબ શાંત અને ગંભીર જોવા મળી રહ્યો હતો.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

