Sim Card New Rules SIM card rules will be stricter from August 24 know how many SIMs are active in your name | Gujarat News

Last Updated: August 22, 2026By

જો તમારા નામે એક કરતા વધુ મોબાઇલ કનેક્શન ચાલી રહ્યા છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્વના છે. કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ સિમ કાર્ડ ખરીદવાના નિયમો વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો છે. 24 ઓગસ્ટ, 2026 થી ટેલિકોમ કંપનીઓ એવા લોકોને નવું સિમ કાર્ડ જારી નહીં કરી શકે જેમના નામે પહેલાથી જ નક્કી કરેલી મર્યાદા જેટલા સિમ બોલે છે. આ નિયમ તમામ કંપનીઓ (Jio, Airtel, Vi, BSNL) માટે લાગુ પડશે.

એક વ્યક્તિના નામે કેટલા સિમ કાર્ડ હોઈ શકે?

સરકારી નિયમો મુજબ સામાન્ય રાજ્યોમાં એક આધાર કાર્ડ કે ઓળખપત્ર પર વધુમાં વધુ 9 સિમ કાર્ડ રાખી શકાય છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, આસામ અને ઉત્તર-પૂર્વના રાજ્યો માટે આ મર્યાદા 6 સિમ કાર્ડની રાખવામાં આવી છે. જો તમારા નામે અલગ-અલગ કંપનીઓના સિમ હશે, તો પણ કુલ સંખ્યા જ ગણતરીમાં લેવાશે. નિયમ કરતા વધારે સિમ હોવા પર નવું કનેક્શન નહીં મળે.

તમારા નામે કેટલા સિમ ચાલુ છે? આ રીતે કરો ચેક:

તમારા કે તમારા પરિવારના નામે કેટલા મોબાઈલ નંબર નોંધાયેલા છે તે જાણવા માટે સરકારે ‘સંચાર સાથી’ (Sanchar Saathi) પોર્ટલ બનાવ્યું છે. ચકાસણી કરવાની રીત:

સંચાર સાથી પોર્ટલની સત્તાવાર વેબસાઈટ (sancharsaathi.gov.in) પર જાવ.

હોમપેજ પર નીચે સ્ક્રોલ કરીને Know Your Mobile Connections વિકલ્પ પર ક્લિક કરો.

તમારો 10 અંકનો મોબાઈલ નંબર, કેપ્ચા કોડ અને મોબાઈલ પર આવેલો OTP દાખલ કરી લોગિન કરો.

સ્ક્રીન પર તમારા નામે નોંધાયેલા તમામ મોબાઈલ નંબરનું લિસ્ટ દેખાશે.

બિનજરૂરી કે અજાણ્યા નંબર કેવી રીતે બંધ કરવા?

જો લિસ્ટમાં એવો કોઈ નંબર દેખાય જેનો તમે ઉપયોગ નથી કરતા અથવા તો જે તમારા ધ્યાન બહાર છે, તો તમે પોર્ટલ પરથી જ તેની રિપોર્ટ કરી શકો છો. જે નંબર બંધ કરવો હોય તેની સામેના ચેકબોક્સ પર ટીક કરી રિપોર્ટ કરવાથી ટેલિકોમ વિભાગ તે નંબરને અક્ષમ (Disable) કરવાની પ્રક્રિયા શરૂ કરી દેશે.