India Tour of Bangladesh Postponement Statement; BCB BCCI Cricket Talks
1 દિવસ પેહલા
- કૉપી લિંક
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ તમીમ ઇકબાલે સંકેત આપ્યો છે કે ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ ફરી ટળી શકે છે.
37 વર્ષીય ભૂતપૂર્વ બાંગ્લાદેશી કેપ્ટને કહ્યું કે સિરીઝને લઈને BCB અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) વચ્ચે વાતચીત ચાલી રહી છે.
હકીકતમાં, ભારતને ઑગસ્ટ 2025માં બાંગ્લાદેશનો પ્રવાસ કરવાનો હતો, પરંતુ સિરીઝને બાદમાં સપ્ટેમ્બર 2026 સુધી ટાળી દેવામાં આવી.
BCB એ જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે ભારત ઢાકા અને ચટગાંવમાં 3 વન-ડે અને 3 T20 મેચ રમશે. જોકે, BCCIએ આ પ્રવાસને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
નવું શેડ્યૂલ હજુ સુધી જાહેર થયું નથી
BCBની પ્રેસ રિલીઝ અનુસાર સિરીઝની પ્રથમ વન-ડે 3 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. પરંતુ, અત્યાર સુધી નવું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું નથી. હજુ એ સ્પષ્ટ નથી કે સિરીઝ નિર્ધારિત કાર્યક્રમ મુજબ થશે કે નહીં.
આખો મામલો 3 મુદ્દાઓમાં સમજો
- સિરીઝ 2024માં થવાની હતી: પ્રવાસ પહેલા 2024માં થવાનો હતો. આ દરમિયાન બાંગ્લાદેશમાં સરકાર વિરોધી આંદોલન થયું અને સરકાર બદલાઈ. પછી T20 વર્લ્ડ કપ પહેલા BCCI અને BCB વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ. આને કારણે સિરીઝ મુલતવી રાખવામાં આવી હતી.
- સુરક્ષા મોટો મુદ્દો: તમીમ ઇકબાલે બાંગ્લાદેશના વિદેશ રાજ્ય મંત્રી શામા ઓબેદ ઇસ્લામ સાથે મુલાકાત કરી. તેમણે સરકારને કહ્યું છે કે તેઓ ભારત સરકાર સાથે વાત કરે. તેમણે ખાતરી આપવા કહ્યું કે બાંગ્લાદેશમાં ટીમ ઇન્ડિયા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે.
- પરિસ્થિતિ સુધરતા સિરીઝ શક્ય: ભારતે બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનને ભારતમાં યોજાનાર BRICS સંમેલનનું આમંત્રણ આપ્યું છે. બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત પણ થઈ છે. નિષ્ણાતોના મતે જો બંને દેશોના રાજકીય સંબંધો સુધરશે, તો મેચનો માર્ગ મોકળો થશે.
મુસ્તફિઝુરને હટાવવાથી સંબંધોમાં તણાવ
IPL 2025 પહેલાં કોલકાતા નાઈટ રાઈડર્સે BCCIના કહેવા પર બાંગ્લાદેશના ઓલરાઉન્ડર મુસ્તફિઝુર રહેમાનને ટીમમાંથી હટાવી દીધો હતો.
આ પછી અમીનુલ ઇસ્લામના નેતૃત્વમાં BCBએ T20 વર્લ્ડ કપમાં પોતાની ટીમ ન મોકલવાનો નિર્ણય કર્યો હતો. આ ટુર્નામેન્ટનું આયોજન ભારતે શ્રીલંકા સાથે મળીને કર્યું હતું.
તમીમના પ્રેસિડેન્ટ બનવા પર BCCI-BCBના સંબંધો સુધર્યા
તમીમના પ્રેસિડેન્ટ બનવા પર બંને બોર્ડના સંબંધોમાં સુધારો આવ્યો છે. તેઓ આ મહિનાની શરૂઆતમાં ભારત આવ્યા હતા.
તમીમને 2 મહિના પહેલાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રેસિડેન્ટ બનાવ્યા હતા. તેમનો કાર્યકાળ 4 વર્ષનો છે. તેમણે ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


