ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ:વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

Last Updated: August 28, 2026By

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ગત સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં ઊંચી અસ્થિરતા, ઝડપી ઉછાળા અને ઘટાડા સાથે દિશાવિહીનથી નકારાત્મક વલણ જોવા મળ્યું છે. સપ્તાહની શરૂઆતમાં ઊંચા ક્રુડ ઓઈલના ભાવ, વૈશ્વિક બોન્ડ યીલ્ડમાં વધઘટ અને વિદેશી રોકાણકારોની અનિશ્ચિત પ્રવૃત્તિને કારણે બજારમાં સાવચેતી જોવા મળી હતી. રોકાણકારો ઊંચા સ્તરે નવી ખરીદી કરતાં પસંદગીયુક્ત અભિગમ અપનાવતા જોવા મળ્યા હતા. દુનિયાભરના શેરબજારોમાં આવતા તીવ્ર ઉતાર-ચઢાવે રોકાણકારોનું ટેન્શન વધારી દીધું છે. ક્યારેક બજારમાં અચાનક મોટો ઉછાળો આવે છે, તો ક્યારેક તે ક્ષણવારમાં ધરાશાયી થઈ જાય છે. વિશ્વપ્રસિદ્ધ બ્રોકરેજ ફર્મ જેફરીઝ અનુસાર, આ વધઘટ હજુ પણ આગળ જોવા મળી શકે છે. રિપોર્ટમાં અમેરિકાને આ સ્થિતિ માટે મુખ્ય કારણ દર્શાવતા જણાવાયું છે કે, અમેરિકા પર વધતા જતા દેવાનું બોજ સમગ્ર વિશ્વના સ્ટોક માર્કેટ માટે જોખમ ઊભું કરી રહ્યું છે. સપ્તાહની શરુઆતે નીચલા સ્તરે વેલ્યુ બાયિંગ પરત આવતા બજારમાં સુધારો નોંધાયો હતો. જોકે આ સુધારો વ્યાપક અને ટકાઉ બનવાને બદલે પસંદગીના શેરો પૂરતો મર્યાદિત રહ્યો હતો. બજારે શરૂઆતમાં સકારાત્મક સંકેત આપ્યા હોવા છતાં દિવસના અંતે ફરી નફાવસૂલી જોવા મળી હતી. સપ્તાહના અંતે સત્રમાં શરૂઆતમાં બજારને બે મહત્વપૂર્ણ સકારાત્મક પરિબળોનો ટેકો મળ્યો હતો. વૈશ્વિક ટેક્નોલોજી શેરોમાં મજબૂતી, ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો અને એશિયન બજારોમાં સુધારાએ શરૂઆતના સેન્ટિમેન્ટને ટેકો આપ્યો હતો. એકંદરે, બજારની આંતરિક સ્થિતિમાં હજુ સંપૂર્ણ તેજીનો વિશ્વાસ જોવા મળતો નથી. સ્થાનિક સંસ્થાકીય ખરીદી બજારને નીચેના સ્તરે આધાર આપી રહી છે, જ્યારે વિદેશી નાણાંપ્રવાહ, રૂપિયા, કાચા તેલ અને વૈશ્વિક વ્યાજદરના પરિબળો તેજીને મર્યાદિત કરી રહ્યા છે. સેન્સેક્સમાં સપ્તાહ દરમિયાન સતત વધઘટ જોવા મળી છે. શરૂઆતના ઘટાડા બાદ નીચલા સ્તરે ખરીદી જોવા મળી, પરંતુ ઊંચા સ્તરે ફરી નફાવસૂલી થવાથી સુધારો ટકાવી રાખવામાં મુશ્કેલી રહી. ખાસ કરીને મોટા લાર્જકેપ અને નાણાકીય શેરોમાં વેચવાલી આવે ત્યારે સેન્સેક્સ ઉપર ઝડપથી દબાણ જોવા મળ્યું છે. વૈશ્વિક ટેક્નોલોજી શેરોમાં મજબૂતી અને કાચા તેલના ભાવમાં ઘટાડાને કારણે સેન્સેક્સની શરૂઆત સકારાત્મક રહી હતી. જોકે વાયદા બજારની સમાપ્તિ અને ટૂંકા ગાળાની પોઝિશન એડજસ્ટમેન્ટને કારણે દિવસ દરમિયાન અસ્થિરતા વધવાની શક્યતા રહી હતી. નિફ્ટી ફ્યુચરમાં સપ્તાહ દરમિયાન ટૂંકા ગાળાના વેપારીઓની સક્રિયતા ઊંચી રહી છે. ઘટાડા દરમિયાન શોર્ટ પોઝિશન અને નીચલા સ્તરે શોર્ટ કવરિંગના કારણે બજારમાં ઝડપી હલચલ જોવા મળી છે. હાલમાં ફ્યુચર્સ બજારમાં સતત નવી લોંગ પોઝિશન કરતાં પોઝિશન એડજસ્ટમેન્ટનું વલણ વધુ સ્પષ્ટ છે. તેથી માત્ર એક સત્રની તેજીને આધારે ટકાઉ તેજીનો નિષ્કર્ષ કાઢવાને બદલે રોકડ બજારમાં ખરીદીની પહોળાઈ અને સંસ્થાકીય પ્રવાહને ધ્યાનમાં લેવું વધુ યોગ્ય રહેશે. સ્થાનિક પરિબળો :- ભારતીય અર્થતંત્ર માટે ઘરેલુ માંગ, સરકારી મૂડી ખર્ચ, બેન્કિંગ ક્ષેત્રની ધિરાણ વૃદ્ધિ, પ્રણાલીબદ્ધ રોકાણ યોજનાઓ અને કોર્પોરેટ કમાણી જેવા પરિબળો લાંબા ગાળે સકારાત્મક છે. સ્થાનિક રોકાણકારોની સતત ભાગીદારી ખાસ કરીને મહત્વપૂર્ણ બની છે. જુલાઈ દરમિયાન પ્રણાલીબદ્ધ રોકાણ યોજનાઓ દ્વારા રોકાણ ₹31961 કરોડથી વધુ રહ્યું હતું, જે સ્થાનિક બજારમાં ઊંડાણ અને સતત રોકાણકાર આધાર દર્શાવે છે. જોકે રૂપિયા ઉપરનું દબાણ, ઊંચું મૂલ્યાંકન અને બજારમાં નવા શેર પુરવઠાના કારણે ટૂંકા ગાળે ખરીદદારો સાવચેતીપૂર્વક આગળ વધી રહ્યા છે. વૈશ્વિક પરિબળો :- વૈશ્વિક બજારોની દિશા હાલ ભારતીય બજાર માટે અત્યંત મહત્વપૂર્ણ બની છે. અમેરિકન બજારો, વૈશ્વિક બોન્ડ યીલ્ડ, ડોલરની ચાલ, વ્યાજદરની અપેક્ષાઓ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ ભારતીય શેરબજારના જોખમ સેન્ટિમેન્ટને સીધી અસર કરી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સની કથળતી નાણાકીય સ્થિતિ લાંબા ગાળાના ટ્રેઝરી બૉન્ડ્સ પર ભારે દબાણ ઊભું કરી રહી છે. ઓગસ્ટના રોજ અમેરિકાનું રાષ્ટ્રીય દેવું અંદાજે 40.05 ટ્રિલિયન ડૉલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે, જે ગયા વર્ષની સરખામણીએ 7.8% વધુ છે. એટલું જ નહીં, સંઘીય સરકારે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં જ 1.8 ટ્રિલિયન ડૉલરની ખોટ (રાજકોષીય ખાધ) નોંધાવી છે. એકલા જુલાઈ મહિનામાં જ 432 અબજ ડૉલરની માસિક ખાધ નોંધાઈ હતી, જે માર્ચ 2021 પછીની સૌથી મોટી ખાધ છે. અમેરિકન બૉન્ડ માર્કેટમાં 10-વર્ષીય ટ્રેઝરી બૉન્ડની યીલ્ડ 4.683% પહોંચી ગઈ છે, જે છેલ્લા 19 વર્ષમાં સૌથી ઊંચું સ્તર છે. જ્યારે 30-વર્ષીય બૉન્ડની હરાજી 5.216% સુધી પહોંચી ગઈ છે, જે વર્ષ 2001 પછીનું સૌથી ઊંચું સ્તર છે. આ ખતરો માત્ર અમેરિકા પૂરતો સીમિત નથી રહેવાનો, કારણ કે અમેરિકન સરકારી બૉન્ડ્સ વિશ્વભરની બેન્કો, પેન્શન ફંડ્સ, વીમા કંપનીઓ અને અન્ય દેશોની સરકારો પાસે મોટી માત્રામાં રોકાયેલા છે. તેથી ટ્રેઝરી યીલ્ડમાં થતો આ વધારો વૈશ્વિક સ્તરે તમામ બજારો અને રોકાણકારો માટે ભારે અસ્થિરતા સર્જી શકે છે. આ સપ્તાહ દરમિયાન, મેટલ, ફાર્મા, પાવર અને પસંદગીના કેપિટલ ગુડ્સ શેરોમાં ખરીદીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ક્રૂડ ઓઇલમાં નરમાઈને કારણે, ઓઇલ અને ગેસ અને કેટલાક ઉર્જા આધારિત શેરોમાં પણ પસંદગીનો રસ જોવા મળી શકે છે. બીજી તરફ, બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને રિયલ્ટી સેક્ટરમાં વેચાણનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું હતું. વૈશ્વિક ટેકનોલોજી શેરોની મજબૂતાઈને કારણે સપ્તાહના અંતે ઇન્ફર્મેશન ટેકનોલોજી સેક્ટરમાં કરેક્શનનો પ્રયાસ જોવા મળી શકે છે. ઓટો અને એફએમસીજી સેક્ટરમાં કંપનીવાર પરિણામો અને મૂલ્યાંકનના આધારે શેરવાર મિશ્ર ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ ઉપરાંત કાચા તેલના ભાવમાં નરમાઈ, વૈશ્વિક ટેક્નોલોજી શેરોમાં સુધારો, મજબૂત સ્થાનિક માંગ, કોર્પોરેટ કમાણી અને નીચલા સ્તરે વેલ્યુ બાયિંગ બજાર માટે સકારાત્મક પરિબળો છે. ભાવિ દિશા :- આગામી સત્રોમાં ભારતીય શેરબજારનું વલણ અસ્થિરથી ધીમે ધીમે સકારાત્મક બનવાની સંભાવના છે, પરંતુ ટકાઉ તેજી માટે કેટલાક મહત્વપૂર્ણ પરિબળોમાં સુધારો જરૂરી રહેશે. જોકે ભારતીય કોર્પોરેટ નફામાં મજબૂત વૃદ્ધિ અને ઘરેલુ રોકાણ પ્રવાહ લાંબા ગાળે સકારાત્મક આધાર આપે છે. તેથી હાલના તબક્કે બજાર માટે સૌથી યોગ્ય અભિગમ ઘટાડામાં ગુણવત્તાસભર શેરોમાં તબક્કાવાર ખરીદી અને ઝડપી તેજીમાં નફાવસૂલીનો રહી શકે છે. આગામી સત્રોમાં માત્ર સૂચકાંકોની દિશા કરતાં શેરવાર કમાણી, સંસ્થાકીય પ્રવાહ અને ક્ષેત્રવાર મજબૂતી વધુ મહત્વપૂર્ણ રહેશે. ખાસ કરીને ટેકનોલોજી, ફાર્મા, પાવર, કેપિટલ ગુડ્સ અને પસંદગીના Metal શેરોમાં મજબૂત મૂળભૂત પરિબળ ધરાવતા શેરો બજારમાં રક્ષણાત્મક તથા વૃદ્ધિ આધારિત તકો પૂરી પાડી શકે છે. તા. 31.08.2026ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે… તા. 27.08.2026ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 24266 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 24088 પોઈન્ટના પ્રથમ અને 24008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 24303 પોઈન્ટ થી 24373 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 24404 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( 1296 ) :- ઓઇલ અને ગેસ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. 1296 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. 1260ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. 1308થી રૂ. 1313 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ. 1320 ઉપર તેજી તરફી ધ્યાન…!! હેવેલ્સ ઇન્ડિયા ( 1241 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1223 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ. 1216ના સપોર્ટથી આ સ્ટોક રૂ. 1257થી રૂ. 1270 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! વોલ્ટાસ ( 1218 ) :- રૂ. 1197નો પ્રથમ તેમજ રૂ. 1185ના બીજા સપોર્ટથી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1234થી રૂ. 1240 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! ઇન્ફોસિસ ( 1120 ) :- ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ. 1102ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 1134થી રૂ. 1140 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ. 1145 ઉપર તેજી તરફી ધ્યાન…!! ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ ( 1170 ) :- રૂ. 1133નો પ્રથમ તેમજ રૂ. 1118ના બીજા સપોર્ટથી ફાર્માસ્યુટિકલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1188થી રૂ. 1195 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! એસબીઆઈ ( 1048 ) :- રૂ. 1023નો પ્રથમ તેમજ રૂ. 1014ના બીજા સપોર્ટથી પબ્લિક સેક્ટર બેંકિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ. 1063થી રૂ. 1070 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે

Leave A Comment