રેપ, મર્ડર, એન્કાઉન્ટર અને ઇન્ક્વાયરી:કરીના કપૂર અને પૃથ્વીરાજ સુકુમારન આમને-સામને, મેઘના ગુલઝારની 'દાયરા'નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

Last Updated: August 31, 2026By

યુવતી સાથે દુષ્કર્મ આચરીને મર્ડર કરનાર આરોપીને સજા આપવી જોઈએ કે પછી માનવાધિકારના નામે આરોપી પર દયાનો ભાવ રાખવો જોઈએ? આ વેધક પ્રશ્નનો જવાબ આપવા અને ગુનાખોરી, સિસ્ટમની કાર્યવાહી, માનવ અધિકારનો આગ્રહ અને પીડિત પરિવારની પીડાને રસપ્રદ રીતે દર્શાવતી ફિલ્મ ‘દાયરા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. બોલિવૂડ સ્ટાર કરીના કપૂર અને સાઉથ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન સ્ટારર ‘દાયરા’નું ડિરેક્શન ‘રાઝી’, ‘છપ્પાક’ જેવી ફિલ્મો બનાવનાર ડિરેક્ટર મેઘના ગુલઝારે કર્યું છે. કોઈ ઘોંઘાટ અને બિન જરૂરી મારધાડ ન હોવા છતાં ફિલ્મનું 2 મિનિટ અને 19 સેકન્ડનું ટ્રેલર છેલ્લે સુધી જકડી રાખે છે. કાયદાના ‘દાયરા’ને ઓળંગવો કે નહીં? ટ્રેલરની શરૂઆત બે પોલીસ અધિકારીઓ, અજૂની કોહલી (કરીના કપૂર) અને પોલીસ અધિકારી રમન કુમારથી થાય છે. એક ડીસીપી (કરીના) ગુનાને કાયદાના ‘દાયરા’માં સજા આપવાની તરફેણમાં છે, જ્યારે બીજા ડીસીપી (પૃથ્વીરાજ) કાયદાના ‘દાયરા’ની ઉપરવટ જઇને પણ પીડિતને ન્યાય અપાવવાની તરફેણમાં જોવા મળે છે. ટ્રેલરની શરૂઆત એક એન્કાઉન્ટરના કેસથી થાય છે, જે એક ગુમ થયેલી યુવતીના કેસ સાથે સંકળાયેલું છે. એક તરફ જ્યાં ડીસીપી રમન તેને એન્કાઉન્ટર ગણાવે છે, તો બીજી તરફ ડીસીપી અજૂની તેને ફેક એન્કાઉન્ટર ગણાવે છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમને લીડ કરીને કેસની ઝિણવટપૂર્વકની તપાસ હાથ ધરે છે. બંને વચ્ચે વિચારધારાનું અંતર સ્પષ્ટ જોવા મળે છે. નિયમો અને કાયદાઓની વાતો વચ્ચે ગુમ થયેલી દીકરીની માતાની પીડા, લાચારી અને આક્રંદ રૂંવાડા ઊભા કરી દે છે. વાર્તા માત્ર ગુનેગારને સજા આપી દેવાથી પૂરી થઈ જતી નથી, ત્યારબાદ પણ પીડિત પરિવારને કેટલા પડકારોમાંથી પસાર થવું પડે છે, તેને પણ રજૂ કરે છે. આ વાર્તા પ્રશ્ન પૂછે છે કે, શું ન્યાય મેળવવા માટે કાયદો હાથમાં લેવો જોઈએ? કે કાયદાની ઉપરવટ જવું યોગ્ય છે? કરીના અને પૃથ્વીરાજ પહેલીવાર સાથે જોવા મળશે નોંધનીય છે કે, બોલિવૂડ સ્ટાર કરીના કપૂર અને સાઉથ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન ‘દાયરા’માં પહેલી વખત સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. ટ્રેલરમાં કરીનાનું શાંત અને કોન્ફિડન્ટ રૂપ જોવા મળી રહ્યું છે, જ્યારે તેનાથી તદ્દન વિપરિત પૃથ્વીરાજ રફ, ટફ અને ઇન્ટેન્સ રૂપમાં જોવા મળી રહ્યો છે. બંને ઉપરાંત બિસ્વપતિ સરકાર અને જિતેન્દ્ર જોશી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. મેઘના ગુલઝારની દમદાર વાપસી મેઘના ગુલઝારની ફિલ્મોમાં સ્ત્રી પાત્રો ખૂબ જ મજબૂત જોવા મળ્યા છે, પછી ભલે તે ‘રાઝી’ (આલિયા ભટ્ટ) હોય કે પછી ‘છપ્પાક’ (દીપિકા પાદુકોણ) હોય. મેઘનાની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ ‘સેમ બહાદુર’ (2023)માં વિક્કી કૌશલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે ‘દાયરા’થી મેઘના ફરી ધમાકેદાર કમબેક માટે તૈયાર છે. ડિરેક્શન ઉપરાંત મેઘના એડિટિંગમાં પણ ચારુ શ્રી રોય સાથે સામેલ રહી છે. ઉપરાંત તેણે યશ કેસવાની અને સીમા અગ્રવાલ સાથે મળીને વાર્તા અને સ્ક્રીન પ્લેની જવાબદારી પણ સંભાળી છે. ફિલ્મમાં પહેલીવાર મ્યુઝિક કમ્પોઝર અમિત ત્રિવેદી અને દિગ્ગજ ગીતકાર ગુલઝાર સાથે કામ કરી રહ્યા છે. ‘દાયરા’ ફિલ્મ 18 સપ્ટેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Leave A Comment