અંબાણીએ દિલ્હીનાં લ્યુટિયન્સ ઝોનમાં ₹350 કરોડનો બંગલો ખરીદ્યો:કર્મચારીઓ માટે ગેસ્ટ હાઉસ બનશે, જોઈન્ટ વેન્ચર કિંગ બીકે મોદીએ પ્રોપર્ટી વેચી
દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ દિલ્હીના સૌથી પોશ અને સુરક્ષિત વિસ્તાર ‘લ્યુટિયન્સ બંગલો ઝોન’માં 350 કરોડ રૂપિયાનો એક બંગલો ખરીદ્યો છે. રિલાયન્સે સ્પષ્ટ કર્યું છે કે આ બંગલો અંબાણી પરિવારનું ખાનગી નિવાસસ્થાન નહીં હોય. પૃથ્વીરાજ રોડ પર આવેલા આ ભવ્ય બંગલાનો ઉપયોગ રિલાયન્સ દિલ્હી આવતા તેના અધિકારીઓ અને કર્મચારીઓ માટે કોર્પોરેટ ગેસ્ટ હાઉસ તરીકે કરશે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, આ ડીલ જુલાઈના અંતમાં ટેક્સ ઉપરાંત લગભગ 36.7 મિલિયન ડોલર એટલે કે લગભગ 350 કરોડ રૂપિયામાં ફાઇનલ થઈ હતી. ડીલની મુખ્ય વાતો રિલાયન્સના પ્રવક્તાએ જણાવ્યું કે કંપનીએ દિલ્હીમાં પોતાના કર્મચારીઓના રોકાણ માટે આ બંગલો ખરીદ્યો છે. જોકે, કંપનીએ અનંત અંબાણીના ફેમિલી ઓફિસની સીધી ભૂમિકા કે ડીલના પૈસા પર કોઈ નિવેદન આપ્યું નથી. પૃથ્વીરાજ રોડ પર થયેલી આ ખરીદી એટલા માટે પણ ખાસ છે, કારણ કે લ્યુટિયન્સમાં ખાનગી મિલકતો ખૂબ ઓછી વેચાય છે. દિલ્હી રિલાયન્સ માટે વહીવટી અને વ્યવસાયિક દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ કેન્દ્ર છે, તેથી કંપનીએ આ રોકાણ કર્યું છે. લ્યુટિયન્સ બંગલો ઝોન શું છે? લ્યુટિયન્સ દિલ્હીની સ્થાપના બ્રિટિશ રાજ દરમિયાન થઈ હતી, જ્યારે અંગ્રેજોએ ભારતની રાજધાનીને કોલકાતાથી દિલ્હી ખસેડી હતી. સર એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકરે આ સમગ્ર વહીવટી અને રહેણાંક વિસ્તારનો નકશો તૈયાર કર્યો હતો. જેમાં પહોળા રસ્તાઓ અને મોટા બગીચાઓ પણ છે. આજે લ્યુટિયન્સ ઝોનમાં દેશના સર્વોચ્ચ બંધારણીય પદો પર બેઠેલા નેતાઓ, ન્યાયાધીશો, સૈન્ય અધિકારીઓ અને અદાણી, લક્ષ્મી મિત્તલ, નવીન જિંદાલ જેવા દેશના મોટા ઉદ્યોગપતિઓ રહે છે. આ સીમિત અને સુરક્ષિત વિસ્તારમાં 350 કરોડ રૂપિયાનો આ નવો સોદો ફરી એકવાર આ વિસ્તારની ઐતિહાસિક અને વ્યાપારી મૂલ્ય સાબિત કરે છે. બંગલો વેચનાર ભૂપેન્દ્ર કુમાર મોદી કોણ છે? પ્રોપર્ટી વેચનાર ડો. ભૂપેન્દ્ર કુમાર મોદીને ભારતના શરૂઆતી ટેલિકોમ યુગના મોટા દિગ્ગજોમાંના એક ગણવામાં આવે છે. પ્રખ્યાત મોદી બિઝનેસ હાઉસમાં જન્મેલા બીકે મોદીને આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે ભાગીદારી કરવાને કારણે ભારતના JV કિંગ એટલે કે જોઈન્ટ વેન્ચર કિંગ કહેવામાં આવે છે. સિંગાપોર સાથે મોદીનું કનેક્શન બી.કે. મોદીએ બાદમાં પોતાનો કોર્પોરેટ બેઝ સિંગાપોર શિફ્ટ કર્યો અને વર્ષ 2012માં ત્યાંની નાગરિકતા લીધી. તેઓ ‘સ્માર્ટ ગ્રુપ’ (જેને અગાઉ સ્પાઇસ ગ્લોબલ કહેવાતું હતું) ના સ્થાપક અને ચેરમેન છે, જેનો બિઝનેસ હેલ્થકેર અને ટેકનોલોજી સેક્ટરમાં ફેલાયેલો છે. બિઝનેસ ઉપરાંત તેઓ સામાજિક કાર્ય અને પરોપકારમાં પણ સક્રિય છે. તેમણે ગ્લોબલ સિટીઝન ફોરમની સ્થાપના કરી છે અને વર્લ્ડ ફેડરેશન ઓફ યુનાઈટેડ નેશન્સ એસોસિએશન્સમાં પણ સિનિયર પદ સંભાળી ચૂક્યા છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

