₹12 કરોડની Ferrari સાથે હાર્દિકનો નવો લક્ઝુરિયસ લુક!:વાઇરલ થયો પંડ્યાનો નવો અવતાર; ગ્રાઉન્ડ પર કમબેક પહેલાં જ મોટો ઝાટકો, ઈજાને લીધે AFG સિરીઝમાંથી બહાર થશે
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ફરી એકવાર પોતાની લક્ઝરી લાઇફસ્ટાઇલ અને નવા અવતારને લઈને ચર્ચામાં છે. પોતાની વિસ્ફોટક બેટિંગ અને ઘાતક બોલિંગથી કેટલીય મેચના પાસા પલટી નાખનાર હાર્દિક આજકાલ ઇન્જરીની સમસ્યાથી ઝૂમી રહ્યો છે અને બેંગલુરુ સ્થિત BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સ (COE)માં રીહેબમાંથી પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર તેનો એક નવો વીડિયો અને તસવીરો ખૂબ વાઇરલ થઈ રહી છે, જેમાં તે પોતાના નવા કૂલ લુક અને ચમકતી લક્ઝરી સુપરકાર સાથે જોવા મળી રહ્યો છે. નવા અવતારમાં દેખાયો હાર્દિક, 12 કરોડની ફેરારીએ ખેંચ્યું ધ્યાન સોશિયલ મીડિયામાં ફરતી થયેલી તસવીરોમાં હાર્દિક પંડ્યા પોતાના બદલાયેલા અને સ્ટાઇલિશ લુકમાં ખૂબ કૂલ દેખાઈ રહ્યો છે. પ્રેક્ટિસ સેશન પછી હાર્દિક પોતાની ચમકતી ફેરારી 12 સિલિન્ડ્રી (Ferrari 12Cilindri) કાર સાથે પોઝ આપતા અને તેને નિહાળતા જોવા મળ્યો. ભારતમાં આ લક્ઝરી સુપરકારની કિંમત અંદાજે 12 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. હાર્દિકનો પોતાની પસંદગીની કાર પ્રત્યેનો આ ખાસ પ્રેમ ફેન્સનું દિલ જીતી રહ્યો છે અને તેનો આ અંદાજ સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થયો છે. ઈજાથી ફરી એકવાર કમબેક નહીં થઈ શકે! હાર્દિક પંડ્યાની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેકનો રસ્તો એકવાર ફરી મુશ્કેલ બનતો દેખાઈ રહ્યો છે. BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સમાં ટ્રેનિંગ દરમિયાન તેના પગમાં ફરી ઈજા થઈ છે. આ નવી સમસ્યાએ અફઘાનિસ્તાન સામે રમાનારી ત્રણ મેચની T20I સિરીઝ માટે તેના રમવા પર સવાલો ઊભા કરી દીધા છે. અમુક મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાર્દિક કમબેકની તૈયારીમાં યોગ્ય રસ્તા પર હતો અને પૂરી ઝડપ સાથે ટ્રેનિંગ કરી રહ્યો હતો. પરંતુ પગમાં તકલીફ સામે આવ્યા બાદ તેને હાલ પૂરતી બોલિંગ રોકવાની સલાહ આપવામાં આવી છે. બોલિંગ ફરી શરૂ કરશે, પરંતુ ફિટનેસ મેળવવી ચેલેન્જ રિપોર્ટ્સ પ્રમાણે મુજબ હાર્દિક ટૂંક સમયમાં જ ફરીથી બોલિંગ શરૂ કરી શકે છે. જોકે, 13 સપ્ટેમ્બરથી દિલ્હીમાં શરૂ થનારી અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20I સિરીઝ માટે જરૂરી ફિટનેસ લેવલ સુધી પહોંચવું તેના માટે મુશ્કેલ બની શકે છે. આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું કે બેટિંગ અને મૂવમેન્ટને લઈને હાર્દિકને કોઈ મોટી સમસ્યા નહોતી. તે કોઈ ખાસ મુશ્કેલી વગર પોતાની ટ્રેનિંગ કરી રહ્યો હતો. પરંતુ પગમાં તકલીફ બાદ તેના કમબેકનું આયોજન પ્રભાવિત થયું છે. હવે COEની મેડિકલ અને ફિટનેસ ટીમ તરફથી પૂરેપૂરું ‘ઓલ-ક્લિયર’ મળ્યા પછી જ તેની સ્થિતિ સ્પષ્ટ થશે. ટીમમાં પસંદગી પહેલાં સેન્ટર ઑફ એક્સેલન્સ તેની ફિટનેસને લઈને પૂરેપૂરું સંતુષ્ટ થવા માંગશે. 24 મે પછી કોઈ કોમ્પિટિટિવ મેચ નથી રમી હાર્દિક પંડ્યાએ 24 મેના રોજ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પોતાની છેલ્લી મેચ રમી હતી. ત્યારપછી તેણે કોઈ કોમ્પિટિટિવ મેચ રમી નથી. ભારત માટે તેની છેલ્લી મેચ 8 માર્ચે T20 વર્લ્ડ કપની ફાઈનલ હતી. આ પછી હાર્દિક અફઘાનિસ્તાન સામેની હોમ વ્હાઇટ-બોલ સિરીઝમાં રમી શક્યો નહોતો. તે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસમાંથી પણ બહાર રહ્યો હતો. એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટથી તેનું અંતર સતત વધી રહ્યું છે અને હવે આ નવી ઈજાએ તેના કમબેકને વધુ પાછળ ધકેલી શકે છે. ઈજાના કારણે કઈ સિરીઝ ન રમી શક્યો હાર્દિક? અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ પહેલાં પણ હાર્દિકને ઈજાની સમસ્યા થઈ હતી. તે સમયે તેના ક્વાડ્રિસેપ્સ (સાથળના સ્નાયુઓ)માં લો-ગ્રેડ સ્પ્રેન (હળવો દુખાવો) હોવાની વાત સામે આવી હતી. આ ઈજા પહેલાં હાર્દિક પૂરી રીતે ફિટ હતો અને સારી રીતે ટ્રેનિંગ કરી રહ્યો હતો. એવું માનવામાં આવતું હતું કે તે ધીમે-ધીમે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી માટે તૈયાર થઈ રહ્યો છે. પરંતુ ઈજાએ તેના પ્લાનને ફરીથી અસર કરી. હવે પગની નવી તકલીફ પછી તેની ફિટનેસ પર ફરી એકવાર નજર ટકેલી છે. નીતિશ-સુંદરની રિકવરી સારી, બુમરાહ પર સસ્પેન્સ અફઘાનિસ્તાન સિરીઝ પહેલાં ભારતીય ટીમ માટે કેટલાક રાહતના સમાચાર પણ છે. ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર સારી રીતે રિકવર થઈ રહ્યા છે અને તેઓ સિરીઝ માટે ઉપલબ્ધ રહે તેવી આશા છે. બીજી તરફ, જસપ્રીત બુમરાહનું આ ત્રણ મેચમાં રમવું હજુ નક્કી નથી. એવામાં સિલેક્ટર્સ સામે ટીમ કોમ્બિનેશનને લઈને પણ કેટલાક મહત્વના નિર્ણયો હશે. હાર્દિકના કિસ્સામાં હવે સૌથી મોટો સવાલ એ જ છે કે તે કેટલી ઝડપથી ફરી બોલિંગ શરૂ કરી શકે છે અને COEમાંથી તેમને ક્યારે ‘ઓલ-ક્લિયર’ મળે છે. અફઘાનિસ્તાન સિરીઝ માટે ટીમની પસંદગીમાં હવે વધુ સમય બાકી નથી, તેથી તેના કમબેકનું ચિત્ર ટૂંક સમયમાં જ સ્પષ્ટ થઈ શકે છે. ક્યારે થશે અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમની જાહેરાત અફઘાનિસ્તાન સામેની T20I સિરીઝ માટે ભારતીય ટીમની પસંદગી આ અઠવાડિયે થવાની અપેક્ષા છે. સિલેક્ટર્સ દિલ્હીમાં બેઠક કરી શકે છે. આ દરમિયાન બેંગલુરુમાં રિકવર થઈ રહેલા ખેલાડીઓની ફિટનેસ અંગે પણ તેમને માહિતી આપવામાં આવશે. એવામાં હાર્દિકની લેટેસ્ટ ઇન્જરીનો સમય તેમના માટે બિલકુલ યોગ્ય નથી. જો તે સમયસર જરૂરી ફિટનેસ મેળવી નહી શકે, તો અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની સિરીઝમાંથી બહાર રહેવું પડી શકે છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

