ફેશન બ્રાન્ડ શીનને ઝટકો:9.5 લાખ કરોડની કંપનીનું લિસ્ટિંગ માત્ર 25% કિંમતે, રોકાણકારો હવે AI કંપનીઓમાં પૈસા લગાવી રહ્યા છે

Last Updated: September 2, 2026By

તાજેતરમાં દુનિયાનો સૌથી મોટી ઓનલાઈન ફેશન રિટેલર રહેલી ચીનની બ્રાન્ડ શીન હવે રોકાણકારોની નજરથી ઉતરતી જોવા મળી રહી છે. મંગળવારે હોંગકોંગમાં લિસ્ટિંગના પહેલાં જ દિવસે કંપનીના શેર 6 ટકા ઘટ્યા. ક્યારેક 100 અબજ ડોલર (9.5 લાખ કરોડ રૂપિયા) આંકવામાં આવેલી કંપની શેરબજારમાં લગભગ એક-ચતુર્થાંશ વેલ્યુએશન પર જ ઉતરી છે. એલેથિયા કેપિટલના નિર્ગુનન તિરુચેલ્વમ કહે છે કે શીનનું ‘સ્પીડ-ટેક’ મોડેલ હવે જૂનું થઈ ગયું છે. કારણ સ્પષ્ટ છે – રોકાણકારોની રુચિ AI કંપનીઓમાં શિફ્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે શીનની લિસ્ટિંગના બરાબર પહેલાં યુનિટ્રી રોબોટિક્સ અને સીએક્સએમટી જેવી ચીનની જ AI કંપનીઓના શેરોએ શાંઘાઈમાં શાનદાર છલાંગ લગાવી હતી. એક બીજી મુશ્કેલી પણ છે, શીનને અમેરિકા અને યુરોપમાં ટેરિફ છૂટછાટ સમાપ્ત થવાનો માર પણ સહન કરવો પડ્યો છે. તેનાથી તેનું સસ્તા ભાવનું મોડેલ નબળું પડવા લાગ્યું છે. સંસ્થાકીય રોકાણકારોએ પણ આ વખતે અંતર જાળવી રાખ્યું. લિસ્ટિંગ-પૂર્વ ઓફર કરાયેલા શેરોમાંથી માત્ર 20% જ ખરીદવામાં આવ્યા, જ્યારે લોકપ્રિય લિસ્ટિંગમાં આ આંકડો સામાન્ય રીતે લગભગ 50% રહે છે. વિલ્સન સનસિનીના વેઇહેંગ ચેન કહે છે, ‘આ એક એવી ફેશન કંપની છે જે આજના રોકાણકારોને ફેશનેબલ લાગતી નથી.’ ‘ચાઇના લેબર વોચ’ના એક રિપોર્ટ અનુસાર, શીન માટે કપડાં બનાવતા મજૂરો સતત 20 દિવસ સુધી રજા વગર કામ કરે છે અને તેમને પ્રતિ આઇટમ માત્ર 7 થી 28 સેન્ટ (6.65 થી 26.59 રૂપિયા) મળે છે. અઠવાડિયામાં 100 કલાક સુધી કામ થવું સામાન્ય બાબત છે, જ્યારે ચીનની સામાન્ય ફેક્ટરીઓમાં આ મર્યાદા લગભગ 60 કલાક છે. જોકે શીને આ દાવાઓને નકારી કાઢ્યા છે. શીનની મુશ્કેલીઓ માત્ર ફેક્ટરી પૂરતી મર્યાદિત નથી. કંપની તે યુવા ગ્રાહકોને પણ ગુમાવી રહી છે, જેમણે મહામારીના સમયમાં તેને ગતિ આપી હતી. રિસર્ચ ફર્મ કન્ઝ્યુમર એજના માઇકલ ગુંથર અનુસાર, અમેરિકામાં 18-34 વર્ષના ગ્રાહકોમાં શીનની બજાર હિસ્સેદારી સૌથી ઝડપથી ઘટી રહી છે. કિંમતોમાં વધારો અને સસ્ટેનેબિલિટી (પર્યાવરણને અનુકૂળ પ્રોડક્ટ) ને લઈને ચિંતા તેના મોટા કારણો છે. ઝૂમ જેવી સ્થિતિ; અમેરિકા, બ્રિટન, યુરોપમાં ધીમી વૃદ્ધિ અમેરિકાની સાથે બ્રિટનમાં પણ શીનની વૃદ્ધિ ધીમી પડી છે, જ્યારે યુરોપમાં પાર્સલ પર લાગતી ફીના કારણે ફ્રાન્સ અને સ્પેનમાં તેનો હિસ્સો સૌથી વધુ ઘટ્યો છે. ડિઝાઇન કોપી કરવાના આરોપોને લઈને કંપની પર અમેરિકામાં 2021થી અત્યાર સુધીમાં 58 કેસ નોંધાઈ ચૂક્યા છે. ચાઇના ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના પૂર્વ અધિકારી વિન્સ્ટન મા તેની સરખામણી ઝૂમ સાથે કરે છે. મહામારીના સમયની સુપરહિટ આ કંપની હવે જૂના જમાનાની વસ્તુ બનીને રહી ગઈ છે.

Leave A Comment