Sudhir Dalvi Health Update: Akshay, Kartik, Ranbir Help Veteran Actor
31 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીવી અને ફિલ્મોના દિગ્ગજ અભિનેતા સુધીર દલવી આજકાલ જિંદગીની એક મુશ્કેલ જંગ લડી રહ્યા છે. ‘રામાયણ’માં ગુરુ વસિષ્ઠ અને 1977ની ફિલ્મ ‘શિરડી કે સાઈ બાબા’માં સાઈ બાબાનું યાદગાર પાત્ર ભજવીને ઘર-ઘરમાં ઓળખ મેળવનારા 86 વર્ષના અભિનેતા હવે ધીમે ધીમે સાજા થઈ રહ્યા છે અને હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે. જોકે, તેમની હાલત હજુ પણ સંપૂર્ણ રીતે ઠીક નથી થઈ. તેઓ વોકરના સહારે ચાલી રહ્યા છે અને તેમની માનસિક સ્થિતિ પણ સંપૂર્ણપણે સ્વસ્થ નથી.
સુધીર દલવીને 7 ઓક્ટોબર 2025ના રોજ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમને સેપ્સિસ (sepsis)ની ગંભીર અને જીવલેણ જટિલતાઓનો સામનો કરવો પડ્યો હતો. આ એક ગંભીર ઈન્ફેક્શન છે, જે શરીરમાં ઝડપથી ફેલાઈને જીવનું જોખમ ઊભું કરી શકે છે.
લગભગ એક મહિનો હોસ્પિટલમાં રહ્યા, ICUમાં પણ દાખલ થવું પડ્યું
સુધીર દલવીની બીમારીની અસર તેમના સાંધા પર પણ પડી અને તેમના હાથ-પગનું હલનચલન ખરાબ રીતે પ્રભાવિત થયું. હાલત ગંભીર બન્યા બાદ તેમને ICUમાં પણ રાખ્યા હતા. તેઓ લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા.
લાંબી સારવારની સાથે સાથે મેડિકલ ખર્ચ પણ સતત વધતો ગયો. અહેવાલો અનુસાર, હોસ્પિટલનું બિલ પહેલાં 10 લાખ રૂપિયાને પાર પહોંચ્યું અને બાદમાં વધતાં વધતાં 19 લાખ રૂપિયાથી વધુ થઈ ગયું. ડોક્ટરોએ એવો અંદાજ પણ વ્યક્ત કર્યો હતો કે સારવારનો ખર્ચ આગળ હજુ વધી શકે છે. આવા મુશ્કેલ સમયમાં પરિવાર સામે સારવાર ચાલુ રાખવાની સાથે સાથે હોસ્પિટલનો ભારે ખર્ચ ઉઠાવવાનો પડકાર પણ ઊભો થઈ ગયો.

સુધીર દલવીએ ‘સાંઈ બાબા’ની ભૂમિકા ભજવી હતી.
અક્ષય કુમાર, રણબીર કપૂર અને કાર્તિક આર્યને કરી મદદ
જ્યારે આ સમાચાર સામે આવ્યા કે સુધીર દલવીનો પરિવાર હોસ્પિટલના વધતા બિલને પહોંચી વળવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા.
સુધીર દલવીના પત્ની સુહાસ દલવીએ તાજેતરમાં જ વાતચીતમાં જણાવ્યું કે કાર્તિક આર્યન, રણબીર કપૂર અને અક્ષય કુમાર મદદ કરનારાઓમાં સૌથી પહેલા લોકોમાં સામેલ હતા. જોકે, તેમણે કહ્યું કે ઈન્ડસ્ટ્રી સિવાય બહારથી પણ ઘણા લોકોએ આર્થિક મદદ કરી. સુહાસે કહ્યું કે તેઓ તરત જ બધાના નામ યાદ નથી કરી શકતાં, પરંતુ આ કલાકારોએ મુશ્કેલ સમયમાં પરિવારનો સાથ આપ્યો.
સાઈ બાબા ટ્રસ્ટે પણ આપ્યા 11 લાખ
સુધીર દલવીની સારવારમાં મદદ માટે શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટ પણ આગળ આવ્યું. ડિસેમ્બર 2025માં બોમ્બે હાઈકોર્ટે ટ્રસ્ટને સુધીર દલવીની સારવારના ખર્ચ માટે 11 લાખ રૂપિયા આપવાની મંજૂરી આપી. આ રીતે પરિવારને ફિલ્મ ઈન્ડસ્ટ્રી, સાઈ ભક્તો અને અન્ય લોકો તરફથી પણ આર્થિક મદદ મળી અને એક્ટરની સારવાર ચાલુ રહી શકી.
હવે સુધીર દલવી હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે. પરંતુ તેમની રિકવરી હજી પણ ખૂબ ધીમી છે. પત્નીએ કહ્યું- “તેઓ હવે ઘરે છે. હજુ પણ તેમને વોકરની મદદથી ચાલવું પડે છે અને તેમનું મગજ અમુક અંશે દિશાહીન (ડિસઓરિએન્ટેડ) રહે છે. પરંતુ તેઓ ઘરે આવીને ખુશ છે. હું પણ ખુશ છું. હોસ્પિટલ ફક્ત મોંઘી જ નહોતી, પરંતુ હોસ્પિટલનું વાતાવરણ પણ દર્દી માટે ખૂબ ડરામણું હોય છે.”
‘હવે પૈસા નહીં, ફક્ત દુઆઓની જરૂર છે’
સુધીર દલવીના પત્નીએ સ્પષ્ટ કર્યું કે હવે પરિવારને આર્થિક મદદની જરૂર નથી. તેમના જણાવ્યા મુજબ, એક્ટરને સારવાર માટે જેટલી મેડિકલ મદદ મળી શકતી હતી, તે મળી ચૂકી છે. હવે તેમને ફક્ત લોકોની દુઆઓની (પ્રાર્થનાઓની) જરૂર છે.
સુહાસે કહ્યું- “મારા પતિને જેટલી મેડિકલ મદદ મળી શકતી હતી, તે તેમને મળી ચૂકી છે. હવે તેમને ફક્ત દુઆઓની જરૂર છે. તેમની રિકવરી ધીમી છે. હું પોતે પણ વૃદ્ધ છું અને અસ્થમાની દર્દી છું. પરંતુ હું અમારા બંનેની સંભાળ રાખવાનો પૂરો પ્રયાસ કરી રહી છું.”
તેમણે ફિલ્મ એસોસિયેશનને પણ વિનંતી કરી કે જે પૈસા તેમને દર મહિને મદદ તરીકે મોકલવામાં આવી રહ્યા છે, તેને હવે કોઈ એવી વ્યક્તિની મદદમાં વાપરવામાં આવે જેને આની વધુ જરૂર હોય. તેમણે કહ્યું- “અમે ફિલ્મ એસોસિયેશનને વિનંતી કરીએ છીએ, જે ખૂબ કૃપા કરીને દર મહિને પૈસા મોકલી રહ્યું છે, કે તે પૈસા કોઈ એવી વ્યક્તિ માટે વાપરે જેને આની વધુ જરૂર છે.”
કેરેક્ટર આર્ટિસ્ટે યાદગાર ધાર્મિક પાત્રો ભજવ્યા છે
20 માર્ચ 1939ના રોજ જન્મેલા સુધીર દલવીએ રામાનંદ સાગરની સિરિયલ ‘રામાયણ’માં રામ ભગવાનના ગુરુ એટલે કે ગુરુ વશિષ્ઠનું પાત્ર ભજવ્યું હતું. ઉપરાંત તેમણે ‘શિરડી કે સાંઈ બાબા’ ફિલ્મમાં સાંઈ બાબાની ભૂમિકા ભજવી હતી. ધાર્મિક પાત્રો ઉપરાંત તેમણે ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’માં તુલસી વિરાણી (સ્મૃતિ ઇરાની)ના સસરા ગોવર્ધન વિરાણીનું પાત્ર ભજવ્યું હતું. સિરિયલમાં તેમને બાપુજી કહીને સંબોધવામાં આવતા હતા.

સુધીર દલવીએ ‘રામાયણ’માં ગુરુ વશિષ્ઠની ભૂમિકા ભજવી હતી.
આ ઇપરાંત સુધીરે ’27 ડાઉન’, ‘આશા લૂટમાર’, ‘આપ કે દિવાને’, ‘અર્પણ’ અને અમિતાભ બચ્ચનની ‘તૂફાન’ સહિત અંદાજે 23 ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે જિતેન્દ્રની ફિલ્મ ‘અપનાપન’ના લોકપ્રિય ગીત ‘આદમી મુસાફિર હૈ’માં સાધુની ભૂમિકા ભજવી હતી. આ ગીત તેમના પર જ ફિલ્માવવામાં આવ્યું હતું, જે મોહમ્મદ રફીએ ગાયું હતું.

પીઢ એક્ટરે ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’માં ગોવર્ધન વિરાણીની ભૂમિકા ભજવી હતી.

‘આદમી મુસાફિર હૈ’ ગીત તેમના પર ફિલ્માવવામાં આવ્યું હતું.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


