why-does-the-electricity-bill-come-even-after-turning-off-the-ac | Gujarati News | Sandesh

Last Updated: September 4, 2026By

ઉનાળાની ગરમીથી બચવા માટે ઘરમાં એર કંડિશનર (AC) સૌથી વધુ વપરાતું ઉપકરણ છે. પરંતુ ઘણા લોકોને એ વાતની ખબર નથી હોતી કે AC બંધ કર્યા પછી પણ વીજળીનો વપરાશ ચાલુ રહે છે. આ કોઈ મશીનની ખામી નથી, પરંતુ આપણી નાની બેદરકારીનું પરિણામ છે. જો તમારું AC બંધ હોવા છતાં વીજળીનું મીટર ફરતું રહે છે, તો તેના પાછળના કારણો જાણવા જરૂરી છે.

માત્ર રિમોટથી AC બંધ કરવું પૂરતું નથી

મોટાભાગના લોકો AC ને માત્ર રિમોટથી બંધ કરીને છોડી દે છે. પરંતુ રિમોટથી બંધ કરવાથી AC પાવર સપ્લાયથી સંપૂર્ણપણે અલગ થતું નથી. યુનિટના ઇલેક્ટ્રોનિક સર્કિટ ‘સ્ટેન્ડબાય મોડ’ (Standby Mode) માં રહે છે અને સતત થોડી-થોડી વીજળી ખેંચે છે. જો કે આ વપરાશ ખૂબ ઓછો હોય છે, પરંતુ જો ઘરમાં ઘણા ઉપકરણો સતત સ્ટેન્ડબાય પર રહે, તો મહિનાના અંતે લાઇટ બિલમાં મોટો તફાવત દેખાઈ શકે છે.

મેઈન સ્વિચ ચાલુ રાખવી પડી શકે છે મોંઘી

જો AC ની મેઈન પાવર સ્વિચ (Main Switch) ચાલુ હોય, તો રિમોટથી બંધ કર્યા પછી પણ મશીન વીજળી સાથે જોડાયેલું રહે છે. જો તમે થોડા કલાકો કે દિવસો સુધી AC નો ઉપયોગ કરવાના ન હોવ, તો રિમોટની સાથે-સાથે મેઈન સ્વિચ પણ બંધ કરવાની ટેવ પાડો. આનાથી બિનજરૂરી વીજળીનો બગાડ અટકાવી શકાશે.

ઇન્વર્ટર AC વપરાશકર્તાઓ માટે ખાસ સલાહ

ઇન્વર્ટર AC માં કોમ્પ્રેસર જરૂરિયાત મુજબ પાવર એડજસ્ટ કરે છે. પરંતુ જ્યારે તેની મેઈન સ્વિચ ચાલુ હોય છે, ત્યારે તેના મધરબોર્ડ અને સર્કિટમાં સ્ટેન્ડબાય પાવર વપરાય છે. આથી, ઇન્વર્ટર AC માં પણ લાંબા સમય સુધી ઉપયોગ ન કરવાનો હોય ત્યારે મેઈન સપ્લાય બંધ રાખવો જ હિતાવહ છે.

વાયરિંગની ખામી પણ હોઈ શકે છે જવાબદાર

જો AC ની સ્વિચ બંધ કર્યા પછી પણ વીજળીનો વપરાશ વધુ જણાતો હોય, તો માત્ર સ્ટેન્ડબાય મોડ જ નહીં, પરંતુ ખરાબ વાયરિંગ, કરંટ લિકેજ કે શોર્ટ સર્કિટ પણ કારણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં વાયરિંગ સાથે જાતે ચેડા કરવાના બદલે અનુભવી ઇલેક્ટ્રિશિયનની મદદ લેવી જોઈએ.

તમારા ઘરનું મીટર રીડિંગ આ રીતે ચેક કરો

AC ખરેખર કેટલી વીજળી વાપરે છે તે જાણવા માટે એક સરળ રીત છે.  સૌપ્રથમ AC ને માત્ર રિમોટથી બંધ કરો અને વીજળીના મીટરનું રીડિંગ જુઓ.  ત્યારબાદ AC ની મેઈન સ્વિચ બંધ કરીને ફરીથી મીટર ચેક કરો. જો બંને રીડિંગમાં તફાવત દેખાય, તો સ્ટેન્ડબાય મોડ વીજળી વાપરી રહ્યો છે તે સ્પષ્ટ થઈ જશે. એ ખાસ ધ્યાનમાં રાખો કે જયારે પણ આ ટેસ્ટ કરો ત્યારે ઘરના અન્ય ઉપકરણોની વીજળી પાવર પણ ધ્યાન પર લો.

આ પણ વાંચો : OpenAI એ લોન્ચ કર્યું GPT-6 Astra, મનુષ્યની સમકક્ષ વિચારી શકે છે નવું AI મોડેલ

Leave A Comment