Farmhouse Skeletons Found; Stepfather Arrested

Last Updated: January 22, 2026By

44 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ ક્રાઈમ ફાઈલ્સના ‘લૈલા ખાન હત્યાકાંડ’ના પાર્ટ-1માં અત્યાર સુધી તમે વાંચ્યું કે કેવી રીતે લૈલા ખાન રજાઓ ગાળવા ફાર્મહાઉસ ગઈ અને અચાનક ગુમ થઈ ગઈ. તપાસમાં સામે આવ્યું કે માત્ર લૈલા જ નહીં, તેના પરિવારના 6 અન્ય લોકો પણ ગુમ છે. એક વર્ષ સુધી લૈલાના કોઈ સમાચાર મળ્યા નહીં અને પછી કાશ્મીરમાં એક બોમ્બ બ્લાસ્ટ થયો, તે જગ્યાની નજીક જ લૈલાની માતાના નામે રજિસ્ટર્ડ કાર મળી. તપાસમાં એક્ટ્રેસ લૈલા ખાનના સાવકા પિતા પરવેઝ ટાકની ધરપકડ થઈ. પરવેઝ તપાસ ટીમને ફાર્મહાઉસ લઈ ગયો, જ્યાં એક પછી એક 6 હાડપિંજર મળી આવ્યા. તેમાં પરિવારના પાળતુ શ્વાનનું પણ હાડપિંજર હતું.

લૈલા ખાન હત્યાકાંડ, પાર્ટ- 2માં જાણો કેવી રીતે અને શા માટે થઈ પરિવારના 6 લોકોની હત્યા….

10 જુલાઈ 2012ના રોજ પરવેઝ ટાકને સધર્ન મુંબઈ કિલા કોર્ટમાં રજૂ કરી ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડી લીધી. મામલો ગંભીર હતો, તેથી તપાસ ટીમે સખ્તાઈ કરવામાં કચાસ રાખી નહીં. હાથ-પગ બાંધીને પરવેઝ ટાકને ખૂબ માર મારવામાં આવ્યો, ત્યારબાદ તેની નિશાનદેહી પર ફાર્મહાઉસમાંથી હાડપિંજર કાઢવામાં આવ્યા.

કાશ્મીરમાં ચૂંટણી હાર્યો, તો દિલ્હીમાં કામ શોધવા આવ્યો

તે પહેલાં જ તેણે ફેબ્રુઆરી 2011ની રાતની આખી વાર્તા કહી દીધી હતી. પરવેઝ કાશ્મીરનો રહેવાસી હતો. દેખાવમાં સુંદર અને સામાન્ય કદ-કાઠીનો હતો. તેણે કાશ્મીરમાં એક ચૂંટણી લડી, જેમાં ઘણા પૈસા લાગ્યા, પરંતુ તે ચૂંટણી હારી ગયો. દેવું વધી ગયું તો તે ગુજરાન ચલાવવા માટે દિલ્હી આવીને કામ શોધવા લાગ્યો.

સેલિના સાથે લગ્ન કરતા પહેલાં જ પરવેઝ ટાક પરિણીત હતો.

સેલિના સાથે લગ્ન કરતા પહેલાં જ પરવેઝ ટાક પરિણીત હતો.

અહીં જ તેની મુલાકાત લૈલાની માતા સેલિના સાથે થઈ. સેલિના દેખાવમાં સુંદર હતી અને રહેણીકરણી પણ ઘણી ગ્લેમરસ હતી. બંનેની પહેલા મિત્રતા થઈ અને પછી સારી વાતચીત થવા લાગી.

પરવેઝ સેલિનાના ઘરમાં તેના બાળકો સાથે રહેવા લાગ્યો

સેલિનાએ પરવેઝને જણાવ્યું હતું કે તેની દીકરી હિરોઈન છે. પરવેઝને લાગ્યું કે, જો તે સેલિનાના સંપર્કમાં રહેશે તો તેને પણ ફિલ્મોમાં કામ મળી શકે છે. જ્યારે એક દિવસ પરવેઝે સેલિનાને કહ્યું કે, તે ફિલ્મોમાં કામ કરવા માંગે છે. ત્યારે જવાબ મળ્યો કે આ કામના 25 લાખ રૂપિયા લાગશે. પરવેઝે કોઈક રીતે 12 લાખ રૂપિયા ભેગા કરીને સેલિનાને આપ્યા અને થોડા સમય પછી મુંબઈ પહોંચી ગયો.

સમય જતાં સેલિના અને પરવેઝ વચ્ચે નિકટતા વધવા લાગી અને બંનેએ 2010માં લગ્ન કરી લીધા. પરવેઝ હવે સેલિનાના ઘરમાં જ તેના બાળકો સાથે રહેવા લાગ્યો.

લગ્ન પછી લેવાયેલી સેલિના અને પરવેઝની તસવીર.

લગ્ન પછી લેવાયેલી સેલિના અને પરવેઝની તસવીર.

પૈસા પાછા માગતા જ સેલિના અને પરિવારનું વર્તન બદલાઈ ગયું

પરિવારે તેને અપનાવી લીધો. દિવસો પસાર થવા લાગ્યા અને પરવેઝને એ સમજવામાં વાર ન લાગી કે સેલિનાએ પૈસા માટે તેને ફિલ્મોમાં કામ અપાવવાનું ખોટું વચન આપ્યું હતું. પૈસા પાછા માંગવા પર તેના સેલિના સાથે ઝઘડા વધવા લાગ્યા. લૈલા અને તેના ભાઈ-બહેનોનું વર્તન પણ તેના પ્રત્યે બગડવા લાગ્યું. પરવેઝ સાથે લગ્ન કર્યાં હોવા છતાં સેલિના પહેલા પતિ નાદિર પટેલ અને બીજા પતિ આસિફ શેખને મળતી હતી. આ ઉપરાંત તે ઘણા પુરુષોને પણ મળતી હતી.

પરવેઝને એકલો છોડી પરિવાર આફ્રિકા જતો રહ્યો

2010 ના અંતમાં સેલિના, પરવેઝને મુંબઈમાં એકલો છોડીને પરિવાર સાથે આફ્રિકા જતી રહી. થોડા મહિના ત્યાં રહ્યા પછી તે દુબઈ ગઈ. પરવેઝ મુંબઈમાં એકલો હતો, તેની પાસે ખાસ પૈસા નહોતા, માંડ તેનું ગુજરાન ચાલતું હતું. સેલિનાએ તેનો પાસપોર્ટ પણ છુપાવી દીધો હતો, જેથી તે ભાગી ન શકે.

3 મહિના પછી બધા મુંબઈ પાછા ફર્યા, પરવેઝ હજુ પણ ઘરે જ હતો. થોડા દિવસો પછી તેને ખબર પડી કે સેલિના મુંબઈની પોતાની બધી પ્રોપર્ટી વેચીને બાળકો સાથે દુબઈ શિફ્ટ થઈ રહી છે. તેનો પરવેઝને સાથે લઈ જવાનો કોઈ પ્લાન નહોતો. પ્રોપર્ટી વેચવા માટે તે બીજા પતિ આસિફ શેખની મદદ લઈ રહી હતી.

અપમાન, સંપત્તિ અને અદાવત

પરવેઝ માટે મુંબઈમાં કંઈ નહોતું, તેના 12 લાખ ડૂબી ગયા હતા અને કાશ્મીર પાછા ફરવાનો તો પ્રશ્ન જ નહોતો. ત્યારે તેણે એક પ્લાન બનાવ્યો. પ્લાન હતો, અપમાનનો બદલો લેવો અને પ્રોપર્ટી પર કબજો કરવો. તેણે આખા પરિવારને ખતમ કરવાનું કાવતરું રચ્યું.

મુંબઈ જેવા ઘોંઘાટવાળા શહેરમાં આખા પરિવારને એકલા મારવું મુશ્કેલ હતું, તેથી તેણે કાવતરા માટે ઇગતપુરી ફાર્મહાઉસ પસંદ કર્યું. તે જાણતો હતો કે લૈલાનો પરિવાર અવારનવાર રજાઓ ગાળવા ત્યાં જતો હતો.

ઇગતપુરી ફાર્મહાઉસ, જ્યાં લૈલા અને તેમના પરિવારના હાડપિંજર મળ્યાં હતાં.

ઇગતપુરી ફાર્મહાઉસ, જ્યાં લૈલા અને તેમના પરિવારના હાડપિંજર મળ્યાં હતાં.

એક દિવસ તેણે સેલિનાને કહ્યું કે ઇગતપુરીના ફાર્મહાઉસમાં એક વોચમેન રાખી લેવો જોઈએ. ખાલી પડેલા ફાર્મહાઉસની દેખરેખ પણ થઈ જશે અને ત્યાંનો સામાન પણ સુરક્ષિત રહેશે. સેલિનાએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેમના માટે આ બિનજરૂરી ખર્ચ હતો. ઘણા દિવસો સુધી તે આ જ વાતનું પુનરાવર્તન કરતો રહ્યો અને છેવટે સેલિના માની ગઈ. વોચમેન રાખવાની જવાબદારી પરવેઝે પોતાના ખભા પર લીધી. આ તેના માટે સુવર્ણ તક હતી. તેણે વોચમેનના નામે કાશ્મીરથી પોતાના મિત્ર સાકિર હુસૈન માનીને બોલાવ્યો, જે આ ષડયંત્રમાં તેની મદદ કરવાનો હતો.

8 ફેબ્રુઆરી 2011

બધા ફાર્મહાઉસ પહોંચ્યા. લૈલા, લૈલાની માતા સેલિના, બહેન અજમીના (આફરીન), ઝારા, ભાઈ ઇમરાન અને કઝિન રેશમા. પાળેલો શ્વાન પણ સાથે હતો. બધાએ સાથે મળીને ડિનર કર્યું અને પછી બાળકો સૂવા માટે નીચેના રૂમમાં ગયા, જ્યારે પરવેઝ અને સેલિના પહેલા માળના રૂમમાં રોકાયા.

મોડી રાત થઈ ગઈ હતી, પણ પરવેઝના મનમાં એક હલચલ હતી. તે વારંવાર ડોકિયું કરીને બધા સૂઈ ગયા છે, તેની ખાતરી કરતો રહ્યો. તે સમયે સેલિના જાગી રહી હતી. પરવેઝે તરત જ મિત્ર સાકિર માનીને બોલાવી લીધો.

સન્નાટામાં માતાની ચીસ સંભળાઈ, બાળકો ઉપર આવ્યા ને પરવેઝે બધાને મારી નાખ્યા

આખા ફાર્મહાઉસમાં સન્નાટો હતો, આસપાસ કોઈ નહોતું. ત્યારે તેણે તક મળતા જ સેલિનાના માથા પર લોખંડના સળિયાથી જોરદાર હુમલો કર્યો. પહેલા હુમલા પછી સેલિના ચીસો પાડી અને ફ્લોર પર પડી ગઈ. પરવેઝે વધુ એક હુમલો કર્યો. સેલિનાની ચીસ, ગ્રાઉન્ડ ફ્લોરના રૂમ સુધી પહોંચી, લૈલા જાગી રહી હતી, તે દોડતી સીડીઓ ચડીને ઉપર આવી. જોયું કે માતા ફ્લોર પર લોહીલુહાણ પડીને કણસી રહી હતી અને પરવેઝના હાથમાં હથિયાર હતું. લૈલા કંઈ સમજી શકે તે પહેલા જ પરવેઝે એક પછી એક તેના પર ઘણા હુમલા કર્યા. ચીસો સાંભળીને પહેલા માળે જેમ જેમ ભાઈ-બહેન પહોંચ્યા, તેમ તેમ પરવેઝ એક પછી એક બધાને મારતો ગયો.

જ્યાં સુધી બધાના શ્વાસ થંભી ન ગયા, ત્યાં સુધી મારતો રહ્યો

તે 5 મહિલાઓમાં ઇમરાન એકમાત્ર છોકરો હતો, પરંતુ તે પણ બે મજબૂત માણસો સામે ક્યાં સુધી ટકી શકતો? તેને પણ મારી નાખવામાં આવ્યો.

બધા ફ્લોર પર તરફડી રહ્યા હતા, લોહી વહેતું જતું હતું, પરંતુ પરવેઝને હજુ પણ સંતોષ ન થયો. તેણે સળિયો ઉઠાવ્યો અને બધાના માથા પર સતત ત્યાં સુધી મારતો રહ્યો, જ્યાં સુધી તેમના શ્વાસ અટકી ન ગયા.

લાશ દફનાવવાનો તો પહેલાથી જ બંદોબસ્ત કરી નાખ્યો હતો

હવે લાશોનો નિકાલ કરવાનો વારો હતો. આની વ્યવસ્થા તેણે એક મહિના પહેલા સેલિના પાસેથી જ કરાવી લીધી હતી. પરવેઝે સેલિનાને કહ્યું હતું કે, તે ફાર્મહાઉસમાં એક સ્વિમિંગ પૂલ બનાવડાવવા માંગે છે. તેણે ના પાડી, પરંતુ તેણે જીદ કરીને પૈસા લઈ લીધા. એક જેસીબી બોલાવી અને જાન્યુઆરીમાં જ ફાર્મહાઉસની પાછળ એક મોટો ખાડો ખોદાવી લીધો.

પરવેઝ અને સાકિરે પહેલા ઇમરાન, ઝારા અને રેશમાની લાશોને ખાડામાં નાખી, પછી લોહીથી લથપથ ગાદલા ઢાંકી દીધા. થોડી માટી નાખી અને બાકી રહેલી લૈલા, સેલિના અને આફરીન અને શ્વાનની લાશોને તેમની ઉપર રાખી.

લાશ દાટી દીધા પછી ફાર્મહાઉસમાં આગ લગાડી દીધી

ગભરામણ એટલી હતી કે પરવેઝે લાશો પરથી ઘરેણાં પણ ન કાઢ્યા. એક વર્ષ પછી જ્યારે હાડપિંજર મળ્યા ત્યારે લૈલાના ગળાની ચેન, સેલિનાના પાટલા, આફરીનની વીંટી જેમની તેમ હતી.

બંનેએ ફાર્મહાઉસમાંથી દરેક કિંમતી સામાન ઉઠાવ્યો અને આખા ફાર્મહાઉસમાં આગ લગાડી દીધી. એક કાર સાકિર લઈને નીકળ્યો અને બીજી કારથી પરવેઝ કાશ્મીર આવ્યો. જેને તેણે કિશ્તવાડમાં ભાડાની દુકાન લઈને પાર્ક કરી દીધી. ગુજરાન ચલાવવા માટે તે દૈનિક મજૂરીનું કામ કરવા લાગ્યો.

14 વર્ષ પછી કોર્ટે ફાંસીની સજા સંભળાવી

2011માં થયેલા લૈલા ખાન અને પરિવારની હત્યાનો કેસ 13 વર્ષ સુધી ચાલ્યો. આખરે 24 મે 2024ના રોજ મુંબઈ સત્ર ન્યાયાલયે પરવેઝ ટાકને પરિવારના 6 લોકોની હત્યાનો દોષી માનીને ફાંસીની સજા, પુરાવા નષ્ટ કરવાના આરોપમાં 10 વર્ષની કેદની સજા સંભળાવી. કોર્ટે તેને રેરેસ્ટ ઓફ રેર કેસ માન્યો. આ પોતાની જાતનો એક એવો મામલો હતો, જેમાં કોઈ પ્રત્યક્ષદર્શી નહોતો. હત્યાકાંડમાં પરવેઝ ટાકનો સાથ આપનાર સાકિર માની ક્યારેય પકડાયો નહીં.

ધરપકડ દરમિયાન પરવેઝ ટાક.

ધરપકડ દરમિયાન પરવેઝ ટાક.

જેલમાં પરવેઝ ટાક સાથે એજાઝ ખાનની મુલાકાત થઈ હતી

એક્ટર એજાઝ ખાન, લૈલાની નાની બહેનનો મિત્ર હતો. દિવ્ય ભાસ્કરને આપેલા ઇન્ટરવ્યુમાં એજાઝે કહ્યું, ‘લૈલા સાથે મારી સીધી મિત્રતા નહોતી, પરંતુ તેની નાની બહેનો આફરીન અને ઝારા મારી ખૂબ સારી મિત્રો હતી. મારે તેમના ઘરે આવવા-જવાનું રહેતું હતું. પહેલા અમે અવારનવાર ફોન પર વાત કરતા હતા, પરંતુ અચાનક એક દિવસ તેનો ફોન બંધ આવવા લાગ્યો. મેં આજુબાજુના લોકોને પૂછ્યું, પરંતુ કોઈને કંઈ ખબર નહોતી. મને લાગ્યું કે કદાચ તેઓ ફરીથી ઉમરાહ, મક્કા-મદીના કે ઈરાન ગયા હશે, તેથી સંપર્ક થઈ શકતો નથી, પરંતુ જ્યારે મને ન્યૂઝ દ્વારા જાણ થઈ કે લૈલા અને તેનો પરિવાર હવે આ દુનિયામાં નથી, ત્યારે હું અંદરથી સંપૂર્ણપણે ભાંગી પડ્યો. લૈલા, તેની બહેનો, ભાઈ કોઈ પણ આવા મૃત્યુને લાયક નહોતા. ખૂબ નાની ઉંમર હતી, બધા મહેનતુ, હોશિયાર અને સુંદર હતા.’

‘પરવેઝ જેલમાં સડી-સડીને મરી રહ્યો છે’- એજાઝ ખાન

‘પહેલી વાર મારી પરવેઝ ટાક સાથે લૈલાના ઘરે મુલાકાત થઈ હતી અને બીજી વાર મુંબઈની આર્થર રોડ જેલમાં. હું થોડા દિવસ જેલમાં હતો. એક દિવસ મને કોઈએ કહ્યું કે, કોઈ તમને મળવા આવ્યું છે. મેં પૂછ્યું કોણ? તેણે કહ્યું- ‘એ જ, જે ગેંગ મર્ડર કરીને આવ્યો છે.’ હું સમજી ગયો. પરવેઝ ટાક લંગડાતો આવ્યો. તેના બંને પગ કોઈ બીમારીથી સડી ગયા હતા. મેં તેને પૂછ્યું- ‘તેં આવું કેમ કર્યું?’ તો તેણે કહ્યું- ‘મેં કંઈ કર્યું નથી.’ તે જ સમયે તેની પત્ની અને બાળકો પણ તેને મળવા આવ્યા હતા. મેં તેની તરફ ઈશારો કરીને કહ્યું- ‘જો તેમની સાથે આવું થાય, તો તને કેવું લાગશે?’ તે જ જેલમાં તે સડી-સડીને મરી રહ્યો છે.’

લૈલા ખાનનું જીવન અનેક કૌભાંડોના નામે રહ્યું

ફિલ્મ ડિરેક્ટર રાકેશ સાવંતે અમારી સાથે લૈલા ખાનના વિવાદાસ્પદ જીવન વિશે વાત કરી. તેમણે કહ્યું, ‘મારી ફિલ્મ ‘વફા’ રિલીઝ થયાના 3-4 મહિના પછીની વાત છે. ઓશિવારામાં ‘સમર્થ વૈભવ’ નામની બિલ્ડિંગ છે, તેની નીચે એક વ્હાઇટ લામા કેફે છે. લૈલાએ મને ફોન કરીને ત્યાં આવવા કહ્યું. હું ત્યાં ગયો તો જોયું કે લૈલા, તેની માતા, તેનો બોયફ્રેન્ડ (જે એક બિલ્ડરનો દીકરો હતો) અને દુબઈથી આવેલો મારો જ એક મિત્ર, બધા એક ટેબલ પર બેઠા હતા. તે ટેબલ પર બંદૂક રાખેલી હતી. હું જોઈને ડરી ગયો. દુબઈવાળા મિત્રએ મને કહ્યું, ‘જો રાકેશ, લૈલાએ મારી પાસેથી 5 કરોડ લીધા હતા. તે મારી સાથે લિવ-ઇનમાં હતી અને હવે આ છોકરા સાથે છે. તું લૈલાને સમજાવ, નહીં તો તે મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે.’ આ ઘટનાના 1-2 વર્ષ પછી લૈલા હંમેશા માટે ગુમ થઈ ગઈ.’

લૈલા ખાન કોણ હતી?

લૈલા ખાનનું સાચું નામ રેશમા પટેલ હતું. તેનો જન્મ 1978માં મુંબઈમાં થયો હતો. જોકે, જન્મની સાચી તારીખ શું છે, તેનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી.

લૈલા ખાનની માતાનું નામ અથિયા પટેલ હતું, જોકે દરેક જણ તેને સેલિના નામથી બોલાવતા હતા. લાંબા સંઘર્ષ પછી લૈલા ખાનને 2002ની બિગ બજેટ કન્નડ ફિલ્મ ‘મેકઅપ’માં કામ મળ્યું. 30 નવેમ્બર 2002ના રોજ રિલીઝ થયેલી ફિલ્મને વિવેચકો દ્વારા વખાણવામાં આવી હતી, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે નિષ્ફળ ગઈ. આ ફિલ્મથી નિર્માતાઓને 75 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.

આ પછી લૈલા ખાનને ભારતના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની કમબેક ફિલ્મ ‘વફા: એ ડેડલી લવ સ્ટોરી’માં તેમની સામે કાસ્ટ કરવામાં આવી. ફિલ્મમાં લૈલા ખાનને એક બેવફા પત્ની તરીકે દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મને રાખી સાવંતના ભાઈ રાકેશ સાવંતે ડિરેક્ટ કરી હતી.

'વફા' ફિલ્મ સુપરસ્ટાર રાજેશ ખન્નાની કમબેક ફિલ્મ હતી.

‘વફા’ ફિલ્મ સુપરસ્ટાર રાજેશ ખન્નાની કમબેક ફિલ્મ હતી.

19 ડિસેમ્બર 2008 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘વફા’ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી શકી નહીં અને સી-ગ્રેડ ફિલ્મ કરવા બદલ રાજેશ ખન્નાની પણ સખત ટીકા થઈ.

(નોંધ: આ સમાચાર લૈલા ખાનની ગુમશુદગીની ફરિયાદ નોંધાવનાર ડિરેક્ટર રાકેશ સાવંત સાથેની વાતચીત, કેસની તપાસ કરી રહેલા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અંબાદાસ પોતેના જૂના ઇન્ટરવ્યુ અને દિવ્ય ભાસ્કરના સિનિયર રિપોર્ટર વર્ષા રાયના સંશોધનના આધારે લખવામાં આવ્યા છે. )

લેખક- ઈફત કુરેશી

રિપોર્ટર- વર્ષા રાય

…………………………………………

રાજેશ ખન્નાની હિરોઇન પરિવાર સાથે અચાનક ગુમ થઈ:એક વર્ષ પછી જમીનમાંથી મળ્યાં 6 હાડપિંજર, આતંકી બ્લાસ્ટને લીધે ખૂલ્યું કાળજું કંપાવનારું રહસ્ય, ભાગ-1

રજાઓ ગાળવા આખો પરિવાર સાથે જઈ રહ્યો હતો. મજાક-મસ્તીનો માહોલ હતો, બધાએ ફાર્મહાઉસમાં થનારા મનોરંજન, ગીતો અને કંઈક ને કંઈક કરવાનું પહેલેથી જ મન બનાવી રાખ્યું હતું. ઘરના 7 લોકો, લૈલા, લૈલાની માતા સેલિના, બહેનો ઝારા, આફરીન (અઝમીના), કઝિન રેશ્મા અને ભાઈ ઇમરાન અને સાવકા પિતા પરવેઝ ટાક 2 ગાડીઓમાં ભરીને ફાર્મહાઉસ માટે રવાના થયા. સંપૂર્ણ સમાચાર વાંચો…

બોલિવૂડ ક્રાઈમ ફાઈલ્સના કેસ 2માં આવતા ગુરુવાર-શુક્રવારે વાંચો નીરજ ગ્રોવર હત્યાકાંડની વાર્તા, જેમની લાશના એક્ટ્રેસે 300 ટુકડા કર્યા હતા.

………………………………………………………………….

એક્ટ્રેસના ઘરેથી ગુમ થયો નીરજ ગ્રોવર: લાશ સામે બનાવવામાં આવ્યા શારીરિક સંબંધ, 300 ટુકડા કરી થેલીઓમાં ઠેકાણે લગાડવામાં આવી લાશ, પાર્ટ-1

મે 2008ની વાત છે,

તે સમયની સૌથી પ્રખ્યાત ક્રાઈમ રિપોર્ટર જીગ્ના વોરાને અમરનાથ ગ્રોવરનો ફોન આવ્યો. તેમણે ગભરાયેલા અવાજમાં કહ્યું, ‘જીગ્નાજી, હું અમરનાથ બોલું છું, મારું બાળક ગુમ થઈ ગયું છે, શું તમે આના પર સ્ટોરી કરશો?’

જીગ્ના જે મોટા-મોટા કેસ પર રિપોર્ટિંગ કરતી હતી, તેમના માટે આ કોઈ મોટી વાત નહોતી. તેમણે જવાબ આપ્યો, ‘સર, આવા ઘણા બાળકો ગુમ થઈ જાય છે, પણ અમે બધા પર સ્ટોરી થોડી કરી શકીએ.’

અમરનાથ ગ્રોવરે દબાણપૂર્વક કહ્યું, ‘ના, આ કેસ કંઈક અલગ છે.’

આખી વાર્તા વાંચો આવતા ગુરુવાર-શુક્રવાર, બોલિવૂડ ક્રાઈમ ફાઈલ્સના કેસ-2 માં.