WhatsAppનો નવો માસ્ટરસ્ટ્રોક, હવે ફોનમાંથી સિમ કાર્ડ કાઢતા જ વોટ્સએપ થઈ જશે બંધ!

Last Updated: February 24, 2026By

ભારતમાં સતત વધી રહેલા સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓને રોકવા માટે ભારત સરકાર અને મેસેજિંગ જાયન્ટ WhatsApp એક મોટું કદમ ઉઠાવવા જઈ રહ્યા છે. ટૂંક સમયમાં જ WhatsAppમાં ‘સિમ બાઈન્ડિંગ’ (SIM Binding) ફીચર લાગુ કરવામાં આવશે. આ નવા નિયમ બાદ, જો તમે તમારા સ્માર્ટફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખશો, તો તમારું WhatsApp એકાઉન્ટ તરત જ કામ કરતું બંધ થઈ જશે.

શું છે આ ‘સિમ બાઈન્ડિંગ’ સિસ્ટમ?

અત્યાર સુધીની સિસ્ટમ મુજબ, એકવાર તમે ઓટીપી (OTP) દ્વારા WhatsApp લોગ-ઈન કરી લો, પછી ભલે તમે સિમ કાર્ડ કાઢી નાખો કે ફોન નંબર બંધ થઈ જાય, તમારું એકાઉન્ટ ચાલુ રહેતું હતું. પરંતુ ‘સિમ બાઈન્ડિંગ’ એક એવી ટેકનિકલ પ્રક્રિયા છે જે એપને તમારા ફોનમાં રહેલા ભૌતિક સિમ કાર્ડ સાથે સીધી લિંક કરી દેશે. આ ફીચર હેઠળ, WhatsApp સમયાંતરે તપાસ કરતું રહેશે કે જે નંબર પર એકાઉન્ટ રજિસ્ટર છે, તે સિમ કાર્ડ ફોનમાં હાજર અને સક્રિય છે કે નહીં.

શા માટે આ ફેરફાર જરૂરી છે?

ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) મુજબ, સાયબર ગુનેગારો ઘણીવાર એવા નંબરોનો દુરુપયોગ કરે છે જે ડિસ્કનેક્ટ થઈ ગયા હોય અથવા ફરીથી વેચવામાં આવ્યા હોય. જૂના નંબર પર વોટ્સએપ ચાલુ હોવાને કારણે લોકો સાથે છેતરપિંડી કરવી સરળ બનતી હતી. આ ઉપરાંત, ફોન ચોરીના કિસ્સામાં પણ જો સિમ કાઢી લેવામાં આવે, તો પણ એકાઉન્ટનો દુરુપયોગ થઈ શકતો હતો. ‘સિમ બાઈન્ડિંગ’ થી આ પ્રકારના તમામ જોખમો પર લગામ લાગશે.

UPI જેવી જ સુરક્ષા હવે WhatsAppમાં

તમને જણાવી દઈએ કે ગૂગલ પે (Google Pay) અને ફોન પે (PhonePe) જેવી UPI એપ્સમાં આ નિયમ પહેલેથી જ અમલમાં છે. ત્યાં પણ જો ફોનમાં તે ચોક્કસ સિમ ન હોય, તો ટ્રાન્ઝેક્શન થઈ શકતું નથી. હવે આવી જ કડક સુરક્ષા મેસેજિંગ એપ્સ માટે પણ અનિવાર્ય બનાવવામાં આવી રહી છે.

ક્યારે અમલમાં આવશે?

Wabetainfo ના રિપોર્ટ અનુસાર, WhatsApp ના લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટા વર્ઝન (2.26.8.6) માં આ ફેરફારના સંકેતો મળ્યા છે. હાલમાં તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તે તમામ ભારતીય વપરાશકર્તાઓ માટે ફરજિયાત બની શકે છે. આ ફેરફારથી સામાન્ય યુઝર્સને થોડી અસુવિધા થઈ શકે છે જો તેઓ વારંવાર સિમ બદલતા હોય, પરંતુ ડિજિટલ સુરક્ષાની દ્રષ્ટિએ આ એક ક્રાંતિકારી પગલું સાબિત થશે.

આ પણ વાંચોઃ રામલીલાનો રાવણ અસલ જીવનમાં પણ રાક્ષસ બન્યો, Lucknow ડ્રમ કેસમાં આરોપી પુત્ર વિશે ચોંકાવનારા ખુલાસા