Actress Mumtaz Birthday Special Untold Stories; Shashi Kapoor Rejection Amitabh Mercedes Incident PHOTOS
- Gujarati News
- Entertainment
- Actress Mumtaz Birthday Special Untold Stories; Shashi Kapoor Rejection Amitabh Mercedes Incident PHOTOS
15 કલાક પેહલા
- કૉપી લિંક
70-80ના દાયકાના જાણીતા એક્ટ્રેસ મુમતાઝ આજે 79 વર્ષના થયાં છે. તે સમયે મુમતાઝની એટલી લોકપ્રિયતા હતી કે, તેમની ફિલ્મોમાં પહેરેલા કપડાં ટ્રેન્ડ બની જતા હતા. સુંદરતા એવી હતી કે યશ ચોપરા, શમ્મી કપૂર જેવા લોકો પણ તેમને લગ્નનો પ્રસ્તાવ આપતા અચકાતા નહોતા, પરંતુ કામ અને કારકિર્દી માટે જુસ્સાદાર મુમતાઝ દરેક પ્રસ્તાવને ઠુકરાવી દેતાં હતાં. જોકે, એક સમય એવો પણ હતો, જ્યારે કેટલીક બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કરવાને કારણે શશી કપૂર, જીતેન્દ્ર જેવા મોટા કલાકારોએ તેમની સાથે ફિલ્મો કરવાની ના પાડી દીધી હતી.
આજે મુમતાઝના જન્મદિવસના ખાસ અવસરે વાંચો, તેમના કરિયર અને જીવન સાથે જોડાયેલી કેટલીક વણકહી વાતો-
કિસ્સો-1
લતા મંગેશકરના ખોળામાં બેસીને ફિલ્મો જોઈ, કહેતા હતાં- ‘આંટી આગલી વખતે પણ બોલાવજો’
31 જુલાઈ 1947ના રોજ મુમતાઝનો જન્મ હૈદરાબાદના ડ્રાયફ્રુટ વેન્ડર અબ્દુલ સમાજ અખ્સરીના ઘરે થયો હતો. પરિવાર ઈરાનનો હતો. પિતા ઈમામોના ખાનદાનમાંથી હતા. મુમતાઝ માત્ર એક વર્ષના હતાં, ત્યારે તેના માતા-પિતા અલગ થઈ ગયા. માતાએ ફિલ્મોમાં જુનિયર આર્ટિસ્ટ તરીકે કામ કરીને મુમતાઝ અને મોટી બહેન મલકાનો એકલા હાથે ઉછેર કર્યો. થોડા સમય પછી માતા બોમ્બે આવીને વસ્યા. મુમતાઝ પણ ઘણીવાર તેમની સાથે સેટ પર જતાં. સેટ પર હસતી-રમતી મુમતાઝને માત્ર 5 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકે ફિલ્મ ‘સંસાર’માં કામ કરવાની તક મળી. આગળ તે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ‘યાસ્મીન’ (1955), ‘સોને કી ચિડિયા’ (1958), ‘લાજવંતી’ (1958), ‘તલાક’ (1958) જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી.

મુમતાઝના બાળપણની તસવીર.
ફિલ્મોમાં કામ મળવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરી અને મુમતાઝ માતા સાથે વાલ્કેશ્વર સ્થિત બિલ્ડિંગમાં આવીને રહેવા લાગ્યા. તેમના બરાબર ઉપર લતા મંગેશકરનું ઘર હતું, જ્યાં 16MM પર ફિલ્મો બતાવવામાં આવતી હતી. એક જ ઇન્ડસ્ટ્રીમાંથી હોવાને કારણે લતા નાની મુમતાઝને ખૂબ લાડ લડાવતાં હતાં. જ્યારે પણ ઘરમાં ફિલ્મ શરૂ કરતા, ત્યારે મુમતાઝને પણ ઘરે બોલાવી લેતાં. લતા તેમને ખોળામાં બેસાડીને ફિલ્મ બતાવતાં અને તે જલ્દી સૂઈ જતી હતી. પરંતુ જતી વખતે દર વખતે કહેતી- ‘આંટી જ્યારે પણ ફિલ્મ જુઓ, મને પણ બોલાવી લેજો.’ ઘણી વાર તો લતા મંગેશકરના ભાઈ તેમને સૂતી હાલતમાં ઘરે છોડવા જતા હતા.
કિસ્સો-2
સેટ પર માતાના મૃત્યુના સમાચાર મળ્યા, ડિરેક્ટરને પૂછ્યું- ‘શું હું જઈ શકું છું?’
દિવસભર ફિલ્મોના સેટ પર વિતાવતા, તેમણે જલ્દી જ પરિવારની જવાબદારી ઉઠાવવાનું શરૂ કર્યું. 12 વર્ષની ઉંમરે મુમતાઝને ‘જમીન કે તારે’ (1960) માં કેરેક્ટર રોલ મળ્યો.
આ ફિલ્મમાં તેમનું પ્રદર્શન જોયા પછી, પ્રખ્યાત ડિરેક્ટર વી. શાંતારામે તેમને ફિલ્મ ‘સ્ત્રી’માં સારો રોલ આપ્યો. એક દિવસ મુમતાઝ ફિલ્મ ‘સ્ત્રી’ના સેટ પર પહોંચ્યા. મુમતાઝ ડાન્સનો શોટ આપી રહ્યા હતાં, ત્યારે ઘરેથી સમાચાર આવ્યા – ‘માતા નથી રહ્યા.’
13 વર્ષના મુમતાઝ ચૂપચાપ ઊભા રહ્યા અને થોડીવાર પછી ડિરેક્ટર વી. શાંતારામને પૂછ્યું – ‘શું કરું અન્ના?’
વી. શાંતારામ ગભરાયા અને કહ્યું – ‘તારે ચોક્કસ જવું જોઈએ.’
મુમતાઝ તરત જ હૈદરાબાદ જવા રવાના થયા. અંતિમ સંસ્કારમાં હાજરી આપી અને બીજા જ દિવસે ફરી સેટ પર આવી ગયા.
આ અંગે મુમતાઝે રેડિયો નશાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘તે જમાનામાં કોઈ મૃત્યુ પામે અને જો પ્રોડ્યુસરનો સેટ લાગ્યો હોય, તો તમારે જવું જ પડે. તમે પ્રોડ્યુસરને કંગાળ કરી શકતા નથી, કારણ કે તેમના પછી બીજા પ્રોડ્યુસરનો સેટ લાગવાનો હોય છે.’
કિસ્સો- 3
મહેમૂદે સુંદરતા જોઈને ફિલ્મ ઓફર કરી, શશી કપૂરે બી-ગ્રેડ એક્ટ્રેસ કહીને ઠુકરાવી
14 વર્ષની ઉંમરે મુમતાઝે ફિલ્મ ‘ગહેરા દાગ’માં કામ કર્યું હતું. ફિલ્મમાં તેણે હીરો રાજેન્દ્ર કુમારની બહેનનો રોલ કર્યો હતો.
આ જ સમયે તેમને 1963ની ફિલ્મ ‘ફૌલાદ’માં રેસલર દારા સિંહ સાથે પહેલો લીડ રોલ મળ્યો. દારા સિંહનું કદ જોઈને કોઈ હિરોઈન કામ કરવા તૈયાર નહોતી, તેથી મુમતાઝને આ રોલ આપવામાં આવ્યો. આ જોડી હિટ રહી અને પછી મુમતાઝને દારા સિંહ સાથે એક પછી એક કુલ 16 ફિલ્મો મળી. આ ફિલ્મો ઉપરાંત મુમતાઝે ઘણી બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું, જોકે, તેમને ખાસ ઓળખ મળી નહીં.

‘ફૌલાદ’ ફિલ્મમાં મુમતાઝ.
મુમતાઝના મોટી બહેન મલકા પણ ફિલ્મોમાં આવ્યાં અને કોમેડિયન-એક્ટર મહેમૂદ સાથે ઘણી ફિલ્મો કરી. એક દિવસ મહેમૂદ કામના સિલસિલામાં મલકાને મળવા પહોંચ્યા, ત્યારે તેમની નજર મુમતાઝ પર પડી. દેખાવમાં ખૂબ જ સુંદર મુમતાઝને તેઓ એકીટશે જોતા રહ્યા. જ્યારે મહેમૂદને ફિલ્મ ‘પ્યાર કિયે જા’માં શશી કપૂર, કિશોર કુમાર સાથે કાસ્ટ કરવામાં આવ્યા, ત્યારે તેમણે પોતાની સામે મુમતાઝને જ કાસ્ટ કરી. જોકે, ફિલ્મમાં તેમનો રોલ નાનો હતો.

એક દિવસ ફિલ્મની શૂટિંગ દરમિયાન મહેમૂદે શશી કપૂરને કહ્યું કે, તે પોતાની આવનારી ફિલ્મોમાં મુમતાઝને કાસ્ટ કરે. શશી કપૂરે કડક અંદાજમાં જવાબ આપ્યો, ‘ના, હું તે એક્ટ્રેસને ક્યારેય મારી હિરોઈન નહીં બનાવું, જેણે દારા સિંહ સાથે બી-ગ્રેડ ફિલ્મ કરી. કોને ખબર હતી કે આ બી-ગ્રેડ ફિલ્મોની તે એક્ટ્રેસ જલ્દી જ ટોપ અને હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ બની જશે.
કિસ્સો- 4
મહેમૂદની જીદ પર દિલીપ કુમારની હિરોઈન બની મુમતાઝ
ફિલ્મ ‘પ્યાર કિયે જા’માં સાથે કામ કર્યા પછી મહેમૂદ પોતાની દરેક ફિલ્મમાં મુમતાઝને ભૂમિકા આપવા લાગ્યા. તેઓ સમજી ગયા હતા કે, મુમતાઝમાં ટોચની એક્ટ્રેસ બનવાની કળા અને જુસ્સો છે. તેઓ બીજા હીરોને પણ મુમતાઝ સાથે કામ કરવાની સલાહ આપતા હતા. જ્યારે મહેમૂદને ખબર પડી કે, દિલીપ કુમાર ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ કરી રહ્યા છે, જેમાં તેમનો ડબલ રોલ છે, ત્યારે તેઓ સીધા મુમતાઝની ભલામણ કરવા પહોંચી ગયા. ત્યારે દિલીપ કુમાર આરકે સ્ટુડિયોમાં શૂટિંગ કરી રહ્યા હતા. મહેમૂદ તેમની પાસે ગયા અને કહ્યું- ‘એક નવી છોકરી છે, ખૂબ જ પ્રતિભાશાળી છે, તેની સાથે કામ કરી લો.’
દિલીપ કુમારે જવાબ આપ્યો- ‘હાલ હું વ્યસ્ત છું, લંચ બ્રેકમાં છોકરીનો ફોટો લઈને આવજો.’
મહેમૂદ ઉતાવળમાં એક સ્ટુડિયો ગયા અને મુમતાઝના ગીતની આખી રીલ લઈ આવ્યા. લંચ બ્રેકમાં તેમણે દિલીપ કુમારને મુમતાઝની રીલ બતાવી તો તેમણે કહ્યું- ‘યાર મહેમૂદ, છોકરી તો ખૂબ સારી દેખાય છે, સુંદર છે, ડાન્સ પણ કરે છે, ખૂબ જ પ્યારી છોકરી છે. હું કરીશ. ડબલ રોલ છે, એક વહીદા છે, બીજી મુમતાઝ હશે.’
ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ હિટ રહી અને મુમતાઝને દેશભરમાં ઓળખ મળી ગઈ.

ફિલ્મ ‘રામ ઔર શ્યામ’માં દિલીપ કુમાર સાથે મુમતાઝ.
કિસ્સો- 5
જીતેન્દ્રએ સાથે કામ કરવાનો ઇનકાર કર્યો, ડિરેક્ટર બોલ્યા- ‘હિરોઈન નહીં બદલું’
ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ રિલીઝ થાય તે પહેલાં મુમતાઝને ફિલ્મ ‘બૂંદ જો બન ગયે મોતી’ (1967) માં કામ મળ્યું. જીતેન્દ્ર અને ડિરેક્ટર વી. શાંતારામની દીકરી રાજશ્રી લીડ રોલમાં હતી અને મુમતાઝને સાઇડ રોલ મળ્યો હતો. ફિલ્મનું શૂટિંગ શરૂ થવાના બરાબર પહેલાં રાજશ્રીના લગ્ન નક્કી થઈ ગયા અને તેમણે ફિલ્મ છોડી દીધી. આવા સંજોગોમાં વી. શાંતારામે મુમતાઝને જ ફિલ્મમાં લીડ રોલ આપ્યો. જેવી આ ખબર જીતેન્દ્રને મળી, તેમણે તરત જ ડિરેક્ટરને ફોન કરીને વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું- ‘તેને હિરોઈન કેમ બનાવી, કોઈ બીજી હિરોઈન શોધો.’ જવાબ મળ્યો- ‘હિરોઈન તો મુમતાઝ જ હશે, તમને વાંધો હોય, તો તમે ફિલ્મ છોડી દો.’
તે વી. શાંતારામ જ હતા, જેમણે જીતેન્દ્રને હીરો બનાવ્યો હતો, તેથી જીતેન્દ્રને મજબૂરીથી ફિલ્મ કરવી જ પડી.

આ જ રીતે, 1969ની ફિલ્મ ‘દો રાસ્તે’માં શશી કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા હતા. પાછળથી જ્યારે મુમતાઝની કાસ્ટિંગ થઈ, ત્યારે શશી કપૂરે ફિલ્મ છોડી દીધી. આ ફિલ્મમાં પાછળથી રાજેશ ખન્નાને સાઈન કરવામાં આવ્યા. ફિલ્મનું ગીત ‘બિંદિયા ચમકેગી, ચૂડી ખનકેગી’ ખૂબ હિટ થયું હતું.

કિસ્સો-6
અમિતાભ માટે પોતાની મર્સિડીઝ છોડી દીધી
અમિતાભ બચ્ચન ઇન્ડસ્ટ્રીમાં નવા હતા, જ્યારે તેમને મુમતાઝ સાથે ફિલ્મ ‘બંધે હાથ’માં કામ મળ્યું. મુમતાઝ ત્યારે ઘણી લોકપ્રિય થઈ ચૂક્યા હતાં. તેમની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જ્યારે અમિતાભ બચ્ચન સાધારણ કારથી આવતા હતા, ત્યારે મુમતાઝ મર્સિડીઝથી સેટ પર આવતા હતા. અમિતાભને તેમની કાર ખૂબ પસંદ હતી. એક દિવસ તેમણે સાથે કામ કરનારાઓને કહ્યું – ‘મને આ કાર પસંદ છે, જોજો એક દિવસ હું પણ મર્સિડીઝ ચલાવીશ.’ કોઈક રીતે આ વાત મુમતાઝના કાનો સુધી પહોંચી. તે દિવસે જ્યારે તે શૂટિંગ પૂરું કરીને નીકળ્યા, ત્યારે અમિતાભની કાર લઈ ગયા અને પોતાની કાર ત્યાં જ સેટ પર છોડી દીધી. અમિતાભ બહાર આવ્યા, તો તેમને પોતાની કાર ન મળી. આસપાસ પૂછ્યું, તો ગાર્ડે જણાવ્યું કે મુમતાઝ પોતાની કાર તમારા માટે છોડી ગયા છે, જેથી તમે તેને ચલાવી શકો. અમિતાભ તેમની કાર ઘરે લઈ ગયા અને આ રીતે મુમતાઝે અમિતાભની ઈચ્છા પૂરી કરી દીધી.

મુમતાઝે અમિતાભ બચ્ચન સાથે માત્ર ‘બંધે હાથ’ ફિલ્મમાં કામ કર્યું છે.
કિસ્સો- 7
શમ્મી કપૂરે પ્રપોઝ કર્યું, તો રાજ કપૂરે ‘મેરા નામ જોકર’માંથી કાઢી નાખી
હિટ ફિલ્મો આપતા મુમતાઝ મોટા એક્ટ્રેસ બની ગયા. આ જ સમયે 1968માં તેમને શમ્મી કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્મચારી’માં કાસ્ટ કરવામાં આવ્યા. સાથે કામ કરતા બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. રિલીઝ પછી ફિલ્મ સુપરહિટ થઈ અને તેના ગીતો ‘આજ કલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’, ‘ચક્કે મેં ચક્કા, ચક્કે પે ગાડી’ ખૂબ હિટ થયા.

ફિલ્મ રિલીઝ થયાના થોડા સમય પછી શમ્મી કપૂર અને મુમતાઝ રિલેશનશિપમાં આવ્યા. થોડા સમય પછી શમ્મી કપૂરે તેમને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મુમતાઝ પણ લગ્ન કરવા માંગતા હતાં, પરંતુ રાજ કપૂરે શરત મૂકી કે, ‘જો લગ્ન કરવા હોય, તો મુમતાઝે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરવું પડશે, અમારા ઘરની વહુઓ કામ નહીં કરે.’

મુમતાઝ તે સમયે કરિયરના પીક પર હતા અને ઘરની જવાબદારી હોવાને કારણે તેઓ કામ છોડવા માંગતા ન હતા. શમ્મી કપૂરે તેના પરિવારને આર્થિક મદદ આપવાનું વચન પણ આપ્યું હતું, પરંતુ મુમતાઝે કરિયર માટે પ્રેમનો બલિદાન આપી દીધો.
જે સમયે મુમતાઝ અને શમ્મી કપૂરના લગ્નની વાત ચાલી રહી હતી, ત્યારે જ રાજ કપૂરે તેમને ફિલ્મ ‘મેરા નામ જોકર’માં વિદેશી મહિલાના રોલમાં કાસ્ટ કર્યા હતાં. જેવી તેમને ખબર પડી કે શમ્મી તેની સાથે લગ્ન કરવા માંગે છે, રાજ કપૂરે મુમતાઝને ફિલ્મમાંથી કાઢી મૂકી. રાજ કપૂરે મુમતાઝને કહ્યું હતું- ‘હું તને લઈ શકતો નથી. ઘરના લોકોને આવો ખુલ્લો રોલ નહીં આપું.’
મુમતાઝની જગ્યાએ બાદમાં રશિયન એક્ટ્રેસ સેનિયાને કાસ્ટ કરવામાં આવી હતી.
કિસ્સો- 8
ફિલ્મમાં દેવ આનંદની બહેન બનવાનો ઇનકાર કર્યો
મુમતાઝે 1971ની ફિલ્મ ‘તેરે મેરે સપને’માં દેવ આનંદ સાથે કામ કર્યું હતું. થોડા વર્ષો પછી તેમને ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણા’ મળી, પરંતુ તેમને દેવ સાહેબની બહેનનો રોલ ભજવવાનું કહેવામાં આવ્યું. મુમતાઝે તરત જ ના પાડી દીધી. તેણે કહ્યું- ‘હું આટલા રોમેન્ટિક હીરોની બહેનનો રોલ ક્યારેય નહીં કરું.’ તેની આ વાત સાંભળીને દેવ આનંદ ખૂબ હસ્યા અને કહ્યું- ‘ફિલ્મમાં કામ તો તું કરીશ, પણ મારી હિરોઈન બનીને.’ બાદમાં ઝીનત અમાનને બહેનનો રોલ આપવામાં આવ્યો અને મુમતાઝે દેવ આનંદ સાથે લીડ રોલ કર્યો. આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી.

કિસ્સો- 9
બીજા હીરો સાથે કામ કરવા પર રાજેશ ખન્ના નારાજ થઈ જતા હતા
રાજેશ ખન્ના અને મુમતાઝની મિત્રતા ખૂબ ઊંડી હતી. જો ક્યારેક મુમતાઝ કોઈ બીજા અભિનેતા સાથે ફિલ્મ સાઇન કરી લેતા, તો રાજેશ ખન્ના આ વાતથી નારાજ થઈ જતા હતા. આના પર મુમતાઝ તેમને કહેતાં – ‘તમે પણ તો બીજી એક્ટ્રેસિસ સાથે ફિલ્મો સાઇન કરી લો છો, હું તો નારાજ નથી થતી.’ પોતાની આ જ આદતથી તે રાજેશ ખન્નાને મનાવી લેતા હતાં.

કિસ્સો-10
24 વર્ષની ઉંમરે લગ્ન કરીને ફિલ્મો છોડી, સાસરીયાએ કામ કરવાથી રોક્યા
મુમતાઝ કારકિર્દીના શિખર પર હતા, જ્યારે ઘરના સભ્યોએ તેના લગ્ન મૂળ ગુજરાતી અને યુગાન્ડાના ધનિક ઉદ્યોગપતિ મયૂર માધવાણી સાથે નક્કી કર્યા. રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં વહેલા લગ્ન કરાવવાનો રિવાજ હતો. ઘરના સભ્યોએ દબાણ કર્યું, તો મુમતાઝ ના પાડી શક્યા નહીં. તેમણે મોટાભાગની ફિલ્મોની સાઇનિંગ એમાઉન્ટ પાછી આપી દીધી અને જે અધૂરી ફિલ્મો હતી, તેનું શૂટિંગ પૂરું કર્યું. 1974માં તેમના મયૂર સાથે લગ્ન થયા અને તે યુગાન્ડા જઈને વસી ગયા.
લગ્ન પહેલા જ તેમના પતિના ભાઈએ સ્પષ્ટ કહી દીધું હતું કે, ‘મુમતાઝને ફિલ્મોમાં કામ કરવાનું છોડવું પડશે.’ લગ્ન પછી તેમને 3-4 વાર ગર્ભપાત થયો હતો. તેમની બે દીકરીઓ છે, જેમનું નામ નતાશા અને તાન્યા છે. તેમની મોટી દીકરી નતાશાના લગ્ન ‘નો એન્ટ્રી’ ફેમ એક્ટર ફરદીન ખાન સાથે થયા છે. ફરદીનના પિતા ફિરોઝ ખાન અને મુમતાઝ ગાઢ મિત્રો હતા.

મયૂર સાથે લગ્ન પછી લેવાયેલી મુમતાઝની તસવીર.
કિસ્સો- 11
મોત પહેલા શમ્મી કપૂરે મુમતાઝને મળવાની ઈચ્છા રાખી, મળ્યા તો રડી પડ્યા
વર્ષ 2010માં મુમતાઝ ભારતમાં હતાં, ત્યારે તેમની પાસે શમ્મી કપૂરના પત્ની નીલા દેવીનો ફોન આવ્યો. નીલાએ તેમને કહ્યું કે, ‘શમ્મી કપૂરની ઈચ્છા છે કે તમે તેમની બર્થડે પાર્ટીમાં આવો.’ મુમતાઝે જવાબ આપ્યો- ‘હું જરૂર આવીશ.’
જેવા તેઓ પાર્ટીમાં પહોંચ્યા, તો જોયું કે શમ્મી કપૂર દારૂ પી રહ્યા હતા. આ વાતની જાણકારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દરેક વ્યક્તિને હતી કે, શમ્મી કપૂરની તબિયત ઘણા મહિનાઓથી બગડેલી હતી.
મુમતાઝ નજીક પહોંચ્યાં અને કહ્યું- ‘જો તમારી તબિયત સારી નથી, તો તમે દારૂ કેમ પી રહ્યા છો.’
શમ્મી કપૂરે જવાબમાં કહ્યું- ‘હું વધારે દિવસો સુધી જીવવાનો નથી.’
મુમતાઝને તે દિવસે જ ખબર પડી કે, શમ્મી કપૂર થોડા મહિનાના જ મહેમાન છે. તે ભાવુક થઈ ગયા અને કહ્યું- ‘તમે પી શકો છો. એન્જોય યોરસેલ્ફ.’
થોડીવાર પછી મુમતાઝ ત્યાંથી ચાલી ગઈ. જતાં જતાં બસ કહ્યું- ‘પોતાનું ધ્યાન રાખજો.’
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


