AI દ્વારા બદલાયેલો અવાજ અને એક જ મિનિટમાં બેંક ખાતુ સાવ ખાલી ખામ, જાણો કેવી રીતે કર્યુ ફ્રોડ?

Last Updated: January 11, 2026By

મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાંથી સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે દરેક સ્માર્ટફોન યુઝર માટે લાલબત્તી સમાન છે. અહીં એક મહિલા શિક્ષિકા આધુનિક ટેક્નોલોજી ‘AI Voice Cloning’ નો શિકાર બની છે. આ કિસ્સામાં ઠગોએ માત્ર વાતચીત જ નહીં, પરંતુ લાગણીઓ સાથે પણ રમત રમીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે.

અવાજ ભાઈનો, પણ ઇરાદો ઠગનો

ઈન્દોરના લસુડિયા વિસ્તારમાં રહેતા મહિલા શિક્ષિકાને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનાર વ્યક્તિનો અવાજ હૂબહૂ તેમના ભાઈ જેવો જ હતો. ઠગાઈની આ પદ્ધતિમાં AI અને વોઇસ મોડ્યુલેશનનો ઉપયોગ કરીને અવાજને એવી રીતે ક્લોન કરવામાં આવ્યો હતો કે શિક્ષિકાને સહેજ પણ શંકા ન ગઈ. ઠગે ‘ભાઈ’ બનીને જણાવ્યું કે તેનો એક મિત્ર મુસીબતમાં છે અને તાત્કાલિક પૈસાની જરૂર છે. ભાઈનો અવાજ સાંભળીને ભાવુક થયેલી બહેને કોઈ પણ ચકાસણી કર્યા વિના 1 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા.

સત્યની જાણ ક્યારે થઈ?

ઠગાઈનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે શિક્ષિકાએ થોડા સમય પછી તેમના સાચા ભાઈને ફોન કરીને પૈસા મળ્યા કે નહીં તેની ખાતરી કરી. ભાઈએ કોઈ પણ પ્રકારનો ફોન કર્યો હોવાનો ઇનકાર કરતા જ બહેનના પગ નીચેથી જમીન સરકી ગઈ. છેતરપિંડીનો અહેસાસ થતા જ તેમણે તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

AI વોઇસ ક્લોનિંગથી કેવી રીતે બચશો?

સાયબર નિષ્ણાતો અને પોલીસ દ્વારા આ પ્રકારની ઠગાઈથી બચવા માટે નીચે મુજબના સૂચનો આપવામાં આવ્યા છે:

ઉતાવળ ન કરો: જો કોઈ સગું કે મિત્ર અચાનક ફોન કરીને પૈસા માંગે, તો ગભરાવાને બદલે શાંતિથી વિચારો.

ક્રોસ-વેરિફિકેશન: જે વ્યક્તિનો ફોન આવ્યો હોય, તેના જૂના કે સેવ કરેલા નંબર પર વળતો ફોન કરીને ખાતરી કરો.

ગુપ્ત કોડ (Safe Word): તમારા પરિવારના સભ્યો સાથે એક એવો ‘સિક્રેટ કોડ’ નક્કી કરો જે માત્ર તમે જ જાણતા હોવ. ઇમરજન્સીમાં આ કોડ પૂછીને ખાતરી કરી શકાય.

અજાણ્યા લિંક પર ક્લિક ન કરો: સોશિયલ મીડિયા પર અજાણ્યા વિડિયો કે ઓડિયો લિંક પર ક્લિક કરવાનું ટાળો, કારણ કે તે તમારા અવાજના નમૂના ચોરી શકે છે.

આ પણ વાંચોઃ Explore this place: ભારતમાં જ ઇટલી જેવી વાઇબ, પુણેનું આ હિલ સ્ટેશન અપાવશે યુરોપની યાદ!