Bangladesh-Turkiye Drone Factory in Bogura; 75km Near Indian Border
ઢાકા13 કલાક પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાન બાદ હવે તુર્કી બાંગ્લાદેશમાં પણ પોતાની ડિફેન્સ ઇન્ડસ્ટ્રીનો વ્યાપ વધારી રહ્યું છે. બાંગ્લાદેશ અને તુર્કી હવે મળીને ડ્રોન બનાવવાની તૈયારી કરી રહ્યા છે. બંને દેશોની ભાગીદારીથી બોગુરામાં ડ્રોન ફેક્ટરી બનાવવામાં આવશે.
આ ડ્રોન ફેક્ટરીનો ખર્ચ 25 હજાર કરોડ રૂપિયા છે. તુર્કી બાંગ્લાદેશને ડ્રોન બનાવવાની ટેક્નોલોજી પણ આપશે. બોગુરા ભારતની સરહદથી લગભગ 75 કિમી દૂર છે.
ફેક્ટરીની નજીક એરફોર્સ એરબેઝ પણ બનશે
બોગુરા બાંગ્લાદેશના ઉત્તર ભાગમાં આવેલું છે. અહીં જે વિસ્તારમાં ફેક્ટરીની યોજના છે, તેની નજીક જ બાંગ્લાદેશ એરફોર્સનો નવો એરબેઝ વિકસાવવામાં આવી રહ્યો છે. બોગુરા એરપોર્ટને પણ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર અપગ્રેડ કરવાની યોજના છે.
ભારતના દૃષ્ટિકોણથી તેનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે બાંગ્લાદેશની લગભગ 4,096 કિલોમીટર લાંબી સરહદ ભારત સાથે જોડાયેલી છે.
ભાસ્કર એક્સપર્ટ અવિનાશ મોહનાની, આઈબીના ભૂતપૂર્વ સંયુક્ત નિર્દેશકના જણાવ્યા મુજબ, ભારતની સૌથી લાંબી, લગભગ ચાર હજાર કિલોમીટર લાંબી સરહદ બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. આ ભારતના કોઈપણ પડોશી દેશ સાથેની સૌથી લાંબી સરહદ છે.
સાથે જ, વિશ્વમાં કોઈપણ બે દેશો વચ્ચેની આ 5મી સૌથી લાંબી જમીની સરહદ માનવામાં આવે છે. ભારતના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો બાંગ્લાદેશના તુર્કી સાથેના સંરક્ષણ ગઠબંધનથી પૂર્વોત્તરના રાજ્યોમાં ખતરો વધશે.
બાંગ્લાદેશની ભારત સાથે જોડાયેલી સરહદ પર ડ્રોન તૈનાત કરવાની પણ યોજના છે. બાંગ્લાદેશ સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન વચ્ચેના મક્કા સંરક્ષણ કરારમાં પણ પ્રવેશ મેળવવા ઇચ્છે છે. પાકિસ્તાન તેમાં મધ્યસ્થીની ભૂમિકામાં છે.
તુર્કીએ ડ્રોન ટેકનોલોજી અનેક દેશો સુધી પહોંચાડી
તુર્કીની ઓળખ દુનિયામાં તેના સૈન્ય ડ્રોન કાર્યક્રમથી બની છે. તેમાં બાયરક્તાર TB2 મુખ્ય છે. તુર્કીએ ડ્રોન ટેક્નોલોજી અનેક દેશો સુધી પહોંચાડી છે.
બાંગ્લાદેશ સાથે પણ ડ્રોન સહયોગ છેલ્લા કેટલાક સમયથી બંને દેશોના સંરક્ષણ સંબંધોનો મહત્વપૂર્ણ હિસ્સો બન્યો છે. ધ ડિપ્લોમેટે જૂન 2026માં અહેવાલ આપ્યો હતો કે બંને દેશો વચ્ચેના સહયોગનું કેન્દ્ર ડ્રોન છે અને સૈન્ય ઉપકરણોના સંયુક્ત ઉત્પાદન અંગે પણ ચર્ચા ચાલી રહી છે.
બાંગ્લાદેશ પહેલેથી જ તુર્કીમાં બનેલાં સૈન્ય ઉપકરણોનો ઉપયોગ કરે છે. તેમાં ઓટોકરની COBRA શ્રેણીનાં બખ્તરબંધ વાહનો પણ સામેલ છે. ઓટોકરના જણાવ્યા અનુસાર COBRA IIનો ઉપયોગ વિશ્વના 20થી વધુ દેશોની સેનાઓ કરે છે.
તુર્કીની ડ્રોન બનાવતી કંપની પાકિસ્તાનમાં પણ છે
તુર્કી અને પાકિસ્તાન વચ્ચે પણ ડ્રોન તથા સંરક્ષણ ટેક્નોલોજી અંગેનો સહયોગ સતત વધી રહ્યો છે. તુર્કીની ડ્રોન બનાવતી કંપની બાયકર પાકિસ્તાનમાં પહેલેથી જ હાજર છે.
2023માં બાયકરની પાકિસ્તાની સહાયક કંપનીએ નેશનલ એરોસ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી પાર્ક (NASTP) ખાતે સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓ માટે કરાર કર્યો હતો.
પાકિસ્તાન અને તુર્કી એરોસ્પેસ, ડ્રોન અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે સંયુક્ત સાહસો તથા ટેક્નોલોજી ટ્રાન્સફરને લઈને પણ વાતચીત કરી છે.

યુક્રેનની રાજધાની કીવમાં સ્વતંત્રતા દિવસની પરેડની રિહર્સલ દરમિયાન તુર્કીના બાયરક્તાર TB2 ડ્રોનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશમાં તુર્કીના 12 સાંસ્કૃતિક કેન્દ્રો બન્યાં
બાંગ્લાદેશમાં 6 મહિનાના સમયગાળા દરમિયાન તુર્કીના 12 સાંસ્કૃતિક કેન્દ્રો બની ગયાં છે. કટ્ટરપંથી વિદ્યાર્થી શિબિર અને જમાત-એ-ઇસ્લામી સાથે સંચાલિત આ કેન્દ્રોમાં ભારતવિરોધી એજન્ડા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ઢાકામાં યુનુસ એમરે ઇન્સ્ટિટ્યૂટ અને એક સમર્પિત તુર્કી સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપવાની તૈયારી ચાલી રહી છે. તુર્કી સરકારના ‘તુર્કી સ્કોલરશિપ્સ’ કાર્યક્રમ હેઠળ આ વર્ષે બાંગ્લાદેશના 3 હજાર વિદ્યાર્થીઓને તુર્કીમાં ઉચ્ચ શિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.



