Bennett-Lapid Unite Against Netanyahu | Israel Politics 2026
તેલ અવીવ2 કલાક પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલમાં બે પૂર્વ વડાપ્રધાન નફ્તાલી બેનેટ અને યાયર લેપિડે વર્તમાન PM બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ એકસાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમનો હેતુ લાંબા સમયથી સત્તામાં રહેલા નેતન્યાહુને હટાવવાનો છે.
બંને અગાઉ પણ 2021માં સાથે આવ્યા હતા અને તેમણે અલગ-અલગ વિચારધારા ધરાવતી પાર્ટીઓને જોડીને 12 વર્ષથી ચાલી રહેલી નેતન્યાહુની સત્તા ઉથલાવી દીધી હતી.
હવે બંને નેતાઓએ ફરીથી સાથે આવવાનો નિર્ણય કર્યો છે. તેમણે નક્કી કર્યું છે કે પોતાની-પોતાની પાર્ટીઓને ભેળવીને એક નવી પાર્ટી બનાવવામાં આવશે, જેનું નેતૃત્વ બેનેટ કરશે.
ઇઝરાયલમાં ઓક્ટોબર 2027માં ચૂંટણી યોજાવાની છે પરંતુ એવું માનવામાં આવે છે કે નેતન્યાહુ આ જ વર્ષે સંસદ ભંગ કરીને ચૂંટણી કરાવી શકે છે.

નફ્તાલી બેનેટ 2022માં ચૂંટણી હાર્યા બાદ રાજકારણથી દૂર થયા હતા. (ફાઈલ ફોટો)
2022માં ગઠબંધન તૂટી ગયું હતું
2021માં થયેલા કરાર હેઠળ, પહેલા બેનેટ વડાપ્રધાન બન્યા અને બાદમાં લેપિડને આ જવાબદારી સંભાળવાની હતી. જોકે, આ સરકાર ખૂબ ઓછી બહુમતી પર ટકી હતી.
તેમાં જમણેરી, ડાબેરી, મધ્યમમાર્ગી અને એક આરબ પાર્ટી સામેલ હતી. તેમની અલગ-અલગ વિચારધારા ધરાવતી આ પાર્ટીઓમાં સુરક્ષા, પેલેસ્ટાઈન અને વસાહતો જેવા મુદ્દાઓ પર બધાની વિચારસરણી અલગ હતી, જેના કારણે વારંવાર સંઘર્ષ થતો રહ્યો.
આખરે પરિસ્થિતિ એવી બની ગઈ કે સરકાર ચલાવવી મુશ્કેલ થઈ ગઈ. ત્યારે બેનેટ અને લેપિડે સંસદ ભંગ કરવાનો નિર્ણય કર્યો અને નવી ચૂંટણીઓ યોજવામાં આવી.
તેમાં નેતન્યાહુની જીત થઈ અને તેઓ ફરીથી સત્તામાં પાછા ફર્યા. ત્યારથી લેપિડ વિપક્ષના નેતા છે, જ્યારે બેનેટ થોડા સમય માટે રાજકારણથી દૂર થઈ ગયા હતા.
લેપિડની પાર્ટીનું કહેવું છે કે આ પગલાનો હેતુ વિપક્ષને એકજૂટ કરવાનો, આંતરિક ઝઘડાઓ સમાપ્ત કરવાનો અને આવનારી મહત્વપૂર્ણ ચૂંટણીઓ જીતવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

નેતન્યાહુની વાપસી પછી યાયર લેપિડ વિપક્ષી નેતાની ભૂમિકા ભજવી રહ્યા છે. (ફાઇલ ફોટો)
બેનેટ-લેપિડની વિચારસરણી અલગ-અલગ
બેનેટની છબી એક કટ્ટરપંથી યહૂદી રાષ્ટ્રવાદી નેતાની રહી છે. તેઓ લાંબા સમયથી જમણેરી રાજકારણ સાથે જોડાયેલા રહ્યા છે અને પેલેસ્ટાઇન મુદ્દે તેમનું વલણ ખૂબ જ કડક માનવામાં આવે છે.
તેઓ વેસ્ટ બેંકમાં યહૂદી વસાહતોના સમર્થક રહ્યા છે અને પેલેસ્ટાઈન રાજ્ય બનાવવાની વિચારધારાની વિરુદ્ધ પણ રહ્યા છે. તેમનું માનવું રહ્યું છે કે ઇઝરાયલની સુરક્ષા સર્વોપરી છે અને આ મામલે કોઈ પણ પ્રકારની ઢીલ ન આપવી જોઈએ.
તેનાથી વિપરીત, લેપિડને બિનસાંપ્રદાયિક અને ઉદાર વિચારધારાવાળા નેતા માનવામાં આવે છે. તેમની રાજનીતિ વધુ વ્યવહારુ અને સંતુલિત માનવામાં આવે છે. તેઓ શહેરી મધ્યમ વર્ગ, પ્રોફેશનલ લોકો અને ઉદાર વિચારધારાવાળા મતદારોમાં ખૂબ લોકપ્રિય છે.

લેપિડ અને બેનેટ બંને માટે આ ગઠબંધન જરૂરી
લેપિડ માટે આ ગઠબંધન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેમની પાર્ટી યેશ અતીદ હાલમાં વિપક્ષની સૌથી મોટી પાર્ટી છે અને સંસદમાં 24 બેઠકો ધરાવે છે, પરંતુ તાજેતરના સર્વે દર્શાવે છે કે આગલી વખતે તે ઘટીને માત્ર 5 બેઠકો રહી શકે છે. આવી સ્થિતિમાં, બેનેટ સાથે આવવાથી તેમની સ્થિતિ મજબૂત થઈ શકે છે.
બીજી તરફ, બેનેટ માટે પણ આ ગઠબંધન જરૂરી હતું. નિષ્ણાતોનું માનવું છે કે પૂર્વ ચીફ ઓફ સ્ટાફ ગાદી આઇઝનકોટના આગમનથી આખું સમીકરણ બદલાઈ ગયું છે. આઇઝનકોટની મજબૂત છબી અને લોકપ્રિયતાને કારણે તેઓ બેનેટના વોટ બેંકમાં ગાબડું પાડી રહ્યા હતા.
નિષ્ણાતોના મતે, સુરક્ષા અને સેનાના મુદ્દાઓને મહત્વપૂર્ણ માનનારા મતદારો હવે આઇઝનકોટ તરફ જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, બેનેટ પાસે કેન્દ્રની રાજનીતિ છોડીને લેપિડ સાથે આવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો.
આ ગઠબંધનથી બેનેટને આર્થિક ફાયદો પણ થશે. ઇઝરાયલમાં પાર્ટીઓને મળતું સરકારી ભંડોળ તેમની સંસદમાં બેઠકોના આધારે નક્કી થાય છે. બેનેટની પાર્ટીને જ્યાં લગભગ 11 મિલિયન શેકેલ મળે છે, ત્યાં લેપિડની પાર્ટીને 27 મિલિયન શેકેલ મળે છે, કારણ કે તેમની પાસે વધુ બેઠકો છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


