BlackBerry જેવી ડિઝાઇન, Iphone જેવી સુવિધાઓ, એક્સક્લુઝિવ સ્માર્ટફોન લોન્ચ

Last Updated: January 10, 2026By

વર્ષો પહેલાં બ્લેકબેરી સ્માર્ટફોનને બિઝનેસ-ક્લાસ ફોન તરીકે ઓળખવામાં આવતા હતા. ફિઝિકલ કીબોર્ડ, મજબૂત સુરક્ષા અને પ્રોફેશનલ લુકને કારણે લોકો બ્લેકબેરી ફોન રાખવાનું ગૌરવ માનતા હતા. પરંતુ સમય સાથે એન્ડ્રોઇડ અને આઇફોન આવ્યા અને બ્લેકબેરી ધીમે ધીમે માર્કેટમાંથી અદ્રશ્ય થઈ ગઈ. હવે 2026માં એક એવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે જે બ્લેકબેરી જેવી ડિઝાઇન સાથે ફરીથી કીબોર્ડ ફોનનો ક્રેઝ જીવંત કરવાનો પ્રયાસ કરે છે.

Klicks Communicator

આ ફોનનું નામ Klicks Communicator છે. Klicks કંપની અત્યાર સુધી મુખ્યત્વે સ્માર્ટફોન માટે કીબોર્ડ કેસ બનાવતી હતી, ખાસ કરીને iPhone અને ફ્લિપ ફોન માટે. હવે કંપનીએ એક પગલું આગળ વધારીને પોતાનો પહેલો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનમાં ફિઝિકલ QWERTY કીબોર્ડ આપવામાં આવ્યું છે, જે બેકલાઇટ સાથે આવે છે અને ટચ-સેન્સિટિવ પણ છે. એટલે કે યુઝર કીબોર્ડ પર આંગળી ફેરવીને સ્ક્રોલ પણ કરી શકે છે, જે તેને આધુનિક ટચ અનુભવ આપે છે.

વધારે ટાઇપિંગ કરતા લોકો માટે ફાયદો

Klicks Communicatorને કંપની મુખ્ય સ્માર્ટફોનના વિકલ્પ તરીકે નહીં પરંતુ એક સાથી ફોન તરીકે રજૂ કરી રહી છે. આ ફોન ખાસ કરીને એવા યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે જેઓ વધારે ટાઇપિંગ કરે છે, ઇમેઇલ, મેસેજિંગ અને કામકાજ માટે ફોનનો ઉપયોગ કરે છે. બ્લેકબેરી જેવી ડિઝાઇન હોવા છતાં, તેમાં iPhoneના એક્શન બટન જેવી સુવિધા પણ આપવામાં આવી છે, જે યુઝર પોતાની જરૂર મુજબ પ્રોગ્રામ કરી શકે છે.

આ ફોનની આટલી કિંમત

કિંમતની વાત કરીએ તો Klicks Communicatorની ઓફિશિયલ કિંમત $499 એટલે કે અંદાજે 45,000 રૂપિયા રાખવામાં આવી છે. જોકે, કંપનીએ પ્રારંભિક ગ્રાહકો માટે ખાસ ઓફર પણ આપી છે. ફોનને $199માં રિઝર્વ કરી શકાય છે અને જે લોકો રિઝર્વ કરશે તેમને આ ફોન $399 એટલે કે આશરે 36,000 રૂપિયામાં મળશે.

ફોનમાં 4.03 ઇંચની AMOLED ડિસ્પ્લે

ફોનના ફિચર્સની વાત કરીએ તો, આ ફોનમાં 4.03 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં MediaTek 5G પ્રોસેસર છે અને ફોન Android 16 પર ચાલે છે. પાવર માટે તેમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 50MPનો રીઅર કેમેરા અને 24MPનો ફ્રન્ટ કેમેરા છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે, જેમાં એક ફિઝિકલ સિમ અને એક eSIMનો વિકલ્પ મળે છે. સાથે સાથે USB-C પોર્ટ, 3.5mm હેડફોન જેક અને માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ફોનનો કેસ બદલી શકાય એવો છે.

આ પણ વાંચો : Internet કે એપ વગર કોલ કરનારનું નામ કેવી રીતે દેખાય છે? જાણો CNAP વિશે