BMC ચૂંટણીમાં મતદારોની પાંખી હાજરી જોઈ વિશાલ દદલાણી ભડક્યો:મ્યુઝિક કમ્પોઝરે કહ્યું, 'આ શરમજનક છે, દરેક ભારતીયને દુઃખ થવું જોઈએ'

Last Updated: January 15, 2026By

મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓ અને મુંબઈ BMC (બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) માટે આજે મતદાન ચાલી રહ્યુ છે. સિંગર અને મ્યુઝિક કમ્પોઝર વિશાલ દદલાણીએ પણ BMC ચૂંટણીમાં પોતાનો મત આપ્યો. આ દરમિયાન તેણે મીડિયા પર વાત કરી અને પોલિંગ બૂથ પર લોકોની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરી. વિશાલે યુવા મતદારો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી પોલિંગ બૂથની બહાર એક પત્રકારે વિશાલને આ ચૂંટણી અંગે તેની અપેક્ષાઓ પૂછી. જવાબમાં વિશાલે કહ્યું કે, ‘છેલ્લા કેટલાક દિવસોમાં આપણા શહેરની જે હાલત થઈ છે, આશા છે કે તે સુધરશે.’ પત્રકારે જ્યારે પૂછ્યું કે, યુવા મતદારોને તે શું કહેવા માંગશે? આના પર વિશાલે કહ્યું, ‘મેં કહેવાનું બંધ કરી દીધું છે, જેને આવવું હોય તે આવે. તમારો દેશ છે, તમારું શહેર છે, તમારી જવાબદારી છે. સંભાળી શકો તો સંભાળો…નહીં તો ઘરે બેસો, જે કરતા હો તે કરો.’ વિશાલે ખાલી મતદાન મથકને શરમજનક વાત ગણાવી પછી વિશાલે પોલિંગ બૂથ પર પોતાની પાછળના ખાલી રસ્તા તરફ ઈશારો કરતા કહ્યું, ‘આ જે મને દેખાઈ રહ્યું છે. અહીંયા જનતાનું નામ-નિશાન નથી. અંદર અધિકારીઓ વધારે છે, પબ્લિક ઓછી છે. આટલી શરમજનક વાત છે. આ જોઈને દરેક ભારતીયને દુઃખ થવું જોઈએ. જો આપણે પોતાનો દેશ નહીં સંભાળીએ, તેની જવાબદારી નહીં ઉઠાવીએ તો જે થઈ રહ્યું છે તે થતું રહેશે.’ જીતીને આવનારા ઉમેદવાર પાસેથી વિશાળની શું અપેક્ષાઓ છે? એ પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું કે, તે ઈચ્છે છે કે, જે જીતીને આવે, તે સૌથી પહેલા હવા, પાણી અને મૂળભૂત જરૂરિયાતો પર કામ કરે. મનુષ્યના જીવવા માટે સ્વચ્છ હવા-પાણીની જરૂર છે. મુંબઈ દેશનું આર્થિક કેન્દ્ર છે. જો અહીંયા વસ્તુઓ બરાબર નહીં હોય તો બાકીના દેશની સ્થિતિ શું હશે? વિશાલ બોલ્યો, ‘મુંબઈ દુનિયા માટે આપણું શો પીસ છે. બહારથી લોકો જોવા આવે છે કે, મોટું ભારતીય શહેર કેવું હોય છે. અહીં આવીને જ્યારે તેઓ ખામીઓ જુએ છે, ત્યારે બહુ શરમજનક વાત છે.’