Bollywood Actress Kajol 52nd Birthday Special; Unheard Life Stories Shah Rukh Khan Ajay Devgn Karan Johar
- Gujarati News
- Entertainment
- Bollywood Actress Kajol 52nd Birthday Special; Unheard Life Stories Shah Rukh Khan Ajay Devgn Karan Johar
1 દિવસ પેહલા
- કૉપી લિંક
એક છોકરી… જેના તોફાનથી માતા એટલા પરેશાન થઈ જતાં હતાં કે ગુસ્સામાં કહી દેતાં હતાં, ‘હાય… કાશ, તને પણ એક દીકરી થાય, બિલકુલ તારા જેવી.’ પિતા તેનું ઓફિશિયલ નામ ‘મર્સિડીઝ’ રાખવા માંગતા હતા, પરંતુ માતાએ સાફ ના પાડી દીધી.
તેની મિત્રતાનું પણ ઉદાહરણ આપવામાં આવે છે. 15 વર્ષની ઉંમરે તેણે કરણ જોહરની એવી મજાક ઉડાવી કે તે પાર્ટી છોડીને જ નીકળી ગયો. તો વળી તેને પહેલી ફિલ્મ પણ એક બહેનપણીની મદદથી જ મળી. પરંતુ શૂટિંગના પહેલા જ દિવસે સેટ પર પડી ગઈ. તે પડવા-આખડવામાં પણ પાછળ નહોતી. જે ફિલ્મનો હિસ્સો બનતી, ત્યાં પડવાનું નક્કી જ હતું. બેસ્ટ ફ્રેન્ડ શાહરુખ અને કરણનું માનવું હતું કે, આ જે પણ ફિલ્મના સેટ પર પડે છે, તે હિટ થઈ જાય છે. આવી જ રીતે એકવાર ‘કુછ કુછ હોતા હૈ’ના શૂટિંગમાં આ સાઇકલ પરથી એવી પડી કે યાદશક્તિ જ જતી રહી. મિત્રોએ જૂના તોફાનનો બદલો લીધો અને એ સાબિત કરી દીધું કે, તે ફિલ્મની હિરોઈન નહીં પણ બેકગ્રાઉન્ડ ડાન્સર હતી.
શરારત, બેબાકી, હાજરજવાબી અને દમદાર એક્ટિંગ… આ ચાર શબ્દોમાં જો કોઈ એક એક્ટ્રેસને વર્ણવી શકાય, તો તે છે કાજોલ. બોલિવૂડની આ ચુલબુલી સુપરસ્ટારે પોતાના હાસ્ય, પોતાના અંદાજ અને પોતાની ફિલ્મોથી ત્રણ દાયકાથી દર્શકોના દિલ જીત્યા છે. આજે, તેના 52મા જન્મદિવસે જાણીએ તેની જિંદગીના કેટલાક એવા મજેદાર કિસ્સા, જે તેના વ્યક્તિત્વનો સાર છે-

માતા તનુજા, નાની બહેન તનિષા અને પિતા શોમુ મુખર્જી સાથે કાજોલ.
કિસ્સો- 1
પિતા ચાહતા હતા નામ હોય ‘મર્સિડીઝ’- 11ની ઉંમરે બોર્ડિંગ સ્કૂલથી ભાગી, રસ્તામાં પકડાઈ ગઈ
5 ઓગસ્ટ 1974માં કાજોલનો જન્મ મુંબઈના સમૃદ્ધ બંગાળી પરિવારમાં થયો હતો. માતા તનુજા, જાણીતા એક્ટ્રેસ હતાં અને પિતા શોમુ મુખર્જી ફિલ્મમેકર.
તેમના પિતા મર્સિડીઝ કારના શોખીન હતા. તેમને ખબર પડી કે આ કાર બનાવનાર વ્યક્તિની દીકરીનું સાચું નામ મર્સિડીઝ હતું. પાછળથી તેમણે દીકરીના નામ પર મર્સિડીઝ કાર બનાવી. શોમુ ચાહતા હતા કે તેમની દીકરીનું નામ પણ ‘મર્સિડીઝ’ હોય. તેઓ અડગ રહ્યા, પરંતુ તનુજાએ સ્પષ્ટ કહ્યું- ‘હું એવું નહીં થવા દઉં.’ તેમણે દીકરીનું નામ કાજલ રાખ્યું, પરંતુ બંગાળી પરિવારમાં તેને જ ધીરે-ધીરે કાજોલ કરી દેવામાં આવ્યું.
કાજોલ બાળપણમાં એટલી તોફાની હતી કે, માતા તેની અવારનવાર પીટાઈ કરતી હતી. ક્યારેક બેડમિન્ટન રેકેટથી મારતી તો ક્યારેક જે હાથમાં આવ્યું તેનાથી.

માતા તનુજા સાથે કાજોલ.
કાજોલની ઉંમર નાની હતી, ત્યારે જ માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા. માતા તનુજા ફિલ્મોમાં વ્યસ્ત રહેતાં હતાં, તેથી કાજોલ ઘણા વર્ષો સુધી નાની શોભના સમર્થ સાથે રહી. શોભના પણ પોતાના જમાનાના પ્રખ્યાત એક્ટ્રેસ હતાં. થોડા સમય પછી તેને મહારાષ્ટ્રની પંચગનીની સેન્ટ જોસેફ બોર્ડિંગ સ્કૂલમાં બેસાડી દેવામાં આવી.
એક દિવસ બોર્ડિંગ સ્કૂલમાં તેને ખબર પડી કે તેના નાનીમા ખૂબ બીમાર છે. કાજોલે જીદ પકડી કે તે તેમને મળવા જશે. માતાએ ઇનકાર કરી દીધો કે સીધા ક્રિસમસની રજાઓમાં જ આવજે. કાજોલે પોતાની એક મિત્ર સાથે બોર્ડિંગ સ્કૂલમાંથી ભાગવાનો પ્લાન બનાવ્યો. તે લોકોની નજરોથી બચતાં-બચતાં ગેટની બહાર નીકળી અને પોતાના લોકલ ગાર્ડિયનના ઘરે પહોંચી ગઈ. તેણે કહ્યું- ‘મામાજી, મમ્મીએ મને ઘરે બોલાવી છે, તમે મને બસમાં બેસાડી દો.’ મામા કશું સમજી ન શક્યા અને બસમાં બેસાડી દીધી. કાજોલ બસ ઉપડવાની રાહ જોઈ રહી હતી કે, ત્યાં જ સ્કૂલની નને તેને પકડી લીધી. કાજોલને ધમકાવ્યા પછી ફરીથી બોર્ડિંગ સ્કૂલ મોકલી દેવામાં આવી.

પિતા શોમુ મુખર્જી સાથે કાજોલ.
કિસ્સો- 2
15ની ઉંમરે કરણ જોહરને જોઈને મજાક ઉડાવી, પાર્ટી છોડીને ભાગ્યો
કાજોલ માત્ર 15 વર્ષની હતી, જ્યારે તે માતા તનુજા સાથે એક ફિલ્મી પાર્ટીમાં ગઈ. ડિસ્કો થીમ વાળી પાર્ટીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બીજા ઘણા સેલેબ્સ પણ આવ્યા હતા. કાજોલ મસ્તી કરી રહી હતી કે, ત્યારે જ પાર્ટીમાં ફિલ્મમેકર યશ જોહર પોતાના 17 વર્ષના દીકરા કરણ જોહર સાથે આવ્યા. આ કરણ અને કાજોલની પહેલી મુલાકાત હતી. જેવી પેરેન્ટ્સે બંનેની ઓળખાણ કરાવી, થ્રી-પીસ સૂટ, ટાઈ લગાવેલા ટીનેજ કરણને ઉપરથી નીચે જોઈને કાજોલ જોર-જોરથી હસવા લાગી.

કાજોલ અને કરણ જોહરની મિત્રતા ખૂબ ગાઢ બની ગઈ.
કરણ મજાક ઉડતી જોઈ ઉદાસ થઈ ગયો, ત્યારે જ કાજોલની માતાએ ફરી કહ્યું- ‘તમે બંને બાળકો જઈને સાથે ડાન્સ કેમ નથી કરતા.’ બંને ડાન્સ ફ્લોર પર ગયા, તો કરણ સંકોચ અનુભવતાં અનુભવતાં ડાન્સ કરવા લાગ્યો, પરંતુ કાજોલ હસવું રોકી ન શકી અને લગભગ અડધા કલાક સુધી હસતી રહી. કરણનું દિલ તૂટી ગયું અને તે પાર્ટી છોડીને ચાલ્યો ગયો. પરંતુ સમય જતાં બંનેની મિત્રતા એવી થતી ગઈ કે, જ્યારે કરણે 21ની ઉંમરે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ બનાવી, તો કાજોલને જ કાસ્ટ કરી. આગળ તે કરણ સાથે ‘કભી ખુશી કભી ગમ’, ‘કલ હો ના હો’ (કેમિયો), ‘માય નેમ ઇઝ ખાન’ જેવી ફિલ્મોમાં નજરે પડી.

કાજોલને અક્ષય કુમાર પર ક્રશ હતો.
કાજોલને ફિલ્મોમાં આવતા પહેલા અક્ષય કુમાર પર ક્રશ હતો. અક્ષય કુમાર 1987માં ફિલ્મોમાં આવ્યો હતો અને ઘણી હિટ ફિલ્મો આપી રહ્યો હતો, ત્યારે કાજોલ માત્ર 16-17 વર્ષની હતી. એકવાર કાજોલ માતા સાથે ફિલ્મ ‘હીના’ના પ્રીમિયરમાં પહોંચી. ત્યાં સુધીમાં તેની કરણ જોહર સાથે મિત્રતા થઈ ચૂકી હતી. પ્રીમિયરમાં જેવી કાજોલને ખબર પડી કે અક્ષય કુમાર પણ આવ્યો છે, તો તે કરણનો હાથ પકડીને આખા પ્રીમિયરમાં અક્ષયને શોધતી રહી. આ કિસ્સો કરણ જોહરે કપિલ શર્માના શોમાં સંભળાવ્યો હતો.
કિસ્સો- 3
મિત્રનું ફોટોશૂટ કરાવવા પહોંચી, મળી ગઈ પહેલી ફિલ્મ! વેકેશનના ટાઇમપાસ માટે હા પાડી
કાજોલની ત્રણ પેઢીઓ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. એવામાં તનુજા ઇચ્છતાં હતાં કે તે પણ ફિલ્મોમાં આવે, પરંતુ કાજોલ આની વિરુદ્ધમાં હતી. તેને લાગતું હતું કે, હિરોઈન બનવા માટે ઘણી મહેનત કરવી પડશે. તનુજાએ તેની મરજી વિરુદ્ધ તેના માટે ફિલ્મ બનાવવાનું પણ શરૂ કર્યું, પરંતુ કોઈ કારણસર તે બંધ થઈ ગઈ.
કાજોલની એક નજીકની બહેનપણી હિરોઈન બનવા માંગતી હતી. એક દિવસ તે પોર્ટફોલિયો બનાવડાવવા માટે ગૌતમ રાજાધ્યક્ષ પાસે ગઈ. સાથ આપવા માટે તે કાજોલને પણ સાથે લઈ ગઈ. બહેનપણીનું ફોટોશૂટ ચાલી જ રહ્યું હતું કે થોડી જ વારમાં તનુજા પણ ત્યાં પહોંચી ગયા. તનુજાના કહેવા પર મેકઅપ આર્ટિસ્ટે કાજોલનો પણ મેકઅપ કરી દીધો અને તેની પણ તસવીરો ક્લિક કરવામાં આવી.
તેનું ફોટોશૂટ ગૌતમ રાજાધ્યક્ષે કર્યું હતું, જેઓ તે સમયે ફિલ્મ ‘બેખુદી’ના સ્ક્રીનપ્લે પર કામ કરી રહ્યા હતા. તેમને કાજોલનો ચહેરો એટલો પસંદ આવ્યો કે, તેઓ તેની તસવીરો લઈને ફિલ્મ ‘બેખુદી’ના ડિરેક્ટર રાહુલ રવૈલ પાસે ગયા. તેમને પણ કાજોલ પસંદ આવી ગઈ અને તેઓ સીધા તેના માટે તનુજાના ઘરે પહોંચી ગયા.

‘બેખુદી’ ફિલ્મના મુહૂર્ત શૉટની તસવીર.
જેવી કાજોલને ફિલ્મના ઓફર વિશે ખબર પડી, તે નારાજ થઈ ગઈ અને ના પાડી દીધી, પરંતુ સ્કૂલના વેકેશનનો કંટાળો દૂર કરવા માટે પાછળથી માની ગઈ. તેણે સૈફ અલી ખાનના ઘરમાં સ્ક્રીનટેસ્ટ આપ્યો. પહેલા સૈફ ફિલ્મનો હીરો હતો, જોકે પાછળથી તેને કાઢીને કમલ સદાનાને કાસ્ટ કરી લેવામાં આવ્યો.
કાજોલે ‘ધ અનુપમ ખેર શો’માં બતાવ્યું હતું કે, ફિલ્મના સેટ પર તેનો પહેલો દિવસ સરળ નહોતો. તે દિવસે મુહૂર્ત શોટ થવાનો હતો, જેમાં 90ના દાયકાની ઘણી મોટી ફિલ્મી હસ્તીઓ હાજર હતી.
જેવી કાજોલ સ્ટેજ પર ચડી, તેના પેટમાં અજીબ સંતોષ/ગભરામણ અનુભવાવા લાગ્યો. મુહૂર્ત શોટ દરમિયાન તે પહેલા જ ટેકમાં પડી ગઈ. તેને શરમ અનુભવાઈ, પરંતુ ડિરેક્ટરે હસતાં-હસતાં કહ્યું કે, પહેલા દિવસે પડવું શુભ હોય છે.

કિસ્સો- 4
શાહરુખે પહેલી મુલાકાતમાં પૂછ્યું- ‘તું ક્યારેય ચૂપ નથી રહેતી’
કાજોલે ફિલ્મ ‘બેખુદી’થી કરિયરની શરૂઆત કરી અને આગળ તેને ફિલ્મ ‘બાઝીગર’માં ન્યૂકમર શાહરુખ સાથે કામ કરવાની તક મળી. ફિલ્મના શૂટિંગની શરૂઆત નવા વર્ષમાં 1 જાન્યુઆરીએ થઈ. એક દિવસ પહેલા બધાએ નવા વર્ષનું સેલિબ્રેશન કર્યું હતું અને બધા થાકેલા હતા.
કાજોલે પહેલીવાર શાહરુખને જોયો, તો તે મોટા કાળા ચશ્મો પહેરીને એક ખૂણામાં બેઠો હતો અને કોઈની સાથે વાત નહોતો કરી રહ્યો. ત્યારે કાજોલે મરાઠીમાં શાહરુખના મેકઅપ આર્ટિસ્ટને કહ્યું- ‘આ કેવો હીરો છે, ખડૂસ લાગી રહ્યો છે. વાત નથી કરતો, ક્યાંથી લઈને આવ્યા છો આને, કેટલો વિચિત્ર છે.’
બીજી તરફ પાર્ટીના બીજા દિવસે થાકેલો શાહરુખ, કાન પર હાથ રાખીને કાજોલનો અવાજ રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે પાસે ઉભેલા છોકરાને કહ્યું, ‘આ હિરોઈન કેટલું બોલે છે, કોઈ આને ચૂપ કરાવો.’

‘બાઝીગર’ ફિલ્મનો એક સીન.
કાજોલ ઘણી વાર સુધી શાહરુખની બુરાઈ કરતી રહી અને પછી થોડી વાર પછી તેની પાસે જઈને કહ્યું- ‘હાય, મારું નામ કાજોલ છે.’
શાહરુખે સૌથી પહેલો શબ્દ કહ્યો- ‘શું તું ક્યારેય ચૂપ નથી રહેતી?’
કાજોલે ફરી કહ્યું- ‘ના, હું ચૂપ નથી રહી શકતી, એ ક્યારેય નહીં થાય.’
એક કડવાશથી શરૂ થયેલી આ મિત્રતા ચાલી નીકળી અને આજે બંનેની દોસ્તી એક મિશાલ છે. બંનેએ ‘બાઝીગર’ સિવાય ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઇઝ ખાન’ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી.

કિસ્સો- 5
બાઝીગર માં શિલ્પાના મોત ના સીનમાં હસતી રહી, ડિરેક્ટરે ફટકાર લગાવી
‘બાઝીગર’ના સેટ પર એક દિવસ શિલ્પા શેટ્ટીનો ડેથ સીન શૂટ કરવાનો હતો. સીન મુજબ, કાજોલે બહેન શિલ્પાના મોત પછી ખૂબ રડવાનું હતું, પરંતુ જેવી સીનની તૈયારી થઈ, કાજોલ શિલ્પાના પગ પર લાગેલી નેલ પોલિશ જોઈને જોર-જોરથી હસવા લાગી. તે વારંવાર કહી રહી હતી કે, મરતી વખતે આટલી નેલ પોલિશ કોણ લગાવે. કાજોલના સતત હસવાથી શૂટિંગ પર અસર પડવા લાગી. ડિરેક્ટર અબ્બાસ મસ્તાન તેની પાસે આવ્યા અને કહ્યું કે, ‘આ ખૂબ ગંભીર શોટ છે, તું આમ હસીશ તો કેરેક્ટરમાં નહીં રહી શકે.’ પરંતુ કાજોલ હતી કે ચૂપ થવાનું નામ જ નહોતી લઈ રહી.

‘બાઝીગર’માં શિલ્પા શેટ્ટીએ કાજોલની બહેનની ભૂમિકા ભજવી હતી.
તેના હાસ્યથી ડિરેક્ટર ખીજાયા અને બૂમ પાડીને કહ્યું- ‘જો તારી અસલી બહેનનું મોત થઈ જાય, ત્યારે પણ શું તું આમ જ હસીશ?’
આ સાંભળીને કાજોલ એકદમ શાંત થઈ ગઈ. થોડી વાર પછી તેણે એ શોટ આપ્યો, જેને જોઈને કોઈ અંદાજો ન લગાવી શકે કે, તે થોડી વાર પહેલા હસી રહી હતી.
કિસ્સો- 6
‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઇઝ ખાન’- દરેક સેટ પર પડી, જાણો પડવાના કિસ્સા-
કાજોલ, શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નું શૂટિંગ કરી રહી હતી. સીન મુજબ, તેને શાહરુખ સાથે સાઇકલ ચલાવતાં-ચલાવતાં તાળી મારવાની હતી. જેવું એક્શન કહેવામાં આવ્યું, કાજોલની સાઇકલનું બેલેન્સ બગડ્યું અને તે મોં ભેર સીધી નીચે પડી ગઈ.

‘કુછ કુછ હોતા હૈ’ના સેટ પર થયેલા અકસ્માતની ઝલક.
થોડી વાર પછી જ્યારે તેને ભાન આવ્યું, તો યાદશક્તિ જતી રહી હતી. આ સમયે બેસ્ટ ફ્રેન્ડ શાહરુખ અને કરણ તેને એ સાબિત કરવામાં લાગ્યા હતા કે, તે હિરોઈન નહીં પણ ફિલ્મની બેકગ્રાઉન્ડ ડાન્સર છે.
યાદશક્તિ ગયા પછી પણ કાજોલને તે સમયે તેનો બોયફ્રેન્ડ અજય દેવગન યાદ રહ્યો. તે વારંવાર કહી રહી હતી કે, ‘કોઈ પ્લીઝ અજયને કોલ કરો.’ તેના કહેવા પર અજય દેવગનને કોલ કરવામાં આવ્યો. અજયે કોલ પર તેની સાથે લાંબી વાત કરી અને તેને સારી રીતે સમજાવ્યું. થોડી વાર પછી તેને બધું યાદ આવી ગયું.

યાદશક્તિ ગુમાવ્યા બાદ પણ કાજોલને માત્ર અજય દેવગણ યાદ હતો.
ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના એક સીનમાં શાહરુખ ખાનને કાજોલને ખોળામાં ઊંચકીને છોડી દેવાની હતી. ફરાહ ખાન ચાહતી હતી કે, એક્સપ્રેશન નેચરલ લાગે, તેથી તેણે કાજોલને આ વિશે નહોતું જણાવ્યું. શાહરુખે કાજોલને ઊંચકી અને અચાનક જણાવ્યા વગર છોડી દીધી, જેનાથી કાજોલ સાચે પડી ગઈ. સીનમાં બતાવવામાં આવેલા તેના એક્સપ્રેશન નેચરલ હતા, જે પછી તેણે શાહરુખનો ક્લાસ લીધો હતો.

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના ગીત ‘રુક જા ઓ દિલ દિવાને’નો સીન.
આ જ ફિલ્મના સેકન્ડ હાફનું શૂટિંગ ઊટીમાં થયું. એક સીન મુજબ, કાજોલે વરસાદમાં ભાગવાનું હતું, પરંતુ ભાગતાં-ભાગતાં તે જોરથી પડી. ક્રૂ મેમ્બર્સે તેને તરત જ કંબલમાં લપેટી દીધી, કારણ કે ઠંડી ખૂબ વધારે હતી. ટીમે જોયું કે કંબલની અંદર કાજોલ ડૂસકાં ભરી રહી છે. બધા ગણગણાટ કરી રહ્યા હતા કે કાજોલ ખૂબ જોરથી પડી છે, હવે શૂટિંગ કેવી રીતે થશે. જોકે કાજોલ કંબલની અંદર પોતાના પડવા પર હસી રહી હતી.
બરાબર આવી જ રીતે ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ના ગીત ‘સૂરજ હુઆ મદ્ધમ’ના શૂટિંગ વખતે પણ કાજોલ સેટ પર પડી ગઈ હતી. આ ગીતનું શૂટિંગ ઇજિપ્તમાં થયું. કાજોલે મોટા ખડકો પર સાડી લહેરાવતાં-લહેરાવતાં ડાન્સ કરવાનો હતો, પરંતુ એક શોટમાં બેલેન્સ બગડવાથી તે પડી ગઈ. ફિલ્મના શૂટિંગ દરમિયાન કાજોલ પ્રેગ્નન્ટ હતી, જોકે રિલીઝ પછી તેનો મિસકેરેજ થઈ ગયો હતો. તે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહી અને ટ્રોમામાં કામમાંથી બ્રેક લઈ લીધો.

‘માય નેમ ઇઝ ખાન’ના સેટ પર ન પડી, તો ચિંતામાં પડી ગયા શાહરુખ-કરણ
કાજોલ, કરણ જોહર અને શાહરુખની જે પણ ફિલ્મમાં પડી, તે હિટ થઈ ગઈ. જ્યારે તે ‘માય નેમ ઇઝ ખાન’નું શૂટિંગ કરી રહી હતી તો ઘણા દિવસો સુધી ન પડી. આ જોઈને શાહરુખ અને કરણ ચિંતિત થઈ ગયા. તેઓ દરરોજ કાજોલના પડવાની રાહ જોતા. જોકે શૂટિંગ પૂરું થતાં-થતાં કાજોલ પડી ગઈ અને પરિણામે ફિલ્મ પણ હિટ જ રહી.

કરણ જોહર, કાજોલ અને શાહરુખ ખાનની ત્રિપુટીએ ઘણી હિટ ફિલ્મો આપી છે.
કિસ્સો- 7
અજય દેવગનના કોલને સમજી લીધો પ્રિન્ક, ધમકાવીને કાપી નાખ્યો ફોન
કાજોલે કરિયરની શરૂઆતમાં અજય દેવગન સાથે 1995માં પહેલી ફિલ્મ ‘હલચલ’ કરી. અજય દેવગનને પહેલીવાર જોઈને કાજોલે તેને ખૂબ અભિમાની સમજ્યો. ખરેખર, પહેલા દિવસે અજય સેટ પર એક ખૂણામાં ચૂપચાપ બેઠો હતો. કાજોલે સેટ પર આવતાં જ પૂછ્યું કે, ‘હીરો કોણ છે?’ જવાબ મળ્યો- ‘તે, જે ખૂણામાં બેઠા છે એ જ હીરો છે.’ આના પર કાજોલે કહ્યું, ‘કોઈ બીજો હીરો ન મળ્યો?’ થોડા દિવસો સુધી બંનેએ સાથે શૂટિંગ કર્યું પરંતુ મિત્રતા ન થઈ શકી.

અજય અને કાજોલની પહેલી મુલાકાત ‘હલચલ’ ફિલ્મના સેટ પર થઈ હતી.
એક દિવસ કાજોલના ટેલિફોન પર કોલ આવ્યો. સામેથી વ્યક્તિએ કહ્યું- ‘હેલો, હું અજય દેવગન બોલી રહ્યો છું.’
કાજોલે કોલનો ઉદ્ધતાઈથી જવાબ આપતાં કહ્યું- ‘અને હું શ્રીદેવી.’
વ્યક્તિએ ફરી કહ્યું- ‘હું સાચે જ અજય દેવગન બોલી રહ્યો છું.’
કાજોલે ફરી કહ્યું- ‘હા તો હું પણ શ્રીદેવી છું.’
આ કહેતાં જ કાજોલે કોલ કટ કરી દીધો. થોડી વાર પછી અજયે કાજોલનાં માતા તનુજાના નંબર પર કોલ કર્યો અને કહ્યું- ‘આંટી હું અજય દેવગન બોલી રહ્યો છું. મેં કાજોલને કોલ કર્યો, પરંતુ તે માનતી જ નથી કે હું અજય છું. વારંવાર ફોન મૂકી દે છે. મેં આપ સૌને બહેનના લગ્નમાં આમંત્રણ આપવા માટે કોલ કર્યો હતો.’

‘ગુંડારાજ’ ફિલ્મની શૂટિંગ વખતે બંને એકબીજાની નજીક આવ્યા.
થોડા દિવસો પછી સાથે કામ કરતાં-કરતાં કાજોલ અને અજયની મિત્રતા થઈ ગઈ. ફિલ્મ ‘હલચલ’ના એક સીનમાં કાજોલે અજયને થપ્પડ મારવાની હતી અને અજયે તેનો હાથ પકડીને રોકવાનો હતો. જેવું શૂટિંગમાં અજયે કાજોલનો હાથ થામ્યો, કાજોલને એહસાસ થઈ ગયો કે આ જ તે વ્યક્તિ છે, જેની સાથે તેણે જિંદગી વિતાવવાની છે. 1994માં ફિલ્મ ‘ગુંડારાજ’ના શૂટિંગ વખતે બંને નજીક આવ્યા અને 3 વર્ષની ડેટિંગ પછી 24 ફેબ્રુઆરી 1999માં લગ્ન કરી લીધા. આ લગ્ન અજય દેવગનના ઘરે થયા.

કાજોલ અને અજયે 24 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્ન કર્યા.
બંને નહોતા ઇચ્છતા કે લગ્નમાં મીડિયાની હાજરી રહે, તેથી બંનેએ લગ્નના ખોટા લોકેશનની ખોટી જાણકારી ફેલાવી દીધી. લગ્ન પહેલાં કાજોલે શરત રાખી હતી કે, તે 2 મહિના માટે હનીમૂન પર જશે અને વર્લ્ડ ટૂર કરશે. પરંતુ ઓસ્ટ્રેલિયા, એલએ થતાં-થતાં જ્યારે તેઓ 40મા દિવસે ગ્રીસ પહોંચ્યા, તો અજયની તબિયત એટલી બગડી ગઈ કે તેમણે પાછા ફરવું પડ્યું. કપલને બે બાળકો નાઇસા અને યુગ છે.

કિસ્સો- 8
મણિરત્નમે ‘દિલ સે’ ઓફર કરવા માટે કોલ કર્યો, ધમકાવીને મૂકી દીધો કોલ
કાજોલ હંમેશાથી મણિરત્નમ સાથે કામ કરવા માંગતી હતી. શાહરુખ ખાન અવારનવાર કાજોલ સાથે કોલ કરીને પ્રિન્ક કર્યા કરતો હતો. કાજોલ ફિલ્મ ‘દુશ્મન’નું શૂટિંગ કરી રહી હતી કે, ત્યારે જ એક દિવસ સેટ પર તેના નંબર પર મણિરત્નમનો કોલ આવ્યો. કોલમાં કહેવામાં આવ્યું- ‘હેલો હું મણિરત્નમ બોલી રહ્યો છું.’
કાજોલને લાગ્યું શાહરુખ મજાક કરી રહ્યો છે. કાજોલે જવાબ આપ્યો- ‘અને હું ટૉમ ક્રૂઝ બોલી રહી છું. શાહરુખ મને ખબર છે તું જ છે, આ વખતે હું મૂર્ખ નહીં બનું.’
મણિરત્નમે ફરી કહ્યું- ‘ના, હું મણિરત્નમ જ બોલી રહ્યો છું.’

કાજોલે ફરી કહ્યું- ‘ના મને ખબર છે તું શાહરુખ છે. હું શૂટિંગ કરી રહી છું, અત્યારે વાત ન કરી શકું, બાય.’
કાજોલે કોલ કટ કરી દીધો. આ પછી મણિરત્નમે સીધો શાહરુખને કોલ કરીને પૂરી વાત જણાવી, કારણ કે શાહરુખની ‘દિલ સે’માં કાસ્ટિંગ થઈ ચૂકી હતી.
શાહરુખે તરત જ કાજોલને કોલ કરીને ધમકાવી અને કહ્યું- ‘મૂર્ખ, તે અસલમાં મણિરત્નમ હતા.’
નોંધનીય છે કે, પાછળથી કાજોલે કોલ પર વાત કરીને સફાઈ આપી. તેને ફિલ્મ ઓફર થઈ હતી, પરંતુ ‘કુછ કુછ હોતા હૈ’ના શૂટિંગમાં વ્યસ્ત હોવાને લીધે તેણે ફિલ્મ ફગાવી દીધી. તે કરણને પહેલાથી જ ડેટ્સ આપી ચૂકી હતી. કરણ જાણતો હતો કે, કાજોલ હંમેશાથી મણિરત્નમની ફિલ્મ કરવા માંગતી હતી. જ્યારે તેને ઓફરની ખબર પડી, તો તેણે કાજોલને કહ્યું કે, જો તે ઈચ્છે તો પહેલા ‘દિલ સે’ કરી શકે છે તે ‘કુછ કુછ હોતા હૈ’ની ડેટ્સ લંબાવી દેશે. પરંતુ કમિટમેન્ટની પાકી કાજોલે ફિલ્મ ઠુકરાવી દીધી.

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


