Cyber Fraud Network: ડિજિટલ ફ્રોડ સામે ચીનની કડક કાર્યવાહી, 34,000 કરોડની ઠગાઈ કરનાર 4 ગુનેગારોને આપી ફાંસી

Last Updated: February 2, 2026By

દુનિયાભરમાં વધી રહેલા સાયબર ફ્રોડ અને ડિજિટલ ઠગાઈના નેટવર્ક સામે ચીને એક અત્યંત કડક દાખલો બેસાડ્યો છે. મ્યાનમારની સરહદે ‘સ્કેમ સેન્ટરો’ ચલાવી અબજો રૂપિયાની છેતરપિંડી કરનાર અને નિર્દોષ લોકોની હત્યા કરનાર ગેંગના ચાર મુખ્ય આરોપીઓને ચીને ફાંસીની સજા આપી છે. શેનઝેન ઇન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટે સોમવારે આ ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી.

4 અબજ ડોલરનો મહા-કૌભાંડ

આ ગુનેગારો પર આરોપ હતો કે તેમણે મ્યાનમારના કોકાંગ વિસ્તારમાં વિશાળ ‘ઔદ્યોગિક પાર્ક’ બનાવીને ત્યાંથી આંતરરાષ્ટ્રીય ટેલિકોમ સ્કેમ અને ઓનલાઇન જુગારનું નેટવર્ક ચલાવ્યું હતું. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગે નિર્દોષ લોકો પાસેથી અંદાજે 29 અબજ યુઆન (આશરે 4 અબજ ડોલર) ની છેતરપિંડી કરી હતી. આ ઠગાઈ માત્ર નાણાકીય નહોતી, પરંતુ તેમના અત્યાચારને કારણે છ ચીની નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ગંભીર ગુનાઓ અને કોર્ટનો આકરો મિજાજ

આ ગેંગ સામે માત્ર ઠગાઈ જ નહીં, પરંતુ અપહરણ, જબરદસ્તી વસૂલાત અને નશીલા પદાર્થોના ઉત્પાદન જેવા જઘન્ય આરોપો પણ સાબિત થયા હતા. કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું કે આ ગુનેગારોના કૃત્યો સમાજ માટે મોટો ખતરો હતા. આ પહેલા કુખ્યાત ‘બાઈ પરિવાર’ના સભ્યો સહિત અન્ય 11 લોકોને પણ આવી જ કડક સજા ફટકારવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને મળ્યો કડક સંદેશ

દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો જેવા કે મ્યાનમાર, કમ્બોડિયા અને લાઓસમાં સાયબર સ્કેમ હવે એક ઉદ્યોગ બની ગયા છે, જ્યાં માનવ તસ્કરી કરીને લાવવામાં આવેલા મજૂરો પાસે ઠગાઈ કરાવવામાં આવે છે. ચીનની આ કાર્યવાહી એવા તમામ આંતરરાષ્ટ્રીય સાયબર માફિયાઓ માટે એક ચેતવણી સમાન છે જેઓ ડિજિટલ દુનિયાનો ઉપયોગ કરીને ગુનાખોરી આચરે છે.

આ પણ વાંચોઃ Balochistan: વેદમંત્રોથી ગૂંજતી એ ધરતી, જ્યાં હિંગળાજ માતા મંદિર સાક્ષીનો પુરાવો, આજે બન્યું છે જંગનું મેદાન

Leave A Comment