Delhi High Court Orders Removal Of Salman Khan Kala Hiran Film Trailer

Last Updated: July 27, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને દિલ્હી હાઈકોર્ટમાંથી એક મોટી કાનૂની સફળતા મળી છે. સલમાન ખાનના 1998ના ચર્ચિત કાળિયાર શિકાર કેસ પર આધારિત ફિલ્મ ‘કાલા હિરણ: ધ બેટલ ફોર લીગસી’ના ટીઝર/ટ્રેલરને લઈને કોર્ટે કડક આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ફિલ્મના નિર્માતા અમિત જાનીને આંચકો આપતા ટીઝરને સોશિયલ મીડિયા અને તમામ પ્લેટફોર્મ પરથી તરત જ હટાવી લેવાનો આદેશ આપ્યો છે.

દિલ્હી હાઈકોર્ટે પ્રોડ્યુસરને ફટકાર લગાવી

સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે પ્રોડ્યુસર અમિત જાનીની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિ કે કલાકારની પરવાનગી વગર તેની પર્સનાલિટી રાઈટ્સ અને ઈમેજનો દુરુપયોગ કરી શકાય નહીં. સલમાન ખાનની પર્સનાલિટી, નામ અને તેમની સામે ચાલી રહેલા કેસનો વ્યાપારી લાભ ખાટવા માટે કરવામાં આવેલો આ પ્રયાસ કાયદાકીય રીતે ગેરકાયદેસર છે. કોર્ટે તમામ ડિજિટલ પ્લેટફોર્મ્સ અને યુટ્યુબને પણ નિર્દેશ આપ્યો છે કે જો પ્રોડ્યુસર પોતે આ ટીઝર/ટ્રેલર ન હટાવે, તો પ્લેટફોર્મ્સ દ્વારા તેને તરત જ બ્લોક અથવા ડિલીટ કરવામાં આવે.

શું છે સમગ્ર વિવાદ?

પ્રોડ્યુસર અમિત જાનીએ થોડા સમય પહેલાં ‘કાલા હિરણ’ ટાઈટલ હેઠળ એક ફિલ્મની જાહેરાત કરી હતી, જેનું ટીઝર પણ સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટીઝરમાં સલમાન ખાનના કાળિયાર શિકાર કેસ અને બિશ્નોઈ સમાજ સાથેના વિવાદને એ રીતે રજૂ કરવામાં આવ્યો હતો, જેથી સલમાન ખાનની ઈમેજને મોટું નુકસાન પહોંચે. સલમાન ખાને પોતાના પર્સનાલિટી રાઈટ્સના ઉલ્લંઘન અને પબ્લિસિટી મેળવવા માટે તેમના નામના થઈ રહેલા દુરુપયોગ સામે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, જ્યાંથી આજે તેમને મોટી રાહત મળી છે.

‘કાલા હિરણ' ટીઝરનો એક સીન

‘કાલા હિરણ’ ટીઝરનો એક સીન

1998માં કાળા હરણના શિકારનો કેસ સામે આવ્યો

સલમાન ખાન સાથે સંકળાયેલો કાળિયાર શિકાર કેસ વર્ષ 1998માં સામે આવ્યો હતો, જ્યારે તે રાજસ્થાનના જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ-સાથ હૈં’નું શૂટિંગ કરી રહ્યો હતો. સલમાન વિરુદ્ધ કુલ ચાર કેસ નોંધવામાં આવ્યા હતા. આમાં બે ચિંકારા શિકાર કેસ, એક કાંકાણી કાળિયાર શિકાર કેસ અને એક આર્મ્સ એક્ટનો કેસ સામેલ હતો.

કાળિયાર શિકાર કેસમાં બિશ્નોઈ સમુદાયની ફરિયાદ પર સલમાન સાથે સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમ વિરુદ્ધ પણ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસોમાં 12 ઓક્ટોબર 1998ના રોજ સલમાન ખાનની પહેલીવાર ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા.

એપ્રિલ 2006માં ચિંકારા શિકાર કેસોમાં સલમાનને સજા સંભળાવવામાં આવી હતી. જાન્યુઆરી 2017માં તેમને આર્મ્સ એક્ટ કેસમાં નિર્દોષ છોડી દેવામાં આવ્યો હતો, જ્યારે, 5 એપ્રિલ 2018ના રોજ કાળિયાર શિકાર કેસમાં તેને 5 વર્ષની જેલ અને 10 હજાર રૂપિયા દંડની સજા મળી હતી. આ જ કેસમાં બાકીના કલાકારોને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા.

પછીથી સલમાનને જામીન મળી ગયા. હાલમાં આ મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. મે 2026માં થયેલી સુનાવણી બાદ કોર્ટે આગામી સુનાવણી 13 જુલાઈ 2026 માટે નક્કી કરી છે. સલમાન ખાન હાલમાં જામીન પર બહાર છે.

લોરેન્સે સલમાન પર નારાજગી વ્યક્ત કરી હતી

લોરેન્સ બિશ્નોઈએ જાહેરમાં કહ્યું છે કે, તે કાળા હરણના શિકાર કેસને લઈને સલમાન ખાનથી નારાજ છે. 2023માં જેલમાંથી ‘ABP ન્યૂઝ’ને આપેલા ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, ‘સલમાન ખાનને મારવો એ મારા જીવનનો હેતુ છે.’ જ્યારે, વર્ષ 2024માં સલમાનના ઘર (ગેલેક્સી એપાર્ટમેન્ટ)ની બહાર ફાયરિંગ થયું હતું, જેની જવાબદારી લોરેન્સ બિશ્નોઈના વિદેશમાં બેઠેલા ભાઈ અનમોલ બિશ્નોઈએ લીધી હતી.