Dental Care Tips: શું તમારા દાંતમાં ઝણઝણાટી થાય છે? દાંતના દુખાવાથી છુટકારો મેળવવા આટલું ખાસ કરો

Last Updated: January 21, 2026By

દાંતમાં દુખાવો થવાથી કયારેક લોકો ભોજન કરવાનું પણ ટાળે છે. દાંતમાં દુખાવો એ ખૂબ જ પીડાદાયક અનુભવ છે. જ્યારે દુખાવો અસહ્ય બને ત્યારે જ લોકો ડોક્ટર પાસે જાય છે. દાંતમાં થતા સતત દુખાવાનું મૂળ કારણ સડો છે. દાંતમાં સડો અચાનક નથી થતો. તે ધીમે-ધીમે શરૂ થાય છે અને આપણું શરીર અગાઉથી જ તેના સંકેતો આપવા લાગે છે. જો સમયસર સાવધ રહેવામાં આવે, તો મોટી સમસ્યા અને ખર્ચથી બચી શકાય છે.

દાંતમાં સડો થતા થાય છે ભયંકર દુખાવો

આજકાલની જીવનશૈલીમાં આપણે ઘણીવાર સૂપ, મન્ચ્યુરીન, મોમોઝ કે ચાઉમેન જેવા ગરમ ખોરાક સાથે ઠંડા પીણાં પીતા હોઈએ છીએ. આ બંનેની સ્વાસ્થ્યની સાથે દાંત પર પણ અસર થાય છે. અચાનક ગરમ અને ઠંડાના સંપર્કમાં આવવાથી દાંતનું સૌથી ઉપરનું પડ, જેને ‘એનામલ’ કહેવાય છે, તે નબળું પડે છે. આ પડ નબળું પડતા જ બેક્ટેરિયા દાંતની અંદર સરળતાથી પ્રવેશી શકે છે અને સડો પેદા કરે છે. એકસ્પર્ટના જણાવ્યા અનુસાર, સડો સીધો દાંતમાં કાણું નથી પાડતો, પરંતુ તેની શરૂઆત ધીરે ધીરે થાય છે.

દાંતમાં સડો થતા શરીરમાં આ લક્ષણો દેખાય છે.

  • ઝણઝણાટ (Sensitivity): ઠંડુ પાણી કે ગરમ ચા પીતી વખતે દાંતમાં તીવ્ર ઝણઝણાટ અનુભવવી.
  • મીઠા ખોરાકથી તકલીફ: ગળ્યા પદાર્થો ખાતી વખતે દાંતમાં ડંખ મારવો કે દુખાવો થવો.
  • ખોરાક ભરાઈ રહેવો: દાંત વચ્ચે સતત ખોરાક ફસાવો એ પણ સડાની શરૂઆત હોઈ શકે છે.

 દાંતને સ્વસ્થ રાખવાના ટીપ્સ

સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા બ્રશ કરવાની આદત પાડો. રાત્રે બ્રશ કરવું સૌથી વધુ મહત્વનું છે કારણ કે ઊંઘ દરમિયાન બેક્ટેરિયા સૌથી વધુ સક્રિય હોય છે. બ્રશ કરવામાં ઉતાવળ ન કરો. દરેક દાંતના ખૂણેખૂણા સુધી બ્રશ પહોંચે તેની ખાતરી કરો. બેક્ટેરિયા અને ગંદકી માત્ર દાંત પર જ નહીં, પણ જીભ પર પણ જમા થાય છે. તેથી જીભ સાફ રાખવી ખૂબ જરૂરી છે. જ્યારે પણ તમે મીઠાઈ, ચોકલેટ કે ગળ્યો ખોરાક ખાઓ, ત્યારે તરત જ સાદા પાણીથી કોગળા કરો. ફક્ત બાળકો જ નહીં પુખ્ત વયના લોકોએ પણ દાંતની સફાઈમાં આ બાબતો ધ્યાન રાખવાની જરૂર છે.

આ પણ વાંચો :Lifestyle: વારંવાર મોંમાં ચાંદા પડવા શું કોઈ ગંભીર બીમારીની નિશાની છે, જાણો શું કહે છે નિષ્ણાંતો?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )