Digital Arrest Scams:ડિજિટલ ઠગાઈનો આવશે અંત! સાયબર ક્રાઇમ રોકવા કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન
ભારતમાં સતત વધી રહેલા સાયબર ગુનાઓ અને વિદેશી ધરતી પરથી ચાલતા ડિજિટલ એરેસ્ટ જેવા કૌભાંડોને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે અત્યંત કડક વલણ અપનાવી રહી છે. તાજેતરમાં CBI અને I4C દ્વારા આયોજિત બે દિવસીય વર્કશોપમાં ગૃહમંત્રી અમિત શાહે સાયબર ક્રાઇમની આખી ઇકોસિસ્ટમને જડમૂળથી ઉખેડી નાખવા માટે તમામ વિભાગોને આદેશ આપ્યા છે.
બાયોમેટ્રિક KYC: નકલી દસ્તાવેજોનો ખેલ ખતમ
અત્યાર સુધી સાયબર ગુનેગારો અન્ય વ્યક્તિઓના દસ્તાવેજોનો દુરુપયોગ કરીને બેંક ખાતા ખોલાવતા કે સિમ કાર્ડ મેળવતા હતા. આ છટકબારી બંધ કરવા માટે હવે ટેલિકોમ અને બેંકિંગ ક્ષેત્રમાં બાયોમેટ્રિક KYC ફરજિયાત બનાવવામાં આવશે. ફિંગરપ્રિન્ટ અથવા ફેસ રેકગ્નિશન વગર કોઈ નવું કનેક્શન કે ખાતું નહીં ખુલે.આનાથી ‘મૂળ એકાઉન્ટ્સ’ (ભાડે આપેલા ખાતા) અને નકલી સિમ કાર્ડના વેપાર પર સીધો અંકુશ આવશે.
આંતરરાષ્ટ્રીય રોમિંગ અને પાસપોર્ટ લિંકિંગ
ઘણીવાર સાયબર ગુનેગારો ભારતીય સિમ કાર્ડ વિદેશ લઈ જઈને ત્યાંથી ભારતીયો સાથે છેતરપિંડી કરે છે. આ રોકવા માટે હવે આંતરરાષ્ટ્રીય રોમિંગ (IR) સુવિધા મેળવવા માટે પાસપોર્ટ ફરજિયાત કરવામાં આવશે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મોબાઇલ રોમિંગ પ્રોફાઇલ્સનું કડક મોનિટરિંગ થશે. વિદેશમાં બેસીને VPN દ્વારા ભારતીય બેંકિંગ એપ્સના એક્સેસ પર પણ નિયંત્રણો મૂકવાની વિચારણા ચાલી રહી છે.
ત્રણ મુખ્ય સ્તંભો પર ધ્યાન
સરકારે સાયબર સુરક્ષા માટે ત્રણ મહત્વના પાસાઓ પર ફોકસ કર્યું છે.
નાણાકીય સ્તંભ: મની લોન્ડરિંગ અને છેતરપિંડીના નાણાં જે ખાતામાં જાય છે તેને તત્કાલ બ્લોક કરવા.
ટેલિકોમ સ્તંભ: eSIM અને નકલી સિમ કાર્ડ દ્વારા થતા દુરુપયોગને અટકાવવો.
માનવ સ્તંભ: કંબોડિયા, મ્યાનમાર અને થાઈલેન્ડ જેવા દેશોમાં ભારતીયોને લઈ જઈને તેમની પાસે સાયબર ગુલામી કરાવતા ટ્રાફિકિંગ કૌભાંડોને રોકવા.
ગંભીર આંકડા અને પડકારો
સુપ્રીમ કોર્ટના તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં સાયબર ક્રાઇમ દ્વારા અંદાજે ₹54,000 કરોડની ચોરી થઈ છે. જામતારા અને મેવાત જેવા સ્થાનિક કેન્દ્રોની સાથે હવે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાંથી આવતા કોલ્સ મોટો પડકાર બની રહ્યા છે. આ પરિસ્થિતિમાં, સરકારે તમામ રાજ્યોની પોલીસને હેલ્પલાઇન નંબર 1930 પર ત્વરિત પ્રતિસાદ આપવા અને કેન્દ્રીય એજન્સીઓ સાથે સંકલન સાધવા તાકીદ કરી છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

