Editor's View: ઇરાનની રડારમાં ઇન્ટરનેટ:દરિયાનાં પેટાળમાં કેબલ કાપી નાખવાની ધમકી, બે ઘાતક હથિયાર સજ્જ કર્યાં, દુનિયાભરમાં અંધાધૂંધીનો ખતરો
તમે અત્યારે આ વાંચી રહ્યા છો… પણ એવી શક્યતા છે કે તમે ઈન્ટરનેટ પર કંઈ વાંચી પણ ન શકો અને જોઈ પણ ન શકો. જો લાલ સમુદ્ર અને હોર્મુઝની ખાડીના ઘોર અંધકારમાં, સમુદ્રના તળિયે પથરાયેલા ઈન્ટરનેટના કેબલ પર ઈરાનનું પ્રોક્સી ગ્રુપ નાનકડો કટ મારી દે. એક જ સેકન્ડમાં યુરોપ અને એશિયા ઓનલાઈનમાંથી ઓફલાઈન થઈ જાય. ટ્રમ્પની ભાષામાં કહીએ તો પાષાણ યુગમાં પાછી આવી જાય. આ વાત કોઈને ડરાવવા માટે કાફી છે પણ હકિકતમાં પણ આવું બની શકે છે. જે ઈન્ટરનેટ કેબલ દુનિયાનું 99 ટકા ઈન્ટરનેટ ટ્રાફિક અને રોજનો અબજો કે ખરબો રૂપિયાનો વેપાર રોકી શકે છે. હુથી બળવાખોરોએ હોર્મુઝ અને લાલ સમુદ્રના ઉંડે પથરાયેલા ઈન્ટરનેટના કેબલ કાપી નાખવાની ધમકી આપી છે. જો આ કેબલ કપાયો, તો ભારતનું UPI, આઈટી સેક્ટર અને શેરબજાર… બધું જ એક ઝાટકે ઠપ થઈ જશે! માટે આજે આપણે દરિયાના પેટાળમાં ઉતરીને કરીશું આ ખતરનાક ડિજિટલ યુદ્ધનું સંપૂર્ણ પોસ્ટમોર્ટમ. નમસ્કાર… આપણે વારંવાર ક્લાઉડ કમ્પ્યુટિંગ અને વાયરલેસ ઈન્ટરનેટ જેવા શબ્દો સાંભળીએ છીએ, એનાથી આપણને એવું લાગે છે કે ઈન્ટરનેટ તો હવામાં ફરતું હોય છે. પણ એવું નથી. દુનિયામાં જેટલા પણ લોકો ઈન્ટરનેટ વાપરે છે તે ટ્રાફિકનો 99 ટકા ભાગ દરિયાના તળિયામાં પથરાયેલા હજારો કે તેથી પણ વધારે કિલોમીટર લાંબા ફાયબર ઓપ્ટિક કેબલ્સથી પાસ થાય છે. સ્ટારલિંક જેવી સેટેલાઈન્ટ ઈન્ટરનેટ સેવા હજુ 1થી પણ ઓછો ટકા વાપરવામાં આવે છે. માણસના શરીરમાં જે ધમની કે શીરા જેને આપણે ધોરી નસ કહીએ છીએ તે જેવી રીતે પથરાયેલી છે તે રીતે જ દુનિયામાં ઈન્ટરનેટના કેબલ્સ પથરાયેલા છે. જો કોઈ આ કેબલ્સને કાપી નાખે તો દુનિયાના અમુક વિસ્તારોનું ઈન્ટરનેટ ઠપ્પ થઈ જાય. જેના કારણે આખી દુનિયાની ઈકોનોમી પણ ડામાડોળ થઈ જાય. આપણે એશિયા ખંડમાં છીએ તેનું ઈન્ટરનેટ લાલ સમુદ્ર અને હોર્મુઝ ખાડીથી આવે છે. હાઈવે પર જેમ ટોલનાકા હોય એવી જ રીતે આ વિસ્તારો ડિજિટલ ચેક પોઈન્ટ્સ છે. દુનિયાના બે ડિજિટલ ફેફસાંઃ હોર્મુઝ અને બાબ-અલ મંદેબ જીઓગ્રાફિકલ રીતે સમજીએ તો જ્યાં ઈરાન છે તે દરિયા વિસ્તાર તેલ-ગેસ સાથે ડેટા પાસ કરવાનો પણ રસ્તો છે. અહીં બે નાની સાંકડી દરિયાઈ ગલીઓ છે. આખી વાતને સમજતા પહેલા તેની આપણે વાત કરવી પડે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હાલ યુદ્ધના કારણે ઈરાનના કન્ટ્રોલમાં છે. આ વિસ્તાર પર્શિયન ગલ્ફના દેશોના બાકીની દુનિયા સાથે જોડે છે. અહીં તેલના જહાજો જ નહીં પણ ફાલ્કન અને ગલ્ફ બ્રિજ ઈન્ટરનેશનલ જેવા ઈમ્પોર્ટન્ટ ડેટા કેબલ્સ પણ પથરાયેલા છે, જે ગલ્ફ દેશોની ડિજિટલ ઈકોનોમીને ધબકતી રાખે છે. બીજું છે બાબ અલ મંદેબ. આ પણ હોર્મુઝ જેવો જ સાંકળો અને લાંબો દરિયાઈ રસ્તો છે. લાલ સમુદ્રમાં જવું હોય તો અહીંથી જ નીકળવું પડે. આ એશિયા અને યુરોપ ખંડ વચ્ચે સૌથી ટૂંકો રસ્તો છે. અને સૌથી મહત્વની વાત એ છે કે અહીં દુનિયાના ઈન્ટરનેટ ટ્રાફિકનો અંદાજે 17-20 ટકા જેટલો ભાગ પાસ થાય છે. 10 ટ્રિલિયન ડોલરનું ટ્રાન્ઝેક્શન થઈ શકે ઠપ્પ! ડિજિટલ દુનિયામાં આને ડ્યુઅલ ચોકપોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. જો ઈરાન હોર્મુઝમાં આડોળાઈ કરે અને તેનું પ્રોક્સી ગ્રુપ હુથી બળવાખોરો રેડ સીમાં હુમલા ચાલુ રાખે અને ઈન્ટરનેટના કેબલ કાપે તો એશિયા અને યુરોપનું ઈન્ટરનેટ ઠપ્પ થઈ શકે છે. આ સિવાય સૂએઝ કેનાલમાંથી પણ ઈન્ટરનેટના મેઈન 16 જેટલા કેબલ નીકળે છે. આ કેબલ્સ ખાલી યુટ્યૂબ જોવા માટે નથી, તેનાથી સ્વિફ્ટ જેવા ઈન્ટરનેશનલ બેંકિંગ ટ્રાન્જેક્શન, મિલિટરીની સિક્રેટ ઈન્ફોર્મેશન અને સરકારના લોકો સાથેના સંવાદ થાય છે. ટૂંકમાં કોમ્યુનિકેશનની કરોડરજ્જુ. એક અંદાજ છે કે રેડ સી એટલે કે લાલ સમુદ્ર મારફતે દરરોજ 10 ટ્રિલિયન ડોલરથી વધુના રૂપિયાની લેવડદેવડ થાય છે. હુથી બળવાખોરો અને રેડ સીમાં વધતું ટેન્શન 2023-24ના એન્ડમાં આપણે જોયું હતું કે કેવી રીતે યમનના હુથી બળવાખોરોએ રેડસીમાં વેપારી જહાજો પર હુમલાઓ કર્યા હતા. પણ આ હુમલાઓ ખાલી જહાજોની સપાટી પૂરતા જ ન હતાં. વર્ષ 2024ના ફેબ્રુઆરી મહિનામાં બે મોટા ઈન્ટરનેટ કેબલ્સને નુકસાન પણ થયું હતું. જેના કારણે આખી દુનિયા ચોંકી ગઈ હતી કે આ શું થઈ ગયું? પહેલા એવું લાગ્યું હતું કે હુથી બળવાખોરો પાસે ઈન્ટરનેટ કેબલ કાપવાની ટેક્નોલોજી નથી પણ યુદ્ધની આડી અસરો તેનાથી પણ વધારે ભયાનક સાબિત થઈ હતી. આવું એટલા માટે કારણ કે હુથીઓના હુમલાઓનું ભોગ બ્રિટિશ જહાજ રૂબિમાર બન્યું હતું. જ્યારે તેણે પોતાનું લંગર દરિયા કિનારે નાખ્યું ત્યારે તેના કારણે રેડ સીમાં દુનિયાના સૌથી મહત્વના કેબલ્સ પણ ઘસારાના કારણે કપાઈ ગયા હતા. આ ઘટનાએ સાબિત કર્યું કે ડિજિટલ યુદ્ધમાં હુમલો કેબલ પર ન હોય તો પણ ઈન્ટરનેટના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મસમોટું નુકસાન પહોંચાડી શકાય છે. ધ ઈરાનિયન વૉર સ્ટ્રેટેજી ઈરાન બરોબર જાણે છે કે તે અમેરિકા કે નાટો સામે સીધી સૈન્ય લડાઈમાં ટકી શકે તેમ નથી. એટલે તેણે એસેમેટ્રિકલ વોર શરૂ કરી છે. ઈરાન રેડસીમાં હુથી બળવાખોરો પાસે અને હોર્મુઝમાં પોતાની નેવીથી ઈન્ટરનેટ ઠપ્પ કરવાની ધમકી આપીને દબાણ લાવવા માગે છે. ઈરાને થોડા વર્ષોથી પોતાની નેવીને મજબૂત બનાવવાની પણ જોરદાર ટ્રાય કરી છે. આજે તે જ નેવીના કારણે હોર્મુઝમાં ઈરાનનો કબજો બોલી રહ્યો છે. કહેવાય છે કે ઈરાન પાસે એવી ટેક્નોલોજી છે જેનો ઉપયોગ કરીને તે દરિયાના તળિયા સુધી તોડફોડ કરી શકે છે. આ ડિજિટલ હુમલાઓનો સૌથી મોટો ફાયદો એ છે કે તે કોણે કર્યા તે સાબિત કરવું ખૂબ મુશ્કેલ છે. સમુદ્રના અંધકારમાં કેબલ કેવી રીતે કપાયો? લંગરથી કે કોઈ સ્ફોટકથી? તે નક્કી કરવામાં ઘણો સમય લાગી જાય છે, અને ત્યાં સુધીમાં દુનિયાની ઈકોનોમીને અબજો ડોલરનું નુકસાન થઈ ગયું હોય છે. દરિયાઈ કેબલથી તમારા મોબાઈલ સુધીની સફર જ્યારે આપણે આ સુરક્ષા જોખમોની વાત કરીએ છીએ, ત્યારે એ પણ સમજવું જરૂરી બને છે કે એક કેબલ કપાવાથી તમારા સુધી ઈન્ટરનેટ કેવી રીતે બંધ થાય છે? જો લાલ સમુદ્ર જેવા વિસ્તારોમાં આ કડી તૂટે, તો ડેટાને બીજા રૂટ જેમ કે દક્ષિણ આફ્રિકાના કિનારેથી ડાયવર્ટ કરવો પડે છે. આ ડાયવર્ઝનથી ઈન્ટરનેટની સ્પીડ તો ઘટે છે અને બેંકિંગ જેવી સેવાઓમાં સમય પણ વધે છે, જે મોર્ડન ફાઈનાન્શિયલ માર્કેટ માટે ઝેર સમાન છે. જ્યારે આપણે લાલ સમુદ્ર કે હોર્મુઝની ખાડીની વાત કરીએ છીએ, ત્યારે સામાન્ય રીતે મનમાં મોટા યુદ્ધ જહાજો અને વિમાનવાહક જહાજોના ચિત્રો સામે આવે છે. પણ 2026ના એડવાન્સ યુગમાં, યુદ્ધની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હવે યુદ્ધ સપાટી પર નહીં, પણ સપાટીથી સેંકડો ફૂટ નીચે સી-બેડ પર પણ રમાઈ રહ્યું છે. ઈરાને ક્યારેય અમેરિકાની જેમ મસમોટું નૌકાદળ બનાવવાની ટ્રાય નથી કરી; પણ તેના બદલે તેણે ગેરિલા વોરફેર જેવો નેવી અને આર્મી પાવર ઉભો કર્યો છે. તેના ભાથામાં એવા કેટલાક હથિયારો છે જે ખાસ કરીને સબમરીન કેબલ્સ માટે જોખમી સાબિત થઈ શકે છે: નાઝીર UUV ઘાદીર સબમરીન નિષ્ણાતો માનવું છે કે સબમરીન કેબલ કાપવું એ કોઈ રોકેટ સાયન્સ નથી, જો કે તેને કાયમી ધોરણે બંધ કરવા એ મોટી વાત છે. તોડફોડની બે રીતો અત્યારે ચર્ચામાં છે. એક એન્કર ટ્રેગિંગ છે. એટલે જહાજના ભારે લંગરને જાણી જોઈને જ્યાં ઈન્ટરનેટ કેબલ છે ત્યાં ઘસડાવવામાં આવે છે. આ એક્સિડેન્ટ જેવું લાગે છે એટલે કોઈ દેશ બીજા દેશ પર તોડફોડનો આરોપ નથી લગાવી શકતો. બીજી રીત છે ડાયરેક્ટ સાબોટેજ. એટલે કે કટર કે એક્સપ્લોઝીવનો યુઝ કરીને કેબલના રિપીટર્સને તોડી પાડવામાં આવે. જો સિગ્નલ બૂસ્ટ કરનાર રિપીટર કપાઈ જાય તો તે કેબલને રિપેર કરવામાં ઘણો સમય અને ખર્ચો થઈ શકે છે. ઈન્ટરનેટ બંધ થાય તો દુનિયામાં કેવી રાડ પડે? હવે વાત કરીએ જો ઈન્ટરનેટ બંધ થઈ જાય તો આપણા જીવનમાં કેવી અસર પડે તેની. તમે જીવનમાં ક્યારેક કોઈને વિદેશમાં પૈસા મોકલવા માટે સ્વિફ્ટ નેટવર્કનો ઉપયોગ કર્યો હશે. આ નેટવર્ક પૂરી રીતે સબમરીન કેબલ પર ચાલે છે, જો રેડ સીમાં કેબલ કપાય તો ટ્રાફિકને ડાયવર્ટ કરવો પડે. આ ડાયવર્ઝનથી ડેટા પહોંચવામાં વાર લાગી જાય છે. આ થોડી વારના કારણે શેરબજારના એલ્ગોરિધમિક ટ્રેડિંગમાં અબજો ડોલરની ઉથલ પાથલ થઈ શકે છે. માત્ર આટલું જ નહીં… ગૂગલ, અમેઝોન અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓના ડેટા સેન્ટર્સ એકબીજા સાથે સતત સિંક્રનાઈઝ થતા હોય છે. જો આ લિંક તૂટે તો ડેટા બેકઅપ લેવામાં પ્રોબ્લમ આવી જાય છે અને ઓનલાઈન બિઝનેસ પણ ઠપ્પ થઈ શકે છે. કેબલ કાપવો સહેલો, રિપેરિંગ અઘરું આપણે એક વાત બરોબર સમજવી જોઈએ કે ઈન્ટરનેટના સબમરિન કેબલ કાપવું સહેલું છે પણ તેનું રિપેરિંગ ખૂબ જ અઘરું હોય છે. એકવાર કેબલ કપાઈ જાય પછી, જહાજોને કેબલનો બીજો છેડો શોધવામાં અને તેને ફરી જોડવામાં મહિનાઓ લાગી શકે છે. અહીં ભયાનક વાત એ છે કે યુદ્ધના કારણે વીમા કંપનીઓએ લાલ સમુદ્ર અને હોર્મુઝની ખાડીમાં જનારા રિપેર જહાજોનો વીમો લેવાની ના પાડી દીધી છે. ટૂંકમાં જો કોઈને કંઈ થઈ જાય તો તેની જવાબદારી કોઈ નહીં લે. ઉપરથી દુનિયામાં કેબલ રિપેર કરવાવાળા જહાજો પણ ગણ્યાં ગાંઠ્યા જ છે. કોઈની સિક્યોરિટીની ગેરંટી નથી, અને કોઈ પણ કંપની પોતાનું કરોડો ડોલરનું જહાજ અત્યારે જોખમમાં મૂકવા તૈયાર નથી. આ બધાનો મતલબ એ થાય કે જો આજે ઈરાન કે હુથીઓ કેબલ કાપે તો કેટલો સમય ઈન્ટરનેટ બંધ રહેશે તેનો જવાબ કોઈ નહીં આપી શકે. ભારત માટેનું સંકટ: શું આપણે સુરક્ષિત? ભારત માટે આ જીઓપોલિટિકલ ટેન્શન સીધી ઈકોનોમીક ધમકી જેવી છે. ભારતનો આશરે 60-65 ટકા ઈન્ટરનેટ રેડ સી અને ખાડી દેશોના રસ્તાઓથી પાસ થાય છે. આપણે પશ્ચિમી દુનિયા સુધી આ જ રસ્તા પર જોડાયેલા છીએ. અને આપણે દુનિયામાં લગભગ ડિજિટલ પેમેન્ટમાં નંબર વન છીએ. પણ જો ફોન પેક કે ગૂગલ પે કે વોટ્સએપ પે જેવા ડિજિટલ પેમેન્ટ્સ ઈન્ટરનેટના કારણે ઠપ્પ થાય તો અબજો કરોડ રૂપિયાનું નુકસાન નક્કી જ છે. માત્ર આટલું જ નહીં બેંગલોર કે હૈદરામાંબાદમાં જે આઈટીવાળા લોકો કામ કરે છે તે પણ આ જ અમેરિકન સર્વર પર કામ કરે છે. તેમને તો કામ કરવા માટે હાઈ ઈન્ટરનેટ સ્પીડની જરૂર હોય છે. જો ઈન્ટરનેટ કેબલ જ કાપી નાખવામાં આવે તો ભારતના આઈટી ડિપાર્ટમેન્ટને જ લકવો લાગી શકે તેમ છે. સેટેલાઈટ ઈન્ટરનેટઃ લાઈફ જેકેટ બની શકે? પણ સિક્કાની બે બાજુ હોય છે. સમસ્યા હોય તો સમાધાન પણ હોય જ. અત્યારના સમયમાં એલન મસ્કની સ્ટારલિંગ કે એમેઝોનની કૂપર જેવી સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસિઝ બૂમ પડાવી રહી છે. તો એક સવાલ એ પણ થાય કે દરિયાવાળા કેબલની તે જગ્યા લઈ શકે? સેટેલાઈટ ઈન્ટરનેટ ઈમરજન્સી ટાઈમે આશીર્વાદ સમાન છે. પણ તેની લિમિટેશન્સ પણ છે. દરિયાવાળા ઈન્ટરનેટ કેબલ્સ સેંકડોમાં ટેરાબિટ્સ ડેટા ટ્રાન્સફર કરી શકે છે. પણ બધી સેટેલાઈટ ઈન્ટરનેટ સેવાઓ મળીને પણ દુનિયાના 2 ટકા ઈન્ટરનેટનો ભાર ઉપાડી શકે તેવા હાલમાં નથી. જે લોકો પહાડોમાં રહે છે તેમના માટે સેટેલાઈટ ઈન્ટરનેટ સેવા ચાલી જાય પણ મુંબઈ કે લંડન જેવા શહેરોમાં રહેતા હોય તે સેટેલાઈટ ઈન્ટરનેટ વાપરે તો ડેટાને પણ ફીણા આવી શકે છે. સામેની બાજુ સેટેલાઈટ ઈન્ટરનેટ સબમરીન કેબલ કરતાં અનેકગણું મોંઘું હોય છે. તો લાલ સમુદ્ર કે હોર્મુઝનો ઓપ્શન શું? તો બીજો સવાલ આવે કે લાલ સમુદ્ર કે હોર્મુઝ સ્ટ્રેટની જગ્યાએ ક્યાંથી ઈન્ટરનેટ સેવા વાપરી શકાય? આના જવાબો તો દુનિયાની મોટી ટેક કંપનીઓ આજે પણ શોધી રહી છે. એક ઓપ્શન આર્કટિક રૂટ હોય શકે છે. કારણ કે ગ્લોબલ વોર્મિંગના કારણે આર્કિટકનો બરફ પીગળી રહ્યો છે. ત્યાં જાપાનથી અલાસ્કા થઈને યુરોપ સુધીનો રસ્તો આખા પશ્ચિમ યુરોપને બાયપાસ કરે છે. ઉપરથી આ રસ્તો ઈરાન કે હુથીઓથી અનેક કિલોમીટર દૂર છે. તો આર્કટિક એશિયા અને યુરોપની કનેક્ટિવિટીનો ઓપ્શન બની શકે છે. ગૂગલનો એક પ્રોજેક્ટ બાબ અલ મંદેબની ખાડીને બાયપાસ કરીને ઈઝરાયલ-સાઉદી અરેબિયા લેન્ડ બ્રિજ પર કામ કરી રહ્યું છે. તે પણ ઓપ્શન બની શકે છે. ચીન અને રશિયાએ પણ કઝાકસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા મધ્ય એશિયાના દેશોમાંથી જમીન માર્ગે ફાઈબર કેબલની લાઈન્સ નાખી છે. તે સિલ્ક લિંકનો પણ ફાયદો મળી શકે છે. અને છેલ્લે… જો મિડલ ઈસ્ટના દરિયાના તળિયે ડિજિટલ યુદ્ધ ચાલુ છે તો સપાટી પર ભારતનો હુકુમનો એક્કો પણ તૈયાર જ છે. વાત એમ છે કે ગઈકાલે DRDO અને ઈન્ડિયન નેવીએ બંગાળની ખાડીમાં હેલિકોપ્ટરમાંથી એકસાથે બે મિસાઈલ છોડીને દુશ્મનના જહાજોને ફૂરચા ઉડાવી દે તેવું સાલ્વો લોન્ચ કર્યું છે. આ એવી શોર્ટ રેન્જ નેવલ એન્ટી-શિપ મિસાઈલ છે જે દુશ્મનની રડાર કંઈ સમજે એ પહેલા જ હુમલો કરી શકે છે. આ દુનિયાને એક મેસેજ છે કે ભારતના દરિયા કે જમીન પર કોઈ હુમલો કરવાનો વિચાર પણ કરશે તો તેને રાખમાં ભેળવી દેવામાં આવશે. ડિફેન્સ અને એટેકની આ સ્ટ્રેટેજી જ ભારતને સિકંદર બનાવે છે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

