Editor's View: ટ્રમ્પના કબાડા, કમાણી અને કરંટ:વ્હાઇટ હાઉસમાં ક્રિપ્ટો ગેમ, રાષ્ટ્રપતિ માલામાલ, લાખો ભારતીયો માટે અમેરિકાથી ખુશ ખબર, ડોલરિયા ડ્રીમ વચ્ચેનો અવરોધ દૂર
આજે આપણે એક એવા વિષય પર વાત કરવાની છે જે સીધી રીતે આપણા ગુજરાતીઓના ભવિષ્ય અને અમેરિકન ડ્રીમ એટલે કે અમેરિકા જઈને વસવાના સપના સાથે જોડાયેલો છે. કલ્પના કરો કે તમે વર્ષોથી અમેરિકામાં રહો છો, ત્યાં તમારા ઘરે એક બાળકનો જન્મ થાય છે, પણ અચાનક સરકારનો કોઈ કાયદો એમ કહી દે કે આ બાળક અમેરિકન નથી! તો તમારી અને એ બાળકની કેવી હાલત થાય? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બરાબર આવું જ કરવાનું નક્કી કર્યું હતું. પણ 30 જૂન, 2026ના રોજ અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક મોટો ધડાકો કર્યો અને ટ્રમ્પના આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને સંપૂર્ણપણે કચરાપેટીમાં નાખી દીધો. આખો મામલો શું છે? અને તેનાથી લાખો ભારતીયોને અને ગુજરાતીઓને શું ફાયદો થશે? ચાલો વિગતે વાત કરીએ નમસ્કાર… સૌથી પહેલા તો આપણે સમજી લઈએ કે અમેરિકાની જન્મજાત નાગરિકતા શું હોય છે. દુનિયામાં કોઈ પણ દેશની નાગરિકતા આપવાના સામાન્ય રીતે બે નિયમો હોય છે. એક છે લોહીનો સંબંધ અને બીજો છે જમીનનો સંબંધ. યુરોપ અને એશિયાના મોટાભાગના દેશો લોહીના સંબંધ પર ચાલે છે. એટલે કે, જો માતા-પિતા ભારતીય હોય, તો બાળક દુનિયાના કોઈ પણ ખૂણે જન્મે, તે ભારતીય જ કહેવાય. પણ અમેરિકાનો નિયમ સાવ અલગ છે. અમેરિકા જમીનના કાયદા પર ચાલે છે. મતલબ કે, અમેરિકાની ધરતી પર જે પણ બાળક જન્મ લે, તે બાળક આપોઆપ અમેરિકન નાગરિક બની જાય. ભલે પછી તેના માતા-પિતા ગેરકાયદેસર રીતે બોર્ડર કૂદીને અમેરિકામાં ઘૂસ્યા હોય, અથવા તો ફરવા માટે કે ભણવા માટે હંગામી વિઝા પર આવ્યા હોય. આ જૂના અને મજબૂત કાયદાને અંગ્રેજીમાં બર્થરાઈટ સિટિઝનશિપ કહેવાય છે. 14મો સુધારો: અમેરિકન કાયદાનો ઇતિહાસ હવે તમને કદાચ સવાલ થશે કે અમેરિકાએ આવો વિચિત્ર નિયમ કેમ બનાવ્યો હશે? આની પાછળ એક બહુ મોટો અને ઈન્ટરેસ્ટિંગ ઇતિહાસ જોડાયેલો છે. વર્ષ 1868માં અમેરિકાના બંધારણમાં 14મો સુધારો લાવવામાં આવ્યો હતો. એ સમયે અમેરિકામાં ગુલામી પ્રથા ચાલતી હતી. આફ્રિકાથી લવાયેલા બ્લેક લોકોને (ભાસ્કર કોઈ પ્રકારના ભેદભાવનું સમર્થન નથી કરતું જેની ખાસ નોંધ લેવી) ગુલામ તરીકે રખાતા હતા. 1857માં એક બહુ મોટો કોર્ટ કેસ થયો હતો, જેમાં કોર્ટે એવું કીધું હતું કે ગુલામો અમેરિકામાં જન્મે તો પણ તેમને સમાન નાગરિકતા ન મળે કારણ કે નાગરિકતા લોહીથી મળે છે. આવા ખુલ્લા ભેદભાવ અને અન્યાયને જડમૂળથી દૂર કરવા માટે અમેરિકાએ પોતાનો કાયદો જ બદલી નાખ્યો. કાયદામાં સ્પષ્ટ લખી નાખ્યું કે “જે પણ વ્યક્તિ અમેરિકાની હદમાં જન્મ લેશે, તે અમેરિકાનો પાકો નાગરિક ગણાશે.” વર્ષ 1898માં એક ચીની દંપતીના બાળકને પણ સુપ્રીમ કોર્ટે આ જ કાયદા હેઠળ અમેરિકન પાસપોર્ટ આપવાનો આદેશ કર્યો હતો. બસ, ત્યારથી આ નિયમ અકબંધ ચાલ્યો આવે છે. ટ્રમ્પને આ કાયદા સામે શું વાંધો હતો? ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રાષ્ટ્રવાદી ટીમ વર્ષોથી આ કાયદાની પાછળ પડી હતી. જાન્યુઆરી 2025માં જ્યારે ટ્રમ્પ બીજી વાર રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે પહેલા જ દિવસે એક કાગળ પર સહી કરી દીધી. આદેશમાં સ્પષ્ટ કહી દીધું કે હવેથી ગેરકાયદેસર ઘૂસણખોરો અને હંગામી વિઝા પર આવેલા વિદેશીઓના બાળકોને અમેરિકન નાગરિકતા નહીં મળે. ટ્રમ્પનું માનવું હતું કે જે લોકો અમેરિકાના વફાદાર નથી, માત્ર ફાયદો ઉઠાવવા આવ્યા છે, તેમના બાળકોને મફતમાં અમેરિકાનો દરજ્જો કેમ આપવો? ટ્રમ્પ પ્રશાસન બે શબ્દોનો વારંવાર ઉપયોગ કરતું હતું: ટ્રમ્પની દલીલ હતી કે લોકો બાળકને જન્મ આપવા માટે જ અમેરિકા આવે છે. બાળક અમેરિકન બની જાય એટલે તેના આધારે ભવિષ્યમાં આખા પરિવારને કાયદેસરનો દરજ્જો મળી જાય. પણ ચીફ જસ્ટિસ રોબર્ટ્સે ટ્રમ્પની આ દલીલો ફગાવી દીધી. તેમણે કીધું કે કોઈ રાષ્ટ્રપતિ પોતાની મરજીથી બંધારણ ના બદલી શકે. કોર્ટના આ નિર્ણયથી લાખો કે કરોડો વિદેશી પરિવારોને એક મોટી રાહત મળી છે. ભારતીયો અને ડંકી રૂટ: અમેરિકન સપનાની કડવી વાસ્તવિકતા ચાલો, હવે વાત કરીએ સીધી આપણા લોકોની. તમે જોયું હશે કે ગુજરાત કે પંજાબના ગામડાંઓમાંથી અનેક યુવાનો અમેરિકા જવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. સુપ્રીમ કોર્ટનો જે આ ઐતિહાસિક ચુકાદો આવ્યો છે, તેની સૌથી સીધી અને મોટી અસર આપણા ભારતીયો પર, અને તેમાંય ખાસ કરીને ગુજરાતીઓ પર પડવાની છે. આ અસર મુખ્યત્વે બે અલગ-અલગ વર્ગો પર જોવા મળશે. એક વર્ગ એવો છે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને કાયદેસર રીતે અમેરિકા ગયા છે, અને બીજો વર્ગ એવો છે જેઓ ડંકી મારીને (ગેરકાયદેસર રસ્તાઓનો ઉપયોગ કરીને) કોઈ પણ ભોગે અમેરિકા પહોંચ્યા છે. ભારતીય પરિવારોને મળી મોટી રાહત સૌથી પહેલા વાત કરીએ કાયદેસર રીતે ગયેલા પ્રોફેશનલ્સની. અમેરિકાની મોટી આઈટી કંપનીઓ, મેડિકલ ક્ષેત્ર, ફાઇનાન્સ અને એન્જિનિયરિંગમાં આપણા ભારતીયોનો સિક્કો ચાલે છે. તમને જાણીને નવાઈ લાગશે કે યુ.એસ. દ્વારા દર વર્ષે અપાતા કુલ H-1B વર્ક વિઝામાંથી 71 ટકા વિઝા તો માત્ર ભારતીયો જ મેળવે છે. પણ અહીં અમેરિકાની સિસ્ટમનો એક બહુ મોટો લોચો છે. અમેરિકામાં કાયમી રહેવા માટે ગ્રીન કાર્ડ મેળવવું પડે છે, અને તેમાં દેશ મુજબ એક નિશ્ચિત કન્ટ્રી કેપ ક્વોટા હોય છે. ભારતીયોની અરજીઓ એટલી બધી છે કે નવો અંદાજ કહે છે કે આજે અરજી કરો તો ગ્રીન કાર્ડ આવતા 50 થી 70 વર્ષ લાગી જાય! આ વર્ષો લાંબી રાહ જોવામાં, આ નોકરીયાત લોકો ત્યાં જ પોતાનો પરિવાર વસાવે છે. તેમના બાળકોનો જન્મ અમેરિકાની ધરતી પર થાય છે. જરા વિચારો, જો ટ્રમ્પનો પેલો કાયદો અમલમાં આવી ગયો હોત, તો વર્ષો સુધી અમેરિકામાં કાયદેસર રીતે ટેક્સ ચૂકવતા આ ભારતીય નિષ્ણાતોના બાળકો પણ અમેરિકન નાગરિકતાથી વંચિત રહી જાત. જ્યારે બાળક 21 વર્ષનું થાય અને તેના વાલીનું ગ્રીન કાર્ડ ન આવ્યું હોય, તો એ બાળકે દેશનિકાલ એટલે કે ડિપોર્ટેશનનો સામનો કરવો પડત. પણ, સુપ્રીમ કોર્ટના ચુકાદાએ આ જોખમ ટાળી દીધું છે. સિવિક સંસ્થા ઇન્ડિયન અમેરિકન ઇમ્પેક્ટના ડિરેક્ટર ચિંતન પટેલ અને અગ્રણી નેતા અજય જૈન ભુટોરિયાએ આ નિર્ણયને ઇમિગ્રન્ટ્સ માટે સ્મારક વિજય ગણાવ્યો છે. FIIDSના પ્રમુખ ખંડેરાવ કંદ પણ માને છે કે ગ્રીન કાર્ડની લાઇનમાં ફસાયેલા 12 લાખથી વધુ હાઇ-સ્કિલ્ડ ભારતીયો માટે આ ચુકાદો માનસિક શાંતિ લઈને આવ્યો છે. જીવના જોખમે અમેરિકા કેમ જાય છે લોકો? હવે સિક્કાની બીજી અને થોડી કાળી બાજુ પર નજર કરીએ. ભારતના ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારો, ખાસ કરીને ગુજરાત અને પંજાબમાંથી હજારો યુવાનો ગેરકાયદેસર માર્ગનો આશરો લે છે, જેને આપણી દેશી ભાષામાં ડંકી રૂટ કહેવાય છે. લોકો ટુરિસ્ટ વિઝા પર દુબઈ કે યુરોપ જાય, ત્યાંથી લેટિન અમેરિકા પહોંચે. પછી પગપાળા ખતરનાક ડેરિયન ગેપ (કોલંબિયા અને પનામા વચ્ચેનું ગાઢ અને જીવલેણ જંગલ) પાર કરીને મેક્સિકો પહોંચે અને છેલ્લે અમેરિકામાં ઘૂસણખોરી કરે. આ સફરમાં લૂંટફાટ, ભૂખમરો અને મોતનો સામનો કરવો પડે છે. જાન્યુઆરી 2022માં માઇનસ ડિગ્રી ઠંડીમાં યુએસ-કેનેડા બોર્ડર પર થીજી ગયેલા 3 વર્ષના બાળક સહિતના ગુજરાતી પરિવારની કરુણ ઘટના હજુ કોઈ ભૂલ્યું નથી. તો મોટો સવાલ એ થાય કે લોકો આવું ભયાનક જોખમ કેમ લે છે? જ્યાં સુધી સુપ્રીમ કોર્ટે આ કાયદો બચાવ્યો છે, ત્યાં સુધી લોકોનું આ અમેરિકન ડ્રીમ અકબંધ રહેશે અને ડંકી રૂટનો ખતરનાક સિલસિલો પણ ચાલુ જ રહેશે. અમેરિકામાં કેટલા એન્કર બેબી જન્મે છે? અમેરિકામાં દર વર્ષે લગભગ 36થી 40 લાખ બાળકો જન્મે છે. આમાંથી લગભગ 10 લાખ બાળકો એટલે કે લગભગ 25 ટકા વિદેશી મૂળની માતાઓની કૂખે જન્મે છે. સૌથી ચોંકાવનારો આંકડો એ છે કે, દર વર્ષે અંદાજે 3 લાખ બાળકો ગેરકાયદેસર વસાહતીઓને ત્યાં જન્મે છે. બર્થ ટુરિઝમના કિસ્સા પણ વાર્ષિક 26 હજાર જેટલા નોંધાય છે. આ બધા વચ્ચે ટ્રમ્પ હવે એક એવો માહોલ બનાવી રહ્યા હતા કે “અમેરિકા માત્ર અમેરિકનોનું છે”. પણ, રાજકારણ અને બિઝનેસની દુનિયામાં બહાર દેખાય છે એવું અંદર હોતું નથી. એક તરફ ટ્રમ્પ રાષ્ટ્રીય હિતોની રક્ષાનો દાવો કરીને સરહદો બંધ કરી રહ્યા હતા, તો બીજી તરફ તેમનો પોતાનો અંગત નાણાકીય પોર્ટફોલિયો કોઈપણ સરહદો વગરના, વૈશ્વિક મૂડીવાદ તરફ દોડી રહ્યો હતો. દેશ માટે કડક સરહદો, પણ રોકાણો માટે દુનિયા ખુલ્લી આ એક એવો મુદ્દો છે જેણે આખા અમેરિકન રાજકારણ અને ફાઇનાન્સ માર્કેટમાં મોટો ભૂકંપ લાવી દીધો છે. અહીં ટ્રમ્પનું એક બીજું જ રૂપ જોવા મળે છે, જે માત્ર બિઝનેસ અને મૂડીવાદ પર ચાલે છે. દેશ માટે ભલે તેઓ કડક સરહદોની વાતો કરતા હોય, પરંતુ પોતાના વ્યક્તિગત નાણાકીય રોકાણો માટે તેમના દરવાજા આખી દુનિયા માટે ખુલ્લા છે, જેમાં કોઈ સરહદ કે નિયમો નડતા નથી. આને જ તો ડી-રેગ્યુલેટેડ ગ્લોબલ કેપિટાલિઝમ કહેવાય છે! રાષ્ટ્રપતિની ખુરશી પર ક્રિપ્ટોમાંથી અબજો ડોલરની કમાણી જુલાઈ 2026ના શરૂઆતના દિવસોમાં એક એવો સરકારી રિપોર્ટ બહાર આવ્યો, જેણે સૌના હોશ ઉડાવી દીધા. અમેરિકાની સરકારના ઓફિસ ઓફ ગવર્નમેન્ટ એથિક્સ વિભાગે 927 પાનાનો એક લાંબો રિપોર્ટ જાહેર કર્યો, જેમાં અમેરિકન રાષ્ટ્રપતિના નાણાકીય વ્યવહારોનો કાચો ચિઠ્ઠો હતો. આ રિપોર્ટ પ્રમાણે, માત્ર એક જ વર્ષમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે લગભગ 18,300 કરોડ રૂપિયાથી પણ વધુની અંગત કમાણી કરી છે. પણ સૌથી મોટો આંચકો તો એ વાતનો છે કે આ કમાણીમાંથી અડધાથી વધુ હિસ્સો એટલે કે લગભગ લગભગ ₹9,982 કરોડ માત્ર અને માત્ર તેમના ક્રિપ્ટોકરન્સી બિઝનેસમાંથી આવ્યો છે! જરા વિચારો, અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પર બેઠેલી વ્યક્તિ પોતાના જ દેશના નિયમો બનાવી રહી છે અને પોતે જ અબજો રૂપિયા કમાઈ રહી છે. આને અમેરિકન ઈતિહાસનો સૌથી મોટો કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે હિતોનો ટકરાવ માનવામાં આવે છે. આટલા ટૂંકા ગાળામાં તેમની ક્રિપ્ટોની આવકે તેમના દાયકાઓ જૂના રિયલ એસ્ટેટ બિઝનેસને પણ પાછળ પાડી દીધો. ચાલો જોઈએ આ આવક ક્યાંથી થઈ હવે આખી રમત ક્યાં રમાઈ છે તે સમજો. ટ્રમ્પના પુત્રોએ વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સિયલ નામની ક્રિપ્ટો કંપની બનાવી. તેમાં રોકાણકારોને માત્ર ગવર્નન્સ ટોકન આપ્યા, જે સામાન્ય શેરની જેમ કોઈ માલિકી હક આપતા નથી, માત્ર મતદાનનો સીમિત અધિકાર આપે છે. ફેડરલ રેગ્યુલેટર્સની ચેતવણી હોવા છતાં આ બધું વેચાયું. બીજી બાજુ, સીઆઈસી ડિજિટલ એલએલસી કંપની થકી ટ્રમ્પે પોતાના જ ચહેરાવાળા યાદગીરી રૂપે મીમ કોઈન વેચીને બજારમાંથી 600 મિલિયન ડોલરથી વધુ કમાણી કરી લીધી. બિટકોઈનને સ્કેમ કહેનારે પોતાના દેશને ક્રિપ્ટો કેપિટલ બનાવ્યું અહીંયા સૌથી મોટી મજાક એ છે કે, પોતાના પહેલા કાર્યકાળમાં ટ્રમ્પ આ જ ક્રિપ્ટોકરન્સી અને બિટકોઈનનો સખત વિરોધ કરતા હતા. તેઓ બિટકોઈનને ખુલ્લેઆમ સ્કેમ એટલે કે કૌભાંડ કહેતા હતા. પણ 2024ની ચૂંટણી વખતે તેમને સિલિકોન વેલીના ક્રિપ્ટો માફિયાઓ અને અબજોપતિઓના ફંડની જરૂર પડી. બસ, પછી તો ટ્રમ્પે 180 ડિગ્રીનો પલટો મારી દીધો! તેમણે વચન આપ્યું કે હું અમેરિકાને દુનિયાનું ક્રિપ્ટો કેપિટલ બનાવીશ. સત્તા પર આવતાની સાથે જ તેમણે પોતાના વચનો પૂરા કરવાનું શરૂ કર્યું. અમેરિકન શેરબજાર અને ક્રિપ્ટો પર નજર રાખતી સંસ્થા SECના કડક ચેરમેન ગેરી ગેન્સલરને રાતોરાત ખુરશી પરથી હટાવી દીધા. તેમની જગ્યાએ પોલ એટકિન્સ નામના એવા વ્યક્તિને બેસાડી દીધા, જે ક્રિપ્ટો કંપનીઓની ખુલ્લેઆમ તરફેણ કરતા હતા. આના લીધે કોઈનબેઝ જેવી મોટી ક્રિપ્ટો કંપનીઓ પર ચાલી રહેલા કેસ પાછા ખેંચાઈ ગયા. આ એ જ કંપનીઓ હતી જેમણે ટ્રમ્પને ચૂંટણીમાં મોટું દાન આપ્યું હતું. ચીની અબજોપતિની એન્ટ્રી અને સામાન્ય રોકાણકારોની બરબાદી પણ આ બધામાં સૌથી ખતરનાક એંગલ તો ચીનનો છે. જસ્ટિન સન નામનો એક વિવાદાસ્પદ ચીની અબજોપતિ, જેના પર અમેરિકાની ફેડરલ કોર્ટમાં રોકાણકારોને છેતરવાનો ગંભીર કેસ ચાલતો હતો, તેણે ટ્રમ્પની ક્રિપ્ટો કંપનીઓમાં સીધા 275 મિલિયન ડોલરનું રોકાણ કર્યું! આ રોકાણ પછીની કમાલ જુઓ, ફેબ્રુઆરી મહિનામાં જસ્ટિન સનનો કરોડો ડોલરનો છેતરપિંડીનો કેસ માત્ર 10 મિલિયન ડોલરના નજીવા દંડ સાથે રફેદફે કરી દેવામાં આવ્યો. શું આ દેશની ન્યાય વ્યવસ્થા અને પારદર્શિતા સાથે સીધા ચેડાં નથી? જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ખિસ્સામાં કરોડો ડોલરનો નફો મૂક્યો, ત્યારે તેમના પર આંધળો વિશ્વાસ મૂકનારા સામાન્ય રોકાણકારો સદંતર બરબાદ થઈ ગયા. ક્રિપ્ટોની ભાષામાં આને રગ પુલ કહેવાય છે. જ્યારે ટ્રમ્પના મીમ કોઈન્સ જાન્યુઆરી 2025માં લોન્ચ થયા, ત્યારે બજારમાં તેની કિંમત 74 ડોલર ચાલી રહી હતી. પરંતુ જુલાઈ 2026 આવતા સુધીમાં તો તેની કિંમત 80 ટકાથી વધુ કડડભૂસ થઈને માત્ર 1.68 ડોલર રહી ગઈ! વર્લ્ડ લિબર્ટીના ટોકન્સનું મૂલ્ય પણ 80 ટકા જેટલું ઘટી ગયું છે. લોકોના પૈસા ધોવાઈ ગયા. ડેમોક્રેટિક ગવર્નર ગેવિન ન્યૂઝમે સાચું જ કહ્યું કે, “ટ્રમ્પ વધુ અમીર બન્યા, જ્યારે તેમના ક્રિપ્ટો સમર્થકો બરાબરના છેતરાયા.” વિદેશી સરકારો સાથે ટ્રમ્પના કરોડોના સોદા અહીં વાત માત્ર ક્રિપ્ટોકરન્સી પૂરતી સીમિત નથી. આપણે હમણાં જ જોયું કે કઈ રીતે ક્રિપ્ટોમાં સામાન્ય રોકાણકારો છેતરાયા અને રાષ્ટ્રપતિ કરોડો કમાઈ ગયા. પણ અહીંથી એક સાવ નવો જ વિષય ખુલે છે, જેને સાંભળીને તમને થશે કે રાજકારણમાં બધું જ શક્ય છે. વાત એમ છે કે અહીંયા વિદેશી સરકારો સાથે સીધા રિયલ એસ્ટેટના એટલે કે જમીન-મકાનના અને પ્રોજેક્ટ લાયસન્સના મોટા મોટા સોદા પણ થયા છે. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અમેરિકાની સરકાર તરફથી સાઉદી અરેબિયા, દુબઈ અને કતાર જેવા દેશો સાથે લશ્કરી મદદ, વેપારના નિયમો અને આંતરરાષ્ટ્રીય વાટાઘાટો કરી રહ્યા હતા, બરાબર એ જ સમયે તેઓ પોતાના અંગત બિઝનેસ માટે આ જ દેશો પાસેથી કરોડો રૂપિયા કમાઈ રહ્યા હતા. આંકડાઓ જુઓ તો આંખો પહોળી થઈ જાય: વિપક્ષના ડેમોક્રેટિક નેતાઓ અને કાયદાના નિષ્ણાતો આ બાબતે આકરા પ્રહારો કરી રહ્યા છે. તેમનું સીધું કહેવું છે કે દુનિયાની સૌથી શક્તિશાળી ખુરશી પર બેઠેલો માણસ જ્યારે પોતાના જ નીતિગત નિર્ણયોથી અબજો રૂપિયા કમાતો હોય, અને વિદેશી શક્તિઓ પાસેથી સીધા પૈસા લેતો હોય, ત્યારે ત્યાં લોકશાહી બચી જ ક્યાં છે? જોકે, વ્હાઇટ હાઉસે બચાવ કરતા એવું કીધું છે કે રાષ્ટ્રપતિના બધા જ બિઝનેસ તેમના બે દીકરાઓ સંભાળે છે અને તેમાં હિતોનો કોઈ ટકરાવ નથી. પણ, બંધારણના જાણકારો માને છે કે જૂના રાષ્ટ્રપતિઓ જે નૈતિક નિયમો પાળતા હતા, તેનું અહીં ખુલ્લેઆમ ઉલ્લંઘન થયું છે અને અમેરિકાની વૈશ્વિક આબરૂના ધજાગરા ઉડી ગયા છે. આ બધું જ જાણ્યા અને સમજ્યા પછી જો આખા ઘટનાક્રમનો નીચોડ કાઢીએ, તો આ વર્ષ 2026ની વાર્તા બે સાવ અલગ ધ્રુવ પર ચાલી રહી છે. આ બંને ઘટનાઓ અમેરિકાના બે અલગ અલગ ચહેરા બતાવે છે. એક બાજુ, અમેરિકાની સુપ્રીમ કોર્ટે પોતાની અદાલતી તાકાત બતાવી છે. 150 વર્ષ જૂનો જન્મજાત નાગરિકતાનો કાયદો બચાવીને કોર્ટે સાબિત કર્યું છે કે રાષ્ટ્રપતિ કોઈ રાજા નથી કે સહી કરીને બંધારણની મૂળ ભાવના બદલી નાખે. આ ઐતિહાસિક ચુકાદાથી આપણા ગુજરાતના અને ભારતના લાખો પરિવારો કે જેઓ કાયદેસર H-1B વિઝા પર છે, તેમના માટે મોટી આશા જન્મી છે. તેમને એ શાંતિ થઈ છે કે તેમનું સંતાન તો અમેરિકન જ કહેવાશે. સાથે જ, જે લોકો ઉજ્જવળ ભવિષ્ય માટે એજન્ટોને લાખો રૂપિયા આપીને ડંકી રૂટ પકડે છે, તેમના માટે પણ આ કાયદો હજુ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ મેસેજ છે કે નાગરિકોના કાયદાકીય અધિકારોનું રક્ષણ સર્વોપરી છે. બીજી બાજુ, ડોનાલ્ડ ટ્રમ્પના આ ચોંકાવનારા આર્થિક રિપોર્ટો અને ક્રિપ્ટો કૌભાંડો દર્શાવે છે કે આજના આધુનિક રાજકારણ અને વૈશ્વિક મૂડીવાદ વચ્ચેની નૈતિક રેખા સાવ ભૂંસાઈ ગઈ છે. દેશની બોર્ડર બંધ કરીને, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને રોકવાના બહાને કડક રાષ્ટ્રવાદ દેખાડતા રાષ્ટ્રપતિ, પોતાના અંગત નફા માટે આખી દુનિયાના બજારોનો અને વિદેશી શક્તિઓનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યા છે. જે બિટકોઈન કૌભાંડ લાગતું હતું, તેમાં જ રોકાણ કરીને તેઓ સૌથી વધુ નફો રળી ગયા. ભારત અને ગુજરાત માટે આગળનો રસ્તો આ બે વિરોધાભાસી ચિત્રો ભવિષ્યની અમેરિકન નીતિઓ પર બહુ મોટી અસર કરશે. આ બધી આંતરરાષ્ટ્રીય ઉથલપાથલ વચ્ચે, આપણે ખાસ ધ્યાન રાખવાની અને જાગૃત રહેવાની જરૂર છે. જો તમે વિદેશમાં રોકાણ કરવાનું વિચારતા હોવ, ખાસ કરીને ક્રિપ્ટોકરન્સીમાં કોઈ મોટા નેતાને જોઈને પૈસા નાખતા હોવ, તો ચેતી જજો, કેમ કે નફો તેઓ કમાશે અને સામાન્ય માણસ રસ્તા પર આવી જશે. તેવી જ રીતે, ભવિષ્યમાં અમેરિકા જવાની તૈયારી કરતા લોકોએ આ આર્થિક અને ભૌગોલિક નીતિઓ પર સતત નજર રાખવી પડશે. ભવિષ્યમાં જો અમેરિકન સંસદ નવો કાયદો લાવીને નાગરિકતામાં ફેરફાર કરે, કે પછી ક્રિપ્ટો બજારમાં નિયમો અચાનક બદલાઈ જાય, તો તેની સીધી અસર આપણા લોકોના સપના અને ખિસ્સા બંને પર પડશે. માટે, ગાડરિયા પ્રવાહમાં તણાયા વગર, સાચી માહિતી અને ફેક્ટ્સ પર જ ભરોસો મૂકવો હિતાવહ છે. અને છેલ્લે… અમેરિકાથી સીધા ભારત આવી જઈએ. એવી વાતો થઈ રહી છે કે આવનાર ચોમાસા સત્રમાં 130મું બંધારણીય બિલ આવી શકે છે જેમાં જો પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીને 5 વર્ષ કે તેનાથી વધુ સજા થાય તો તેમને ખુરશી ખાલી કરવી પડશે. સામેની બાજુ વિપક્ષ આક્ષેપો કરી રહી છે કે ભાજપ આનો ઉપયોગ પોતાનો રાજકીય ખાર ઉતારવા કરશે જેના દિલ્લી અને ઝારખંડના બે જીવતા જાગતા ઉદાહરણો તો આપણે જોઈ જ લીધા છે. સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે, જોતા રહો એડિટર્સ વ્યૂ.
આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર.
(રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
