EDITOR'S VIEW: ન્યુક્લિયર નહીં આ છે તેલની ધારનું યુદ્ધ:પાક.ની મિસાઈલના નિશાને અમેરિકા? વોર લડવા ટ્રમ્પને NATOની ઘસીને 'ના', દુનિયામાં માતમ ને રશિયાને મલાઈ
દુનિયાને અને અમેરિકાને ઈરાનના ન્યુક્લિયર હથિયારોથી ખતરો છે અને તેને ખતમ કરી દેવા જોઈએના શંખનાદ સાથે અમેરિકાની મદદથી શરૂ થયેલું ઈઝરાયલ-ઈરાન યુદ્ધ હવે ન્યુક્લિયરનું નહીં પણ તેલનું યુદ્ધ બની ગયું છે. હવે વાત આપણા ખાલી થતા ખિસ્સા અને ગ્લોબલ એનર્જીના કંન્ટ્રોલ સુધી પહોંચી ગઈ છે. આ બધામાં સૌથી ઓછી ચર્ચા થઈ હોર્મુઝની ખાડીમાં આવેલા ઈરાનના કેશમ આઈલેન્ડની જેના અંડરગ્રાઉન્ડ બંકરે દુનિયાની ઈકોનોમીના ચીંથરા ઉડાવી દીધા છે. એવામાં ગઈકાલે ઈરાને બહેરિનની મસમોટી નેચરલ ગેસ રિફાઈનરીમાં ધડાકા કરીને ચૂરો બનાવી દીધો છે. જોકે અસલી ધડાકો તો વોશિંગ્ટનમાં થયો જ્યારે એક રિપોર્ટમાં સામે આવ્યું કે અમેરિકા જે ઈરાનના ન્યુક્લિયર શક્તિ વધારવાની વાત કરી રહ્યું હતું તેવું ખરેખર કંઈ હતું જ નહીં. તુલસી ગબાર્ડના સનસનીખેજ રિપોર્ટમાં મોટા ધડાકા થયા કે પાકિસ્તાન એવી મિસાઈલ્સ બનાવી રહ્યું છે જેની રડારમાં અમેરિકા પણ આવી જશે. જ્યારે આ બધું ચાલી જ રહ્યું હતું ત્યારે દુનિયામાં અર્થતંત્રની આંધી ચાલી રહી હતી અને રશિયા તેલ અને ગેસ વેચીને ખિસ્સા ભરી રહ્યું હતું. તેણે પાકિસ્તાનને પણ તેલ આપવાની વાત કહી છે. આ બધી વાતોને ધ્યાને લઈને આજે આપણે ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અપડેટ માહિતી મેળવીશું. નમસ્કાર… ઈઝરાયલ-ઈરાન યુદ્ધ માત્ર બે જ અઠવાડિયામાં ન્યુક્લિયરથી તેલ સુધી ફેલાઈ ગયું છે. ઈરાને બાંગ પોકારી છે કે અમારી ઉપર ઉની આંચ પણ આવશે તો પર્શિયન ગલ્ફમાંથી તેલનું એક ટીંપુ પણ દુનિયા સુધી નહીં પહોંચી શકે. બહેરિનમાં ધડાકો, દુનિયામાં ધ્રુજારી જ્યારે આ બધુ ચાલી જ રહ્યું હતું ત્યારે ઈરાનની પાર્સ ગેસ ફિલ્ડ પર હુમલા પછી ઈરાને મિડલ ઈસ્ટમાં ગેસ ફિલ્ડ પર હુમલાઓની ધમકી આપી હતી. જે હવે હકિકત બની ગઈ છે. ઈરાને બહેરિનની સૌથી મોટી નેચરલ ગેસ રિફાઈનરી પર હુમલો કરી દીધો છે. વાત જાણે એમ છે કે બહેરિન અને સાઉદી અરેબિયાની બોર્ડર પાસે આવેલી ગેસ ફેસેલિટી પર ઈરાને મિસાઈલ છોડીને મોટો ધડાકો કર્યો છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેની અસર બહેરિન અને સાઉદી અરેબિયાનો જોડનાર કિંગ ફલાદ પુલ સુધી પહોંચી અને તે ડેમેજ થયો છે. કતાર એનર્જીએ પોસ્ટ કરીને લખ્યું છે કે “એક મિસાઇલ વિશાળ રાસ લાફાન LNG સુવિધા પર ત્રાટકી, જેના કારણે આગ ફાટી નીકળી, બુઝાવતા પહેલા ભયાનક નુકસાન થયું છે.” આ હુમલા પર સાઉદી અરેબિયાના પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદે કહ્યું છે કે, “સંઘર્ષમાં ન જોડાયેલા મારા દેશ અને મારા પાડોશી દેશો પર હુમલા થયા, હુમલા રોકવા અમે રાજકીય, આર્થિક, કુટનીતિક અથવા તમામ પ્રકારના પ્રયાસો કરીશું.” 32 મર્યાં અને ઈરાન બગડ્યું અગાઉ 9 માર્ચે ઈરાની ડ્રોન્સ અને મિસાઈલ્સે બહેરિનના સિત્રામાં આવેલી બાપ્કો એનર્જીશની રિફાઈનરીને નિશાન બનાવી હતી. હુમલામાં 32 નિર્દોષો માર્યા ગયા હતા અને અનેક ઘાયલ થયા હતા. બીટવિન ધ લાઈન આને સમજીએ તો હવે યુદ્ધ ન્યુક્લિયર નહીં પણ તેલ અને ગેસ પર આવીને અટકી ગયું છે. પણ સવાલ થાય કે હુમલા માટે ઈરાને બહેરિનને જ કેમ સિલેક્ટ કર્યું? તો તેના ત્રણ કારણો છે ઈરાનનો એટેકિંગ મોડ ઓન ઈરાનનો અમેરિકા ફિફ્થ ફ્લિટ પર હુમલો એટલે અમેરિકાના ઘરમાં ઘૂસીને તેમને લાફો મારવા સમાન છે. આ હુમલાએ સાબિત કરી દીધું છે કે ઈરાન ડિફેન્સિવથી ઓફિન્સિવ મોડમાં આવી ગયું છે. 12 માર્ચે મુહર્રક ફ્યૂઅલ ડેપો પર ઈરાને કરેલો હુમલો એ વાતનું પ્રુફ છે કે ઈરાન દુનિયાની તેલ અને ગેસ સિસ્ટમ ઠપ્પ કરાવીને અમેરિકા અને પશ્ચિમ દેશોને સીધો પડકાર ફેંકે છે કે બસ હવે બહુ થયું, યુદ્ધ બંધ કરો બાકી આખી દુનિયા સળગશે. એ આઈલેન્ડ જે યુદ્ધનો અભેદ્ય કિલ્લો પણ જ્યારે આ બધુ જ થઈ રહ્યું છે ત્યારે લોકોની નજર ઈરાનના નાનકડા ટાપુ પર નથી પહોંચી શકી. નામ છે કેશમ આઈલેન્ડ. એક સમયે જે ટાપુ ટુરિઝમનું હોટસ્પોટ હતું તે આજે દુનિયાના તેલ અને ગેસ સપ્લાયને રોકવા માટેનું ટ્રિગર બની ગયું છે. ગુજરાતથી અંદાજે 1700 કિલોમીટર દૂર આવેલી છે હોર્મુઝ સ્ટ્રેટ, જ્યાંથી દુનિયાનું 20-22 ટકા તેલ અને ગેસ પસાર થાય છે. અહીં ઈરાનનો અજેય કિલ્લો કેશમ આઈલેન્ડ આવેલો છે. અહીંથી પસાર થતા દરેક ઓઈલ ટેન્કર ઈરાનની મિસાઈલ રેન્જ અને નજર નીચે હોય છે. અહીં મીઠાની ગુફાઓમાં ઈરાને મિસાઈલ્સ અને સી માઈન્સ રાખી શકાય એવા વિશાળ મિલિટરી બેઝ તૈયાર કર્યા છે. મીઠાની ગુફાઓમાં ઈરાનનું મિસાઈલ્સ સેન્ટર? ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડે કેશમ આઈલેન્ડ નામના અભેદ્ય કિલ્લાનો બખૂબી ફાયદો ઉઠાવ્યો. રિપોર્ટ્સ મુજબ ટાપુની સેંકડો ફૂટ નીચે મિસાઈલ સિટી અને આર્મી કમાન્ડ સેન્ટર આવેલું છે. કેશમ દ્વીપઃ ન ડૂબે તેવું કુદરતી ઈરાની જહાજ કહેવાય છે કે કેશમ આઈલેન્ડનું અંડરગ્રાઉન્ડ ટનલ નેટવર્ક એટલું મજબૂત છે કે તે પરમાણુ હુમલા કે બોમ્બમારાને પણ સહન કરી શકે છે. અહીંથી ઈરાન જે એડવાન્સ્ડ ડ્રોન અને એન્ટી શિપ મિસાઈલ્સ લોન્ચ કરે છે તે સેટેલાઈટથી પણ પકડવું મુશ્કેલ છે. આ જ આઈલેન્ડની મદદથી ઈરાને દુનિયાની તેલ સપ્લાય કરનાર હોર્મુઝ સ્ટ્રેટને બ્લોક કરી દીધી છે. કેશમ આઈલેન્ડના લીધે હોર્મુઝ વિસ્તારથી કોઈ જહાજો નથી નિકળી શકતા અને દુનિયામાં તેલ અને ગેસની તંગી ઉભી થઈ ગઈ છે. અમેરિકા પાસે અનેક મહાકાય દરિયાઈ યુદ્ધ જહાજો છે પણ ઈરાન પાસે કેશમ આઈલેન્ડ નામનું એવું કુદરતી યુદ્ધ જહાજ છે જે ન ડૂબી શકે તેવું છે. પાણી પર પ્રહાર અને ઈરાનનો આક્રોશ અમેરિકા ઈરાન માટે કેશમ આઈલેન્ડની કિંમત જાણે છે. 7 માર્ચે તેણે કેશમ આઈલેન્ડના પાણી ચોખ્ખું કરતા પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. જેના કારણે ઈરાનના અંદાજે દોઢ લાખ લોકોને પીવાના પાણીના ફાંફાં પડી ગયા હતા. ઈરાને એટલા માટે જ અમેરિકાના વળતા જવાબમાં બહેરિન અને અમેરિકન ફિફ્થ ફ્લિટ પર હુમલો કર્યો હતો. તુલસી ગબાર્ડના રિપોર્ટમાં મોટો ધડાકો પણ જ્યારે આ બધુ જ ચાલી રહ્યું છે ત્યારે ઈરાનથી 10 હજાર કિલોમીટર દૂર વોશિંગ્ટન સિટીના કોરિડોરમાં એક ધડાકો થયો, જેણે ઈરાન સામે અમેરિકાએ શરૂ કરેલા યુદ્ધના પાયા હલાવી દીધા. અમેરિકાના DNI એટલે કે ડિરેક્ટર ઑફ નેશનલ ઈન્ટેલિજન્સ તુલસી ગબાર્ડે સેનેટ ઈન્ટેલિજન્સ સામે જુબાની રિપોર્ટ રજૂ કર્યો. જેણે સાબિત કરી દીધું કે ટ્રમ્પે ખોટી રીતે ન્યુક્લિયર પાવર વધારવાની વાતો કરીને ઈરાન પર હુમલો કરી દીધો. ન્યુક્લિયર બહાનુ, નિશાન તેલ-ગેસ? આખી વાત એમ છે કે 28 ફેબ્રુઆરીએ જ્યારે ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન ખાલી બે જ અઠવાડિયામાં પરમાણુ બોમ્બ બનાવી લેશે. પણ તુલસી ગબાર્ડના લેખિત રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જૂન 2025માં જ્યારે ઈરાન સામે ઓપરેશન મિડનાઈટ હેમર ચાલ્યું હતું ત્યારે જ ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામના ફુરચા બોલી ગયા હતા. અધૂરામાં પૂરું તેના પછી ઈરાને ક્યારેય ન્યુક્લિયર પ્રોગ્રામ ફરી શરૂ કરવાની કોશીશ નથી કરી. ટ્રમ્પ નીતિ સામે અધિકારી ગિન્નાયા આ વાતથી બિટવિન ધ લાઈન એવું સમજી શકાય કે 2026નું યુદ્ધ ઈરાનના ન્યુક્લિયર પ્રોજેક્ટને રોકવા નહીં પણ ઈરાનની સત્તા પલટાવવા, ઈરાનની સૈન્ય તાકાત તોડવા અને ગલ્ફ દેશોમાં અમેરિકાનો દબદબો વધારવા શરૂ થયું હતું. જેનો જીવતો જાગતો પુરાવો 17 માર્ચે મળ્યો જ્યારે નેશનલ કાઉન્ટર ટેરિરિઝમ સેન્ટરના ડિરેક્ટર જો કેન્ટે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. જો અમેરિકન નેશનલ કાઉન્ટર ટેરિરિઝમ સેન્ટરના પૂર્વ ડિરેક્ટર જો કેન્ટે રાજીનામું આપતા સમયે લખ્યું કે, “ઈરાન તરફથી અમેરિકા પર કોઈ તાત્કાલિક ખતરો ન હતો. આ યુદ્ધ માત્ર વિદેશી હિતો અને લોબિંગના દબાણ માટે જ શરૂ કરવામાં આવ્યું છે.” ઈરાન પછી હવે પાકિસ્તાનનો વારો? પણ ગબાર્ડનો રિપોર્ટ અહીં જ નથી અટકતો. તેમણે ચેતવણી આપી છે કે પાકિસ્તાન હવે એવી ICBM મિસાઈલ્સ બનાવી રહ્યું છે જે સીધી અમેરિકા સુધી પહોંચી શકે છે. પાકિસ્તાની મિસાઈલનો અમેરિકાન ઘેરો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2035 સુધીમાં ચીન, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન પાસે લગભગ 16 હજારથી વધુ મિસાઈલ્સ હશે. જે 2026ના 3 હજારના આંકડા કરતા પાંચ ગણાથી વધુ હશે. આપણી એટલે કે ભારતની વાત કરીએ તો પાકિસ્તાનનો આ પરમાણુ પ્રોજેક્ટ ભારત અને દુનિયા બંને માટે ખતરો બની શકે છે. તમને યાદ હોય તો એટલા માટે જ આપણે અગાઉ એક એડિટર્સ વ્યૂમાં વાત કરી હતી કે ઈરાનને બરબાદ કર્યા બાદ હવે અમેરિકાનો નેક્સ્ટ ટાર્ગેટ પાકિસ્તાન હોય શકે છે. આજની તારીખે જ્યારે મિડલ ઈસ્ટના રણમાં અમેરિકા-ઈઝરાયલની મિસાઈલ્સ અને ઈરાનના ડ્રોન્સ વચ્ચે તાંડવ થઈ રહ્યું છે ત્યારે હજારો કિલોમીટર દૂર રશિયાના ક્રેમલિનમાં એક અલગ જ પ્રકારની દિવાળી ઉજવાઈ રહી છે. દુનિયામાં માતમ ને મહાશક્તિને મલાઈ ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ખાડી દેશોમાં રાજકીય કે સૈન્ય ભૂકંપ આવે છે ત્યારે અમેરિકા, ચીન અને રશિયાની તિજોરીઓ છલકાય છે. દુનિયા જ્યારે એનર્જી ક્રાઈસિસ સામે લથડિયા મારી રહ્યું છે ત્યારે રશિયાને સૌથી વધુ આર્થિક લાભ થઈ રહ્યો છે. ભારતની પીઠમાં રશિયન છૂરો? ઈરાને હોર્મુઝ ખાડી પર કબજો જમાવતા ગ્લોબલ ઓઈલ સપ્લાયનું ગળું રુંધાઈ ગયું છે. 60 ડોલર પ્રતિ બેરલે વેચાતું બ્રેન્ટ ક્રુડ ઓઈલ 120થી 140 ડોલર પ્રતિ બેરલ વચ્ચે હિંચકા ખાઈ રહ્યું છે. અને આનો જ ફાયદો રશિયાને થઈ રહ્યો છે. રશિયાએ તેના યુરલ્સ ક્રુડને અમુક દેશોને મોંઘા ભાવે વેચવાનું શરુ કરી દીધું છે. ઈરાનમાં યુદ્ધનો ધુમાડો, રશિયા માલામાલ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી અને સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લિન એરના ડેટા મુજબ ઈઝરાયલ-ઈરાન યુદ્ધ પહેલા રશિયા રોજ 4.21 મિલિયન બેરલ ક્રુડ ઓઈલ વેચીને 535 મિલિયન ડોલરનો નફો કમાતું હતું. યુદ્ધ બાદ રશિયા આજે ચાર ગણા વધુ 4.8થી 5 મિલિયન બેરલ ક્રુડ ઓઈલ વેચીને 600થી 730 મિલિયન ડોલરની કમાણી કરી રહ્યું છે. રશિયન ક્રુડ ઓઈલ વેચાણના વોલ્યુમમાં 15-20 ટકા, રેવેન્યુમાં 14 ટકા અને રોજ કમાણીમાં 150 મિલિયન ડોલરનો વધારો થયો છે. રશિયાનો ભારતને સાયલેન્ટ ડિપ્લોમેટિક મેસેજ આ એ જ રશિયા છે જેની પાસેથી દુનિયાભરના દેશો પર ક્રુડ ઓલી અમેરિકાએ પ્રતિબંધો લગાવીને દબાણો ઊભા કર્યા હતા. પણ એ જ અમેરિકા ભારત સહિત અનેક દેશોને રશિયા પાસેથી થોડા સમય માટે ક્રુડ ઓઈલ અને ગેસ ખરીદવા માટે પરમિશન આપી રહ્યું છે. હોર્મુઝ બંધ થતાં ગ્લોબલ સપ્લાય ચેઈન અટવાઈ પણ એક્સપર્ટ્સ બિટવિન ધ લાઈન્સ એવા વિશ્લેષણો કરી રહ્યા છે કે રશિયાએ ભારતના પીઠ પીછળ છૂરો ભોંક્યો છે. કારણ કંઈક એવું છે કે, 17 માર્ચ 2026ના રોજ રશિયન રાજદૂત આલ્બર્ટ ખોરેવે એક જાહારેત કરી હતી જેણે ભારતીય વિદેશ મંત્રાલય અને એમ્બેસિઝમાં હલચલ મચાવી દીધી હતી. કારણ કે રશિયાએ પાકિસ્તાનને ડિસ્કાઉન્ટ આપીને ઓછા ભાવે તેલ આપવાની વાત કરી હતી. ધ્યાનથી સાંભળજો રશિયા આપણું જૂનું દોસ્ત રાષ્ટ્ર છે પણ તેણે ભારતને તેલ આપવામાં કોઈ ડિસ્કાઉન્ટ નથી આપ્યું. આને એવી રીતે જોવામાં આવી રહ્યું છે કે ભારત અમેરિકાથી વધુ નજીક જવાનું બંધ કરે, બાકી રશિયાથી દૂરી બનતી જશે અને મદદ પણ રોકાશે. આ સસ્તા રશિયન તેલથી પાકિસ્તાનને મોટો ફાયદો થશે. આનાથી એવું કહી શકાય કે રશિયા માત્ર ભારત પર ફોકસ કરવાની જગ્યાએ પૂરા એશિયા પર પોતાનો પ્રભાવ જમાવવા ઈચ્છી રહ્યું છે. નાટોની કિટ્ટા, ટ્રમ્પ એકલા પડ્યા ઈરાને જ્યારે હોર્મુઝની ખાડીને મિલિટરી કંટ્રોલ હેઠળ લઈને તેલનો ટ્રાફિક અટકાવી દીધો, ત્યારે વિશ્વમાં તેલ અને ગેસની કિલ્લત કટોકટી ઉભી થઈ. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ હોર્મુઝનો જળમાર્ગ ખોલાવવા માટે વેસ્ટર્ન મિલિટરી ઓર્ગેનાઈઝેશન NATO સહિત અનેક દેશો પર દબાણ કર્યું, પણે ટ્રમ્પ ભોંઠા પડ્યા. તેમને એવું હતું કે બધા સાથ આપશે પણ નાટો તો ઠીક કોઈ દેશ ટ્રમ્પ સાથે આ વાત પર ઊભું ન રહ્યું. આવું થતા ટ્રમ્પનો પિત્તો ગયો અને ધમકી આપી કે નાટોનું ફ્યુચર ખૂબ જ ખરાબ હશે. પણ તો’ય જર્મની, બ્રિટન, ફ્રાન્સ કે ઓસ્ટ્રેલિયા જેવા નાટો દેશોએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બ્લોકેજ ખોલાવવા પોતાના જહાજો મોકલવાની ટ્રમ્પને ઘસીને ચોખ્ખી ના પાડી દીધી. નાટોની ટ્રમ્પને યુદ્ધમાં જોડાવા ઘસીને ‘ના’ નાટો સહિત બીજા દેશોએ ટ્રમ્પની મદદ એટલા માટે ન કરી કારણ કે ઈરાન સામેનું યુદ્ધ અમેરિકા અને ઈઝરાયલનું છે. જો કોઈ દેશ હોર્મુઝ સ્ટ્રેટમાં પોતાનું જહાજ મોકલે તો તે આ યુદ્ધમાં સીધી રીતે જોડાય જાય. આપણે સૌ જાણીએ છીએ કે યુદ્ધ જાનહાની અને મહામંદી લાવે છે જે કોઈ દેશ પોતાના નાગરિકો માટે ક્યારેય ન ઈચ્છે. માટે કોઈએ ટ્રમ્પનો સાથ ન આપ્યો અને જગત જમાદાર એકલા પડી ગયા. અને છેલ્લે… જ્યારે અમેરિકા ઈરાન પર ડ્રોન અને મિસાઈલ્સનો મારો ચલાવી રહ્યું છે ત્યારે વોશિંગ્ટનમાં અમેરિકન સેનાના એક મહત્વપૂર્ણ બેઝ ફોર્ટ લેસ્લી મેકનેયર ઉપર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે આ એ જ બેઝ છે જ્યાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને રક્ષા મંત્રી પીટ હેગસેથ રહી રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ટ્રમ્પ ગવર્નમેન્ટના ઘણા સિનિયર અધિકારીઓ પોતાના ઘરમાં નહીં પણ સૈન્ય ઠેકાણાઓમાં રહી રહ્યા છે. બંને મોટા અધિકારીઓ મામલે મોટી વાત એ છે કે હજુ સુધી તેમને બીજી જગ્યા પર શિફ્ટ નથી કરાયા અને તે હજુ પણ ત્યાં જ રહે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.
