Elon Musk Statement: AI To Outperform Humans In Digital Tasks By 2028

Last Updated: September 23, 2026By

સાન ફ્રાન્સિસ્કો1 કલાક પેહલા

  • કૉપી લિંક

ટેસ્લા અને Xના માલિક એલોન મસ્કે દાવો કર્યો છે કે AI 2028 સુધીમાં દુનિયાના તમામ ડિજિટલ ક્ષેત્રોમાં નિપુણતા મેળવી લેશે અને મનુષ્યોને પાછળ છોડી દેશે. મસ્કે આ નિવેદન લોકપ્રિય AI સંશોધક ફ્રાંસ્વા શોલેના એક સિદ્ધાંતના જવાબમાં આપ્યું છે.

શોલેએ 2021માં આગાહી કરી હતી કે આગામી 10થી 20 વર્ષોમાં દુનિયાની લગભગ દરેક વૈજ્ઞાનિક શાખા- ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને પુરાતત્વ- મૂળભૂત રીતે કમ્પ્યુટર સાયન્સની એક શાખા બની જશે.

શોલેએ તાજેતરમાં પોતાની જૂની પોસ્ટ શેર કરતાં લખ્યું કે તેમની આ આગાહી હવે સાચી સાબિત થતી દેખાઈ રહી છે. જોકે, એલોન મસ્કે આ સમયમર્યાદાને ધીમી ગણાવતાં કહ્યું કે AIની ગતિ તેનાથી ઘણી વધુ ઝડપી છે.

એલોન મસ્કે આ વાતો પણ કહી છે

1. ડિજિટલ કાર્યો: કોડિંગ, સંશોધન, લેખન, કાનૂની વિશ્લેષણ, એકાઉન્ટિંગ અને ડેટા વિશ્લેષણ જેવા કામો, જે ફક્ત ડેટા અને કમ્પ્યુટર પર આધારિત છે, તેમાં AI 2027-2028 સુધીમાં સંપૂર્ણપણે પ્રભુત્વ મેળવી લેશે.

મસ્કના મુજબ, આગામી વર્ષ સુધીમાં AI સોફ્ટવેર એન્જિનિયરિંગમાં ‘સ્ટોકફિશ’ (ચેસ એન્જિન)ના સ્તરે પહોંચી જશે, જેના કારણે માણસો કોડિંગમાં તેની સાથે સ્પર્ધા કરી શકશે નહીં.

2. ફિઝિકલ ટાસ્ક: માણસો જે કામ શારીરિક રીતે કરે છે, જેમ કે મેન્યુફેક્ચરિંગ અથવા કન્સ્ટ્રક્શન, તેમાં AIને માણસોની બરાબરી કરવામાં થોડો વધુ સમય લાગશે. જોકે, આ માટે મસ્ક પોતાની હ્યુમનોઇડ રોબોટ ‘ઓપ્ટિમસ’ સિરીઝ પર ઝડપથી કામ કરી રહ્યા છે.

શોલેનો દાવો: હવે દરેક વિજ્ઞાન કમ્પ્યુટર સાયન્સ છે

ફ્રાંસ્વા શોલેએ પોતાની થિયરી સમજાવવા માટે વર્ષ 2000નું ઉદાહરણ આપ્યું. તે સમયે જો કોઈ કહે કે ભવિષ્યમાં મોટાભાગની કંપનીઓ ટેક કંપનીઓ બની જશે, તો લોકો તેની મજાક ઉડાવતા.

જોકે, 20 વર્ષ પછી આજે વોલમાર્ટ અને ફેડેક્સ જેવી રિટેલ અને લોજિસ્ટિક્સ કંપનીઓ સોફ્ટવેરના આધારે જ ચાલી રહી છે. શોલે અનુસાર, આવો જ બદલાવ હવે વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે…

  • પ્રોટીન ફોલ્ડિંગ અને બાયોલોજિકલ સંશોધન: AI મોડલ્સ મુશ્કેલ બાયોલોજિકલ સ્ટ્રક્ચર્સને સેકન્ડોમાં ડિકોડ કરી રહ્યા છે.
  • મટિરિયલ સાયન્સ અને ક્લાઇમેટ મોડલ: નવા પદાર્થોની શોધ અને આબોહવા પરિવર્તનની પેટર્નને સમજવા માટે AI સિમ્યુલેશન સૌથી મુખ્ય માધ્યમ બની ચૂક્યાં છે.

શોલેનું કહેવું હતું કે આ પરિવર્તનમાં 10-20 વર્ષ લાગશે, પરંતુ મસ્કનું માનવું છે કે આ કામ માત્ર આગામી 1થી 2 વર્ષમાં પૂર્ણ થઈ જશે.

2017થી 2026 સુધી મસ્કે AI વિશે શું-શું કહ્યું?

મસ્ક ઘણીવાર AI વિશે ચોંકાવનારા દાવા કરવા માટે જાણીતા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સમયમર્યાદા સતત ઘટતી ગઈ છે…

  • 2017નો દાવો: એક અભ્યાસના જવાબમાં મસ્કે કહ્યું હતું કે AI 2060માં નહીં, પરંતુ 2030થી 2040 વચ્ચે જ માણસોને દરેક કામમાં પાછળ છોડી દેશે.
  • 2024નો દાવો: મસ્કે સમયમર્યાદા વધુ ઘટાડીને કહ્યું હતું કે AI 2025ના અંત સુધીમાં કોઈપણ એક માણસ કરતાં વધુ સ્માર્ટ બની જશે અને 5 વર્ષમાં સમગ્ર માનવજાતની સામૂહિક બુદ્ધિમત્તાને પાછળ છોડી દેશે.
  • જાન્યુઆરી 2026 (દાવોસ): મસ્કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં કહ્યું હતું કે 2026ના અંત સુધીમાં અથવા 2027 સુધીમાં AI કોઈપણ એક માણસ કરતાં વધુ સમજદાર બની જશે.
  • સપ્ટેમ્બર 2026 (તાજેતરનું નિવેદન): હવે ફ્રાંસુઆ શોલેને જવાબ આપતાં મસ્કે કહ્યું કે AI 2027ના અંત સુધીમાં અથવા 2028 સુધીમાં તમામ ડિજિટલ કાર્યો અને નોલેજ વર્કમાં સુપરહ્યુમન સ્તર હાંસલ કરી લેશે.

ભારત પર શું અસર થશે?

મસ્કની આગાહીનો 50% હિસ્સો પણ સાચો સાબિત થાય, તો ભારતના આઈટી અને નોલેજ સેક્ટર પર તેની મોટી અસર પડશે…

  • આઈટી અને બીપીઓ ઇન્ડસ્ટ્રી: કોડિંગ અને ડેટા એન્ટ્રી જેવા ડિજિટલ કામોમાં AIના આગમનથી ભારતીય આઈટી કંપનીઓએ પોતાના બિઝનેસ મોડેલમાં ઝડપથી ફેરફાર કરવો પડશે.
  • રિસર્ચ અને ઇનોવેશન: ભારતીય વૈજ્ઞાનિકો અને સંશોધકો માટે AI ટૂલ્સની મદદથી દવાઓ, સ્પેસ ટેક્નોલોજી અને એગ્રીકલ્ચરલ સાયન્સમાં ઝડપથી નવી શોધો કરવી સરળ બની જશે.
  • સ્કિલ ડેવલપમેન્ટ: માત્ર બેઝિક કોડિંગ અથવા થિયોરેટિકલ નૉલેજ ધરાવતા યુવાનોને બદલે, AI ટૂલ્સને યોગ્ય દિશા આપવી, જેમ કે પ્રોમ્પ્ટિંગ અને સિમ્યુલેશન કરતા પ્રોફેશનલ્સની માગ વધશે.

—————————-

આ સમાચાર પણ વાંચો:

હવે મુકેશ અંબાણી નહીં, ગૌતમ અદાણી દેશના સૌથી અમીર:હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટના ટોપ-10મા 5 ગુજરાતી, ટોરેન્ટ ફાર્માના સમીર મહેતા પહેલી વખત સામેલ

ગૌતમ અદાણી અને તેમનો પરિવાર દેશના સૌથી અમીર બની ગયા છે. એમ3એમ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ 2026 અનુસાર અદાણી પરિવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારને પાછળ છોડી દીધા છે.

23 સપ્ટેમ્બરે જાહેર થયેલા અહેવાલ અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 13% વધીને 9.23 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ, મુકેશ અંબાણીની સંપત્તિમાં 10%નો ઘટાડો નોંધાયો છે અને તેઓ 8.63 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને ખસી ગયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર…