Epstein Offered Putin Connection; New Docs Reveal
વોશિંગ્ટન ડીસી/મોસ્કો45 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ (DOJ) ના નવા દસ્તાવેજો પરથી ખુલાસો થયો છે કે યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એપસ્ટીને અનેક પ્રસંગોએ પુતિન અને તેમના નજીકના અધિકારીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો.
એપસ્ટીન 2018માં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ મારફતે પુતિન સુધી પોતાની વાત પહોંચાડવા માંગતો હતો. તેણે આ માટે નોર્વેના પૂર્વ પીએમ થોર્બજોર્ન યાગલેન્ડનો સંપર્ક કર્યો હતો.
જૂન 2018ના એક ઈમેલમાં એપસ્ટીને નોર્વેના પૂર્વ પીએમ થોર્બજોર્ન યાગલેન્ડને કહ્યું હતું કે તે પુતિનને સૂચન કરે કે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ તેની સાથે વાતચીત કરે.
દસ્તાવેજો અનુસાર, એપસ્ટીન પોતાને એક એવા પ્રભાવશાળી વ્યક્તિ તરીકે રજૂ કરી રહ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય રાજકારણ અને રોકાણ જેવા મુદ્દાઓ પર રશિયાને મદદ કરી શકે છે.

યાગલેન્ડે એપસ્ટીનને લખેલા જવાબમાં કહ્યું હતું કે તે લાવરોવના સહાયકને મળીને પુતિન અને તેની મુલાકાતની વાત રજૂ કરશે. (ફાઇલ ફોટો)
રશિયન રાજદૂતને મળતો હતો અપરાધી એપસ્ટીન
CNNના રિપોર્ટ અનુસાર દસ્તાવેજો પરથી ખુલાસો થયો છે કે એપસ્ટીન ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના તત્કાલીન રાજદૂત વિટાલી ચુરકિનના નિયમિત સંપર્કમાં હતો.
વિટાલી ચુરકિન 2006 થી 2017 સુધી સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના કાયમી પ્રતિનિધિ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન એપસ્ટીનની તેમની સાથે ન્યૂયોર્કમાં મુલાકાતો અને વાતચીત થતી હતી.
એપસ્ટીને ચુરકિનના પુત્ર મેક્સિમને ન્યૂયોર્કની એક વેલ્થ મેનેજમેન્ટ ફર્મમાં નોકરી અપાવવામાં મદદ કરવાની ઓફર પણ કરી હતી. આ વાત એપસ્ટીનના ઈમેઈલ્સમાં સામે આવી છે.
એપસ્ટીને ચુર્કિન વિશે એવો પણ દાવો કર્યો કે તે તેની વાતચીત પછી અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ સારી રીતે સમજવા લાગ્યો હતો. જોકે, દસ્તાવેજોમાં આ દાવાનો કોઈ પુરાવો મળ્યો નથી. ફેબ્રુઆરી 2017માં વિટાલી ચુર્કિનનું ન્યૂયોર્કમાં અચાનક મોત થયું હતું.
આ પછી, એપસ્ટીને 2018ના એક ઈમેલમાં લખ્યું કે હવે તે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ દ્વારા ફરીથી સંપર્ક કરવા માંગે છે.

2013થી જ પુતિનને મળવાનો પ્રયાસ કરી રહ્યો હતો
દસ્તાવેજો દર્શાવે છે કે મે 2013માં એપસ્ટીને ઇઝરાયેલના પૂર્વ વડાપ્રધાન એહુદ બરાકને ઇમેલ કરીને કહ્યું હતું કે યાંગલેન્ડ પુતિનને મળવાના છે અને તેમણે પૂછ્યું છે કે શું એપસ્ટીન પણ પુતિનને મળી શકે છે.
એપસ્ટીને દાવો કર્યો હતો કે તે રશિયાને પશ્ચિમી દેશો પાસેથી રોકાણ મેળવવાના રસ્તાઓ પર સલાહ આપી શકે છે. અન્ય એક ઈમેલમાં તેણે કહ્યું કે જો પુતિન મળવા માંગતા હોય તો તેમને બે થી ત્રણ કલાકનો સમય આપવો પડશે.
મે 2013ના જ એક ઈમેલમાં એપસ્ટીને પુરાવા વગર દાવો કર્યો કે તેણે સેન્ટ પીટર્સબર્ગમાં એક આર્થિક સંમેલન દરમિયાન પુતિનને મળવાની વિનંતી ફગાવી દીધી હતી. જોકે, દસ્તાવેજોમાં એ સ્પષ્ટ નથી કે પુતિને ખરેખર આવી કોઈ મુલાકાત માંગી હતી કે નહીં.

મે 2013માં પુતિન અને યાંગલેન્ડ રશિયામાં મળ્યા હતા.
પોલેન્ડમાં એપસ્ટીન અને રશિયાના કનેક્શનની તપાસ શરૂ
પોલેન્ડમાં જેફ્રી એપસ્ટીનના રશિયા સાથેના કથિત સંબંધોને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે કહ્યું છે કે એપસ્ટીન અને રશિયન ગુપ્તચર એજન્સીઓના સંભવિત સંબંધોને લઈને ગંભીર સવાલ ઉભા થઈ રહ્યા છે.
કેબિનેટ બેઠકમાં ટસ્કે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મીડિયામાં સામે આવી રહેલી માહિતીઓ એ તરફ ઈશારો કરે છે કે આ યૌન શોષણ કાંડ કોઈ સંગઠિત ગુપ્તચર ઓપરેશનનો ભાગ હોઈ શકે છે. તેમણે તેને પોલેન્ડની રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો ગણાવ્યો.
રશિયાએ એપસ્ટીનના રશિયન ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા હોવાના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે એપસ્ટીનને લઈને ચાલી રહેલી જાસૂસી થિયરીને ગંભીરતાથી લેવાની જરૂર નથી.

પેસ્કોવે મીડિયાને કહ્યું કે આવા આરોપો પર સમય બગાડવો યોગ્ય નથી. (ફાઇલ ફોટો)
કોણ હતો જેફ્રી એપસ્ટીન?
જેફ્રી એપસ્ટીન ન્યૂયોર્કનો કરોડપતિ ફાઇનાન્સર હતો. તેની મોટા નેતાઓ અને સેલિબ્રિટીઝ સાથે મિત્રતા હતી.
તેના પર 2005માં સગીર છોકરી સાથે યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. 2008માં તેને સગીર સાથે સંબંધ બંધવાની માંગણી કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. તેને 13 મહિનાની જેલ થઈ હતી. 2019માં જેફ્રીને સેક્સ ટ્રાફિકિંગના આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ કેસ ચાલતા પહેલા જ તેણે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી.
તેની પાર્ટનર ગિસ્લીન મેક્સવેલને 2021માં તેની મદદ કરવાના આરોપોમાં દોષિત ઠેરવવામાં આવી હતી. તે 20 વર્ષની સજા ભોગવી રહી છે.
એપસ્ટીન કેસની સંપૂર્ણ કહાની શું છે
તેની શરૂઆત 2005માં ત્યારે થઈ જ્યારે ફ્લોરિડામાં એક 14 વર્ષની છોકરીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. તેમાં કહેવામાં આવ્યું હતું કે એપસ્ટીનના આલીશાન ઘરમાં તેની દીકરીને ‘મસાજ’ કરવાના બહાને બોલાવવામાં આવી હતી, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેના પર સંબંધ બાંધવાનું દબાણ કરવામાં આવ્યું.
જ્યારે તેણે ઘરે પાછા ફરીને આ વાત તેના માતા-પિતાને કહી, ત્યારે તેમણે તરત જ પોલીસમાં ફરિયાદ કરી. ત્યારે પહેલીવાર જેફ્રી એપસ્ટીન વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાઈ. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે આ એકલો કેસ નથી.
ધીમે ધીમે લગભગ 50 સગીર છોકરીઓની ઓળખ થઈ, જેમણે એપસ્ટીન પર આવા જ આરોપો લગાવ્યા હતા. પામ બીચ પોલીસ ડિપાર્ટમેન્ટે આ મામલાને ગંભીરતાથી લીધો અને ઘણા મહિનાઓ સુધી તપાસ કરી. ત્યારબાદ એપસ્ટીન વિરુદ્ધ ક્રિમિનલ તપાસ શરૂ થઈ.
કેસની તપાસમાં જાણવા મળ્યું કે એપસ્ટીન પાસે મેનહટન અને પામ બીચમાં ભવ્ય વિલા હતા. એપસ્ટીન અહીં હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓ કરતો હતો, જેમાં ઘણી મોટી હસ્તીઓ સામેલ થતી હતી.
એપસ્ટીન પોતાના ખાનગી જેટ ‘લોલિતા એક્સપ્રેસ’થી પાર્ટીઓમાં નાની ઉંમરની છોકરીઓને લાવતો હતો. તે છોકરીઓને પૈસા-દાગીનાની લાલચ અને ધમકી આપીને મજબૂર કરતો હતો. આમાં એપસ્ટીનની ગર્લફ્રેન્ડ અને પાર્ટનર ગિસ્લીન મેક્સવેલ તેને મદદ કરતી હતી.
જોકે, શરૂઆતની તપાસ પછી પણ એપસ્ટીનને લાંબા સમય સુધી જેલ થઈ ન હતી. તેનો પ્રભાવ એટલો હતો કે 2008માં તેને માત્ર 13 મહિનાની સજા સંભળાવવામાં આવી, જેમાં તે જેલમાંથી બહાર જઈને કામ પણ કરી શકતો હતો.

મી ટુ મૂવમેન્ટની લહેરમાં ડૂબ્યો એપસ્ટીન
વર્ષ 2009માં જેલમાંથી બહાર આવ્યા પછી એપસ્ટીન લો પ્રોફાઇલ રહેવા લાગ્યો. બરાબર 8 વર્ષ પછી અમેરિકામાં મી ટુ મૂવમેન્ટ શરૂ થઈ. વર્ષ 2017માં અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે હોલીવુડ પ્રોડ્યુસર હાર્વે વાઈન્સ્ટીન વિરુદ્ધ અનેક રિપોર્ટ્સ છાપ્યા.
તેમાં જણાવાયું હતું કે વાઈન્સ્ટીને દાયકાઓ સુધી અભિનેત્રીઓ, મોડેલ્સ અને કર્મચારીઓનું યૌન શોષણ કર્યું. આ ઘટનાએ આખી દુનિયામાં સનસનાટી મચાવી દીધી. 80થી વધુ મહિલાઓએ વાઈન્સ્ટીન વિરુદ્ધ સોશિયલ મીડિયા પર મી ટુ (મારી સાથે પણ શોષણ થયું)ના આરોપો લગાવ્યા.
તેમાં એન્જેલિના જોલી, સલમા હાયેક, ઉમા થરમન અને એશ્લે જુડ જેવા મોટા નામ હતા. આ પછી લાખો મહિલાઓએ સોશિયલ મીડિયા પર ‘#MeToo’ લખીને તેમના શોષણની કહાનીઓ શેર કરી.
તેમાં વર્જિનિયા ગ્રિફે નામની યુવતી પણ હતી. તેણે એપસ્ટીન વિરુદ્ધ અનેક ગંભીર આરોપો લગાવ્યા. તેણે દાવો કર્યો કે તેની સાથે 3 વર્ષ સુધી યૌન શોષણ થયું હતું. આ પછી લગભગ 80 મહિલાઓએ તેની વિરુદ્ધ ફરિયાદ કરી.
———————-
આ સમાચાર પણ વાંચો…
એપસ્ટીન ફાઇલ્સ- 10 દેશોમાં રાજીનામા, 80ની તપાસ:અમેરિકાથી યુરોપ સુધી અસર; રાજકારણીઓ, રાજદૂતો, અબજોપતિઓ અને શાહી પરિવારો સુધી ફેલાયેલી તપાસ

અમેરિકામાં યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સાથે જોડાયેલા ગુપ્ત દસ્તાવેજો સામે આવતા જ દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે લગભગ 30 લાખ પેજના ડોક્યુમેન્ટ્સ 30 જાન્યુઆરીએ જાહેર કર્યા છે. આ પછી 10 દેશોમાં 15થી વધુ મોટા અધિકારીઓને પદ છોડવું પડ્યું છે. 80થી વધુ શક્તિશાળી લોકો પર તપાસ ચાલી રહી છે. સંપુર્ણ સમાચાર વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

