FIDE Chess Olympiad Samarkand; India Held to Draw by Azerbaijan

Last Updated: September 25, 2026By

13 કલાક પેહલા

  • કૉપી લિંક

સમરકંદમાં ચાલી રહેલા 46મા FIDE ચેસ ઓલિમ્પિયાડના આઠમા રાઉન્ડમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની મેન્સ અને વુમન્સ ટીમને ડ્રોથી સંતોષ માનવો પડ્યો.

મેન્સ કેટેગરીમાં ભારતને અઝરબૈજાને 2-2થી રોક્યું. વુમન્સ કેટેગરીમાં પણ કઝાકિસ્તાન સામેનો મુકાબલો 2-2થી બરાબરી પર રહ્યો. ભારતની મેન્સ ટીમ પાસે ટોચ પર પહોંચવાની તક હતી, પરંતુ ડ્રોના કારણે આ તક હાથમાંથી નીકળી ગઈ.

બીજી તરફ, વુમન્સમાં કઝાકિસ્તાન સામે ડ્રો બાદ ભારતીય ટીમ બીજા સ્થાને સરકી ગઈ છે, જ્યારે ચીનની ટીમ ટોચ પર પહોંચી ગઈ છે.

ગુકેશ જીતની નજીક પહોંચ્યો, પરંતુ મુકાબલો ડ્રો રહ્યો

અઝરબૈજાન સામે ભારતના આર. પ્રજ્ઞાનંદ, અર્જુન એરીગૈસી, ડી. ગુકેશ અને વિદિત ગુજરાથીએ ચારેયે પોતાની બાજીઓ ડ્રો રમી.

ગુ્કેશે ત્રીજા બોર્ડ પર સફેદ મોહરાઓથી મર્દાલી મહમ્મદ સામે સારી સ્થિતિ બનાવી હતી. જોકે, અઝરબૈજાનના ખેલાડીએ સચોટ બચાવ કર્યો અને 56 ચાલ બાદ બાજી ડ્રો રહી.

આર. પ્રજ્ઞાનંદને અનુભવી શાખરિયાર મામેદ્યારોએ ડ્રો પર રોક્યો. અર્જુન એરીગૈસી અને આયદિન સુલેમાનલી વચ્ચેની બાજી પણ બરાબરી પર રહી. વિદિત ગુજરાથી રઉફ મામેદોવ સામે ડ્રો રમ્યો.

જર્મનીએ ઉઝબેકિસ્તાનને હરાવીને ટોચની રેસ રસપ્રદ બનાવી

જર્મનીએ દિવસનો મોટો ઉલટફેર કરતાં ટેબલ ટોપર ઉઝબેકિસ્તાનને 2.5-1.5થી હરાવી દીધું. ફ્રેડરિક સ્વાને અને રાસમસ સ્વાનેએ જર્મનીને જીત અપાવી. ઉઝબેકિસ્તાન માટે જવોખિર સિંદારોવે જીત નોંધાવી અને ટુર્નામેન્ટમાં પોતાનું અજેય અભિયાન ચાલુ રાખ્યું.

આઠમા રાઉન્ડ બાદ ઉઝબેકિસ્તાન અને જર્મની 14-14 મેચ પોઇન્ટ સાથે સંયુક્ત રીતે ટોચ પર છે. ભારત, ચીન, નેધરલેન્ડ્સ અને અમેરિકા સહિત 8 ટીમ 13-13 પોઇન્ટ સાથે સંયુક્ત બીજા સ્થાને છે. હવે માત્ર 3 રાઉન્ડ બાકી છે.

સવિતા શ્રીની સતત સાતમી જીત

વિમન્સ કેટેગરીમાં ભારત અને કઝાકિસ્તાન વચ્ચેનો મુકાબલો 2-2થી ડ્રો રહ્યો. સવિતા શ્રીએ એલનાઝ કલીખમેતને હરાવીને સતત સાતમી જીત નોંધાવી. તેનું રેટિંગ પરફોર્મન્સ 2955 રહ્યું છે.

જોકે, વૈશાલી રમેશબાબુને નુરમન અલુઆ સામે હારનો સામનો કરવો પડ્યો. કોનેરુ હમ્પીએ બિબિસારા અસૌબાયેવા સામે અને દિવ્યા દેશમુખે મેરુએર્ટ કમાલિડેનવા સામે ડ્રો રમ્યો.

ડ્રોથી ચીનને ફાયદો, ટોચ પર પહોંચ્યું

ભારત અને કઝાકિસ્તાન વચ્ચેના ડ્રોનો ફાયદો ચીનને મળ્યો. ચીને જ્યોર્જિયાને 2.5-1.5થી હરાવીને વુમન્સ કેટેગરીમાં 15 મેચ પોઇન્ટ સાથે ટોચનું સ્થાન મેળવી લીધું.

કઝાકિસ્તાન, આર્મેનિયા અને મંગોલિયા 14-14 પોઇન્ટ સાથે સંયુક્ત બીજા સ્થાને છે. ઉઝબેકિસ્તાન અને ગ્રીસ 13-13 પોઇન્ટ સાથે આગલા સ્થાનો પર છે.

ભારત પાસે કમબેક કરવા માટે 3 રાઉન્ડ

46મા FIDE ચેસ ઓલિમ્પિયાડમાં હવે માત્ર 3 રાઉન્ડ બાકી છે. મેન્સ કેટેગરીમાં ભારત 13 મેચ પોઇન્ટ સાથે ટોચના સ્થાનથી એક પોઇન્ટ પાછળ છે. વુમન્સ કેટેગરીમાં પણ ભારત પાસે 13 પોઇન્ટ છે. બંને ટીમ માટે બાકીના ત્રણ રાઉન્ડ મેડલની રેસમાં મહત્વપૂર્ણ રહેશે.