France માં X ની ઓફિસ પર દરોડા, મસ્કને પૂછપરછ માટે સમન્સ

Last Updated: February 4, 2026By

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક અને તેમની સોશિયલ મીડિયા કંપની X (અગાઉનું ટ્વિટર) હાલ કાયદાકીય મુશ્કેલીઓના વમળમાં ફસાયા છે. ફ્રાન્સમાં ૩ ફેબ્રુઆરી, મંગળવારના રોજ સત્તાવાળાઓ દ્વારા X ની પેરિસ સ્થિત ઓફિસ પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ પ્લેટફોર્મ પર ફેલાઈ રહેલા બાળકોના યૌનશોષણના ફોટા અને વાંધાજનક ‘ડીપફેક’ કન્ટેન્ટ છે.

ગંભીર આરોપો અને સમન્સ

ફ્રેન્ચ ફરિયાદીઓએ આ મામલાને ગંભીરતાથી લેતા એલોન મસ્કને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. માત્ર મસ્ક જ નહીં, પરંતુ કંપનીના પૂર્વ CEO લિન્ડા યાકારિનોને પણ 20 એપ્રિલના રોજ સ્વૈચ્છિક ઇન્ટરવ્યુ માટે હાજર રહેવા જણાવાયું છે. નોંધનીય છે કે લિન્ડા મે 2023 થી જુલાઈ 2025 સુધી કંપનીના CEO પદે રહ્યા હતા. તપાસ એજન્સીઓએ કંપનીના અન્ય કર્મચારીઓને પણ સાક્ષી તરીકે જુબાની આપવા બોલાવ્યા છે.

બ્રિટનમાં પણ તપાસનો ગાળિયો કસાયો

માત્ર ફ્રાન્સ જ નહીં, બ્રિટનમાં પણ મસ્કની AI કંપની ‘xAI’ તપાસના ઘેરામાં છે. બ્રિટનના ડેટા પ્રાઇવસી રેગ્યુલેટરે ગ્રોક (Grok) નામના AI ચેટબોટના વિકાસ દરમિયાન લોકોના પર્સનલ ડેટાના ઉપયોગ બાબતે ઔપચારિક તપાસ શરૂ કરી છે. આરોપ છે કે ગ્રોક કોઈપણ ફિલ્ટર વગર મહિલાઓ અને બાળકોના અર્ધ-નગ્ન અને વાંધાજનક ડીપફેક ફોટા જનરેટ કરી શકે છે, જેનાથી વિશ્વભરમાં આક્રોશ ફેલાયો છે.

એલોન મસ્કનો પ્રતિભાવ

આ તમામ આરોપો અને દરોડાને એલોન મસ્કે સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. મસ્કે આ કાર્યવાહીને રાજકીય હુમલો ગણાવ્યો છે. કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, આ દરોડા કાયદાના અમલીકરણ માટે નહીં પરંતુ ચોક્કસ રાજકીય એજન્ડાને પૂરો કરવા માટે કરવામાં આવ્યા છે અને તે કંપનીને બદનામ કરવાનું કાવતરું છે. હાલમાં આ મુદ્દો ટેક જગત અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો આરોપો સાબિત થશે, તો સોશિયલ મીડિયાના નિયમો અને ડેટા સુરક્ષા બાબતે ‘X’ માટે મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે.

આ પણ વાંચોઃ Auto News: ટાટા પંચનો નવો રેકોર્ડ; ભારતમાં સૌથી ઝડપી 7 લાખના વેચાણનો આંકડો પાર