Gandhinagar News: કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેક્ટરી હતી હાલમાં તેને બચાવવા આંદોલન ચાલે છે: જગદીશ વિશ્વકર્મા

Last Updated: January 12, 2026By

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ મનરેગાનું નામ બદલીને વિકસીત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામિણ (VB G RAMJI) કરવામાં આવ્યું છે. આ યોજનાને લઈને થયેલા વિવાદ મુદ્દે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, એનડીએ સરકાર દેશની 140 કરોડ જનતાની સુખાકારી માટે કામ કરે છે.

મુગલો પછી અંગ્રેજો અને બાદમાં કોંગ્રેસે આ દેશને લૂંટ્યો

જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે, VB G RAMJI એ ગાંધી વિચાર સાથેની યોજના છે. તેમાં 100 દિવસ રોજગારની ગેરંટી હતી. હવે મોદી સરકાર 125 દિવસની ગેરંટી આપી રહી છે. નવી યોજનામાં શ્રમિકોને સાપ્તાહિક વેતન મળશે. આ ઉપરાંત રિયલ ટાઈમ કામનું અપડેટ પણ મળશે. મહાત્મા ગાંધીના મુખે ભગવાન રામનું નામ હતું. કોંગ્રેસને રામ પ્રત્યે કેમ વાંધો છે. પહેલા મુગલો પછી અંગ્રેજો અને બાદમાં કોંગ્રેસે આ દેશને લૂંટ્યો છે. એનડીએ સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી.

જવાહરલાલ નહેરુનું નામ બદલીને મનરેગા રાખી દીધું

તેમણે કહ્યું હતું કે, 1980માં બધી રોજગાર યોજના ભેગી કરીને ઈન્દિરા ગાંધીએ ચાલુ કરી હતી. ત્યાર બાદ રાજીવ ગાંધીએ જવાહર રોજગાર યોજના નામ રાખ્યું હતું. ડો. મનમોહનસિંહ અને સોનિયા ગાંધીએ જવાહરલાલ નહેરુનું નામ બદલીને મનરેગા રાખી દીધું હતું. ભગવાન રામ ભારતમાં જન્મ્યા હતાં છતાં કોંગ્રેસને કેમ વાંધો છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારની ફેક્ટરી હતી હાલમા તેને બચાવવાનું આંદોલન ચાલે છે. આ યોજના બાબતે સંસદમાં ચર્ચા થઈ ત્યારે રાહુલ ગાંધી ગેરહાજર હતાં.

VB G RAMJI યોજનામાં ટેકનોલોજીનો ઉપયોગ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ યોજનાને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીના દરેક નિર્ણયમાં નાનો માણસ કેન્દ્ર સ્થાને છે. વડાપ્રધાને સામાન્ય માણસોના વિકાસ માટે કામ કર્યું છે. દેશમા 25 કરોડ ગરીબો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. ગ્રામીણ ગરીબો માટે VB G RAMJI યોજના લાવવામાં આવી છે. ગ્રામ પંચાયત સુધી આખી ઈકો સિસ્ટમ ડેવલપ કરાશે. VB G RAMJI યોજનામાં ટેકનોલોજીનો ઉપયોગ થશે.

આ પણ વાંચોઃ Rajkot: મનપાના અધિકારીઓ અને કર્મચારીઓને મિલકત જાહેર કરવા આદેશ, પગાર અટકાવવાની ચીમકી