Gen-Z Investors Dominating Gujarat Share Market
કિસ્સોઃ 1 ગાંધીનગરના 23 વર્ષના એક યુવાને શેર માર્કેટ માટે ઇન્કવાયરી કરી. એ વખતે તેની પાસે બાઇક પણ નહોતું પણ તેણે 8 મહિના સુધી શેર માર્કેટનું નોલેજ લીધું. તેને એવું લાગ્યું કે તે યુટ્યૂબમાંથી જે નોલેજ તે લેતો હતો તે તેના કોઇ કામનું નહોતું. જેથી લાઇવ મ
.
કિસ્સોઃ 2 એક યુવકે શેરબજારમાં 1.25 કરોડનું નુકસાન કર્યું હતું. તેણે સ્ટોક માર્કેટ કોર્સની ઇન્ક્વાયરી કરી. આ દરમિયાન તેણે કહ્યું કે સર, બહુ લોસ થઇ ચૂક્યો છે. હવે મારી પાસે બીજો કોઇ ઓપ્શન નથી. અમે તેને કહ્યું હતું કે લોસ કવર કરવા માટે તારે આ શેરબજારનો કોર્સ નથી કરવાનો પણ તારે શીખવા માટે આ કોર્સ કરવાનો છે. તે 6 થી 7 મહિના સુધી આ કોર્સ શીખ્યો, પૂરો ટાઇમ આપ્યો. જેના કારણે આજે તેણે 4 થી 5 કરોડ રુપિયા કમાઇ લીધા અને પોતાનો લોસ પણ રિકવર કરી લીધો છે.
આ બંને કિસ્સામાં કોમન વાત એ છે કે બંને રોકાણકાર ‘જેન-ઝી’ છે. આવા ચડતું લોહી ધરાવતા અને સ્ટોક માર્કેટમાં કરોડો રૂપિયાની કમાણી કરતા યંગ રોકાણકારોના આ કિસ્સા કહી રહ્યા છે ‘આપ કા ઇન્વેસ્ટમેન્ટ’ નામથી સ્ટોક માર્કેટ કોર્સ કરાવતી સંસ્થાના MD હિતેશ સોમાણી.
થોડા દિવસો પહેલાં આવેલા ‘એક્સિસ ડાયરેક્ટ’ના રિપોર્ટમાં ઉલ્લેખ હતો કે 2026માં શેર માર્કેટમાં આવેલા નવા રોકાણકારોમાંથી 53% રોકાણકારો 18થી 30 વર્ષની વચ્ચેના હતા. 2022માં આ સંખ્યા 35% હતી. નવા યુવા રોકાણકારોમાંથી લગભગ 60% લોકો ટાયર-2 અને ટાયર-3 શહેરોમાંથી આવે છે, તેવું પણ આ રિપોર્ટમાં કહેવાયું છે. આનો અર્થ એ કે હવે શેરબજારમાં જેન-ઝી રોકાણકારો વધી રહ્યાં છે, એટલું જ નહીં, નાનાં શહેરોના યુવાનો પણ સ્ટોક માર્કેટમાં જોશભેર ઝંપલાવી રહ્યા છે.
પરંપરાગત FD (ફિક્સ્ડ ડિપોઝિટ) અને સોના-ચાંદીનાં રોકાણથી આગળ વધીને AI, IT અને SIP તરફ વળેલી આ નવી પેઢી ટ્રેડિંગ ક્ષેત્રે કેવી રીતે ટેકઓવર કરી રહી છે અને સોશિયલ મીડિયા ફેસિનેશન વચ્ચે કઈ મોટી ભૂલોથી બચવું જરૂરી છે? જાણો આજની ‘સન્ડે બિગ સ્ટોરી’માં માર્કેટ એક્સપર્ટ્સના ખાસ એનાલિસિસ સાથે.
***
ડિજિટલ યુગના કારણે રોકાણ સરળ બન્યું રોકાણની બાબતે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગર એ 5 શહેરો મહત્ત્વનાં છે, પણ હવે મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર જેવાં સેન્ટરમાંથી પણ રોકાણકારોની સંખ્યા મોટાં સિટી કરતાં વધી રહી છે. તાલુકા લેવલે પણ ઊંઝા, વિસનગર, ધ્રાંગધ્રા અને ગાંધીધામ આગળ છે. ગુજરાતમાં અત્યારે કેટલા રોકાણકારો છે તે નીચેના ગ્રાફિક્સ પરથી જાણો.
નાના સેન્ટરમાંથી યુવા રોકાણકારોની વધતી સંખ્યા અંગે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા કહે છે કે, ઇક્વિટી માર્કેટની જ્યારથી શરૂઆત થઈ ત્યારે તો મોટાં શહેરોનું જ મોટું યોગદાન હતું કારણ કે તાલુકા પ્લેસ ઉપર અને ગામડાંઓમાંથી કોઈને ડીમેટ એકાઉન્ટ ઓપન કરવું હોય તો પ્રક્રિયા ખૂબ જટિલ હતી. એકવાર એકાઉન્ટ ખોલ્યા પછી આફ્ટર સેલ્સ સર્વિસનો પણ અભાવ હતો, પરંતુ આજે ડિજિટલ ક્રાંતિ આગળ વધી અને રોકાણ માટેની પ્રક્રિયા સરળ બની ગઇ છે. હવે UPIની શરૂઆત થઈ તો તેનો ફાયદો ગામડા અને તાલુકા લેવલના યુવાનો પણ લઈ રહ્યાં છે. છેલ્લાં 10 વર્ષના આંકડા જોઈએ તો ખ્યાલ આવી જાય કે શહેરોની તુલનામાં ગામડાં અને તાલુકા પ્લેસ પરથી રોકાણકારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
યુવા રોકાણકારોની વધેલી સંખ્યા પાછળનું કારણ જણાવતાં ચુડાસમાએ કહ્યું, આજથી થોડા દાયકાઓ પહેલાં જ્યારે પણ રોકાણની વાત આવતી ત્યારે ફિઝિકલ ટ્રાન્જેક્શનનું પ્રમાણ મોટું હતું. બીજી તરફ પ્રક્રિયા પણ જટિલ હતી. જ્યારે આજે જેન-ઝી રોકાણકારોની સંખ્યા વધી છે તેની પાછળ આંગળીના ટેરવે આવી ગયેલી ટેક્નોલોજી પણ એક મોટું કારણ છે. આજના ડિજિટલ યુગમાં પહેલાંની સરખામણીએ હવે રોકાણની પ્રક્રિયા સરળ બની ગઇ છે. જેનો લાભ પણ જેન-ઝી રોકાણકારો લઇ રહ્યા છે.
‘જેન-ઝી રોકાણકારોની માનસિકતા એવી છે કે બને ત્યાં સુધી બેંકમાં ફિઝિકલી જઇ ટ્રાન્જેક્શન કરવા ઇચ્છતા નથી. તેઓ ફિઝિકલ ટ્રાન્જેક્શનથી દૂર જ રહે છે. ઘરે બેઠાં બેઠાં મોબાઇલના માધ્યમથી કે કોઇ એપના માધ્યમથી સરળ પ્રક્રિયાનો ઉપયોગ કરી KYC અને રોકાણની પ્રક્રિયામાં પેનલેસ અને પેપરલેસ રોકાણ થાય તેવી ઇચ્છા રાખે છે.’
આ જ મુદ્દે હિતેશ સોમાણીનું માનવું છે કે, છેલ્લાં 10 વર્ષોમાં ટ્રેડિંગમાં ઘણો ફેરફાર આવ્યો છે. આજથી 10 વર્ષ પહેલાં જ્યારે મોબાઇલનો ઓછો ઉપયોગ હતો, સ્માર્ટ ફોન પણ નહોતા તેવામાં મોટાભાગે મિડ એજ સેગમેન્ટવાળા લોકો જ ટ્રેડિંગને પોતાનું કેરિયર બનાવવાની વાત કરતા હતા. આવા લોકોમાં 35થી 50 વર્ષના લોકો વધારે હતા. જે બિઝનેસ કરતા હતા. આવા લોકો પૈસા લગાવતા હતા, બ્રોકરને ત્યાં જતા હતા. તેમના માટે ઇન્કમ મેળવવાનો આ સેકન્ડ ઓપ્શન હતો. હવે આપણા બધાના હાથમાં સ્માર્ટફોન છે.જેન-ઝી તો આ એપ્સ ચલાવવામાં બહુ જ એક્સપર્ટ છે. જેથી ટ્રેડિંગમાં મોટો ચેન્જ આવી ગયો છે. અત્યારે જેન-ઝીએ ટ્રેડિંગ પર ટેકઓવર કરી લીધું છે. તે રોજ ટ્રેડિંગ કરવા માગે છે. તે ક્રિપ્ટોમાં, ફોરેક્સમાં, કોમોડિટીઝમાં એમ અલગ-અલગ એસેટ ક્લાસિસમાં ટ્રેડિંગ કરવું પસંદ કરે છે અને ઇક્વિટીમાં પણ સૌથી વધારે ઓપ્શન્સ માર્કેટને પ્રિફર કરે છે. તેમના મતે જેન-ઝી રોકાણકારોએ શું ન કરવું જોઇએ તે નીચેના ગ્રાફિક્સની મદદથી જાણો.

જેન-ઝીની પહેલી પસંદગી SIP ભારતમાં પોલિટિકલ, બિઝનેસ કે નાણાકીય દુનિયા હોય, આ તમામમાં જેન-ઝી મહત્ત્વનાં પરિબળ તરીકે ઊભરીને આવ્યા છે. ભારતીય શેરબજારમાં જેન-ઝી રોકાણકારોની અસર મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. પરંપરાગત રોકાણકારોની દુનિયા અલગ હતી. તેઓ ફિક્સ્ડ ડિપોઝિટ અને સોના-ચાંદીમાં રોકાણ તરફ વળેલા હતા. જ્યારે જેન-ઝી રોકાણકારોની પ્રથમ પસંદ ઇક્વિટી, મ્યૂચ્યુઅલ ફંડ અને SIP છે. તાજેતરમાં જ એક રિપોર્ટમાં એવા આંકડા આવ્યા હતા કે દર 100 જેન-ઝી રોકાણકારમાંથી 76% રોકાણકારોની પ્રથમ પસંદગી SIP છે. છેલ્લા મહિનાના SIPના આંકડા પર નજર કરીએ તો એ આંકડા ભારતમાં આઝાદી પછીના સર્વોચ્ય સ્તરના છે. મંથલી બેઝિસમાં SIP થકી મ્યૂચ્યુઅલ ફંડમાં 32,297 કરોડ રૂપિયાની મોટી રકમ આવી છે.જેની પાછળ પણ જેન-ઝી મહત્ત્વનું પરિબળ છે.
જેન-ઝી કયા સેક્ટરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે તે અંગે હિતેશ સોમાણીએ દિવ્ય ભાસ્કરને કહ્યું, તેમનું ફોકસ AI સેક્ટર પર સૌથી વધારે હોય છે. 70% થી વધારે ઇચ્છાશક્તિ આ સેક્ટર પર હોય છે. એ પછી તેમની નજર IT સેક્ટર પર હોય છે. તેમાં પણ તેમની 20%થી વધુ ઇચ્છાશક્તિ હોય છે. આ ઉપરાંત 13% જેન-ઝી બેન્કિંગ સેક્ટરમાં રોકાણની ઇચ્છા ધરાવે છે. એનર્જી ક્ષેત્રે પણ જેન-ઝી વધુ સારી તકો શોધે છે.
ચુડાસમાનું કહેવું છે કે, જેન-ઝી રોકાણકારોની પસંદગીનું સેક્ટર ઇનોવેશન અને ટેક્નોલોજી છે. તેઓ તેના પર વધારે ફોકસ કરે છે. એક સમયની જે ઓલ્ડ ઇકોનોમી ડ્રીવન કંપનીઓ હોય તેનાથી તેઓ બને ત્યાં સુધી દૂર રહે છે.

શેરબજારમાં રોકાણ કરવામાં જેન-ઝી યુવતીઓની સંખ્યા પણ વધી છે. તેમને પરિવાર પ્રત્યે કોઇ મોટી જવાબદારી નથી હોતી. તેઓ જે આવક મેળવે છે તેમાંથી રિસ્ક લેવાની ક્ષમતા વધુ હોય છે. જેથી આવી યુવતીઓ મ્યૂચ્યુઅલ ફંડ તરફ અને શેર બજાર તરફ વળી છે. જેન-ઝી યુવક-યુવતીઓમાં રોકાણની પ્રક્રિયાની વાત કરીએ તો યુવાનોની તુલનામાં યુવતીઓની ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી વધુ છે. યુવતીઓ ગોલ બેઝ રોકાણ કરે છે. તેમણે જે નક્કી કર્યું હોય તેને સંપૂર્ણ વળગી રહે છે.
મોટાભાગના જેન-ઝી રોકાણકારો સોશિયલ મીડિયામાંથી જોઇને શેર બજારમાં રોકાણ કરવા લાગે છે. માર્કેટ એક્સપર્ટ આ ટ્રેન્ડને ખતરનાક ગણાવે છે. જયદેવસિંહે જણાવ્યું કે, જેન-ઝી રોકાણકારોના રોકાણની માહિતીનો સ્રોત સોશિયલ મીડિયાનાં વિવિધ માધ્યમો છે. સોશિયલ મીડિયા પર જોઇને તેઓ રોકાણ કરવા માટે પ્રેરાતા હોય છે. આંગળીના ટેરવે રીલ્સ ફેરવવા દરમિયાન કોઇ વસ્તુથી પ્રભાવિત થઇ જાય તો તેની વિશ્વસનીયતા કેટલી? આના પર તેમની નજર નથી હોતી. આવા સંજોગોમાં તેઓ રીલ જોઇને રોકાણ કરી નાખે છે ને ટ્રેપમાં ફસાવાનો વારો આવે છે. તેમણે હાર્ડ મની પણ ગુમાવવા પડે છે. મારા મતે રોકાણ કરાતાં પહેલાં માહિતી સ્રોતની વિશ્વસનીયતા અચૂકથી ચકાસી લેવી જોઇએ.
‘તાત્કાલીક પૈસાદાર થઇ જવાની જેન-ઝીમાં માનસિકતા જોવા મળે છે. જેના કારણે તેઓ આગળ કેવા પ્રકારનું જોખમ રહેશે તેને પણ નજર અંદાજ કરે છે. જે યોગ્ય ન ગણી શકાય. ઘણીવાર એવું બને છે કે જેન-ઝી લાલચમાં આવીને ફ્યૂચર કોલ પુટ જેવી પ્રક્રિયામાં જતા રહે છે. જેથી પસ્તાવાનો વારો આવે છે સાથે જ તેઓ માનસિક તણાવમાં પણ આવી જાય છે. ઇક્વિટી માર્કેટની અત્યાર સુધીની હિસ્ટ્રી એવું કહે છે કે રોકાણનો અભિગમ મધ્યમથી લાંબાગાળાનો હોય તો જ આ માર્કેટમાં પ્રવેશવું. જો ટૂંકાગાળાની કોઇ જરૂરિયાત હોય, કન્ટીજન્સી ફંડ તરીકે કોઇ રકમનો ઉપયોગ કરવાનો હોય તો ફિક્સ ડિપોઝિટ થકી કે મ્યૂચ્યુઅલ ફંડમાં ડેટ માર્કેટમાં રોકાણ કરવું જોઇએ, નહીં કે ઇક્વિટી માર્કેટમાં.’
હિતેશ સોમાણીના મતે, જેન-ઝી રોકાણકારોએ અમૂક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

તેમણે કહ્યું, જેન-ઝી સાંભળવા કરતાં વધારે જોઇને આવે છે. તે જુએ છે કે મારો ફ્રેન્ડ ટ્રેડિંગ કરે છે, તે પૈસા કમાય છે જેમાંથી તે નવું બાઇક લઈ આવ્યો કે નવી કાર લઈ આવ્યો. જેથી એમને પણ એ જ લાગે છે કે ટ્રેડિંગ એક બહુ સરળ રસ્તો છે. તેઓ એવું પણ ઈચ્છતા હોય છે કે ફેમિલી ભણવાની અને કોલેજ કરાવવાની વાત કરે છે પણ તેનાથી બચીને ટ્રેડિંગને પોતાનું કેરિયર બનાવી લઈએ અને તેમાંથી ઝડપથી પૈસા કમાઇ લઈએ. જેથી મારા દોસ્તની જેમ હું પણ કાર લઈ શકું. જો કે તેમણે આવી બાબતોથી ચેતવું જરૂરી છે.

જેન-ઝી ચેટ જીપીટી જેવા AI ટૂલ્સના આધારે જે સ્ટ્રેટેજી બનાવે છે તેની સામે લાલબત્તી ધરતાં તેઓ કહે છે કે, જેન-ઝી આ જ સૌથી મોટી મિસ્ટેક કરે છે કે તેમને લાગે છે કે ચેટ જીપીટી પર બે-ચાર સ્ટ્રેટેજી જોઈ લીધી, તેને આપણે લેપટોપ પર એપ્લાય કરી દીધી, મોબાઇલ પર યુઝ કરી લીધી તો આપણે અહીંયાથી બહુ વધારે પૈસા કમાઈ લઈશું, પણ વાસ્તવમાં એવું થતું નથી. આના માટે પણ જેન-ઝીએ શીખવું પડશે. ડિસિપ્લિન લાવવી પડશે, પ્રોપર નોલેજ અને પ્રોપર લર્નિંગ પછી જ સફળતા મળી શકે.
પરંતુ એક વાત તો ચોક્કસ છે કે જેન-ઝી પેઢીએ પોતાની ડિજિટલ સ્માર્ટનેસ અને રિસ્ક લેવાની ક્ષમતાથી શેરબજારનો નકશો ચોક્કસપણે બદલી નાખ્યો છે.
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


