Gen Z ની અનોખી ઇમોજી ડિક્શનરી, જાણો નવી પેઢી કયા ઇમોજીનો શું અર્થ કાઢે છે?

Last Updated: May 14, 2026By

આજના ડિજિટલ યુગમાં ટેક્સ્ટ મેસેજિંગ એ વાતચીતનું મુખ્ય માધ્યમ બની ગયું છે. પરંતુ, જો તમે તમારી જૂની સમજ મુજબ ઇમોજી મોકલી રહ્યા છો, તો તમે કદાચ Gen Z (નવી પેઢી) ની નજરમાં કંઈક અલગ જ કહી રહ્યા છો. Gen Z એ તેમની વાતચીતને વધુ મજેદાર અને વ્યંગાત્મક બનાવવા માટે ઇમોજીસના મૂળ અર્થોને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે.

હાસ્ય અને રડવાના અર્થોમાં અદલાબદલી

સામાન્ય રીતે આપણે ખૂબ હસવું આવે ત્યારે 😂 (Loudly Crying with Joy) ઇમોજી વાપરીએ છીએ, પરંતુ Gen Z માટે આ ઇમોજી હવે ‘કંટાળાજનક’ અથવા ‘જૂના જમાનાનું’ બની ગયું છે. ઘણીવાર તેનો ઉપયોગ સામેવાળાની બોરિંગ મજાક પર કટાક્ષ કરવા માટે થાય છે. બીજી તરફ, 😭 (Loudly Crying Face) નો ઉપયોગ હવે માત્ર રડવા માટે નહીં, પણ અતિશય હાસ્ય, આશ્ચર્ય કે ઉત્તેજના દર્શાવવા માટે વધુ થાય છે.

મૃત્યુ અને જોકરનો અનોખો ઉપયોગ

સૌથી વધુ આશ્ચર્યજનક ફેરફાર 💀 (Skeleton) ઇમોજીમાં છે. અગાઉ ડર કે મૃત્યુ માટે વપરાતું આ ઇમોજી હવે “હું હસી હસીને મરી ગયો” (I’m dead laughing) એવું દર્શાવવા માટે વપરાય છે. તેવી જ રીતે, 🤡 (Clown) ઇમોજીનો ઉપયોગ હવે સર્કસના જોકર માટે નહીં, પણ પોતાની જાતને કે અન્યને ‘મૂર્ખ’ સાબિત કરવા માટે થાય છે. જો કોઈ વ્યક્તિ જાણીજોઈને ભૂલ કરે અથવા ખોટા વિશ્વાસમાં રહે, તો તે આ ઇમોજી વાપરે છે.

લાગણીઓ વ્યક્ત કરવાની નવી રીત

🫠 (Melting Face) ઇમોજીનો ઉપયોગ આજે શરમ, અત્યંત થાક અથવા ‘ધરતી માર્ગ આપે તો સમાઈ જાઉં’ જેવી સ્થિતિ વ્યક્ત કરવા માટે થાય છે. સૌથી ચોંકાવનારો ઉપયોગ ગર્ભવતી સ્ત્રી ના ઇમોજીનો છે. Gen Z ભાષામાં જ્યારે કોઈ વ્યક્તિ કોઈની સુંદરતા અથવા વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત થાય (ક્રશ હોય), ત્યારે તે આ ઇમોજીનો ઉપયોગ કરે છે.
આમ, ઇમોજીસ હવે માત્ર ચિત્રો નથી રહ્યા, પણ એક ગૂઢ ભાષા બની ગયા છે. જો તમે નવી પેઢી સાથે ચેટિંગ કરી રહ્યા હોવ, તો આ બદલાયેલા અર્થો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારી લાગણીઓનો અર્થ અનર્થમાં બદલાઈ શકે છે.

Leave A Comment