Gold Price Hike Forecast | ICICI Bank Report on Wedding Season Surge

Last Updated: September 28, 2026By

1 કલાક પેહલા

  • કૉપી લિંક

સોનાની કિંમત અંગે ICICI બેંકે મોટો અંદાજ જાહેર કર્યો છે. બેંકના એક રિસર્ચ અહેવાલ અનુસાર 2027ના પ્રથમ છમાસિક ગાળામાં સોનાની કિંમત 4,600થી 5,000 ડોલર પ્રતિ ઔંસની રેન્જમાં પહોંચી શકે છે. જ્યારે 2026ના બાકીના સમયગાળામાં સોનું 4,200થી 4,600 ડોલર પ્રતિ ઔંસની રેન્જમાં રહેવાનો અંદાજ છે.

2027માં સોનું 5,000 ડોલર સુધી જઈ શકે

ICICI બેંકે પોતાના રિસર્ચ અહેવાલમાં જણાવ્યું છે કે 2027ના પ્રથમ છમાસિક ગાળામાં સોનાની કિંમત 4,600થી 5,000 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. બેંક અનુસાર 2026ના બાકીના સમયગાળામાં સોનું 4,200થી 4,600 ડોલર પ્રતિ ઔંસની રેન્જમાં રહી શકે છે. 2027ના પ્રથમ છમાસિક ગાળામાં તેમાં સામાન્ય તેજીનું વલણ રહી શકે છે.

અહેવાલ અનુસાર મધ્યમ ગાળામાં રોકાણની માગ, કેન્દ્રીય બેંકો દ્વારા સતત ખરીદી અને નાણાકીય તથા નીતિગત અનિશ્ચિતતાથી બચાવ માટે સોનાની માગને સહારો મળી શકે છે. બેંકે જણાવ્યું છે કે અમેરિકન વાસ્તવિક વ્યાજદરો અને ડોલરમાં નરમાઈ આવવાથી સોનાની કિંમતોમાં તેજીનું વલણ બની શકે છે.

સપ્ટેમ્બરમાં સોનાની કિંમતમાં અંદાજે 8 ટકાનો ઘટાડો

ઓગસ્ટમાં આશરે 9 ટકાની તેજી બાદ સપ્ટેમ્બરમાં સોનાની કિંમતોમાં તીવ્ર ઘટાડો આવ્યો છે. આ મહિને સોનું આશરે 8 ટકા નીચે છે. ICICI બેંકે આ ઘટાડા પાછળ અમેરિકાની નાણાકીય નીતિ અંગે વધુ કડક વલણની અપેક્ષા, સતત મોંઘવારીની ચિંતા અને ઊંચા ક્રૂડ ઓઈલના ભાવને જવાબદાર ગણાવ્યા છે. જોકે બેંક અનુસાર નજીકના ગાળાનું આ દબાણ સોનાની વ્યાપક મજબૂતીને ખતમ કરવા માટે પૂરતું હોઈ શકે નહીં.

ગોલ્ડ ETFમાં રોકાણની માગ વધી

ઓગસ્ટમાં ગોલ્ડ ETFમાં 17.8 અબજ ડોલરનું રોકાણ આવ્યું. આ સાથે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગોલ્ડ ઈટીએફની માગ 144.7 ટન થઈ ગઈ. પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ ઓગસ્ટમાં 20 ટન સોનું ખરીદ્યું. ઓક્ટોબર 2023 પછીની આ તેની સૌથી મોટી માસિક ખરીદી હતી.

ભારતમાં 1.40 લાખથી 1.60 લાખ રૂપિયાનું અનુમાન

ભારત માટે ICICI બેંકે જણાવ્યું કે સ્થાનિક સોનાની કિંમતો મુખ્યત્વે વૈશ્વિક સોનાની કિંમતો દ્વારા પ્રભાવિત રહેશે. આ ઉપરાંત રૂપિયામાં થતી વધઘટ પણ કિંમતોમાં ફેરફારનું એક કારણ બનશે. બેંકે 2026ના બાકીના સમયગાળા માટે સ્થાનિક સોનાની કિંમત 1.40 લાખથી 1.60 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહેવાનો અંદાજ જાળવી રાખ્યો છે.

અમેરિકાનું દેવું અને કેન્દ્રીય બેંકોની ખરીદીથી ટેકો

બેંક અનુસાર અમેરિકાની રાજકોષીય ખાધ અને વધતું સરકારી દેવું લાંબા સમય સુધી યથાવત્ રહે તેવી ચિંતાઓ સોના માટે સહાયક બની શકે છે. આ ઉપરાંત કેન્દ્રીય બેંકો દ્વારા અમેરિકન ડોલરમાં રાખવામાં આવેલી સંપત્તિઓમાં સતત વૈવિધ્ય લાવવાનો પ્રયાસ અને પોર્ટફોલિયોમાં બચાવના સાધન તરીકે સોનાની ભૂમિકા પણ તેની કિંમતને ટેકો આપી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જ્યારે વૈશ્વિક ઊર્જા દબાણો ઘટશે, ત્યારે સોનાની કિંમતમાં તેજીનું વલણ બનવાની સંભાવના વધી શકે છે.

ઊંચી કિંમતોને કારણે દાગીનાની માગ પર દબાણ

ઊંચી કિંમતોને કારણે સ્થાનિક દાગીનાની માગ મર્યાદિત રહી છે. જોકે લગ્ન સંબંધિત માગ પ્રમાણમાં મજબૂત રહી છે. તહેવારો અને લગ્નની સિઝનની પ્રવૃત્તિઓથી સોનાની માગને થોડો ટેકો મળવાની અપેક્ષા છે.

ઓગસ્ટમાં ભારતની સોનાની આયાત ઘટીને 2.3 અબજ ડોલર રહી હતી, જ્યારે જુલાઈમાં તે 4.2 અબજ ડોલર હતી. બીજી તરફ ઓગસ્ટમાં ભારતીય ગોલ્ડ ઈટીએફમાં રોકાણ વધીને 2,600 કરોડ રૂપિયા થઈ ગયું.

નોંધ: સોનામાં રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂરથી લેવી.

—————————-

આ સમાચાર પણ વાંચો:

દિવાળી પહેલાં AC, TV અને ફ્રિજ મોંઘા થશે:1 ઑક્ટોબરથી કિંમતોમાં 8% સુધીનો વધારો ઝીંકાશે, આ વર્ષે 3 વખતમાં કિંમતોમાં 23% સુધીનો વધારો

તહેવારોની સિઝનમાં ઇલેક્ટ્રોનિક્સ અને કન્ઝ્યુમર એપ્લાયન્સ ખરીદવાની યોજના બનાવી રહેલા ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધવાનો છે. 1 ઑક્ટોબરથી કંપનીઓ AC, LED TV, વોશિંગ મશીન અને ફ્રિજ જેવા પ્રોડક્ટ્સની કિંમતોમાં 8% સુધીનો વધારો કરવા જઈ રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કૉપર, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ક્રૂડ ઑઇલ સાથે જોડાયેલા કાચા માલની કિંમતોમાં થયેલા વધારા અને કરન્સીમાં ઉતાર-ચઢાવને કારણે કંપનીઓએ આ નિર્ણય લીધો છે. વર્ષ 2026માં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી તરફથી કિંમતોમાં આ ત્રીજો વધારો હશે. વાંચો સંપૂર્ણ સમાચાર…

Leave A Comment