Gold & Silver Prices Hit All-Time Highs; Rates Surge | ચાંદી બે જ દિવસમાં રૂ. 20,000 મોંઘી થઈ: આજે સોનાના ભાવમાં પણ ભડકો, આવનારા દિવસોમાં હજુ ભાવ વધશે; ખરીદીમાં આટલું ધ્યાન રાખો

Last Updated: January 13, 2026By

નવી દિલ્હી8 કલાક પેહલા

  • કૉપી લિંક

આજે (13 જાન્યુઆરી) સોના-ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, એક કિલો ચાંદીની કિંમત 6,566 રૂપિયા વધીને 2,62,742 રૂપિયા પર પહોંચી ગઈ છે. ગઈકાલે એણે 2,57,283 રૂપિયાનો સર્વકાલીન ઉચ્ચતમ સ્તર બનાવ્યો હતો.

બે દિવસમાં ચાંદી લગભગ 20 હજાર રૂપિયા મોંઘી થઈ ગઈ છે, જ્યારે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 33 રૂપિયા વધીને 1,40,482 રૂપિયાના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ગઈકાલે એ 1,40,449 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

જુદાં-જુદાં શહેરોમાં ભાવ અલગ કેમ હોય છે?

IBJAના સોનાના ભાવમાં 3% GST, મેકિંગ ચાર્જ, જ્વેલર્સ માર્જિન સામેલ નથી હોતું, તેથી શહેરોના ભાવ એનાથી અલગ હોય છે. આ ભાવોનો ઉપયોગ RBI સોવરિન ગોલ્ડ બોન્ડના ભાવ નક્કી કરવા માટે કરે છે. ઘણી બેંકો ગોલ્ડ લોનના ભાવ નક્કી કરવા માટે એનો ઉપયોગ કરે છે.

2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ

  • ગયા વર્ષે એટલે કે 2025માં સોનાની કિંમત 57,033 રૂપિયા (75%) વધી છે. 31 ડિસેમ્બર 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનું 76,162 રૂપિયાનું હતું, જે 31 ડિસેમ્બર 2025ના રોજ 1,33,195 રૂપિયા થઈ ગયું.
  • ચાંદીનો ભાવ પણ આ સમયગાળા દરમિયાન 1,44,403 રૂપિયા (167%) વધ્યો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી, જે આ વર્ષના છેલ્લા દિવસે 2,30,420 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ.

સોનામાં તેજીનાં 3 મુખ્ય કારણો

ડોલર નબળો- અમેરિકા દ્વારા વ્યાજદરો ઘટાડવાથી ડોલર નબળો પડ્યો અને સોનાનું હોલ્ડિંગ કોસ્ટ ઓછી થયું, જેના કારણે લોકો સોનું ખરીદવા લાગ્યા.

ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ- રશિયા-યુક્રેન યુદ્ધ અને વિશ્વમાં તણાવ વધવાને કારણે રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનીને ખરીદી રહ્યા છે.

રિઝર્વ બેંક- ચીન જેવા દેશો પોતાની રિઝર્વ બેંકમાં સોનું ભરી રહ્યા છે, તેઓ વર્ષભરમાં 900 ટનથી વધુ ખરીદી કરી રહ્યા છે, તેથી ભાવ વધી રહ્યા છે.

ચાંદીમાં તેજીનાં 3 મુખ્ય કારણ

ઔદ્યોગિક માગ- સોલર, ઇલેક્ટ્રોનિક્સ અને EVમાં ભારે ઉપયોગ, ચાંદી હવે માત્ર જ્વેલરી નથી, પરંતુ એક આવશ્યક કાચો માલ બની ગઈ છે.

ટ્રમ્પનો ટેરિફનો ડર- અમેરિકન કંપનીઓ ચાંદીનો મોટો સ્ટોક જમા કરી રહી છે, વૈશ્વિક પુરવઠામાં ઘટાડાને કારણે કિંમતો વધી છે.

ઉત્પાદકોની સ્પર્ધા- ઉત્પાદન અટકી જવાની ભીતિથી બધા અગાઉથી ખરીદી રહ્યા છે, આ જ કારણ છે કે આવનારા મહિનાઓમાં પણ તેજી જળવાઈ રહેશે.

આવનારા દિવસોમાં ભાવ વધુ વધી શકે છે

કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે ચાંદીની માગમાં હાલ તેજી છે, જે આગળ પણ જળવાઈ રહેવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં ચાંદી આગામી 1 વર્ષમાં 2.75 લાખ સુધી પહોંચી શકે છે. સોનાની વાત કરીએ તો એની માગમાં પણ તેજી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આવતા વર્ષ સુધીમાં એ 10 ગ્રામદીઠ 1.50 લાખ રૂપિયાને પાર કરી શકે છે.

સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો

1. સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો: હંમેશાં બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)નો હોલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.

2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે એની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે અલગ-અલગ હોય છે.