Google Maps માત્ર રસ્તો જ નહીં, પણ તમારો સ્માર્ટ ટ્રાવેલ પાર્ટનર

Last Updated: January 10, 2026By

ગૂગલ મેપ્સ દ્વારા તમે માત્ર રસ્તાને જ નેવિગેટ નથી કરી શકતા. ગૂગલ મેપ્સમાં તમે આ સિવાય અનેક ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ પણ કરી શકો છો. ગૂગલ મેપ્સમાં તમને નેવિગેશન સિવાય તેના રૂટમાં આવતી નાની મોટી જાણકારીઓ પણ મળી શકે છે.

ગૂગલ મેપ્સ આજે દુનિયાભરમાં 200 કરોડથી વધુ લોકોની જરૂરિયાત બની ગયું છે. મોટાભાગના લોકો તેનો ઉપયોગ માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનો રસ્તો શોધવા માટે કરે છે, પરંતુ શું તમે જાણો છો કે આ એપ તેનાથી પણ ઘણું વધારે કામ કરી શકે છે? ગૂગલ મેપ્સમાં એવા અનેક ‘હિડન ફીચર્સ’ છે જે તમારી મુસાફરીને વધુ સરળ અને સ્માર્ટ બનાવે છે.

1. ફ્યુઅલ અને ચાર્જિંગની ચિંતામાંથી મુક્તિ:

મુસાફરી દરમિયાન જો ગાડીમાં ઇંધણ ઓછું હોય, તો ગૂગલ મેપ્સ તમને રસ્તામાં આવતા ફ્યુઅલ સ્ટેશનો વિશે જણાવે છે. એટલું જ નહીં, હવે તે ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે ચાર્જિંગ પોઈન્ટ્સની માહિતી પણ લાઈવ આપે છે.

2. સ્ટોરની પ્રોડક્ટ્સ અને બિઝનેસ ડિટેલ્સ:

તમે કોઈપણ દુકાન કે સ્ટોરની અંદર ગયા વગર જાણી શકો છો કે ત્યાં કઈ વસ્તુઓ મળે છે. મેપ પર સ્ટોરના લોકેશન પર ઝૂમ કરીને તમે પ્રોડક્ટ લિસ્ટ જોઈ શકો છો. આ સિવાય, ‘બ્લૂ બ્રીફકેસ’ આઇકન દ્વારા બિઝનેસની હેલ્થ સેફ્ટી, પેમેન્ટ પદ્ધતિ અને કસ્ટમર સપોર્ટ જેવી વિગતો પણ જાણી શકાય છે.

3.એરિયા મેઝરમેન્ટ અને એક્સેસિબિલિટી:

જો તમારે કોઈ જમીન કે વિસ્તારનું માપ લેવું હોય, તો મેપ્સમાં રાઈટ ક્લિક કરીને બે પોઈન્ટ વચ્ચેનું અંતર કે એરિયા માપી શકાય છે. સાથે જ, દિવ્યાંગો માટે ‘એક્સેસિબલ પ્લેસ’ ફીચર દ્વારા વ્હીલચેર ફ્રેન્ડલી એન્ટ્રી અને સુવિધાઓ વિશે પણ જાણી શકાય છે.

4. રિયલ-ટાઇમ અપડેટ્સ અને AI નો જાદુ:

ટ્રાફિકની લાઈવ સ્થિતિ જાણવા ઉપરાંત, હવે ગૂગલ મેપ્સ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થી સજ્જ છે. તે તમને વાતાવરણ મુજબ સૂચનો આપે છે. જેમ કે, જો રસ્તામાં વરસાદ હોય, તો AI તમને વરસાદમાં કરી શકાય તેવી ઇન્ડોર એક્ટિવિટીઝ કે સુરક્ષિત રૂટની સલાહ આપશે. ટૂંકમાં, ગૂગલ મેપ્સ હવે માત્ર નકશો નથી, પણ એક એવી સુવિધા છે જે તમારી આસપાસની દુનિયાને તમારી આંગળીના ટેરવે લાવી દે છે.

આ પણ વાંચોઃ Roti Pizza Recipe : વધેલી રોટલીમાંથી બનાવો ટેસ્ટી પિઝ્ઝા, બાળકો વારંવાર માંગશે