Google Search માંથી ગાયબ થઈ જશે તમારો પર્સનલ ડેટા, આધાર, PAN અને ખાનગી ફોટા હટાવવા માટે અનુસરો આ સ્ટેપ્સ

Last Updated: February 11, 2026By

આજના ડિજિટલ યુગમાં ડેટા લીક થવો એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણીવાર સર્ચ એન્જિન પર આપણું નામ સર્ચ કરતા આપણું સરનામું, ફોન નંબર કે આધાર-PAN કાર્ડ જેવી સંવેદનશીલ વિગતો દેખાવા લાગે છે. આ માહિતી હેકર્સ અને સ્કેમર્સ માટે સોનાની ખાણ સમાન છે. યુઝર્સની આ ચિંતાને ધ્યાનમાં રાખીને ગૂગલે એક ક્રાંતિકારી સુવિધા રજૂ કરી છે, જેની મદદથી તમે તમારી અંગત માહિતી ગૂગલ સર્ચના પરિણામોમાંથી દૂર કરી શકો છો.

શું છે ‘Results About You’ ટૂલ?

ગૂગલનું આ નવું સાધન વપરાશકર્તાઓને તેમની ગોપનીયતા પર વધુ નિયંત્રણ આપે છે. આ ટૂલ દ્વારા તમે ગૂગલને એવી વિનંતી કરી શકો છો કે જે લિંક્સમાં તમારો ફોન નંબર, ઘરનું સરનામું, ઈમેલ આઈડી અથવા સરકારી દસ્તાવેજો (આધાર, પાન કાર્ડ, પાસપોર્ટ) દેખાતા હોય તેને સર્ચ રિઝલ્ટમાંથી હટાવી દેવામાં આવે. આ ઉપરાંત, જો કોઈ વાંધાજનક કે અશ્લીલ ફોટા તમારી મંજૂરી વિના ઓનલાઇન ઉપલબ્ધ હોય, તો તેને પણ આ સુવિધા દ્વારા દૂર કરી શકાય છે.

તમારી માહિતી કેવી રીતે દૂર કરવી? (સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ)

તમારી સંવેદનશીલ માહિતી મોનિટર કરવા અને દૂર કરવા માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.

Google એપ ખોલો: તમારા સ્માર્ટફોન પર ગૂગલની સત્તાવાર એપ ઓપન કરો.

પ્રોફાઇલ પર ક્લિક કરો: ઉપરના જમણા ખૂણે દેખાતા તમારા પ્રોફાઇલ ફોટો અથવા આઇકોન પર ટેપ કરો.

વિકલ્પ પસંદ કરો: મેનૂમાંથી ‘Results About You’ વિકલ્પ પર ક્લિક કરો.

માહિતી સેટ કરો: અહીં તમે જે માહિતી મોનિટર કરવા માંગો છો (જેમ કે તમારું નામ, સરનામું કે આઈડી નંબર) તે ઉમેરો.

સ્કેનિંગ અને નોટિફિકેશન: ગૂગલ ઇન્ટરનેટ પર તમારી વિગતો સ્કેન કરશે. જો તમારી કોઈ પણ વ્યક્તિગત માહિતી સર્ચ રિઝલ્ટમાં મળશે, તો ગૂગલ તમને તરત જ સૂચિત કરશે.

રિમૂવલ રિક્વેસ્ટ: તમે માત્ર એક ટેપથી તે માહિતી દૂર કરવાની વિનંતી ગૂગલને મોકલી શકો છો.

ધ્યાનમાં રાખવા જેવી બાબત

ગૂગલે આ સુવિધા હાલમાં પસંદગીના દેશોમાં શરૂ કરી છે અને ટૂંક સમયમાં તે ભારતના તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, ગૂગલ આ માહિતી તેના સર્ચ રિઝલ્ટમાંથી હટાવશે, જેનો અર્થ છે કે તે માહિતી ઇન્ટરનેટ પરથી સંપૂર્ણપણે નાબૂદ નહીં થાય (તે મૂળ વેબસાઇટ પર હોઈ શકે છે), પરંતુ સામાન્ય લોકો તેને ગૂગલ સર્ચ દ્વારા શોધી શકશે નહીં, જે સુરક્ષાની દૃષ્ટિએ ઘણું મોટું પગલું છે.

આ પણ વાંચોઃ આધ્યાત્મિકતા અને શાંતિના પંથે બૌદ્ધ સાધુઓની 2,300 માઇલની યાત્રા