Gujarat Titans IPL 2026 Qualifier 2 Win
ન્યૂ ચંદીગઢ2 કલાક પેહલા
- કૉપી લિંક
ગુજરાત ટાઇટન્સે IPL 2026ની ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું. રાજસ્થાન ફાઇનલની રેસમાંથી બહાર થયા બાદ વૈભવ સૂર્યવંશી રડી પડ્યા. તેમણે આ મેચમાં સૌથી ઓછી બોલમાં હજાર રન પૂરા કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. જ્યારે ગુજરાત ટાઇટન્સે IPLમાં પોતાનો સૌથી મોટો રનચેઝ કરતા IPL 2026ની ફાઇનલમાં જગ્યા પાક્કી કરી.
ગુજરાત અને રાજસ્થાન મેચના ટોપ મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
1. બે વાર ટૉસ ઉછાળવામાં આવ્યો
ક્વોલિફાયર-2ની મેચમાં એક વાર નહીં, પરંતુ બે વાર ટૉસ ઉછાળવામાં આવ્યો. હકીકતમાં જ્યારે પહેલીવાર ગુજરાતના કેપ્ટન ગિલે સિક્કો ઉછાળ્યો, ત્યારે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ‘હેડ્સ’ કૉલ કર્યો હતો. સિક્કો ‘ટેલ્સ’ પડ્યો, પરંતુ ત્યારે જ મેચ રેફરીએ કહ્યું કે તેઓ પરાગનો કૉલ સાંભળી શક્યા નહીં. આ પછી ગિલે ફરીથી સિક્કો ઉછાળ્યો, પરાગે ફરી હેડ કહ્યું. આ વખતે સિક્કો હેડ આવ્યો અને રાજસ્થાન ટૉસ જીતી ગયું.

ગિલે બે વાર સિક્કો ઉછાળ્યો.
2. જાડેજા ઈજા બાદ રિટાયર્ડ હર્ટ
પ્રથમ ઇનિંગ્સમાં 9મી ઓવરની શરૂઆત પહેલાં રવીન્દ્ર જાડેજા રિટાયર્ડ હર્ટ થયા. હકીકતમાં 8મી ઓવરમાં જેસન હોલ્ડરનો બીજો બોલ રમ્યા બાદ જાડેજાને હાથમાં થોડી તકલીફ અનુભવાઈ. આ પછી ફિઝિયો મેદાન પર આવ્યા. જાડેજાએ રમવાનું ચાલુ રાખ્યું, પરંતુ ઓવર પછી તેઓ રિટાયર્ડ હર્ટ થઈને ડગઆઉટ તરફ ચાલ્યા ગયા. તેમની જગ્યાએ રિયાન પરાગ બેટિંગ કરવા ઉતર્યા.

જાડેજાના હાથમાં થોડી તકલીફ થઈ, પછી તે મેદાનની બહાર ચાલ્યા ગયા.
3. સૂર્યવંશીનો 46 રન પર કેચ છૂટ્યો
11મી ઓવરના બીજા બોલ પર સૂર્યવંશીને જીવનદાન મળ્યું. પ્રસિદ્ધ કૃષ્ણાના શોર્ટ બોલ પર સૂર્યવંશી પુલ શોટ રમવા ગયા, પરંતુ બોલ બેટના ટોપ-એજ પર લાગ્યો. ડીપ સ્ક્વેર લેગથી દોડતા સાઈ સુદર્શન બોલ સુધી પહોંચ્યા, પરંતુ છલાંગ લગાવતી વખતે બોલ તેમના હાથમાંથી છટકી ગયો. આ સમયે સૂર્યવંશી 46 રન બનાવીને રમી રહ્યા હતા.

છલાંગ લગાવતી વખતે સુદર્શનના હાથમાંથી બોલ છટકી ગયો.
4. સૂર્યવંશીના હેલ્મેટ પર બોલ વાગ્યો
પ્રથમ ઇનિંગ્સની 14મી ઓવરમાં કાગિસો રબાડાનો બોલ સૂર્યવંશીના હેલ્મેટ પર વાગ્યો. ઓવરના બીજા બોલે રબાડાએ ઝડપી બાઉન્સર ફેંક્યો. સૂર્યવંશીએ પુલ શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને સીધો હેલ્મેટ પર વાગ્યો. આના તરત જ પછી ફિઝિયો મેદાન પર આવીને કંકશન ટેસ્ટ કર્યો. જોકે સૂર્યવંશીએ રમવાનું ચાલુ રાખ્યું.

રબાડાની બાઉન્સર બેટ સાથે અથડાયા પછી હેલ્મેટ પર વાગી.
5. સૂર્યવંશીએ ટેનિસ શોટ રમીને સિક્સર ફટકારી
ઇનિંગ્સની 16મી ઓવરમાં સૂર્યવંશીએ જબરદસ્ત શોટ રમ્યો. જેસન હોલ્ડરે ઓવરનો ત્રીજો બોલ સ્ટમ્પ પર શોર્ટ ફેંક્યો. વૈભવે પોતાની જગ્યાએ ઊભા રહીને ટેનિસની જેમ સ્લેપ શોટ માર્યો. બોલ લોંગ-ઓફ ઉપરથી સીધો બાઉન્ડ્રી લાઇન બહાર છ રન માટે ગયો.

વૈભવે ટેનિસ શોટની જેમ સામે છગ્ગો ફટકાર્યો.
6. રાશિદની ઓવરમાં હેટ્રિક સિક્સ લાગી
રાજસ્થાનની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં ડોનોવન ફરેરાએ સતત 3 છગ્ગા ફટકાર્યા. ગુજરાતના સ્પિનર રાશિદ ખાને ઓવરનો બીજો બોલ શોર્ટ પિચ નાખ્યો, જેને ફરેરાએ લોંગ-ઓન પાર મોકલ્યો. આ પછી ફરેરાએ ત્રીજા બોલ પર ડીપ મિડ-વિકેટ અને ચોથા બોલને લોંગ-ઓફ ઉપરથી સિક્સ ફટકારી.

રાશિદની આ ઓવરમાં 4 છગ્ગા લાગ્યા અને 27 રન બન્યા.
7. સતત બીજી મેચમાં હિટ વિકેટ આઉટ થયા સુદર્શન
સુદર્શન સતત બીજી મેચમાં શુક્રવારે હિટ વિકેટ આઉટ થયા. તેમણે રનચેઝની 13મી ઓવરમાં બ્રિજેશ શર્માની બોલ પર શોટ રમ્યો, પરંતુ શોટ પૂરો કરતી વખતે બેટ તેમના હાથમાંથી છૂટી ગયું અને બેટ સીધું સ્ટમ્પ પર પડ્યું. આ પહેલા ક્વોલિફાયર-1માં પણ તેઓ હિટ-વિકેટ આઉટ થયા હતા.

સુદર્શન 58 રન પર હિટ-વિકેટ આઉટ થયા.
8. હાર બાદ સૂર્યવંશી રડ્યા
ગુજરાત સામે 7 વિકેટની હાર સાથે રાજસ્થાન IPL 2026ની ફાઇનલમાંથી બહાર થઈ ગયું. હાર બાદ વૈભવ ડગઆઉટમાં રડતા જોવા મળ્યા. તેમણે ઓરેન્જ કેપથી પોતાનો ચહેરો ઢાંકી દીધો. સાથી ખેલાડીઓ તેમનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા. જ્યારે રિયાન પગારે તેમને સંભાળ્યા હતા.

ઓરેન્જ કેપ પહેરેલા સૂર્યવંશી હાર બાદ રડી પડ્યા. તેઓ ડગઆઉટમાં પણ ખૂબ નિરાશ દેખાયા.
અહીંથી વાંચો ટોપ-15 રેકોર્ડ્સ…
1. વૈભવ IPLમાં સૌથી ઓછા બોલમાં હજાર રન બનાવનાર ખેલાડી બન્યા
સૂર્યવંશીએ શુક્રવારે 440 બોલમાં પોતાના 1000 IPL રન પૂરા કર્યા. તેઓ IPLમાં સૌથી ઓછી બોલમાં હજાર રન બનાવનાર ખેલાડી બની ગયા છે. તેમણે આન્દ્રે રસેલનો રેકોર્ડ તોડ્યો, જેમણે 545 બોલમાં હજાર રન પૂરા કર્યા હતા.

2. IPLમાં ગુજરાતે પોતાનો સૌથી મોટો સફળ રન ચેઝ કર્યો
ગુજરાતે રાજસ્થાન રોયલ્સ સામે ક્વોલિફાયર-2માં 215 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. આ IPLમાં ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોટો સફળ રન ચેઝ છે. આ પહેલા તેમને સૌથી મોટી જીત 2025માં દિલ્હી કેપિટલ્સ સામે મળી હતી. ત્યારે ટીમે અમદાવાદમાં 204 રન ચેઝ કર્યા હતા.

3. IPL પ્લેઓફમાં સૌથી મોટો ટાર્ગેટ ચેઝ થયો
ગુજરાતે રાજસ્થાન સામે ક્વોલિફાયર-2માં 215 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો. આ IPL પ્લેઓફના ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ છે. તેમણે ગુજરાતનો રેકોર્ડ તોડ્યો, જેમણે 2025ના ક્વોલિફાયર-2માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 204 રન ચેઝ કર્યા હતા.

4. સૂર્યવંશી એક સિઝનમાં પાવરપ્લેમાં 500+ રન બનાવનાર પ્રથમ ખેલાડી
સૂર્યવંશીએ ગુજરાત સામે પાવરપ્લેમાં 31 રન બનાવ્યા. આ સાથે જ તે એક IPL સિઝનના પાવરપ્લેમાં 500 રન પૂરા કરનાર પ્રથમ બેટર બની ગયા છે. તેમણે આ સિઝનમાં પાવરપ્લેમાં 233.63ના સ્ટ્રાઈક રેટથી 521 રન બનાવ્યા છે. આ પહેલા આ રેકોર્ડ સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વોર્નરના નામે હતો, જેમણે 2016માં પાવરપ્લેમાં 467 રન બનાવ્યા હતા.

5. સૂર્યવંશી IPLમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 1000 રન બનાવનાર ભારતીય બન્યા
સૂર્યવંશીએ ન્યૂ ચંદીગઢમાં IPLમાં પોતાના 1000 રન પણ પૂરા કર્યા. તેઓ પોતાની 23મી ઇનિંગ્સમાં આ આંકડા સુધી પહોંચ્યા. તેઓ IPLમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર ભારતીય બન્યા. તેમણે સાઈ સુદર્શનને પાછળ છોડ્યા, જેમણે આ માટે 25 ઇનિંગ્સ રમી હતી. ઓવરઓલ IPLમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં હજાર રન બનાવનાર ખેલાડીઓમાં તેઓ શોન માર્શ (21 ઇનિંગ્સ) અને લેન્ડલ સિમન્સ (23 ઇનિંગ્સ) પછી ત્રીજા નંબર પર છે.

6. સૂર્યવંશીએ IPLમાં સૌથી વધુ વખત 90ના દાયકામાં આઉટ થવાની બરાબરી કરી
સૂર્યવંશી ગુજરાત સામે ક્વોલિફાયર-2માં 96 રન બનાવીને આઉટ થયા. તેઓ IPLમાં સૌથી વધુ વખત ‘નર્વસ નાઈન્ટીઝ’ (90-99 રન)નો શિકાર બનનારા ખેલાડીઓમાં સામેલ થઈ ગયા છે. તેઓ આ જ સિઝનમાં છેલ્લી ચાર ઇનિંગ્સમાં ત્રીજી વખત 90 થી 99 રન વચ્ચે આઉટ થયા. આ પહેલા ડેવિડ વોર્નર, કેએલ રાહુલ, ગ્લેન મેક્સવેલ અને ઋતુરાજ ગાયકવાડ IPLમાં 3-3 વખત 90ના દાયકામાં આઉટ થઈ ચૂક્યા છે.

7. સૂર્યવંશી IPLની એક સિઝનના પ્લેઓફમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટર
સૂર્યવંશીએ ક્વોલિફાયર-2ની મેચમાં 7 છગ્ગા ફટકાર્યા. આ સાથે જ તે IPLની એક સિઝનમાં પ્લેઓફમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી બની ગયો. તેણે એલિમિનેટરમાં હૈદરાબાદ સામે 12 છગ્ગા ફટકાર્યા હતા. તેના પ્લેઓફમાં 19 છગ્ગા થઈ ગયા છે. આ મામલે તેણે રિદ્ધિમાન સાહા (2014) અને શુભમન ગિલ (2023)નો 11-11 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો.

8. સૂર્યવંશી IPL પ્લેઓફમાં બે 50+ સ્કોર બનાવનાર રાજસ્થાનના ત્રીજા બેટર
વૈભવે ગુજરાત સામે ફિફ્ટી ફટકારી. આ સાથે તે IPL પ્લેઓફમાં બે 50+ સ્કોર કરનાર રાજસ્થાનનો ત્રીજો ખેલાડી બની ગયો છે. આ પહેલા સૂર્યવંશીએ એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 97 રન બનાવ્યા હતા. તે પહેલા ધ્રુવ જુરેલ (2024, 2026) અને જોસ બટલર (2022) એ પ્લેઓફમાં રાજસ્થાન માટે બે ફિફ્ટી કે તેથી વધુનો સ્કોર બનાવ્યો હતો.

9. T-20માં સૌથી વધુ વખત સદીની ભાગીદારી કરનાર જોડી બની
ગિલ અને સુદર્શને રાજસ્થાન સામે 167 રનની ભાગીદારી કરી. બંનેએ IPL માં 11મી વખત સદીની ભાગીદારી કરી છે. આ સાથે જ તેઓ મેન્સ T-20 માં કોઈપણ વિકેટ માટે સૌથી વધુ વખત સદીની ભાગીદારી કરનાર જોડી બની ગયા છે. આ માટે તેમણે માત્ર 48 ઇનિંગ્સ લીધી. તેમણે ક્રિસ ગેલ અને વિરાટ કોહલીના 10 સદીની ભાગીદારીના રેકોર્ડને પાછળ છોડ્યો.

10. ગિલ અને સુદર્શન બે સિઝનમાં 700+ રન બનાવનારા બેટર બન્યા
ગિલ અને સુદર્શને ક્વોલિફાયર-2માં આ સિઝનમાં પોતપોતાના 700 રન પૂરા કર્યા છે. આ સાથે તેઓ બે અલગ-અલગ સિઝનમાં 700 રન પૂરા કરનારા ત્રીજા અને ચોથા ખેલાડી બન્યા છે. બંને પહેલા ક્રિસ ગેલ અને વિરાટ કોહલી આ કારનામું હાંસલ કરી ચૂક્યા છે.

11. IPL પ્લેઓફના ઇતિહાસની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બન્યો
ગિલ અને સુદર્શનએ ક્વોલિફાયર-2માં 167 રનની રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ કરી. આ IPL પ્લેઓફના ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી છે. તેમણે ચેન્નઈના માઈક હસી અને મુરલી વિજયનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જેમણે 2011ની ફાઇનલમાં બેંગલુરુ સામે 159 રન બનાવ્યા હતા.

12. સુદર્શન મેન્સ ટી-20માં સૌથી વધુ વખત હિટ-વિકેટ આઉટ થયા
સુદર્શન રાજસ્થાન સામે સતત બીજી વખત હિટ-વિકેટ આઉટ થયા. તેઓ ત્રીજી વખત IPLમાં હિટ-વિકેટ આઉટ થયા. તેઓ મેન્સ ટી-20માં સૌથી વધુ વખત હિટ-વિકેટ આઉટ થનારા ત્રીજા ખેલાડી બન્યા. તેમણે આન્દ્રે રસેલ (3 વખત) અને પાકિસ્તાનના શોએબ મલિક (3)ની બરાબરી કરી.

13. ગિલે IPLમાં પાંચમી સદી ફટકારી
ગિલે ક્વોલિફાયર-2માં 104 રન બનાવ્યા. તેણે IPLમાં પોતાની 5મી સદી ફટકારી. આ સાથે જ ગિલ IPLમાં સૌથી વધુ સદી ફટકારનાર પાંચમો બેટર બની ગયો છે. તેણે સંજુ સેમસનની બરાબરી કરી. સૌથી વધુ 9 સદી વિરાટ કોહલીના નામે છે.

14. ગિલ IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારનાર ત્રીજો બેટર બન્યો
આ સદી સાથે જ ગિલે કેપ્ટન તરીકે IPLમાં બીજી સદી ફટકારી. તેઓ IPLમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સદી ફટકારવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયા છે. કેપ્ટન તરીકે સૌથી વધુ 5 સદી વિરાટ કોહલીએ ફટકારી છે.

15. સુદર્શને આ સિઝનમાં નવમી વખત 50+ સ્કોર બનાવ્યો
સુદર્શને રાજસ્થાન સામે 58 રનની ઇનિંગ રમી. તેણે આ IPLમાં નવમી વખત 50+નો સ્કોર કર્યો. તેઓ IPLની એક સિઝનમાં સૌથી વધુ વખત પચાસ કે તેથી વધુ રન બનાવનાર ત્રીજા બેટર બની ગયા છે. પ્રથમ સ્થાને વિરાટ કોહલી છે, જેમણે 2018માં 11 વખત 50+નો સ્કોર કર્યો હતો. જ્યારે ડેવિડ વોર્નરે (2016, 2019)માં 9 વખત 50+નો સ્કોર બનાવ્યો હતો.

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


